Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પ્રથમ શાહ વાણિયા, બીજા શાહ સુલતાન

ગુજરાતી હિંદુઓમાં શાહ અટક માત્ર વણિક કોમમાં જ જોવા મળે છે. શાહ એટલે વાણિયો એવી માન્યતા રૃઢ થઈ ગઈ છે. વહાણે ચડીને વિદેશો સાથે વેપાર કરનાર ‘વહાણિયા’ પરથી વાણિયા અટક આવી હોવાનું કહેવાય છે. આપણે ત્યાં વાણિયાના નામની આગળ શાહ ઉપનામ ઘણું કરીને લગાડવામાં આવે છે. જો તેની બીજી કોઈ અટક હોય તો તેના નામને અંતે મૂકાય છે. વાણિયાના નામની મોખરે શાહ શબ્દ મુકાવો જ જોઈએ એવી પ્રથા છે એમ શ્રી રતિલાલ નાયક નોંધે છે. તેઓ કહે છે કે આ શાહ અટક શા ઉપરથી પડી તે સંબંધી અનેક તર્કવિતર્કો થયા છે. મુસલમાન લોકોમાં પણ શાહ અટક છે.વણિકોમાં શાહ અટક ક્યારથી અને કેવી રીતે આવી એની વાત ‘મિરાતે-સિકંદરી’ના કર્તા આ પ્રમાણે નોંધે છે.

૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અહમદશાહ પછીના સુલતાનોમાં મહમૂદશાહ ‘બેગડો’ થઈ ગયો. એણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીતી લીધા હોવાથી બેગડો કહેવાયો. એ કાળે ચાંપાનેરની ભારે જાહોજલાલી હતી. એવામાં કારમો દુષ્કાળ પડયો. લોકો મુઠ્ઠી ધાન માટે ટળવળવા લાગ્યા. ત્યારે બેગડાએ ચાંપાનેરમાં આવી મહાજન શ્રેષ્ઠિઓને બોલાવીને કહ્યું કે ‘તમે વણિકો ધનાઢ્ય છો એટલે ચાંપાનેરનું મહાજન ભેગું થઈને રાજની પ્રજાને દુકાળ તરાવી દ્યો. નહીંતર ‘શાહ’ અટક લખવાનું છોડી દ્યો. એક માસની મહેતલ આપું છું.’

મોહંમદ બેગડાએ જીતેલો ચાંપાનેરનો કિલ્લો
પાવાગઢનો કિલ્લો

મહાજનના મોવડી ચાંપશી મહેતાએ પડકાર ઝીલી લીધો, ચાંપાનેરના મહાજને દુષ્કાળના ખરડામાં ચાર મહિનાનું ખર્ચ લખાવ્યું. અડખે પડખેના વાણિયાઓએ બીજા ૨ માસ લખાવ્યા. પછી મહાજન બાકીના છ મહિનાના ખર્ચ માટે ટીપ-ફાળો કરવા નિકળ્યું. તેઓ ઘોડા લઈને ધોળકા થઈને ધંધુકા જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. ત્યાંનો એક લઘરવઘર વણિક મહાજનને પોતાના ઘેર લઈ ગયો. આગતા સ્વાગતા કરી. સૌને રંગેચંગે જમાડયા પછી બે હાથ જોડીને બોલ્યો ઃ ‘શેઠિયાઓ, આજથી દુકાળ તરવાની ટીપ બંધ કરો. રાજની પ્રજાને દુકાળ તરવા જે જોઈશે ઈ તમામ ખર્ચ, દાણોદુણી, ઘાસચારો હું પુરા પાડીશ. ચિંતામુક્ત બની ચાંપાનેર પાછા જાવ. પધારો અને બેગડાને કહો દુકાળની કોઈ ચિંતા ન કરે.’ એ પછી ભાલ પંથકના હડાળા ગામના ખેમા દેદરાણીએ પોતાના ભર્યા ભંડાર ખુલ્લા મૂકી દીધા.

આ વાતની જાણ થયા પછી મહંમદ બેગડાએ ખેમા દેદરાણી અને એના તપસી બુઢ્ઢા બાપને ચાંપાનેર તેડાવ્યા. દરબાર ભરીને બેગડાએ ચાંપસી મહેતા, મહાજનના શ્રેષ્ઠિઓ, ખેમો દેદરાણી, અને એના બાપુનું દબદબાપૂર્ણ રીતે સન્માન કરીને મહંમદ બેગડાએ એટલું જ કહ્યું ઃ

‘ગુજરાતમાં આજથી પ્રથમ ‘શાહ’ વાણિયા ને બીજો શાહ સુલતાન બેગડો.

ત્યારથી પ્રજા અને મૂગાં ઢોરઢાંખરનો જીવ બચાવનાર જૈન વણિકોને ‘શાહ’ શબ્દનો શિરપાળ મળ્યો. આ પૂર્વે માત્ર રાજદરબારમાં ‘શાહ’ શબ્દ રાજ્યના અધિકારી કે સુલતાનને માટે જ વપરાતો. આ દિવસથી ‘શાહ’ શબ્દ સમગ્ર વણિકોની નાત માટે વપરાતો થઈ ગયો. લોકજીભે એની કહેવત રમતી થઈ :
પ્રથમ શાહ વાણિયા બીજા શાહ સુલતાન

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s