રમેશભાઈના સૌથી નાના દીકરા મોહનના લગ્ન ધૂમધામથી સંપન્ન થઇ ગયા હતા. રમેશભાઈ અને સુશીલાબહેનને ચાર સંતાન હતી. ત્રણ દીકરીઓ અને ચોથો સૌથી નાનો પુત્ર મોહન.
રમેશભાઈ જયારે આશરે ત્રીસ વર્ષ પહેલા આ શહેરમાં આવ્યા હતા તો તેમણે રસ્તાના કિનારે સાપ્તાહિક બજારમાં રેડીમેડ કપડાં વેચવાનું કામ શરુ કર્યું હતું. એક રૂમનું ઘર. તેમાં રસોડા, બેડરૂમ અને દુકાનનો સામાન પણ રહેતો. ઘણી તકલીફોથી ભરેલા ઘણા વર્ષો વિતાવ્યા હતા તે બંને એ. પરંતુ કઠોર પરિશ્રમ અને બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાની ઝંખનાને કારણે તે દરેક મુશ્કેલી સામે લડ્યા અને આગળ વધતા રહ્યા.
આજે શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર તેમનો પ્રખ્યાત રેડીમેડ કપડાં ને સાડીઓનો શોરૂમ છે. પોતાનું મોટું ઘર છે, ગાડી ઘોડા નોકર ચાકર બધું છે…. છતાં પણ રમેશભાઈ અને સુશીલાબહેન એક એક પૈસા બસ બાળકો ઉપર ખર્ચ કરી રહ્યા હતા. પોતાના ઉપર ખર્ચ કરતા જાણે તેમને ક્યારે પણ આવડ્યું જ નહીં.
ચાર બાળકોના શિક્ષણ અને પાલનમાં તેમણે કોઈ કસર બાકી રાખી જ નોહતી. પછી ત્રણે દીકરીઓના સંસ્કારી અને સંપન્ન ઘરોમાં લગ્ન કર્યા. અને હવે મોહનના લગ્ન પણ થઇ ગયા. મોહન માટે તેમણે બાળપણના મિત્ર અને સરકારી સ્કૂલના પટાવાળા હરિગોપાલાની પુત્રી સુધાને ઘણા પહેલા જ પસંદ કરી હતી. મોહન પણ સુધાને જીવનસંગનીના રૂપમાં મેળવીને ઘણો ખુશ હતો.
લગ્નની ભાગમ ભાગ અને મહેમાનોની વિદાય પછી આજે પહેલીવાર આખો પરિવાર એકસાથે ખાવા બેઠો હતો. ત્રણે દીકરીઓ હમણાં થોડા દિવસ પિયરમાં રોકવાની હતી. સુધા નાની નણંદ સાથે મળીને બધાને ભોજન પીરસી રહી હતી.
“સુધા દીકરી અને મોહન… હવે તમે બંને અઠવાડિયા દસ દિવસ માટે ક્યાંક ફરી આવો. તમારા બંનેનું દાંપત્યજીવન શરુ થઇ રહ્યું છે. લગ્નએ મનુષ્ય જીવનનો નવો જન્મ કહેવાય છે, એવામાં તમે બંને કેટલાક દિવસ કોઈ ઠંડા ને હરિયાળા વિસ્તારમાં પસાર કરીને આવો જેથી દામ્પત્ય જીવનમાં હંમેશા ઠંડક અને હરિયાળી છવાઈ રહે.” રમેશભાઈએ ભોજન પછી ઇલાયચીનો દાણો મોઢામાં મુકતા કહ્યું.
“તમારા પપ્પા બરાબર કહી રહ્યા છે દીકરા. દુકાન અને ઘરની ફિકર છોડીને તમે બંને થોડા દિવસ બહાર ફરીને આવો.” સુશીલાબહેને દીકરા તરફ જોઈને કહ્યું.
“મમ્મી… પપ્પા… તમારા બંનેની પરવાનગી હોય તો હું કૈક કહેવા માંગુ છું.” સુધા નીચી નજરે વચમાં બોલી પડી.
“હા દીકરા… બોલો બોલો… એમાં વળી પરવાનગીની શું વાત છે?” સાસુ સસરા એકસાથે બોલી પડ્યા.
“મમ્મી-પપ્પા તમે બંનેએ આખું જીવન બાળકો માટે ખપાવી દીધું. પપ્પાના મોઢે નાનપણથી બધું સાંભળી રહી છું કે તમે બંને પોતાના માટે એક સાડી કે રૂમાલ પણ ખરીદવામાં દસ વાર વિચાર કરતા હતા. પરંતુ બાળકો માટે ક્યારે પણ કોઈ ખામી નથી રાખી. તમે બંને લગ્ન પછી કોઈ બરફાચ્ચાદિક કે હરિયાળા વિસ્તારમાં ફરવા નથી ગયા, પછી તમે જ કહો કે આટલો ઠંડો સ્વભાવ અને હરિયાળું દામ્પત્ય જીવન તમને બંનેને કેવી રીતે મળ્યું.
અમારા બંને માટે ફરવા માટે આખું જીવન પડ્યું છે. હવે ફરવાનો અને દુનિયા જોવાનો ટાઈમ કોઈનો છે, તો એ તમારા બંનેનો છે. અમે બંને એ તમારા બંનેનો યુરોપ ફરવાનો એક મહિનાનો પ્લાન બનાવી દીધો છે. વિઝા… ટિકિટ બધાની વ્યવસ્થા થઇ ગઈ છે. કાલે હું તમને બંનેને લઈને મોલ જઈશ કારણ કે યુરોપના મોસમ પ્રમાણે ગરમ કપડાં ને યાત્રા માટે જરૂરી સામાનની ખરીદી થઇ જાય. આવતા રવિવારે તમારે બંને એ નીકળવાનું છે. અને હા ટુર કંપની વાળા તમારી દરેક રીતે કાળજી રાખશે.”
“અને હા… મમ્મી… મારા માટે લંડનથી એક હેટ ચોક્કસ લેતા અવાજો.” મોહન હસતા હસતા બોલ્યો અને પછી સુધા અને મોહન ખડખડાટ હસવા લાગ્યા.
દુનિયા અખાની દુઃખ અને તકલીફ ઉઠાવી ચૂકેલા રમેશભાઈને વિશ્વાસ નોહતો થઇ રહ્યો કે આજના યુગમાં લગ્ન કરીને આવેલી પુત્રવધુ પોતાના મોજશોખનો વિચાર કરવાની જગ્યાએ સાસુ સસરા માટે વિદેશ ફરવા જવાના પ્રોગ્રામ બનાવામાં લાગી ગઈ હતી.