રાજસ્થાનના સિરોહી ગામમાં રહેતા એક વૃદ્ધ કિસાનનો નિયમ હતો કે કોઇપણ ઘટના વિશે પોતાની પ્રતિક્રિયા આપતો નહોતો. તે એક જ શબ્દ વાપરતો : ”કદાચ એવું હોય.”
એકવાર તેનો ઘોડો દોરડું તોડીને જંગલમાં ભાગી ગયો. પડોશીઓ ખેડૂત પાસે આવીને તે વાતનો અફસોસ વ્યક્ત કરવા માંડયા. કોઇ નુકસાનની વાત કરતું હતું તો કોઇ યોગ્ય રીતે વ્યવસ્થા નહીં કરવાનો વાંક કાઢતું હતું. સહુની વાત સાંભળી ખેડૂત કહેતો : ”કદાચ એવું હોય.” લોકો ચુપ થઇને ચાલ્યાં ગયાં.
ત્રણ દિવસ પછી એ ઘોડો ત્રણ જંગલી ઘોડીઓ સાથે પાછો આવ્યો. એ જોઇ લોકો તે ખેડૂતના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. બધાંની વાત સાંભળીને ખેડૂતે કહ્યું : ”કદાચ એવું હોય.” બે દિવસ પછી ખેડૂતનો જવાન દીકરો જંગલમાંથી આવેલી નવી ઘોડીને કેળવવાના પ્રયાસમાં ઘોડી પરથી ભોંય પટકાયો અને એનો પગ તૂટી ગયો. ગામનાં લોકો ફરી દુ:ખ વ્યક્ત કરવા લાગ્યા. ખેડૂતે પૂર્વ પરિચિત અંદાજમાં કહ્યું : ”કદાચ એવું હોય.”
ત્યારબાદ બીજે દિવસે રાજાના સૈનિકો ગામમાં આવ્યાં. એ દિવસો દરમ્યાન પડોશી રાજ્ય સાથે તે રાજાનું યુધ્ધ ચાલતું હતું. સૈનિકો તરીકે ભર્તી કરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે સૈનિકો પેલા ઘરડા ખેડૂતના ઘેર પહોંચ્યા ત્યારે ખેડૂતના દીકરાનો પગ ભાગેલો જોઇ તેને છોડીને ચાલ્યા ગયા. ગામના લોકો વળી પાછા ખેડૂતના ભાગ્યને વખાણવા લાગ્યા. ખેડૂતે કહ્યું : ”કદાચ એવું જ હોય.”
જિંદગીમાં બનતી ઘટનાઓને અનુકૂળ પ્રતિકૂળ નજરથી જોઇને ઉતાવળે નિર્ણય લેવાની આદત આપત્તિજનક છે. ક્યારેક વરદાનમાં પણ અભિશાપ સમાએલો હોય છે અને અભિશાપ પણ વરદાન સાબિત થવાનો હોય તેની કોને ખબર. ઘટનાઓને સાક્ષી ભાવે નીરખવાથી ઘણી બધી આફતો આપોઆપ ટળી જતી હોય છે.