સરસ છોકરો
હું એની બાજુ જોઈ રહ્યો. વારુ, એ કરે છે શું ?
જો કે મારે એમ કરવાની જરાયે જરૂર નહોતી. છતાં પણ મેં એમજ કર્યું. થોડી વાર ત્યાં ઊભો રહ્યો.
હું મારા બે પૌત્રોને લઈ સાયકલ પર ફેરવવા નીકળ્યો હતો. જવું હતું હાઇવે પર ગાયત્રી મંદિર કે જ્યાં મને દર્શનનો અને દીકરાઓને ત્યાંના બાગમાં નિસરણી, લપસણી અને હીંચકાઓનો લાભ મળે. હું અવાર નવાર ત્યાં જાઉં છું.
ઘરેથી થોડા આગળ જતાં યાદ આવ્યું કે ઘઉંનો લોટ થઈ રહ્યો છે, લાવવો પડશે. મેં મંદિર જવાનું પછી રાખ્યું અને સાયકલ અનાજ દળવાની ઘંટી તરફ લીધી. મંદિરના નહિ પણ જુદા રસ્તે સાયકલ વાળી તે ન ગમતાં, નાના પૌત્રો એ એમની નારાજગી સાયકલ પર થોડા તોફાન દ્વારા વ્યક્ત કરી. મારું સાયકલ પરનું સંતુલન જતું રહે તેમ થયું.
મેં સાયકલ ધીમી કરી અને બંનેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. હું સામાન્ય રીતે સાયકલ પર પાછળના ભાગે કેરિયર પર બેસું છું. એક પુત્રને આગળ ગવર્નર સાથે જોડાયેલ પાંજરામાં એના બે પગ બહાર રહે તેમ અને બીજાને મુખ્ય સીટ પર એક હાથ આડો રાખી તે પકડમાં રહે તેમ બેસાડું છું.
આવતા જતા લોકો કુતૂહલથી અમો ત્રણેયને જોઈ રહ્યા હતા. અત્યારે હાલ પંચાવન વર્ષથી વધારે ઉંમરના લોકોને એ ખ્યાલ હશે કે સાયકલના ગવર્નર સાથે સેટ થઈ જાય તેવા પાંજરા અગાઉ પ્રચલિત હતા કે જેમાં નાના બાળકને બે બાજુ પગ બહાર રાખી બેસાડી શકાતા હતા. તેમને તેડવાનો અને વજન ઉઠાવવાનો કોઈ ભાર લાગે નહિ.
એવામાં આગળ જતાં સામે એક નાનો, મેલાં ઘેલાં કપડાં પહેરેલો છોકરો સામે મળ્યો. એના હાથમાં એક ફાટેલી તૂટેલી થેલી હતી કે જેમાં થોડો ભંગાર ભરેલો દેખાઈ આવતો હતો. તે રોડ પરનો ભંગાર વીણવાનું કામ કરતો હશે.
મને મનમાં થયું કે લાવ એ છોકરાને કંઇક મદદ કરું. એનું ધ્યાન તો રોડની આજુ બાજુ હતું. મને એને જોતા લાગ્યું કે તે સંસ્કારી છે અને સીધી રીતે મારી કોઈ મદદ લેશે નહિ. એ સ્વમાની પણ લાગ્યો હતો. એને એના કામથી નિસબત હોય એમ લાગ્યું.
સવારના દસ વાગ્યાની આસપાસ નો સમય હતો. એનો ચહેરો મ્લાન હતો. એની ધૂનમાં, આજુ બાજુ ભંગાર શોધતો શોધતો અને જે કંઈ ચીજ વસ્તુઓ જડે તે થેલીમાં નાખતો એ પસાર થઈ ગયો. મને એની મદદ કરવાની તીવ્ર ઈચ્છા થઇ. એને સાદ પાડી મારી પાસે બોલાવ્યો. મને એ ભૂખ્યો હોય એમ લાગ્યું. એ પાસે આવ્યો.
મેં કહ્યું દોસ્ત પૈસા લઈશ ? એણે ના પાડી. મેં વિનંતીના સૂરમાં એને કહ્યું કે તું બિસ્કીટ કે કંઈ નાસ્તો લઈશ ? તે વિચારમાં પડ્યો અને એ તકનો લાભ લઈ મેં એને દસ રૂપિયા આપી સામેની દુકાનેથી બિસ્કીટ લઈ ખાવા કહ્યું.
એ અસમંજસમાં પૈસા લઈ દુકાને ગયો અને ફક્ત પાંચ રૂપિયાના પારલે જી લીધા. એણે ત્યાંજ પેકેટ તોડી દીધું. એ બાકીના પાંચ રૂપિયા આપવા મારી બાજુ આવ્યો. મને એમ કે એ બીજી કોઈ દુકાને જઈ પેકેટ પાછું આપી રોકડી કરી લેશે અને વધેલા પૈસા એની પાસે રાખી લેશે.
મેં ઈશારામાં એને કહ્યું કે બાકીના પૈસા તું રાખી લે. મારા પૌત્રો તરફ એનું ધ્યાન દોરતાં કહ્યું કે એમના માટે થઈને લઈ લે. એણે કમને સ્વીકાર કર્યો અને આગળ ચાલી નીકળ્યો. હું પણ ઘઉંનો લોટ લેવાને ચાલ્યો.
અનાજ દળવાની ઘંટી પર મારું કામ પૂરું થતાં હું પરત થયો ત્યાં રસ્તામાં એ છોકરાને મેં અલગ જગ્યા પર બેસી આનંદથી બિસ્કીટ ખાતાં જોયો. એ એની દુનિયામાં મસ્ત હતો.
હું દૂરથી એને જોઈ રહ્યો. મને એ સમયે વિશ્વાસ હતો કે એ ફક્ત પાંચ રૂપિયા જ સ્વીકારશે. જો હું ત્યાંથી ચાલ્યો ગયો હોત તો તે ચોક્કસ મને શોધતો રહ્યો હોત અને બાકીના પૈસા પાછા ન આપવા બદલ દુઃખી થયો હોત તથા એટલો સમય એનો ભંગાર વીણવા વિના વ્યતીત થયો હોત.
એટલી નાની વયે એના સંસ્કાર અને જાત મહેનતથી કમાવાની વૃત્તિએ મને અચંબિત કર્યો હતો. મારી દયાળુ થઈ, એના પર ઉપકાર કરવાની ભાવના નો તો હવે છેદ જ ઉડી ગયો હતો. હું એની ખુમારી અને ખાનદાનીને મનોમન વંદી રહ્યો.
✒️રસિકભાઈ વી પરમાર “રવ” પાટણ