Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખેતલીની  વાર્તા

[બાળવાર્તા: 2://સંપાદક: ગિજુભાઈ//સંસ્કાર]

  એક હતો વાણિયો ને એક હતી વાણિયણ. . વાણિયણ ખાઉકડ અને વાણિયો કંજુસ.

   પણ વાણિયણ હતી પાકી . પોતાનો ધણી ઘરમાં હોય ત્યારે થોડું ખાય અને બહાર જાય ત્યારે પાછળથી પોતે સારુંસારું  કરીને ઉડાવે.

   એક દિવસ વાણિયાના મનમાં વહેમ પડ્યો. તે કહે: ‘આટલું આટલું  ઘરમાં લાવુ છું ને એકદમ ખૂટી કેમ જાય છે ? લાવ ને જોઉ તો ખરો કે ઘરનું માણસ તો ખાઇ નથી જંતુ?’

    વાણિયાને કહ્યું : ‘સાંભળ્યું કે? મારે પાંચ સાત દિવસના ગામતરે જવું છે. મને ભાતું કરી આપ.’

    વાણિયણ તો રાજીનારેડ થઇ ગઇ. ઝટ ઝટ ભાતું કરી દીધું ને વાણિયાને વળાવ્યો.

    વાણિયો તો પોતાના ભાઇબંધને ત્યાં જઇને આખો દિવસ રહ્યો. સાંજે વાણિયણ દહેરે ગઇ ત્યાં વાણિયો છાનોમાનો ઘરમાં પેસી ગયો. અને ઘરની એક મોટી કોઠીમાં સંતાઇને બેઠો.

     રાત પડી . વાણિયણનો હરખ ક્યાંઇ માતો ન હતો. તે કહે : ‘હાશ ! હવે પાંચ દહાડા મીઠું મીઠું ધરાઇને ખાઈશ.’

     વાણિયણ પોતાની પાસે સૂવા માટે પાડોશીની એક છોકરીને બોલાવી આવી. એનું નામ હતું ખેતલી.

    વાળુ કરી બન્ને જણી સૂતી

    અરધી રાત થઇ ત્યાં વાણિયણ જાગી ખેતલીને કહે:

                 ‘ખેતલી  ખેતલી!

                 રાત કેટલી  ? ‘

    ખેતલી કહે: ‘ બા! હજુ તો બાર જ વાગ્યા છે.’

    વાણિયણ કહે : ‘ મને તો બહુ જ ભૂખ લાગી છે.

પેલા ખૂણામાં શેરડીના રસાત સાંઠા પડ્યા છે તે લાવ; ખાઇએ.’   

   પછી વાણિયણે અને ખેતલીએ સાંઠા ધરાઇને ખાધા  ને પછી સૂઇ ગઇ.

   વાણિયો બેઠો બેઠો કોઠીના કાણામાંથી બધુંય જોતો હતો. તે કહે: ‘ માળું! આ તોભારે લુચ્ચી લાગે છે!’

   વળી જ્યાં બે વાગ્યા ત્યાં વાણિયણ ઊઠીને ખેતલીને કહે:

             ‘ખેતલી   ખેતલી!

              રાત  કેટલી?’

    ખેતલી કહે: ‘ બા હજુ તો બે જ વાગ્યા છે .’

    વાણિયણ કહે:’ પણ મને તો બહુ જ ભૂખ લાગી છે . છ સાત સુંવાળી કરી નાખ, તો આપણે નિરાંતે ખાઇએ.’

     કોઠીમાં બેઠેલો વાણિયો વળી મનમાં ને મનમાં બબડ્યો. :’ ઓય રાંડ ! આ તો  ભારે લુચ્ચી!’

     ખેતલી એ તો સુંવાળી કરી . સુંવાળી બંને જણીએ ખાધી ને પાછી સૂઇ ગઇ.

     જ્યાં ચાર વાગ્યા ત્યાં વળી પાછી વાણિયણ જાગીને બોલી :

                ‘ખેતલી  ખેતલી!

                 રાત કેટલી  ?’

     ખેતલી કહે: ‘ બા ! હજુ તો ચાર જ વાગ્યા છે.’

     વાણિયણ કહે : ‘ બહેન! મને તો બહુ જ ભૂખ લાગી છે . થોડો શીરો હલાવી નાખ ને ?’

     છોડીએ તો થોડોક શીરો કર્યો. અંદર ઘી ખૂબ નાખ્યું હતું.

     પછી બન્ને જણીએ શીરો ખાધો ને વળી પાછી સૂઇ ગઇ.

      કોઠીમાં બેઠો બેઠો વાણિયો તો દાંત ભીંસવા લાગ્યો.

      વળી જ્યાં છ વાગ્યા, ત્યાં વાણિયણ પાછી  જાગી, ને કહે:    

                  ‘ખેતલી  ખેતલી!

                  રાત  કેટલી ?’   

       ખેતલી કહે: ‘બા ! છ વાગ્યા છે.’

      વાણિયણ કહે : ‘ હજુ હું તો ભૂખી જ છું. થોડી ધાણી ફોડ જોઇએ? આપણે થોડીક ધાણી ખાઇએ ને પાણી પીએ.’

      ખેતલીએ તો ધાણી  ફોડી ને બન્ને જણીએ ખાધી

      કોઠીમાં બેઠેલો વાણિયો મનમાં કહે:’ સવારે વાત છે આ વાણિયણની!’

       પછી ખેતલી પોતાને ઘેર ગઇ અને વાણિયણ પાણી ભરવા ગઇ.

     પાછળથી વાણિયો કોઠીમાંથી બહાર નીકળી ગામમાં ગયો ને થોડીક વાર પછી પોટકું લઇ પાછો આવ્યો.

      વાણિયણ તો ઝાંખી પડી ગઇ . એના મનમાં થયું કે ગમે તેમ હોય પણ વાણિયો વાત જાણી ગયો છે. વાણિયણે પૂછ્યું: ‘ તમે તો ચાર પાંચ દિવસને ગામતરે ગયા હતા ને આમ પાછ કેમ આવ્યા ?’

    વાણિયો કહે :’ મને તો અપશુકન થયા એટલે પાછો આવ્યો.’

    વાણિયણ કહે : ‘ કહો તો ખરા, એવા તે શા અપશુકન થયા?’

    વાણિયો કહે :’ રસ્તામાં એક મોટો સાપ આડો ઊતર્યો.’

    વાણિયણ કહે : ‘ હાય હાય! મોટો સાપ તે કેવડો હશે?’

    વાણિયો કહે : ‘કેવડો તે કેમ ? શેરડીના સાત સાંઠા જેવડો!’

    વાણિયણ કહે : ‘પણ એની ફેણ કેવડી હતી ?’

      વાણિયો કહે: ‘ફેણ તો મોટી બધી સાત સુંવાળી જેવડી હતી.’

     વાણિયણ કહે : ‘ તે ઇ સાપ ચાલતો’ તો કેમ કરીને ?’

     વાણિયો કહે: ‘કહું? શીરામાં જેમ ઘી ચાલે તેમ ચાલતો હતો.’

    વાણિયણ કહે : ‘ સાપ ઊડતો’ તો કે નહી ?’

   વાણીયો કહે :’ હા , હા, તવીમાં જેમ ધાણી ઊડે એમ ઊડતો હતો !’

   વાણિયણને ખાતરી થઇ ગઇ કે જરૂર વાણિયો બધી વાત જાણી ગયો છે . પોતે ઢીલી પડી ગઇ ને વાણિયાને પગે પડીને માફી માગવા લાગી.

     વાણિયે તેને તે દિવસે જવા દીધી પછી બંને સમજી ગયાં . વાણિયો લોભી મટી ગયો ને વાણિયણ ખાઉકડ મટી ગઇ.

                      સમાપ્ત

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s