સામાન્ય માણસ માટે સુખનો અર્થ એટલો જ છે કે પાડોશી પાસે છે એના કરતાં મારી પાસે વધુ અને સારું હોવું જોઈએ. તમારું ૩૬ ઇંચનું ટીવી ત્યાં સુધી જ સુખ આપે છે જ્યાં સુધી પાડોશીના ઘરમાં ૪૦ ઇંચનું ટીવી નથી આવતું. તેના ઘરમાં ૪૦નું ટીવી આવે એટલે તમારું ૩૬નું ટીવી દુ:ખ આપવા માંડશે. સુખને સાપેક્ષ બનાવી દીધું છે આપણે. સુખી માણસ આપણે કોને કહીએ છીએ? જેની પાસે ધન હોય, વૈભવ હોય, સુવિધાઓ હોય, આલીશાન ઘર હોય, ગાડીઓનો કાફલો હોય, કરોડોની કમાણી હોય, નોકર-ચાકર હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, ભર્યો-ભાદર્યો પરિવાર હોય. આ બધું જ અન્યની સરખામણી છે. એક માણસે બહુ તપ કરીને ઈશ્વરને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું કે હું જે ઇચ્છું એ બધું મળે. ઈશ્વરે કહ્યું તથાસ્તુ, પણ તું માગીશ એના કરતાં ડબલ તારા પાડોશીને મળશે. તેણે કરોડ રૂપિયા ન માગ્યા, બંગલા ન માગ્યા; કારણ કે તો પાડોશીને ડબલ મળે. તેણે માગ્યું કે પોતાની એક આંખ ફૂટી જાય. પાડોશી બેય આંખે આંધળો થઈ ગયો. જેની પાસે વૈભવ ન હોય એ માણસ સુખી નહીં હોય? સુખી માણસના પહેરણની વાર્તા સાંભળી છે? એક રાજા દુખી સ્વભાવનો હોવાને લીધે બીમાર રહેતો હતો. તેને એક સંતે કહ્યું કે કોઈ સુખી માણસનું ખમીસ પહેરે તો સાજો થઈ જાય. આખા રાજ્યમાં કોઈ સુખી માણસ ન મળ્યો ને મળ્યો એ માણસ મજૂર હતો. તેણે શર્ટ જ પહેર્યું નહોતું.
જગતમાં અમુક લોકો મૅસોચિસ્ટ હોય છે. તેમને દુ:ખમાં સુખ મળે છે. પીડા તેમને સુખ આપે છે. મૅસોચિસ્ટનો એક પ્રકાર સેક્સ્યુઅલ બાબતોમાં સ્વપીડનવૃત્તિ ધરાવનારનો છે, પણ એવા અસંખ્ય લોકો હોય છે જેઓ અન્ય બાબતોમાં મૅસોચિસ્ટ હોય છે. તેઓ રોજબરોજના સામાન્ય વ્યવહારમાં પણ પોતાની જાતને પીડા આપતા રહે છે. વાસ્તવમાં તો તેઓ પોતાને પીડા આપવા માટે અન્યોને અનુમતિ જ આપે છે. ઑફિસમાં બીજાનાં કામ કરી આપવામાં ના નહીં પાડી શકનાર પણ માનસશાસ્ત્ર મુજબ સ્વપીડનવૃત્તિ ધરાવનાર છે. પોતાને બહુ જ સારા દેખાડવા માટે દુ:ખી થવા સુધીની હદ સુધી જનારાઓ પણ મૅસોચિસ્ટ છે. આવા લોકો અન્ય તરફથી મળતા સુખને પણ નકારતા રહે છે. નેગેટિવ લાગણીઓને તેઓ પંપાળતા રહે છે.
કહેવાય છે કે સુખ અગાઉના જમાનામાં મૂર્તિમંત સ્વરૂપે ફરતું. બધા એને જોઈ શકતા, મેળવી શકતા. સારા-ખરાબ બધા જ લોકો સુખને પકડી શકતા, માણી શકતા. આ સ્થિતિથી સુખ ખૂબ જ દુ:ખી હતું. એક દિવસ સુખ એક ઋષિ પાસે ગયું. દુ:ખી ચહેરાવાળા માણસને જોઈને ઋષિએ પૂછ્યું, ‘ભાઈ, તું કોણ છે? તારો ચહેરો આટલો ઊતરેલો કેમ છે? લાગે છે કે દુ:ખના પહાડ તારા પર તૂટી પડ્યા હશે. મૂર્તિમંત થયેલું દુ:ખ જાણે મારી સામે ઊભું હોય એવો તું તો લાગે છે.’
મહાત્મા, હું દુ:ખ નથી, સુખ છું.’ મૂર્તિમંત સુખે જવાબ આપ્યો.
ઋષિ આશ્ચર્યથી તેને જોતા રહ્યા. તેમણે પૂછ્યું, ‘સુખ છે તો પછી આટલું દુ:ખી કેમ છે?’
સુખે પોતાની આપવીતી વર્ણવતાં કહ્યું, ‘મહારાજ, સદ્ગુણી, સરળ, સહજ, સમજુ અને સારા લોકો મને તેમની લાયકાતથી પામી શકે છે એનાથી હું ખુશ છું; પણ દુરાત્માઓ, અસદ્ગુણીઓ અને દુષ્ટબુદ્ધિ માનવીઓ પણ હું શરીરધારી હોવાને કારણે મને મેળવી લે છે અને એવા લોકો મને ભોગવે છે એનાથી હું દુ:ખી છું.’
ઋષિ પણ મૂંઝાયા. તેમણે સુખને પૂછ્યું, ‘તું કયાંક સંતાઈ કેમ નથી જતું? જેથી તને ખરાબ માણસો શોધી જ ન શકે.’
‘એવું પણ કરી જોયું. અનેક જગ્યાએ સંતાયું. એનાથી સારા માણસોને મને શોધવામાં મુશ્કેલી પડે છે; પણ ખરાબ માણસો તો મને ગમે તેમ કરીને, કોઠા-કબાડા કરીને પણ શોધી લે છે. દુર્જનો પાસે રહેવું પડે છે એનું મને એટલું દુ:ખ છે કે હું દુ:ખ જેવું બની ગયું છું.’
થોડી વાર મનન કરીને ઋષિએ ઉપાય બતાવ્યો, ‘તું બહાર સંતાય એના કરતાં માણસના મનમાં જ સંતાઈ જા. માણસો તને બહાર શોધવાનો પ્રયત્ન કરશે. જે સારા હશે, સમજુ હશે, શાણા હશે એ લોકો જ તને પોતાના મનમાં શોધશે. ખરાબ માણસ ક્યારેય પોતાના મનને શોધતો નથી, પોતાના અંતરમાં દૃષ્ટિ કરતો નથી એટલે એ તને શોધી નહીં શકે.’
વાર્તામાંનું સુખ ત્યારથી માણસના મનમાં છુપાઈ ગયું છે એટલે સુખને એ જ પામી શકે છે જે પોતાની અંદર જોઈ શકે છે, આંતરખોજ કરી શકે છે. મૂળ વાત એટલી જ છે કે સુખ ક્યાંય બહાર શોધવાથી મળતું નથી.
સુખનું પણ આવું જ છે. એ છુપાયું છે ત્યાંથી જ એને મેળવી શકાય. એને બહાર શોધતા રહેવાની મથામણ વ્યર્થ જ રહેવાની. જે અંદરથી ખુશ છે એને કોઈ દુ:ખી કરી શકતું નથી, કારણ કે એને સુખનું સરનામું મળી ગયું છે.
રોહિત પટેલ