માહિલાદીવસે કંઈક પુણ્યશ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર વિશે.
પ્રકૃતિ પાસે રિપ્લેસમેન્ટ ની અદભુત વ્યવસ્થા હોય છે. પ્રલય પછી સર્જન અને સર્જન પછી પ્રલય. ભારતમાં મૂર્તિભંજક આક્રંતાઓના અવિરત એક હજાર વર્ષના શાસન પછી ભારતના સાંસ્કૃતિક, આધ્યાત્મિક નવનિર્માણની પ્રક્રિયાનો સમય પણ આવ્યો. મૂર્તિભંજકોની (ઔરંગઝેબ નું મૃત્યુ વર્ષ 1707 માં અહમદનગર ખાતે થયું હતું અને અહમદનગર જિલ્લામાં જ વર્ષ 1725 માં અહલ્યાબાઈ નો જન્મ થયો હતો. આને વિધિની વક્રતા કહો કે સંયોગ કહો.) વિધ્વંસક પ્રવૃતિઓ નો પ્રત્યુત્તર હતા ઇન્દોરના રાજમાતા અહલ્યાબાઈ હોલકર.
અહલ્યાબાઈ નો જન્મ 31 મેં 1725 ના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચૌડી ગામમાં થયો હતો તેમના પિતા માનકોજી શિંદે ધનગર સમુદાયના પાટીલ હતા અહલ્યાબાઈ પોતે સામાન્ય ખેડૂત પરિવારની કન્યા હોવા છતાં અદભુત વહીવટ કુશળ અને ધર્માનુરાગી મહિલા હતા. યુવાવસ્થામાં વિધવા થયા અને એમના સસરા દ્વારા એમને સતી થતા રોકી રાજ્યના વહીવટી તંત્રની સમજવા, સાંચવવા અને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અહલ્યાબાઈ સામાન્ય ખેડૂતના પુત્રી હોવા છતાં એ સમયે પણ તેવો વાંચી લખી શકતા હતા અને એમની રાજકન્યાને એ સમયે સામાન્ય પરિવારમાં પરણાવી હતી અને પોતાના સગા પુત્ર માલેરાવની ગુનામાં સંડોવણી સાબિત થતા ઘટતી સજા આપી હતી (પુસ્તક માલેરાવ ની અંધાધૂંધી લેખક જાગીરદાર). આટલા ઉત્તમ ન્યાયકર્તા હતા આ મહિલા. ઇન્દોર જેવા સામાન્ય ગામડાને હોલકર સામ્રાજ્યનું વડું મથક બનાવવાનો શ્રેય પણ અહલ્યાબાઈ ને જાય છે.
આજના સમગ્ર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના પ્રતિષ્ઠિત મંદિરોના નવનિર્માણનો શ્રેય પણ આ પુણ્યશ્લોક મહિલા અહલ્યાબાઈ ના ફાળે જાય છે. અત્યારના હિંદુઓના પવિત્ર અને પ્રતિષ્ઠિત મંદિરોનું અસ્તિત્વ આ એકમાત્ર મહિલા ના યોગદાન ને કારણે સંભવ બન્યું છે. હાલના અયોધ્યા, કાશી વિશ્વનાથ, સોમનાથ, ઉજ્જૈન, નાથદ્વારા, નાસિક, પંઢરપુર, ચિત્રકૂટ, પુષ્કર, ગંગોત્રી, ગયા અને પરળીના મંદિરોના નવનિર્માણ તેમજ બદ્રીનાથ, મથુરા, હરિદ્વાર, રામેશ્વર, અમરકંટક, ટેહરી અને સપ્તશૃંગી જેવા સ્થળો પર યાત્રાળુઓને રહેવા માટે ધર્મશાળાઓ નું નિર્માણ કર્યું અને કાશી, પ્રયાગ અને કુરુક્ષેત્રમાં નદીઓના ઘાટ બંધાવ્યા. દરેક મંદિરોના નિભાવ ખર્ચ માટે કાયમી વાર્ષિક સાલીયાણા બાંધી આપ્યા. પોતે શિવભક્તીની હોવાથી બારેય જ્યોતિર્લિંગ માટે ઉદાર સખાવત કરી હતી અને ઉપરોક્ત તીર્થસ્થાનો સુધી પહોંચવા માટે સડકોનું નિર્માણ કરાવ્યું હતું ખાસ કલકતા થી બનારસ સુધીના રોડનું નિર્માણકાર્ય આ મહાન નારી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહલ્યાબાઈ ભારતમાં મુઘલ સામ્રાજયના અંતિમ સમય થી લઈને આઝાદીના સમય સુધી ભારતના હિંદુત્વના એકમાત્ર રક્ષક, ઉદ્ધારક અને પોષક બન્યા હતા. જો અહલ્યાબાઈ ન જન્મ્યા હોત તો પુરા બસ્સો વર્ષ સુધી ભારતના તીર્થયાત્રીઓ પોતાના આરાધ્ય દેવના દર્શન ન કરી શક્યા હોત આ ઐતિહાસિક સત્ય છે અને આજના કાશી વિશ્વનાથ કે સોમનાથ મંદિર ક્યારેય અસ્તિત્વમાં ના આવ્યા હોત. કારણકે ત્યાં અહલ્યાબાઈ દ્વારા વચલા ગાળામાં મંદિર નિર્માણ કરી નાખવામાં આવ્યું હતું. પુરા બસ્સો વર્ષ સુધી હિંદુત્વને ઓક્સિજન પૂરો પાડનાર આ મહિલાને યાદ કર્યા વગર ક્યારેય અર્વાચીન હિંદુત્વ નો ઇતિહાસ રજૂ થઈ શકે એમ નથી.
સ્પાર્ક : કોઈપણ કાર્ય કરવા માટે પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ અને આ પ્રબળ ઇચ્છાશક્તિ ના કારણે જ અહલ્યાબાઈ એક સામાન્ય ખેડૂતના કન્યા હોવા છતાં પોતાના નામની આગળ પુણ્યશ્લોક જેવું અદભુત ટાઇટલ લાગે એટલું ઊંચું કર્મ કરી શકાય એનું ઉદાહરણ બની ગયા. એ સમયે સમગ્ર ભારતમાં અનેક સમૃદ્ધ રજવાડાઓ હતા પરંતુ અહલ્યાબાઈ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ના અભાવે આવું અદભુત કાર્ય નથી કરી શક્યા આ નિર્વિવાદીત સત્ય છે.
#RandhirSpeaks #premyogfoundation #worldwomensday #women #currentaffairs #womenpower