પોતાને પડતા દુખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સુતા પહેલા ફરીયાદ કરી રહ્યો હતો કે પ્રભુ મને જ કેમ દુખો આપે છે મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.
એ રાત્રે સુતા પછી આ ભાઇને એક સ્વપ્ન આવ્યું. સ્વપનમાં એણે જોયુ કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુખોની પોટલી સાથે લઇને આવવાની સુચના મળી હતી આથી બધા પોતાની સાથે દુખોની પોટલી પણ લાવ્યા હતા.પરંતુ સ્વપ્નું જોઇ રહેલા આ માણસને આશ્વર્ય થયુ કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુખોની પોટલી હતી અને વળી બધાના દુખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્વર્ય ત્યારે થયુ જ્યારે એમણે મંદિરના પુજારી , મસ્જીદના મૌલવી , ચર્ચના પાદરી , ગામના સૌથી અમિર નગરશેઠ વગેરેને પણ પોતાની દુખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.
બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુખની પોટલી દિવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટીં પર પોતાના દુખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઇની પણ દુખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો બધાને પોતાના દુખની પોટલી બદલવાની છુટ છે.
સપનું જોઇ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં ! પણ તુંરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુખ છે એ મને ક્યાં ખબર છે ? મારી પોટલીમાં રહેલા દુખથી કમસેકમ હું પરિચિત તો છુ. અને મારા પોતાના દુખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહું ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે….લાંબું વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઇ પોતાના દુખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો……અને હા ! બાકીના બધા લોકોએ પણ એમ જ કર્યુ.
આપણે બીજાના હસતા ચહેરા જોઇને વધુ દુખી થઇએ છીએ પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે એ દેખાતો નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઇ નથી શકતા