Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પરમાર્થ કરતા રહો, દાન યોગ્ય જગ્યાએ કરો.

એક લઘુ કથા………………..

નવા બુટ ઓફિસે પહેરી ને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા.
ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટ ને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો હતો…
જેમ એક મઘ્યમવર્ગ ની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટ ની હતી…

કોઈ દર્દી ની સારવાર કરી ડોક્ટર અંતે થાકી ને કહે કે દર્દી લાબું નહીં જીવે…
ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી..

તેમ મારા મોચી એ કીધું સાહેબ, નવા બુટ ખરીદી લ્યો… ઘણો ક્સ કાઢ્યો, હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી………

આજે રવિવાર હોવાથી…
મેં મારા બુટ ચમ્પલ ના સ્ટેન્ડ ની સાફ સફાઈ ના બહાને ઘર ના સભ્યોના ચપ્પલ બુટ ની વર્તમાન દશા શું છે એ જોવા પર્યત્ન કર્યો…

મારા નસીબ સારા હતા…ઘરની વ્યક્તિઓ સમજુ હતી…સામેથી કોઈ પણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં, એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી.

મારો પગાર પણ સારો, બચત પણ સારી… પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે…બુટ ચમ્પલ નું સ્ટેન્ડ – ઘર ના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું…

મેં કાવ્યા ને બુમ મારી બોલાવી, કીધું…
આ તારા ચંપલ જો. બાળકો ના બુટ…
તમને એમ નથી થતું… હવે નવા બુટ ચંપલ લેવા જોઈએ..?

કાવ્યા બોલી….
પ્રથમ તમારે જરૂર છે, બુટ માંથી અંગુઠો બહાર આવવાની તૈયારી કરી રહ્યો છે…

હું પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા…
સારું, આજે સાંજે બુટ અને ચંપ્પલ લેવા આપણે સાથે જઇયે છીયે….

સાંજે ફરતા ફરતા શહેર માં ઘણા સમય થી ફેમસ બનેલ “બુટ હાઉસ” ના શોરૂમ પાસે અમે ઉભા રહ્યા…
પિન્ટુ બોલ્યો, પપ્પા આપણા શહેરમાં આ શોરૂમ નું નામ છે, આવા બીજા બે શોરૂમ પણ આ શહેરમાં છે… નવી નવી બુટ ચમ્પલ ની ડિઝાઈન અહીં થી આપણને મળી રહેશે…

શોરૂમ જોઈ અંદર જવાની હિંમત થતી ન હતી…છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી, એટલે…પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખીસા માં છે કે નહીં એ ખાતરી કરી હિંમત એકઠી કરી શોરૂમ માં અમે પ્રવેશ કર્યો…

કઈ બાજુ થી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી..
બુટ ની રેન્જ ચાલુ જ ત્રણ હજારથી થતી હતી….શોરૂમ ના સેલ્સમેન પણ વારંવાર મારા બુટ તરફ નજર કરતા હતા.
તેઓ નો પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બુટ હતા, એ હું સમજી ગયો હતો…

AC શોરૂમ માં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું…
પપ્પા, આના કરતાં શહેર માં સસ્તા મળે.. આ તો એરિયા નો ભાવ લે છે, લૂંટે છે…

અમારી વાતચીત અને હાવ ભાવ જોઈ… એક યુવાન વ્યક્તિ ચેમ્બરમાંથી બહાર આવી…

આવો સાહેબ,
તમારા માટે આ ડિઝાઈન પરફેક્ટ છે…
મેં બુટ ની કિંમત જોઈ 4999 રૂપિયા.. મેં કીધું ભાઈ…બીજે તપાસ મને કરવા દે…

અરે વડીલ અમારા ગ્રાહક અમારા ભગવાન છે… એ યુવાન શેઠ હોવા છતાં તે મારા પગ પકડી નીચે બેસી મને બુટ પહેરાવવા લાગ્યા…
સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બર માં જવા વિનંતી કરી.

પણ આ યુવાન લાગતો શો-રૂમ નો માલિક બોલતો હતો ભગવાન આજે સામે ચાલી ને આપણે ત્યાં આવ્યા છે…
તેના સ્ટાફ ને બોલાવી કીધું, આ બુટ પેક કરો, સાહેબ ના બુટ અને સાઇઝ મને યાદ છે…

હું ધારી ધારી ને આ વ્યક્તિ ને જોતો રહ્યો..સાચો સેલ્સમેન તો આને કહેવાય.

મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા, બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે, તેની કિંમત મેં જોઈ 2999 રૂપિયા.

હવે તેણે પિન્ટુ સામે જોયું…
તું યુવાન છે, આ સપોર્ટ શૂઝથી તારો વટ પડશે તેની કિંમત 5899
મેં કીધું અરે ભાઈ, તમે મને તો પૂછો કિંમત મને પરવડે છે કે નહીં ?
એ વ્યક્તિ એ કંઈ સાંભળ્યું જ નહીં…
શીતલ ના પણ સેન્ડલ 2999 પેક કરવા પોતાના માણસ ને આપી કેશ કાઉન્ટર ઉપર મોકલ્યો, અને પાછળ પાછળ પોતે ગયો…

પાકીટ માંથી આટલા રૂપિયા નીકળશે કે નહીં, એ ચિંતામાં હતો, ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી પાસે આવી બોલી…..લ્યો સાહેબ આ તમારું બિલ, કેશ કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી… ડિલિવરી લઈ લ્યો..

બે મિનિટ તો ઝગડો કરી લેવાની ઈચ્છા થઈ…પણ જયારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો…
*ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100% ચૂકવવા પાત્ર રકમ ઝીરો રૂપિયા……..
મેં એ વ્યક્તિ સામે જોઈ કીધું.
તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને…?

એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો,
અરે સાહેબ…
જીંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી, ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો. તમારી મજાક ઉડાવવા માટેની અમારી હેસિયત જ નથી.
યાદ આવ્યું કંઈ… સાહેબ ?

ના…
કંઈ યાદ નથી આવતું, મેં કીધું…….

સાહેબ…
બુટ પોલીશ…યાદ આવ્યું…

અરે, તમે રામ અને શ્યામ….

હા વડીલ…. હું રામ.

હું દોડી ને તેને ભેટી પડ્યો…
અરે બેટા, તું આવડી મોટી વ્યક્તિ બની ગયો…

શ્યામ ક્યાં છે….?
શ્યામ કેશ કાઉન્ટર ઉપર થી હસતા હસતા દોડી ને આવ્યો, મને ભેટી ને પગે લાગ્યો..
અરે સાહેબ અમારી જીંદગી તમારા ઉપકાર ના 100% ડિસ્કાઉન્ટ ઉપર ચાલે છે. જો તમે યોગ્ય સમયે અમારો હાથ પકડ્યો ન હોત, તો, તો આજે અમે લોકો હજુ બુટ પોલિસ જ કરતા હોત…

આ શો રૂમ તમારો છે…
અમારા વડીલ ગણો, માઁ-બાપ કે દેવ ગણો તમે જ છો… અમે આ શોરૂમ નું ઉદ્ઘાટન તમારા હાથે કરવા તમને યાદ કર્યા હતા, તમારી ઓફીસે ગયા…
ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી… પણ અમારી ઈચ્છા આજે પુરી થઈ…
આવો ચેમ્બર માં વડીલ,
અમે ચેમ્બર માં ગયા…

રામ પિન્ટુ સામે જોઈ બોલ્યો, બેટા વર્ષો પહેલાં તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. અમે બન્ને તારા પપ્પા ને બુટ પોલીશ કરાવવા માટે પાછળ પડ્યા…
તેમણે બુટ પોલિશ માટે બુટ આપ્યા, પછી એક બુટ મેં લીધું, અને એક શ્યામે.
તારા પપ્પા એ દસ રૂપિયા આપ્યા.
પાંચ રૂપિયા મેં રાખ્યા, પાંચ શ્યામને આપ્યા… તારા પપ્પા એ આવું કરવાનું કારણ પૂછ્યું,

મેં કીધું અમે બન્ને ખાસ મિત્રો છીયે…સવાર થી બોણી નથી થઈ…અમે નક્કી કર્યું છે, આપણે મહેનત પણ સરખી કરીશું, અને કમાઈ પણ સરખા ભાગે વહેચી લેશું…

તારા પપ્પા એ કીધું, આવો સંપ મોટા થઈ ને પણ રાખશો તો ખૂબ આગળ નીકળી જશો, એ અમે યાદ રાખ્યું.

પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું, તમારે ભણવું છે…??
અમે કીધું, હા…
અમે હજુ ભૂલ્યા નથી. એ દિવસે તારા પપ્પા એ રજા પાડી અમારું સરકારી સ્કૂલ માં એડમિશન પાક્કું કર્યું…
નોટ, ચોપડી, સ્કૂલ ડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઊપાડી લીધો.

તારા પપ્પાએ તેમની ઓફીસનું સરનામું અમને આપ્યું હતું, ત્યાંથી અમે આકસ્મિક ભણવા નો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા…. બાર ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવા નું નક્કી કર્યું.
અમે બને ગ્રેજ્યુએટ થઈ…
લઘુ ઉદ્યોગ માટેની લોન લઈ બુટ ચમ્પલ બનાવવા ની ફેક્ટરી ખોલી… મહેનત અને ઈમાનદારી નું પરિણામ તું આજે જુએ છે…

પણ આ બધા ની પાછળ…જે વ્યક્તિનું યોગદાન છે એ તારા પપ્પા છે….એ ફક્ત તારા પપ્પા નહીં, અમારા પણ પપ્પા છે… અમે અમારા માઁ બાપ ને જોયા નથી…
પણ કલ્પના જયારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજર માં પ્રથમ આવે…

અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં… રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશા ને દિશા અમારી હતી…અચાનક દેવદૂત બની ને તારા પપ્પા આવ્યા, અમારી દશા અને દિશા નક્કી કરનાર આ તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી.

આ બુટ ચંપ્પલ ની કિંમત કંઇ જ નથી…
જે વ્યક્તિ પોતાના મોજશોખ ઉપર કાપ મૂકી બીજા ને મદદ કરે, એ વ્યક્તિ સામાન્ય ન હોય..

રામ અને શ્યામ ઉભા થયા…
મને અને કાવ્યા ને પગે લાગ્યા…
પોતાનું કાર્ડ આપી કીધું,
365 x 24 કલાક અમે તમારા માટે ઉભા છીયે…

પિન્ટુને અને શીતલને પણ કીધું.
અમે તમારા મોટા ભાઈઓ છીયે, એવું સમજી લ્યો. જીવન માં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઉભા રહેશું, એ અમારું વચન છે..

હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાવ, એ પહેલાં તમારા મોબાઈલ નંબર અને ઘર નું સરનામું અમને આપતા જાવ…

આવતા રવિવારે અમારા ઘરે તમારા બધા નું ડિનર પાક્કું…

મારી આંખ ભીની થઈ ગઈ…
અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઈની જીંદગી માટે યાદગાર બની જાય છે.

આશ્રમ અને મોટા મંદિરમાં આપેલ દાનની કોઈ નોંધ પણ નથી લેતું………………
અને આવી વ્યક્તિઓ આપણી મદદને દિલ ઉપર કંડારી દેતા હોય છે.

અમે એક યાદગાર મુલાકાત પછી છુટા પડ્યા…

મિત્રો…..
તમારા થી કોઈ ને મદદ ન થાય તો કંઈ નહીં પણ કોઈ નું મોરલ તૂટી જાય તેવા શબ્દો બોલશો નહીં, સમય બળવાન છે…
આજે સમય મારી સામે ઉભો હતો… મેં મારી નજર સામે સમય ને બદલાતો જોયો છે.

પરમાર્થ કરતા રહો…
આર્થિક, માનસિક, શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો…

તમારી નાની મદદ કોઈનું જીવન બદલી નાખે છે…

દાન યોગ્ય જગ્યાએ કરો..
જ્યાં નદી વહે છે, ત્યાં પાણીના પરબનું કોઈ મહત્વ નથી… તેનું મહત્વ રણ પ્રદેશ માં છે…

❤️💓 Serve From Soul. 💓❤️

અનિલ પઢીયાર

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s