Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને મારી સીટ શોધતો શોધતો ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યો. બાજુની બે બેઠકોમાં થી, મારી નીચેની બેઠક હતી. સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની બેઠક પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની બેઠક પર એક ભાઈ આવી ગયા અને એમનો સમાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક ૭૦-૭૫ વર્ષની ઉંમરનાં એક સજ્જન અને તેમના જોડીદાર આવ્યા અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.

જ્યારે પણ મન થાય અને મા ગંગાની યાદ આવે અથવા મા ગંગા બોલાવે, ત્યારે આ ટ્રેન મારો સેતુ બની જાય. આશરે ૩૬ કલાકની મુસાફરી અને બીજા દિવસે સાંજે હરિદ્વાર પહોંચી જવાય. સાંજે ગંગા આરતીનો લાભ લઇ અને બીજા દિવસે સવારે ઋષીકેશ. આ જ મારો નિત્ય ક્રમ. પરિચય કેળવવાના હેતુથી સામે બેઠેલા લગભગ મારીજ ઉંમરના ભાઈ સાથે વાતચીત શરુ કરી.

સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું…તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. દિવાળી પછીનો સમય હતો એટલે ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે…સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.

પેલા બાળક ની સાથે થોડી વાતો કરી સમય પસાર કરતો હતો…વચ્ચે, તેના પિતા પણ વાતો કરતા. પણ, પેલા બંને ઉંમરવાળા યુગલ પોતાની પાસે રહેલા પુસ્તકો વાંચવામાં વ્યસ્ત હતા. કદાચ એમને અમારી વાતોમાં બહુ રસ ના લાગ્યો. છત્રીસ કલાકની મુસાફરીમાં જો બે વ્યક્તિ સાવ અલિપ્ત રહે, તો મજા ના આવે…એટલે, એમને પણ વાતોમાં શામેલ કરવાના ઈરાદાથી વાત શરુ કરી…

”તમે ક્યા સુધી જવાના?”.. મારો પ્રશ્ન સાંભળી પેલા મોટી ઉંમરનાં સજ્જને પુસ્તકમાંથી ઉપર જોઈને આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, “હરિદ્વાર સુધી…” વળી પાછા પુસ્તક વાંચવામાં લાગી ગયા.

મેં ફરી પ્રશ્ન કર્યો, “ત્યાં રહો છો? કે ખાલી થોડા સમય માટે?”

તેમણે ધીમેથી પુસ્તક બંધ કરી અને જવાબ આપ્યો,”અમે રુદ્રપ્રયાગ જવાના…ત્યાં રહીએ,વર્ષમાં દસ થી અગિયાર મહિના..”

બંને સરસ વ્યક્તિત્વ હતા ….સજ્જન ઊંચા, વિશાળ કપાળ, માથે શ્વેત વાળ અને થોડી થોડી સફેદ દાઢી-મુછ…સફેદ ઝબ્બો અને લેંઘો અને હાથમાં એક કાળા ડાયલવાળી ઘડિયાળ તેમજ સોનેરી લટકતી ચેઈન સાથે જોડાયેલા ચશ્મા … એમના જોડીદાર બેન પણ એકદમ શાલીન અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા…. સાદો કોટનનો ડ્રેસ, શ્વેત લાંબા વાળનો ચોટલો, બંને હાથ માં એક એક બંગડી,કપાળે લાલ મોટો ચાંદલો અને ગળે લટકતી સોનેરી ચેઈન સાથે જોડાયેલા ચશ્માં…

રુદ્રપ્રયાગનું નામ સંભાળી મારી આંખમાં ચમક આવી અને એમને પૂછ્યું, “વાહ… ખુબ સરસ જગ્યા… ત્યાં શું કરો તમે?”

હવે, મારી સામે બેઠેલા ભાઈને પણ રસ પડ્યો…અને પેલા નાના બાળકનાં પિતા પણ અમારી વાતોમાં જોડાયા….

પેલા કાકા હસી પડ્યા અને બોલ્યા,”ત્યાં કશુંજ નથી કરતાં…બસ ઇશ્વરના પ્રયોજનને ન્યાય આપવાનો પ્રયત્ન…..”

અમારી વાતો વધી…. પરિચય પણ વધ્યો….મને ઉત્કંઠા થઇ, એમના અને એમના કામ વિષે જાણવાની….

મેં પૂછ્યું, “તમારા પરિવાર માં કોણ? ત્યાં જતા રહો આટલો લાંબો સમય, તો ઘર ની યાદ ના આવે?”

એમણે એમના જોડીદાર બેન સામે જોયું અને બંને થોડું હસ્યા…

સજ્જને કહ્યું, “ભાઈ, મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે…બંને લગ્ન કરીને ખુબ સારી રીતે અમેરિકામાં સ્થાયી છે….” પછી એમની સામે બેસેલા એમના જોડીદાર ની સામે જોઈ બોલ્યા, “એમના પરિવાર માં એક દીકરી છે….એ પણ લગ્ન કરી ને કેનેડા સ્થાયી છે….”

હું અને બાકીના બધા આ સાંભળીને થોડા અવઢવમાં પડ્યા…

મારાથી પૂછાઈ ગયું,” એટલે..તમારા બંનેનો પરિવાર અલગ અલગ છે? તમે …..”

એ મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા અને જવાબ આપ્યો…

”ભાઈ, હું ૭૨ વર્ષનો છું અને આ મારી સામે બેઠેલા અનન્યાબેન ૭૦ વર્ષના છે…અમે બંને છેલ્લા દસ વર્ષથી મિત્રો છીએ… હું વ્યવસાયે આધ્યાપક હતો તથા અનન્યાબેન વ્યવસાયે ડોક્ટર.“

“વાહ, તમે બંને મિત્રો છો…મને તો એમ કે…..” બાકીનું વાક્ય અધ્યાહાર છોડી દીધું ….

પેલા સજ્જન મારી સામે જોઈને હળવા હાસ્ય સાથે બોલ્યા, “કેમ બે મિત્રો ના હોયે? “

પછી અનાન્યાબેન ની સામે જોઇને બોલ્યા, “જોયું અનન્યાબેન, આપણે સિત્તેર વર્ષની ઉંમરે પણ મિત્ર હોઈએ એ બધા સહજતાથી સ્વીકારી નથી શકતા…” બંને નાના બાળક ની જેમ હસી પડ્યા….

મેં એમની સામે થોડા ક્ષોભથી જોઈ કહ્યું,” ના, એવું નથી…મોટેભાગે આપણે બધાને પતિપત્નીનાં રૂપમાં જ જોવાં ટેવાયેલા હોઈએ, એટલે … પણ, તમારી વાત ખરેખર નવી છે…અલગ છે… તમને વાંધો ના હોય તો જણાવો કે શું કરો છો તમે રુદ્રપ્રયાગ માં ?”

પેલા સજ્જન બોલ્યા, “ભાઈ, હું રીટાયર્ડ થયો એ પહેલા મારા દીકરા દીકરી નાં લગ્નની જવાબદારી થી પરવારી ગયેલો…બંને સારી રીતે એમના લગ્નજીવનમાં સુખી છે અને અમેરિકા માં સ્થાયી છે… મારા રીટાયર્ડ થયાના એક વર્ષ પછી અમે અમેરિકા, દીકરા સાથે જ રહેવાના ઈરાદાથી ગયા …ત્યાં મારા પત્નીનું એક જ વર્ષમાં માંદગીને કારણે અવસાન થયું…. અને હું પાછો ભારત આવ્યો….એના અસ્થી અને એની યાદો સાથે…”

“અસ્થી પધરાવવા હું ઋષિકેશ ગયો… શિવાનંદ આશ્રમમાં એક અઠવાડિયું રોકાયો… મન ને ખુબ શાંતિ મળી… એક સાંજે આશ્રમ માં સંત કૃષ્ણાનંદજી મળી ગયા…. અમે લગભગ એક કલાક સત્સંગ કર્યો….

.એમણે મને કહ્યું કે, જીવન માં કોઈપણ ઘટના વગર પ્રયોજને નથી થતી….જો તમે અસ્થી વિસર્જન કરવા અહીં ના આવ્યા હોત તો આશ્રમમાં પણ ના રોકાયા હોત…અને આપણે મળ્યા પણ ન હોત….”

“જીવનમાં બનતી દરેક ઘટના પાછળ, ઈશ્વરનું કોઈક પ્રયોજન હોય છે…કોઈક સંકેત હોય છે…. “

મેં જયારે કૃષ્ણાનંદજી ને પૂછ્યું, કે “મારા જીવનનું શું પ્રયોજન? મારી યોજના તો પત્ની સાથે અમેરિકામાં બાકીનું જીવન મારા દીકરા અને દીકરી નાં બાળકો સાથે પસાર કરવાનું હતું….પણ, હવે તો હું સાવ એકલો થઇ ગયો…”

કૃષ્ણાનંદજી એ મને એક સ્મિત સાથે જવાબ આપ્યો….”તમારા માટે પણ ઈશ્વરે કોઈ યોજના બનાવી રાખીજ છે…બસ તમે ઈશ્વર પર ભરોસો રાખો અને એ સંકેત અને ઈશ્વરની ઈચ્છા સામે આવે તેને સ્વીકારી લેવાની માનસિક તૈયારી રાખજો…”

એક સાંજે, ગંગા આરતી પૂર્ણ થયા પછી, એકલો ઘાટ પર બેઠો હતો, મેં જોયું કે એક ગરીબ અને ભિખારી જેવી લાગતી મહિલા જોર જોરથી રડી રહી હતી અને એના ખોળામાં ૬-૭ વર્ષની એક બાળકી હતી….પેલી નાની બાળકી જોરથી હાંફી રહી હતી….

મારી નજર પડી…એક ૬૦-૬૨ વર્ષની ઉંમરનાં જાજરમાન વ્યક્તિત્વવાળા બહેન પેલી મહિલા અને બાળકી તરફ દોડી ગયા….એને એમણે હાથ માં લીધી એનું મોઢું ખોલી અને શ્વાસ આપવા માંડ્યો…

થોડીવાર માં પેલી બાળકી સ્વસ્થ લાગી…હું પણ ત્યાં પહોંચ્યો…. પેલા બહેને પોતાના પર્સમાંથી એક નાની દવાની બોટલ આપી અને, બાળકી ની માતાને કેટલીક દવા લઇ આવવા કહ્યું…પણ પેલી ભિખારી જેવી મહિલા કદાચ પૈસાનાં અભાવે દવા લાવે એવું લાગ્યું નહી….આથી મેં, પેલા બહેન ને કહ્યું, “મને કહો, હું લઇ આવું”….અને ત્વરિત ઘાટ નજીક આવેલી ફાર્મસીની દુકાનથી દવા લઇ આવ્યો અને પેલી બાળકીની માતા ને આપી….

આ બહેન એટલે આ તમારી સામે બેઠેલા અનન્યાબેન….તેઓ વ્યવસાયે બાળકોના ડોક્ટર છે….તેમને એક દીકરી જે લગ્ન કરી અને કેનેડા સ્થાયી થયેલી. અનન્યાબેન ના પતિ પણ ડોક્ટર હતા, એક એકસીડન્ટમાં આજથી લગભગ વીસ વર્ષ પહેલા અવસાન પામેલા…

આ ઘટના પછી, હું અને અનન્યાબેન ઘાટ પર બેઠા…પરિચય થયો…એકબીજાની વાત જાણી. મને કૃષ્ણાનંદજીની વાત યાદ આવી… બીજા દિવસે સવારે હું અને અનન્યાબેન પાછા કૃષ્ણાનંદજી ને મળવા ગયા…અને એમને ગઈકાલે ઘાટ પર થયેલ ઘટના અને અમારા પરિચયની વાત કરી….

કૃષ્ણાનંદજીએ અમારી સામે જોઈ એક હાસ્ય સાથે કહ્યું, “ જાઓ, તમારી બંનેની રાહ હજારો બાળકો જોઈ રહ્યા છે…. રુદ્રપ્રયાગ માં તમારી જરૂર છે… તમે પ્રોફેસર હતા…શિક્ષક હતા….તમારે બાળકો ને જ્ઞાન, વિદ્યા, સંસ્કાર અને જીવનનો ધ્યેય આપવાનો છે અને અનન્યાબેન, તમે ડોક્ટર છો…તમારે એમને સ્વાસ્થ્ય આપવાનું છે….”

કૃષ્ણાનંદજીની વાત ને આદેશ માની, બીજા જ દિવસે અમે રુદ્રપ્રયાગ જવાનું નક્કી કર્યું…હું ક્યારેય રુદ્રપ્રયાગ ગયો નહતો….બીજા દિવસે ત્યાં થી જતી બસમાં અમે પાંચ કલાક ની મુસાફરી કરી રુદ્રપ્રયાગ પહોંચ્યા…

અદ્ભૂત જગ્યા….મા ગંગાના ખોળામાં નાનું ગામ…સાવ અવિકસિત… ત્યાં જવું કોની પાસે? રહેવું ક્યાં? પણ જ્યારે ઈશ્વરનું આયોજન અને પ્રયોજન હોય ત્યારે એ જ બધી વ્યવસ્થા કરી આપે…. અમે કોઈપણ વિચાર કે આયોજન વિના રુદ્રપ્રયાગ ગયા હતા…

બસ માંથી ઉતર્યા, સામે એક નાનુ ગેસ્ટ-હાઉસ હતું…ત્યાં પહોંચ્યા…બે રૂમ લીધા…અને સમાન મૂકી, રુદ્રપ્રયાગમાં ફરવા નીકળ્યા… દસ મિનીટ ચાલી ને ગંગાજી ને કિનારે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ સંન્યાસી મળ્યા….એમને પ્રણામ કર્યા….અમારી સામે જોઇને બોલ્યા, “આપ એક અચ્છા કાર્ય કરનેવાલે હો….ઈશ્વરને હી આપકો ભેજા હૈ…. આપ આગે જાઓ, પુરાના આશ્રમ હૈ વહા જાઓ…આપકા કાર્ય વહી પૂર્ણ હોગા…” બસ, એક પછી એક ઘટનાઓ થતી રહી અને અમે માત્ર ઘટનાઓની ગંગા માં વહેતા રહ્યા…

પેલા નાના આશ્રમ માં જુના ત્રણ-ચાર તૂટેલા-ફૂટેલા ઓરડા,એક નાનુ મંદિર, નાનુ આંગણ અને એક અતિવૃદ્ધ સંન્યાસી …અમારો એમની સામે પરિચય થયો અને અમે કાંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી…. સંન્યાસીએ અમને એમની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી… અમે ત્યાં જ એક ઓરડામાં વિદ્યાર્થીઓને ભણવા માટેની નાની શાળા અને એક ઓરડામાં અનન્યાબેન નું બાળકો અને સ્ત્રીઓ માટે દવાખાનાની સ્થાપના કરી…..

બીજા દિવસથી અમે આજુબાજુ નાં વિસ્તારમાં ફરતા અને રખડતા બાળકોને શાળામાં આવવા લઇ આવતા… ત્યાં રમતો, નાસ્તો, શ્લોક, વાર્તાઓ અને સાથે થોડું ગણિત, વિજ્ઞાન અને લખવાનું શીખવવાનું શરુ કર્યું… ધીમે ધીમે બાળકો જોડતા ગયા…. એમને રોજ ભરપેટ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી…

અનન્યાબેન દ્વારા બાળકો , સ્ત્રીઓ અને સન્યાસીઓ માટે મફત દવા અને ઈલાજ ની વ્યવસ્થા શરુ કરી.. આજે લગભગ દસ વર્ષ થઇ ગયા…. ચાર શિક્ષકો માનદ પગારથી રાખ્યા છે….શાળાનો વિકાસ પણ સરસ થયો છે…. ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર નાં બાળકો અભ્યાસ કરાવા આવે છે…. લગભગ ૨૫૦ છોકરાઓ આવે છે…….. અનન્યાબેન ડોક્ટર તરીકે અદ્ભુત સેવા આપે છે…આજુબાજુનાં ગામનાં મળી ને પચાસ થી પંચાવન દર્દીઓ તો રોજ આવે….”

“બસ, આ અમારી કથા….” એક હાસ્ય સાથે એ સજ્જન બોલ્યા…..

મરાથી બોલી ગયું, “અદ્ભુત….તમે અદ્ભુત કાર્ય કરો છો…. તમે બંને આજે સારામાં સારી જિંદગી જીવી શકત…પણ તમે આવું કાર્ય સ્વીકારી લીધું….આવું ભાગ્યેજ કોઈ કરે…”

ત્યાં અનન્યાબેન પહેલીવાર બોલ્યા, “ભાઈ, અમે કશુજ નથી કરતાં…..ઈશ્વર અમારી પાસે કાર્ય કરાવે છે….એનો સંકેત હતો..એનું જ પ્રયોજન હતું….અમે તો માત્ર એના દ્વારા નિર્મિત પટકથાનાં પાત્રો છીએ….પાછા જઈશું ત્યારે ઈશ્વર જવાબ માંગશે ને? શું કર્યું તમે જગત માં જઈને? આપણા ભાથા માં કહેવા લાયક કંઇક તો હોવું જોઈએ ને? ”

અમે બધાજ આ બંને સેવાના ભેખધારી ને જોઈ રહ્યા….

કદાચ ઇશ્વરની યોજના, પ્રયોજન, ઈચ્છાના સંકેત આપણને પણ મળતા હશે … પણ આપણે એ સંકેતોને કદાચ અવગણી જતા હોઈએ છે…. દરેક નો જન્મ તો કોઈ ઉચ્ચ ધ્યેય માટે જ થયો છે… અસીમ અને અનંત સંભાવના સાથે આપણે જન્મ્યા…પણ નાની-નાની અર્થહીન બાબતો માં એવા અટવાઈ જઈએ કે જીવન ક્યાં વીતી ગયું એ ખબરજ ના પડે….

જીવનને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે….જીવન માં બનતી દરેક ઘટના, જીવનમાં આવતી વ્યક્તિઓ, ઉત્પન્ન થતી પરિસ્થિતિ અને ઘટના પાછળ કોઈ સંકેત હોય જ છે….જીવન તો કોઇપણ જીવી લેશે…અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઈશ્વરનું પ્રયોજન સમજવું જરૂરી છે…

જીવન એમ પણ વીતી જવાનું… આપણી પાસે બે જ વિકલ્પ છે….જીવનને માત્ર જીવવું અથવા જીવનને અર્થપૂર્ણ રીતે જીવવું …ઇશ્વરના સંકેત ને સમજી..તેના પ્રયોજન મુજબ….

લેખન : ડો. સ્નેહલ કે. જોશી
તસવીરો પ્રતિકાત્મક છે.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s