Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“આકાશવાણી….!”
શ્રાવણ માસનું સરવડિયું વરસી રહ્યું હતું. ‘કૃષ્ણ-નિવાસ’ બંગલાના ભોંયતળિયાના આગલા ઓરડામાં દેવકી, શિવમહિમ્ન સ્તોત્ર એકચિત્તે સાંભળી રહી હતી. અચાનક ગેઇટ પરથી ‘મમ્મા’ એવો સાદ સાંભળી એના કાન ચમક્યા.
બહાર જોયું તો એક પચ્ચીસેક વર્ષનો, પરાણે ગમી જાય એવો નવયુવાન, પીઠ પર બૅગ સાથે ઊભેલો જણાયો. દેવકીએ ગેઇટ પર આવી કહ્યું, ‘બોલો!’ યુવાને કહ્યું, ‘તમારે રૂમ ભાડે આપવાનો છે?’ મારે એક વર્ષ રહેવું છે.’ દેવકીએ પૂછ્યું, ‘તારું શું નામ ને કામ?’ યુવાને પોતાનું નામ ‘વાસુદેવ’ એમ જણાવી, પોતે થોડા સમયથી બેંકમાં કારકુન તરીકે નોકરી કરી રહ્યો હતો એમ જણાવ્યું.
દેવકી માટે ‘વાસુદેવ’ શબ્દ મુખ્ય ને બાકીના શબ્દો ગૌણ બની ગયા. એને કહ્યું ‘અંદર આવ!’ એને આગલા રૂમમાં બેસાડીને કહ્યું, ‘માળ ઉપર એક રૂમ છે. એ મળી જશે પણ દર મહિનાની પહેલી તારીખે રોકડા ત્રણ હજાર મારા હાથમાં જોઈએ.’
વાસુદેવ કબૂલ થયો એટલે દેવકીએ બારેમાસ રાખેલી કામવાળી સુમનને ઉપરનો રૂમ બતાવવાનું કહ્યું. વાસુદેવને રૂમ ગમી ગયો. નીચે આવ્યો એટલે દેવકીએ કડક અવાજે કહ્યું, ‘રાત્રે દસ પહેલા તારે આવી જવાનું ને અહીં કોઈ પ્રકારનું વ્યસન કરવું નહીં! કોઈ છોકરીબોકરી પણ અહીં તને મળવા ન આવવી જોઈએ! સામેનો રૂમ, અમસ્તો આગળો વાસીને રાખ્યો છે. એ તારે કદી ખોલવાનો નથી!’
વાસુદેવને આ, કડક પણ માયાળુ ડોશીમા ગમી ગયા. રોજ સવારે નાસ્તાના ટેબલ પર એ બ્રેડ-બટર લઈ આવતો. દેવકી કૉફી બનાવતી. એને સરખો ન્યાય આપવાનો એમનો નિત્ય ક્રમ બની ગયેલો. દેવકીને તો, વાસુદેવના રૂપમાં જાણે દિકરો મળી ગયો!
થોડાક દિવસમાં જ વાસુદેવે એક વાત નોંધી કે ડોશીમા કદી દાદર ચઢી ઉપર નહોતા આવતા. એક વર્ષ આમ જ નીકળી ગયું. ફરી શ્રાવણ મહિનો આવ્યો. જન્માષ્ટમીનો દિવસ હતો. ડોશીમા શણગાર માટે આસોપાલવ લેવા ગયેલા. સામેનો ઓરડો બંધ કેમ રહેતો હશે એવું કુતૂહલ, વાસુદેવને આવ્યો ત્યારથી જ જન્મેલું. આજે રજાનો દિવસ હતો ને ડોશીમા બહાર ગયેલા. આ સારો મોકો હતો, પેલો સામેનો ઓરડો ઉઘાડી અંદર જોવાનો!
બારણું ખોલી સામેના રૂમમાં ગયો ને એ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આ તે સીધોસાદો રૂમ હતો કે રમકડાંની દુકાન! સંખ્યાબંધ જૂના ટેડીબેર, આખી-તૂટેલી રમકડાંની ગાડીઓ, ઘૂઘરા, નગારું, વાંસળી… કેટલું બધું એક જ ઓરડામાં! દીવાલ પર ચાર વર્ષના હસતા બાળકની તસ્વીર હતી.
એટલામાં ડોશીમા ઘરમાં આવ્યા. ઉપર નજર કરી ને પેલો, સામેનો ઓરડો ખૂલ્લો જણાયો. આંખો સમક્ષ આખું દ્રશ્ય ખડું થઈ ગયું, ‘શ્રાવણ મહિનો, ભીની અગાસી, ચીકણો દાદર, ચાર વર્ષના દિકરા વાસુદેવનું ગબડવું, એની કારમી ચીસ, એનું લોહીલુહાણ, અચેતન શરીર!’
ડોશીમાએ નીચેથી જ કરડાકીભર્યો ઘાંટો પાડ્યો, ‘તારી હિંમત જ કેવીરીતે થઈ આ રૂમ ખોલવાની! આ કાળમુખો દાદર હું કેટલા વર્ષોથી ચઢતી નથી પણ તું એ સાચવીને ઉતર! અત્યારે ને અબઘડી મારા ઘરમાંથી ચાલતી પકડ!’
રાત્રે કૃષ્ણજન્મ થયો ને ડોશીમા કાનુડાને હીંચકો નાંખી રહ્યા હતા. એમને લાગ્યું કે આકાશવાણી થઈ, ‘દેવકીમા, હું તારે ત્યાં એક વર્ષ પહેલા આવેલો ને તેં મને આજે જ કાઢી મુક્યો?’
ડોશીમા, ‘વાસુદેવ!…વાસુદેવ!’ બોલતા દરવાજે આવ્યા ને બહાર ઊભેલ વાસુદેવને બથમાં લઈ, ઘરમાં પાછો લઈ આવ્યા.
– વિજેશ શુક્લ

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s