Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દર્દ

સવારના સમયે મનહરભાઈ જાહેર ઉદ્યાનમાં એક ઝાડ નીચે ગોઠવેલ બાંકડા પર એમની ડાયરીમાં કંઈક લખી રહ્યા હતા.ખાસ્સા સમયની મહેનત પછી લખેલું એ પાનું એમણે ફાડીને ડૂચો વાળીને ફેંકી દીધું અને ત્યાંથી ધીમે ધીમે ચાલતા થયા.બાગના દરવાજે પહોંચીને વળી પાછા વળ્યા.જે બાંકડે બેઠા હતા ત્યાં આવીને જોયું તો ડૂચો દેખાયો નહીં. વળી એમણે વિચાર્યું, જરૂર કોઈ સારા માણસે કાગળનો ડૂચો કચરાપેટીમાં નાખી દીધો હશે.જાહેરમાં ડૂચો ફેંકવા પર મનહરભાઈને આફસોસ થયો….મનહરભાઈ ચાલતા થયા.
એ કાગળનો ડૂચો કોઈએ કચરાપેટીમાં તો નહોતો નાખ્યો પરંતુ મનહરભાઈની સોસાયટીમાં જ રહેતા અને એમના મકાનથી ચાર મકાન દૂર રહેતા એમના પાડોશી સંજયે ઉપાડી લીધો હતો.
ડુચો ખોલીને સંજય એમાં લખેલ લખાણને વાંચવા લાગ્યો.જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ એની આંખો ભીની થતી ગઈ.શું હતું એવું લખાણ એમાં? બાધા પૂજાઓ બહું કરી: આખર રીઝ્યા કિરતાર, આશા પુરી કરી વ્હાલે: દીધો ખોળાનો ખુંદનાર. લડાવી લાડ કર્યો મોટો: સિંચ્યાં શિક્ષણ સંસ્કાર, ઈચ્છા એક જ હતી હૈયે: થશે ઘડપણનો આધાર. ઉજાળશે નામ અમ તણાં: કરીને પરમારથ કાજ,

સેવ્યા હતા ઉંચા મનોરથ:
સમાજે થશે સરતાજ.
ના થયું કંઈ ધારેલું ઉરે:
કાં કપાતર પાક્યો તું તન?
છતા ધન દોલતે આજે:
વેરાન લાગે છે જીવન.
માત જીવે મુરઝાઈને તારી:
બાપને વેદના ના જીરવાય,
પેટને જણ્યેય વાંઝીયા જેવાં:
ના કહેવાય કે સહેવાય. મનહરભાઈ અને દમયંતીબેનનો સુખી સંપન્ન પરિવાર.મનહરભાઈ ઉંચા હોદ્દાના સરકારી નોકરીયાત.દમયંતીબેન પણ સરકારી નોકરીયાત.ગામડે પોતાના ભાગની પચાસ વિઘા જમીનેય ખરી.નોકરીને કારણે શરૂઆતથી જ શહેરમાં રહેવાનું થયું.લગ્નના સાત વરસ પછી દિકરાનો જન્મ થયો.આખા પરિવારમાં આનંદ આનંદ થઈ ગયો. મનહરભાઈ અને દમયંતીબેન-બન્ને વિશાળ હ્રદયનાં માનવી.સેવાધર્મને પાળનાર દંપતિ સેવાકાર્યોમાં કાયમ મોખરે.ગામડાની જમીનની ઉપજ તો કાયમ ભાઈઓને જ હવાલે. બાળપણથી જ પુત્ર મનોરથને લાડકોડની સાથે ઉતમ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી.ઈંગ્લીશ મીડીયમમાં ઉંચા ટકે ગ્રેજ્યુએટ થઈને ઉંચી પદવી માટે મનોરથ અમેરિકા ગયો.બસ,વિદેશની માયા લાગી ગઈ.લગ્ન પણ ગુજરાતી છોકરી સાથે ત્યાં જ કરી ને અમેરિકા જ સ્થાયી થઈ ગયો. લગ્ન કરીને તરત જ માતાપિતાને મળવા એકલો વતનમાં જરૂર આવ્યો પરંતુ મનહરભાઈ અને દમયંતીબેનને આવીને કહ્યું, 'ડેડી!મમ્મી! સોરી.... લગ્નના ખોટા ખર્ચામાંથી બચી જવાય એટલે મેં એકલે એકલે લગ્ન કરી લીધાં.મારી વાઈફને લઈને એકવાર જરૂર આવીશ. અત્યારે તો મારે મકાન માટે રૂપિયા જોઈએ છે,એટલે ઈન્ડિયા આવ્યો છું. દમયંતીબેન બોલ્યાં,'રૂપિયા તો તને આપીશું જ બેટા! પરંતુ વહુને એકવાર કુળદેવીનાં દર્શન કરાવવા ગામડે લઈ જવી પડે એ નિયમ આપણાથી ના ભુલાય બેટા.' 'સોરી મોમ! પરંતુ મારી વાઈફ એ ગામડાનાં આંટી અંકલનાં ફેમીલી જુએ તો એને બધાં પુઅર લાગે.એનો જન્મ જ અમેરિકામાં થયો છે.જો આ એનો ફોટો.કેટલી લેટેસ્ટ છે માય વાઈફ! (મોબાઈલમાં ફોટો બતાવે છે).હાં મોમ! તારી ઈચ્છા જ છે તો હું અમેરિકા જઈને વીડીયો કોલ કરીશ.તું ગામડે જજે.વીડીયો કોલથી માય વાઈફને માતાજીનાં દર્શન કરાવી દઈશ બસ!' આ બધું સાંભળીને મનહરભાઈના પગ નીચેથી જમીન સરકી રહી હતી.શરીરે પરસેવો વળી રહ્યો હતો.એક મોટા અધિકારી એવા બાપને દિકરાની ચર્ચા સાંભળીને જમીન આસમાન એક થઈ રહ્યાં હતાં.અમેરિકામાંય ગીતા, રામાયણના પાઠ થાય છે.ભારતની સંસ્કૃતિને ત્યાં રહેતો આપણો સમાજ હજી ભુલ્યો નથી અને આ દિકરો શું બકે છે?આ બધું ક્યાંથી શીખ્યો આ કૂળદીપક? મગજની કમાન છટકે એ પહેલાં મનહરભાઈ વચ્ચે બોલી ઉઠ્યા, 'કેટલા રૂપિયા જોઈએ છે મનોરથ?' 'જુઓને ડેડી !આમ તો તમે બન્ને જણ નોકરીયાત છો એટલે જે કંઈ બચત છે એ આપી દો.પગાર તો મન્થલી આવવાનો જ છે ને! અને હા! જો મેડીક્લેમ ના હોય તો જરૂર લઈ લેજો.આજની ફાસ્ટ લાઇફમાં ક્યારે શું થાય એ કહેવાય નહી એટલે આકસ્મિક ખર્ચ માટે એ જરૂરી છે.,' મનહરભાઈની આંખો લાલાશ પકડી રહી હતી એ દમયંતીબેનને ધ્યાને આવતાં જ એમના બે હાથ જોડાઈ ગયા.મનહરભાઈ સમસમીને બેસી રહ્યા. પચાસેક લાખની બચત અમેરિકન કરન્સીમાં ટ્રાન્સફર કરીને મનહરભાઈ અને દમયંતીબેનને "બાય"કહીને ઉપડી ગયો મનોરથ અમેરિકા...... મનહરભાઈ અને દમયંતીબેને ઘણું મનોમંથન કર્યું પરંતુ દિકરો આવો કેમ પાક્યો એનો તાળો ના મળ્યો.ગામડે કુટુંબ પરિવારને પણ બધી જાણ થઈ ચુકી હતી તો સોસાયટીમાંય ઘણાંને આછી પાતળી ખબર હતી જ પરંતુ આ સેવાભાવી દંપતિને સૌ સ્વમાનની નજરે જ જોતું હતું. મનહરભાઈનો કાયમનું મોર્નિંગ વોક અને બગીચામાં જઈને થોડી હળવી કસરત કરવાનો નિર્ણય જળવાઈ રહ્યો હતો પરંતુ મનથી ભાંગી પડ્યા હતા.બાળપણથી જ લેખનનો શોખ ધરાવતા મનહરભાઈ કાયમ ડાયરી સાથે જ રાખતા. પુત્ર વિષે લખતાં તો લખી દીધું પરંતુ છેવટે તો બાપનો જીવ ને! એટલે જ લખેલું એ પાનું ફાડીને ડૂચો વાળીને ફેંકી દીધું હતું........... સંજય બાળપણથી અનાથાશ્રમમાં ઉછરેલો પછી એનાં માબાપ કોણ એ તો એને ક્યાંથી ખબર હોય? અનાથાશ્રમમાં રહીને જ ભણ્યો અને કુદરતે એની જીંદગીને આબાદ બનાવી દીધી.નોકરીએ મળી અને અનાથાશ્રમમાં જ ઉછરેલી એક પગે સામાન્ય ખોડંગાતી પત્નિ પણ મળી.બન્ને પતિ પત્ની અત્યારે મનહરભાઈની સોસાયટીમાં જ એમના પોતાના મકાનમાં રહેતાં હતાં.સંજય પણ સવારે વોક અને બગીચે કસરત કરવા નિયમિત જતો.ઘણીવાર મનહરભાઈ સાથે એની વાતચીત થતી.મનહરભાઈ સંજયની જીવનકથની જાણી ચુક્યા ત્યારથી તેમને સંજય પ્રત્યે વિશેષ લાગણી હતી.અઠવાડિયે એકાદવાર બન્ને સાથે કોફી જરૂર પીવે. ધીમે ધીમે બન્ને વચ્ચે આત્મીયતા વધતી ગઈ.એમાંય જ્યારે મનહરભાઈના એકના એક દિકરા મનોરથ વિષે બધું જાણવા મળ્યું ત્યારે આ અનાથ સંજયને મનહરભાઈ માટે કંઈક કરી છુટવાની જિજીવિષા થઈ ઉઠી. એટલે જ છેલ્લા સમયથી સંજય મનહરભાઈને થોડા ખુશ કરવાના પ્રયત્નો જરૂર કરતો. રવિવારના દિવસે સંજય અને એની પત્ની મમતા મનહરભાઈના ઘેર આવી ચડ્યાં.મનહરભાઈ અને દમયંતીબેન આજનું છાપું વાંચી રહ્યાં હતાં.બન્ને જણ મનહરભાઈ અને દમયંતીબેનને વંદન કરીને ઉભાં રહ્યાં.દમયંતીબેને બન્નેને આવકાર આપીને બેસવાનું કહ્યું.મનહરભાઈએ કહ્યું, 'અરે સંજય! આમ અચાનક!બોલ ભાઈ, કંઈ કામકાજ હોય તો કહે.' સંજયે બગીચામાંથી મળેલ કાગળ મનહરભાઈના હાથમાં મુક્યો અને કહ્યું, 'માફ કરજો સાહેબ! અમને થોડી ઘણી તો મનોરથભાઈ વિષે જાણ હતી.આપની સતત ઉદાસી અમને કોરી ખાતી હતી પરંતુ અમે તમારી આગળ કંઈ બોલી શકતાં નહોતાં.આજે આ લખાણ અમને અહીં ખેંચી લાવ્યું છે. માબાપનો પ્રેમ કેવો હોય એ અમે બન્ને અભાગીયાંએ તો જોયો નથી પરંતુ બાળકો માટે માબાપની વેદના કેવી હોય એ હું છેલ્લા સમયથી અનુભવી રહ્યો છું.અમે બન્ને આપને એક વિનંતી કરવા આવ્યાં છીએ.અમે તમારાં દિકરો દિકરી બનીને તમારી સેવા કરવા માંગીએ છીએ.અમને નિરાશ ના કરતાં.અમનેય માબાપનો પ્રેમ કેવો હોય એ અનુભવવું છે.' મનહરભાઈએ કાગળ પર નજર ફેરવીને દમયંતીબેનને આપ્યો.દમયંતીબેને લખાણ ધ્યાનથી વાંચ્યું.મનહરભાઈની લખાયેલ વેદના હતી એ જાણતાં દમયંતીબેનને વાર ના લાગી. મનહરભાઈએ દમયંતીબેનને કહ્યું, 'લખતાં તો લખાઈ ગયું પરંતુ છેવટે તો એક બાપ છું ને! માવતર કમાવતર થોડાં થાય! -બસ, એટલે જ તો લખીનેય થોડો પસ્તાવો થતાં ફાડીને ફેંકી દીધું.પરંતુ એના લીધે જ તો આજે એકસાથે દિકરો અને દિકરી -બે મળી ગયાં.' મમતાએ બધું જ ઘરકામ ઉપાડી લીધું.મનહરભાઈ અને દમયંતીબેન નિવૃત થઈ ગયાં.વતનમાં જઈને ઠરીઠામ થવાનો વિચાર કરી જોયો પરંતુ પુત્રનું વર્તન સમાજમાં નીચાજોણા સમાન હોઈ અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું. લગ્નના ત્રણ વર્ષ પછી મનોરથને ત્યાં પુત્રનો જન્મ થયો.એ વખતે દમયંતીબેને સમાચાર મળતાં જ આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચી હતી.પુત્ર મનોરથને પૌત્રને એકવાર અહીં લઇને આવવાની ફોન પર વિનંતી પણ કરી હતી પરંતુ મનોરથે મમ્મીને સંભળાવી દીધું કે, 'મોમ! પ્રિન્સ થોડો મોટો થશે ત્યારે જરૂર ઈન્ડિયા લઈને આવીશ. અત્યારે તો ખોટું હેરાન થઈ જવાય. 'આજ સુધી મનોરથ બે વખત ભારત આવી ગયો.મનહરભાઈ અને દમયંતીબેનની નિવૃત્તિ વખતે માત્ર મળેલ ગ્રેજ્યુએટીનાં નાણાંનો ભાગ પડાવવા પરંતુ પત્નિ અને દિકરા સાથે તો નહીં જ. ફોન પર ઔપચારિક સમાચાર તો જરૂર લેવાય. વીડીયો કોલથી વહુને કુળદેવીનાં દર્શન પણ કરાવેલ દમયંતીબેને.એ વખતે દિયર જેઠનાં દિકરા દિકરીઓએ ઘણી હોંશથી "કેમ છો ભાભી?"કહેલું પરંતુ "હાય! એવરી બડી "કહીને ફોન મુકાઈ ગયેલો.દમયંતીબેનની હાલત તો એ વખતે જોયા જેવી થયેલી. હા, આજ સુધી મનહરભાઈએ ફોન પર દિકરા સાથે વાત નથી જ કરી પરંતુ "કેમ છે દિકરો,પુત્રવધૂ અને પૌત્ર? "-એટલું દરેક ફોન વખતે જરૂર પુછ્યું છે દમયંતીબેનને........ પ્રિન્સ બાર વર્ષનો થઈ ગયો.મનોરથ અને એની પત્નિ હવાઈ સફર કરી રહ્યાં.એ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું. પ્રિન્સ સાથે નહોતો એ એનાં નસીબ.ઘણા। બધા મુસાફરોની ડેડ બૉડી હાથ ના લાગી એમાં મનોરથ અને એની પત્નિ પણ સામેલ હતાં. દુર્ઘટનાના ત્રીજા દિવસે મનહરભાઈને સમાચાર મળ્યા.દમયંતીબેન અને મનહરભાઈ સાવ પડી ભાગ્યાં."એક દિવસ તો સૌ સારૂ થશે જ"-એ આશા પણ ઠગારી નિવડી.ભગ્ન હ્રદયે સરકારી વિધિ પતાવીને મનહરભાઈ અમેરિકા પહોંચ્યા પૌત્ર પ્રિન્સને લેવા માટે. પુત્ર મનોરથના ભાડાના મકાનમાં દિવાલ પર મનોહર અને એની પત્નીની તસવીર લટકતી હતી.એની ઉપર ચિતરામણ કરીને લખેલું હતું "એન્જોય લાઈફ." જોઈને ઝળઝળિયાં આવી ગયાં મનહરભાઈની આંખોમાં.ત્યાં જ ગુજરાતી આડોશી પાડોશીઓ વચ્ચે રાહ જોઈને બેઠેલો અદ્લ મનહરભાઈ જેવો જ બારેક વર્ષનો છોકરો દેખાયો.મનહરભાઈએ સૌને પોતાની ઓળખાણ આપીને કહ્યું, 'આ મારો પૌત્ર પ્રિન્સ છે ને? ' ઉભેલાં પરિવારોમાં અરેકારો થઈ ગયો.શુ,સગા દાદા એમના પૌત્રને નહીં ઓળખતા હોય? મનહરભાઈ પાસે એનો જવાબેય ક્યાં હતો!તેઓ તો સૌનો આભાર માની, સૌ વિધિ વિધાન સંપન્ન કરી પૌત્રને લઈને ભારત આવવા નિકળી ગયા. ઘેર આવીને દમયંતીબેન,સંજય, મમતા અને પૌત્ર પ્રિન્સને સાથે લઈને મનહરભાઈ ઉપાડયા વતનના ગામડે. કુળદેવીના મંદિરે જઈને મનહરભાઈ બે હાથ જોડીને કરગરી પડ્યા,'હે મા! ધન, દોલત કંઈ ના આપે તો વાંધો નથી પરંતુ આ મારા પૌત્રને સંસ્કાર જરૂર આપજે મા!

બાર વર્ષની ઉંમરમાં પ્રથમવાર પથ્થરની પ્રતિમા સામે રડતા એક માનવીને પ્રિન્સ સજળ નયને જોઈ રહ્યો હતો.એના મનમાં કુતૂહલ સર્જાયું હતું પરંતુ માત્ર છ મહિનાના ટુંકા ગાળામાં એ સમગ્ર પરિવારનો લાડકો બનીને ઘરના મંદિરીયે સમૂહ પ્રાર્થના ગવડાવતો થઈ ગયો હતો.

લેખન-નટવરભાઈ રાવળદેવ થરા.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s