Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બે હજાર વર્ષ પહેલાં ઝીનો નામનો એક વ્યાપારી સમુદ્રમાર્ગે એક જહાજ દ્વારા પોતાનો માલસામાન લઈ જઈ રહ્યો હતો. માલમાં મુખ્યત્વે એક વિશિષ્ટ પ્રકારની ‘Dye’ (ઇન્ક) હતી જેનો વ્યાપાર કરીને ઝીનો પુષ્કળ નાણાં કમાતો. રોયલ પર્પલના નામથી ઓળખાતી આ શ્યાહીનો ઉપયોગ રાજા-મહારાજાઓના પોષાક રંગવા માટે થતો. આ ઇન્ક એટલા માટે મોંઘી અને મૂલ્યવાન હતી કારણકે તે હજારો છીપ (શેલ-ફીશ)ના અર્કમાંથી મહામહેનતે બનાવવામાં આવતી. આવી ખર્ચાળ ઇન્કના ખૂબ બધા કન્ટેઈનર્સ લઈને ઝીનો વ્યાપાર માટે જઈ રહ્યો હતો. એ સમયે સમુદ્રમાં આવેલા એક ભયંકર તોફાનને કારણે ઝીનોનું જહાજ ડૂબવા લાગ્યું. સમયસર જહાજ છોડી દઈને ઝીનોએ પોતાનો જીવ તો બચાવી લીધો, પણ બાકીનું બધું જ ડૂબી ગયું.

લાકડાના એક ટુકડાને સહારે તરતો તરતો ઝીનો એથેન્સના દરિયાકિનારે આવી પહોંચ્યો. ગ્રીસની રાજધાની ગણાતું એથેન્સ શહેર તેના માટે તદ્દન અજાણ્યું હતું. દરિયાઈ તોફાનમાંથી હેમખેમ બહાર કાઢીને નિયતીએ તેને એક નવજીવન તો આપ્યું પણ બાકીનું બધું જ ઝુંટવી લીધું. તેનું જહાજ, નાણા, માલ-સામાન અને વ્યાપાર બધું જ ડૂબી ગયેલું. ખાલીખમ હાથ અને ઉદાસ ચહેરા સાથે ઝીનો એથેન્સની શેરીઓમાં ભટકવા લાગ્યો. તે કોઈને ઓળખતો નહોતો. ક્યાં જવું ? શું કરવું ? એ તેને સમજાતું નહોતું. થાકી હારી હતાશ થઈને છેવટે ઝીનો એથેન્સના એક બુક-સ્ટોરની બહાર આવેલા ઓટલા પર બેસી ગયો. એ સમયે તેણે બુક-સ્ટોરની અંદર એવું કશુંક સાંભળ્યું જેણે તેનું જીવન બદલી નાંખ્યું.

સોક્રેટીસ વિશે લખાયેલા એક પુસ્તકમાંથી એ બુક-સ્ટોરનો માલિક એક પ્રસંગ વર્ણવી રહ્યો હતો. એ પુસ્તક હતું ‘The Memorabilia’ જે સોક્રેટીસના શિષ્યએ લખેલું. એ પુસ્તકનો એક અંશ વાંચતા બુક-સ્ટોરના માલિકે કહ્યું, ‘સોક્રેટીસ કહેતા કે Sophia એટલે પ્રજ્ઞા (Wisdom) અને Philia એટલે પ્રેમ. આમ, જીવનમાં જેને પ્રજ્ઞા કે શાણપણ પ્રત્યે પ્રેમ છે એને કહેવાય ફિલોસોફર. કોઈએ સોક્રેટીસને પૂછ્યું કે તો પછી સુંદર અને રમણીય સ્થળો છોડીને કોઈ ફિલોસોફર બજાર જેવી ભીડભાડવાળી જગ્યાએ શું કરે છે ? સોક્રેટીસે જવાબ આપ્યો : પોતાની જાતને યાદ કરાવવા કે આ બજારમાં એવી અઢળક વસ્તુઓ છે જેની મને જરૂર નથી.’

આ સાંભળીને ઝીનોની આંખમાં ચમકારો થયો. ઓટલા પરથી ઉભા થઈને તેણે બુકસેલરને પૂછ્યું, ‘આજના યુગમાં આવો માણસ ક્યાં મળશે ?’ બાજુમાં ઉભેલા સોક્રેટીસના શિષ્ય તરફ આંગળી ચીંધીને બુકસેલરે કહ્યું, ‘આ રહ્યા એમના એક શિષ્ય. એમને પૂછો.’ અને ત્યાર બાદ ઝીનોએ ફિલોસોફી ભણવાની શરૂઆત કરી. ઇન્કનો એક વ્યાપારી પોતાનું બધું જ ગુમાવ્યા બાદ એક વિદ્યાર્થી બની ગયો. પુસ્તકો વાંચવા લાગ્યો. જે સ્થળ પર સોક્રેટીસ ફિલોસોફી ભણાવતા એ જ સ્થળ પર અમૂક વર્ષો પછી ઝીનોએ ‘સ્ટોઈક’ નામની એક નવી ફિલોસોફીની સ્થાપના કરી જે આજની તારીખેય વખણાય અને વંચાય છે. એમના અનુયાયીઓ ‘Stoics’ તરીકે ઓળખાય છે.

તો બસ, વાત તો એટલી જ છે કે એક ઉન્નત જીવન અને પરિવર્તનની શરૂઆત બુક-સ્ટોરમાંથી થતી હોય છે. જ્યારે પણ જીવનમાં બધું જ ગુમાવી દીધાની અનુભૂતિ થાય ત્યારે કોઈ પુસ્તકાલયની મુલાકાત લેવી. ત્યાં રહેલા અઢળક પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તક તો એવું મળશે જ, જે ઝીનોની જેમ આપણને પણ બેઠા કરી શકે. ૨૦૧૯માં આવેલા એક ભયંકર ડિપ્રેશન બાદ મને જીવન તરફ બે પુસ્તકોએ પાછો વાળ્યો. એક હતું એકહાર્ટ ટોલનું ‘ધ પાવર ઓફ નાવ’ અને બીજું હતું માર્કસ ઓરેલિયસનું ‘મેડિટેશન્સ’. હવે એક સિક્રેટ વાત કહું ? એક રોમન સમ્રાટ હોવાની સાથે માર્કસ ઓરેલિયસ ‘સ્ટોઈક’ ફિલોસોફર પણ હતા. ઝીનોએ શરૂ કરેલી ‘સ્ટોઈક’ ફિલોસોફીને માર્કસ ઓરેલિયસ, સેનેકા અને એપીક્ટેટસ જેવા ફિલોસોફર્સે આગળ વધારી, જે આજે લાખો વાચકોના જીવનમાં પ્રજ્ઞા (Sophia) પ્રસરાવી રહી છે. એક ડૂબી ગયેલું જહાજ બે હજાર વર્ષ પછી પણ કેટલાય ડૂબતા લોકોને બચાવી શકે છે !
-ડૉ. નિમિત્ત ઓઝા

Author:

Buy, sell, exchange old books

Leave a comment