છુટાછેડા..
કાઠમંડુમાં શ્રી પશુપતિનાથનાં દર્શન કરીને ત્યાંની હોટેલમાં તેનાં માતાપિતા સાથે રાત્રી રોકાયેલ મિતેષ હોટેલ બહાર આવેલ પાર્લર પાસેના ખુલ્લા ચોકમાં બેઠો હતો. સાંજના આઠ વાગ્યા હતા.એ સમયે આઠેક વર્ષનું એક નાનકડું ભૂલકું પાર્લર પર કંઈક લેવા આવ્યું.
મોબાઈલમાં વ્યસ્ત મિતેષની નજર અચાનક એ બાળક પર પડી.જોતાં જ મિતેષના મોંઢામાંથી શિષકારો નિકળી ગયો.બાળક વસ્તુ લઈને નિકળે એના પહેલાં તો મિતેષ ઉભો થઈને બાળક પાસે ગયો અને બાળકનો હાથ પકડીને કહ્યું,”બેટા! કહાં સે આયે હો?”
બાળકે કહ્યું, “અહમદાબાદ ગુજરાત.”
“તને ગુજરાતી ભાષા આવડે છે?”-મિતેષના પ્રશ્નનો હકારમાં જવાબ મળતાં જ મિતેષે બીજો પ્રશ્ન પુછ્યો,”કોની સાથે અહીં આવ્યો છે?”
“મમ્મી અને દાદી સાથે.”-કહીને બાળક કૂદતો કૂદતો હોટેલ તરફ ભાગી ગયો.
મિતેષના મનમાંથી આવેલ બાળકનો ચહેરો ખસતો નહોતો.એના મન પર એનું બાળપણ સવાર થઈ ગયું.કેવો અદ્લ હતો એ બાળકનો ચહેરો! બિલકુલ પોતાના બાળપણના ચહેરા જેવો! બાળપણના ફોટો આલ્બમમાં મિતેષે જોયેલી તસવીરો તદ્દન એ બાળક જેવી જ હતી.એ ખુબ વિહ્વળ બની ગયો.
મિતેષ ગામડા ગામના સામાન્ય પરિસ્થિતિના માબાપનું એકમાત્ર લાડકવાયું સંતાન.પિતા હરેશભાઈ અને માતા નયનાબેન.શહેરના પડખામાં જ આવેલ વતનનું ગામ એટલે હરેશભાઈ શહેરમાં એક જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં નોકરી કરે ને સાંજે ઘેર આવે.દુકાનનો માલિક સ્વાભાવે ઉદાર અને માયાળું એટલે હરેશભાઈનો પગાર પણ ઠીક પ્રમાણમાં આપે અને આકસ્મિક જરૂરિયાતમાં પણ ટેકો કરતાં પાછો ના પડે.
માતા નયનાબેન આમ તો ગૃહિણી છતાંય ગામમાં વાર તહેવારોમાં છુટક કામકાજ કરતાં અચકાય નહીં અને ઘરમાં ટેકારૂપ બનતાં રહે.
હરેશભાઈએ મિતેષને બાળપણથી જ શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું, સાથે સાથે નયનાબેનની સતત દેખરેખ તો ખરી જ.ફળસ્વરૂપ મિતેષ કાયમ અભ્યાસમાં અવ્વલ રહ્યો અને શિક્ષણ પુરું કરીને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચો પગારદાર બની ગયો.
માબાપના દુ:ખના દિવસો દુર થઈ ગયા.
મનમાં બાળપણ સવાર કરીને બેઠેલ મિતેષના મગજ પર બાળપણ પછીનો ભૂતકાળ પણ પીછો છોડવા માગતો નહોતો.
અમદાવાદમાં નોકરી મળતાં જ મિતેષે જીવનસાથી શોધવાના પ્રયત્નો આદરી દીધા પરંતુ એને ક્યાં ખબર હતી કે, કોઈ યુવતિ એને મનનો માણિગર બનાવીને જ બેઠી છે!
મિતેષ પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્ર સંજય સાથે એક ફ્લેટમાં ભાડે રહેતો હતો.એ જ ફ્લેટના સામેના ફ્લેટમાં અન્ય કંપનીમાં નોકરી કરતી ત્રણ છોકરીઓ રહેતી હતી.સામ સામે દરવાજા હોવાથી એકબીજાનો પરિચય થયો.
ક્યારેક રસોઈની આપલે તો ક્યારેક સાથે નાસ્તાપાણીએ એકબીજાંને નજીક લાવી દીધાં તે ખબર પણ ના રહી! એમાં મિનાક્ષી નામની છોકરી મિતેષ પર મોહી પડી.
એક દિવસ મિનાક્ષીએ સીધેસીધી મિતેષને મનની વાત કહી દીધી.મિતેષે પોતાનાં માબાપને ગામડેથી બોલાવીને મિનાક્ષી સાથે પરિચય કરાવીને બધી હકીકત કહીં.
વાત આગળ વધી.મિનાક્ષીના પરિવાર સાથે સંપર્ક, પરિચય અને છેવટે સગાઈ સગપણ થયાં ને ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયાં.
લગ્નના એકાદ મહિને મિતેષે નવો ફ્લેટ ભાડે લઈને પોતાનાં માબાપને સાથે બોલાવી લીધાં.
હરેશભાઈએ એ વખતે ખુબ આગ્રહપૂર્વક કહ્યું કે, “બેટા! તું અને મિનાક્ષીવહુ બે ચાર વર્ષ મોજ મજા કરો. કમાવા માટે હજી હું સમક્ષ છું.પછી આમેય તમારી સાથે રહેવા આવી જઈશું.”
તો વળી નયનાબેને તો મિતેષને વિનંતીભાવે કહ્યું કે,”દિકરા! વહુ નવા જમાનાની છે એટલે બે પાંચ વર્ષ ખમી જા.અત્યારે તો તેના શોખ પુરા કર.એકાદ બાળ બચ્ચું થશે એટલે અમે સામેથી ચાલીને આવી જઈશું.”
પરંતુ મિતેષે તો માબાપને કહી જ દીધું કે,”મિનાક્ષી સારા ઘરની છોકરી છે.તમે ચિંતા ના કરો.”
નવા જમાનાને ખુબ સારી રીતે સમજી ચુકેલાં હરેશભાઈ અને નયનાબેન મિનાક્ષી સાથે અનુકુળ થઈને જ રહ્યાં પરંતુ મિનાક્ષીનો સાસુ સસરા પ્રત્યેનો અણગમો ધીમેધીમે વધતો જ ગયો.હરેશભાઈ અને નયનાબેનનું જીવન એકદમ સાદગીભર્યું હતું.નયનાબેન તો મિનાક્ષી કહે તેમ ખડા પગે હાજર રહેતાં.ઘરકામનું દરેક કાર્ય નયનાબેને સહર્ષ સ્વિકારી લીધું હતું તો કરિયાણું, શાકભાજી તો હરેશભાઈના માથે હતું છતાંય ખાઈ વધતી ગઈ.
એકલવાયા અને સ્વતંત્ર,સ્વછંદી જીવનની લઘુતાગ્રંથિ મિનાક્ષીમાં ઘુસી ગઈ.
બસ,એક વર્ષના લગ્નજીવનમાં તો મિનાક્ષીએ મિતેષને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું,”ક્યાં તો હું નહીં કે પછી તમારાં મા બાપ નહીં! બેમાંથી એકની પસંદગી કરી લ્યો મિતેષ.”
બન્ને વચ્ચે સમાધાન ના થયું તે ના જ થયું.હર્યોભર્યો સંસાર વિખેરાઈને જ રહ્યો.મિનાક્ષીએ છુટાછેડા લઈ લીધા.
મિતેષ ભાગી પડ્યો.હરેશભાઈ અને નયનાબેને ઘણો સમજાવ્યો પરંતુ મિતેષના મિનાક્ષી પ્રત્યેના નિર્મળ પ્રેમે એને હલબલાવી નાખ્યો હતો.એને એક સાચા પ્રેમ સામે વિશ્વાસઘાતનો અહેસાસ થઈ રહ્યો હતો.”પ્રેમ” નામના શબ્દ પર નફરત થઈ ચુકી મિતેષને.મિતેષે એના જીવથીય વધારે ખ્યાલ રાખ્યો હતો મિનાક્ષીનો છતાંય વગર વાંકે સાવ ક્ષુલક કારણસર અચાનક છોડીને ચાલી ગઈ?પ્રેમનું બંધન તો પારકાંનેય પોતાનાં બનાવે છે,આ તો સગાં માબાપ એવાં સાસુ સસરાનેય પોતાનાં બનાવી ના શકી મિનાક્ષી!
જ્યાં પ્રેમનું પાંગરણ થયું હતું એ શહેરમાં રહેવું એને અસહ્ય થઈ પડ્યું.છુટાછેડાના પંદરમા દિવસે મિતેષ મુંબઈમાં નોકરી શોધીને ચૂપચાપ માબાપ સાથે મુંબઈ ઉપડી ગયો.
એના હ્રદય પર એવો ઘાવ લાગી ચુક્યો હતો કે,બીજાં લગ્નની ઈચ્છા તો મરી પરવારી ચુકી હતી.
છંછેડાયેલ માનુની મિનાક્ષીએ છુટાછેડાના માત્ર બીજા જ મહિને કપિલ નામના છોકરા સાથે લવમેરેજ કરી લીધાં.કપિલ પૈસાદાર માબાપનું સંતાન હતો.
લગ્નના પાંચમા જ દિવસે મિનાક્ષીને ઉલ્ટીઓ થવા લાગી.દવાખાને ડોકટર પાસે તપાસ કરાવતાં ખબર પડી કે, તે મા બનવાની છે અને હાલ ચોથો મહિનો ચાલે છે.
થથરી ઉઠી મિનાક્ષી.હવે શું કરવું? વિચારોમાં ને વિચારોમાં મહિનો પસાર થઈ ગયો.કપિલ સહિત તેના આખા પરિવારને મિનાક્ષીના પ્રથમ લગ્ન વિષે ખબર તો હતી એટલે બીજો કોઈ તો પ્રશ્ન નહોતો પરંતું હવે આ આવનાર બાળકનું શું?કપિલનાં પણ મિનાક્ષી સાથેનાં આ બીજાં લગ્ન હતાં.ફરક એટલો કે કપિલે એની પહેલી પત્નિને છુટાછેડા આપ્યા હતા.બીજું કે કપિલની પ્રથમ પત્નિની ચાર વર્ષની દિકરી પણ હતી જેની ખબર મિનાક્ષીને લગ્ન પહેલાં કરવામાં આવેલ હતી એટલે કોઈ પ્રશ્ન નહોતો પરંતું કપિલ સહિત તેના પરિવારનું હવે મિનાક્ષી સાથેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું એ મિનાક્ષીના ધ્યાને જરૂર આવ્યું.
સમયચક્ર ફરતું રહ્યું.પુરા મહિને મિનાક્ષીએ દિકરાને જન્મ આપ્યો.કપિલના પરિવારમાં તો કોઈ ઉત્સાહ નહોતો પરંતુ જાણ્યે અજાણ્યે મિનાક્ષીનું માતૃત્વ છલકાઈ ઉઠ્યું હતું અને કદાચ એટલે જ કપિલના પરિવારનાં વાણી વર્તન એને ડંખી રહ્યાં હતાં.
ખુદ મિનાક્ષીનો આત્મા પોકારી રહ્યો હતો,’તું મા બની છે મિનાક્ષી.બાળકનો પિતા મિતેષ છે પરંતુ મા તો એની તું જ છે મિનાક્ષી! છતાંય તને બાળક પર પ્રેમ ના હોય તો સોંપી દે એના બાપને!’
અસમંજસની સ્થિતિમાં એક વર્ષ વીતી ગયું ત્યાં જ કપિલ સહિતના પરિવારે પોત પ્રકાશ્યું.”મ’છોકરાને કાં તો હવે એના બાપને સોંપી દઈએ કે પછી ગમે તે બહાને અનાથાશ્રમમાં મુકી દઈએ.’
મિનાક્ષીના પગ નીચેથી જમીન સરકી ગઈ.એણે મિતેષ વિષે તપાસ તો કરી હતી પરંતુ કોઈ ભાળ મેળવી શકી નહોતી.આજની હકીકતથી તો એને રીતસરનો આઘાત લાગ્યો.ઘણું મનોમંથન કરી જોયું.એના આત્માએ એને ધિક્કારીને કહી દીધું,’ જોઈ લે મિનાક્ષી! હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ને! તેં ખુદ તારા પતિને એનાં માબાપથી અલગ કરવા માટે પ્રયત્નો કર્યા હતા ને! જોઈ લે મિનાક્ષી!આજે તારો બીજો પતિ તારા દિકરાને એની મા થી અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.કેવો અનુભવ થાય છે હવે? તું છોડી તો જો આ દિકરાને! ‘
કોમામાંથી બહાર આવી હોય તેમ મિનાક્ષી એકલી એકલી હાંફવા લાગી.એ અજાણતાં જ કપિલ અને મિતેષની સરખામણી કરી બેઠી.સાથે સાથે મિતેષ અને એના માબાપની એકદમ પ્રેમભરી જીવનશૈલી એના માનસપટ પર ચલચિત્રની જેમ સરકી રહી હતી.
પુરા પાંચ દિવસના ગુમસામભર્યા ચહેરે મનોમંથન કર્યા પછી છઠ્ઠા દિવસની સવારે મિનાક્ષીએ કપિલ આગળ બેધડક નિર્ણય જાહેર કરી દીધો,”મારે તારાથી છુટાછેડા લેવા છે કપિલ.હું આ બાળકને એકલી રહીને ઉછેરીને મોટો કરીશ.”
મિનાક્ષીનાં માબાપે આવીને મિનાક્ષીને ઘણું સમજાવી પરંતુ મિનાક્ષી એક ની બે ના થઈ.એણે માબાપને ચોખ્ખું દીધું કે,”હું એકલી જ રહીશ.હવે હું તમારા ઘેર પણ રહેવા માંગતી નથી.”
છેવટે કપિલથી છુટાછેડા લઈને મિનાક્ષી તેના પુત્ર મિલન સાથે એકલી રહેવા લાગી.મીનાક્ષીનાં મમ્મીની વિનંતી પછી વિધવા દાદીને પાસે રાખવા સંમત થઈ મિનાક્ષી પરંતું પિતૃગૃહે તો પરત ના જ ગઈ.દાદી સાથે બાળપણથી જ મિનાક્ષીને ખુબ બનતું.
મિનાક્ષીએ મિલનને પ્રથમ ધોરણમાં પિતા તરીકે મિતેષનું લખાવીને દાખલ કર્યો.
થોડી સમજણ આવતાં જ મિલનના અજબ ગજબના પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ,”મમ્મી! મારા પપ્પા આપણી પાસે ક્યારે આવશે? મમ્મી! આજે મારી સ્કૂલમાં રાહુલનાં દાદા -દાદી આવ્યાં હતાં, શું મારે દાદા-દાદી નથી? મારાં મેડમ મને કહેતાં હતાં કે, દાદા દાદી તો સરસ મજાની વાર્તાઓ કહે. મારાં દાદા-દાદીને પણ વાર્તાઓ કહેવા બોલાવને મમ્મી!”
કોઈ જવાબો નહોતા મિનાક્ષી પાસે! જીંદગીના સરવાળાને જાતે જ બાદબાકી કરી બેઠી હતી મિનાક્ષી.
ભગવાને આપેલ ઝગમગતી જ્યોત સ્વરૂપ જીંદગીને અંધકારની ગર્તામાં ધકેલી ચુકી હતી મિનાક્ષી.એને મિતેષ યાદ આવતો હતો પરંતુ ક્યાં હતો મિતેષ! એણે મિતેષને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતું એનો કોઈ અતોપતો ના મળ્યો.
થાકી પાકીને ઓફિસેથી ઘેર આવતાંની સાથે જ જીંદગીની ભૂતાવળ મિનાક્ષી પર સવાર થઈ જતી હતી. મિનાક્ષીનાં દાદી એને જરૂર સાંત્વના આપતાં પરંતુ એમની પાસેય કોઈ ઉપાય ક્યાં હતો?
સમય અવિરત ગતિએ વહી રહ્યો હતો.મિલન ત્રીજા ધોરણમાં આવી ગયો પરંતુ હજી સુધી મિતેષની ભાળ તો મળી જ નહોતી.
અશાંત અને બેચેન મિનાક્ષીએ માનસિક શાંતિ માટે ઉતર ભારત નેપાળનું તિર્થાટન કરવાનું નક્કી કર્યું અને દાદી અને મિલન સાથે ઉપડી ગઈ યાત્રા કરવા.
હરેશભાઈ અને નયનાબેને મિતેષને બીજાં લગ્ન કરવા ઘણો સમજાવ્યો પરંતુ “સમય આવવા દો”-ના પ્રત્યુતરે આઠ વર્ષ વિતાવી દીધાં.
હરેશભાઈને મનમાં કંઈક સુઝતાં એમણે નયનાબેનને કોઈક વાત કહી.”એકદમ સાચી વાત છે તમારી મિતેષના પપ્પા! મિતેષને યાત્રા કરાવીએ.એે બહાને એના જીવનને થોડી સાતા જરૂર મળશે.સાથે સાથે આપણે પણ પ્રભુ, દેવી દેવતાઓને પ્રાર્થના કરશું.પ્રભુ નવા જીવન માટે દિકરાને જરૂર પ્રેરણા આપશે.”
મિતેષ પણ પોતાની ગાડી લઈને માબાપ સાથે ઉપડી ગયો તિર્થાટન કરવા માબાપની ઈચ્છા પુરી કરવા.એને ક્યાં ખબર હતી કે,તિર્થાટન પાછળનો ભાવ તો એના જીવનની ખુશાલી માટેનો હતો?
મિતેષ અત્યારે કાઠમંડુમાં હોટલની બહાર બેસીને ભૂતકાળને વાગોળી રહ્યો છે.રાત્રીના સાડા નવ વાગી ચુક્યા છે.
મિનાક્ષીનાં દાદીને પેટમાં થોડા દુખાવા જેવું લાગતાં સોડાની બાટલી લેવા મિલનને લઈને મિનાક્ષી પાર્લર પર આવી.
મિતેષને હજી એજ જગ્યા પર બેઠેલ જોઈને મિલને કહ્યું,”અંકલ તમે હજી અહીં જ બેઠા છો? ઉંઘ નથી આવતી હજી? “
પોતાના બોલકા સ્વાભાવનો દિકરો કોની સાથે વાત કરી રહ્યો છે?એ જોવા મિનાક્ષીએ નજર ફેરવી.
પગ એમ જ થંભી ગયા મિનાક્ષીના.આંખો પટપટાવીને જોવા લાગી. મિતેષને બરાબર ઓળખતાં જ એની આંખો ટપકવા લાગી.થોડાઘણાં ત્યાં હાજર યાત્રાળુઓની હાજરીમાં જ અશ્રુધારા વહેવા લાગી.સૌ કોઈ સમજે,વિચારે એના પહેલાં તો એણે મિલનને હાથેથી પકડીને રૂમ તરફ દોટ મુકી.
મિતેષે પણ મિનાક્ષીને ઓળખી લીધી હતી.એની આંખમાંય આંસુ હતાં.એક પળનોય વિલંબ કર્યા વગર મિતેષ પણ ઝડપભેર પાછળ ગયો.સાથે સાથે મિનાક્ષીની બસ સાથેનાં અને અન્ય હાજર યાત્રાળુ પણ ખરાં!
દરવાજો બંધ કર્યો વગરના રૂમમાં મિનાક્ષી દાદીના ખોળામાં માથું નાખીને રડી રહી હતી.દાદી “શું થયું ?શું થયું દિકરી?”કહી રહ્યાં હતાં પરંતું મિનાક્ષી કંઈ જવાબ આપી રહી નહોતી.
થોડા ટોળા સહિત મિતેષ મિનાક્ષીના રૂમના દરવાજે આવીને ઊભો રહ્યો ત્યારે દાદીને મિલન જવાબ આપી રહ્યો હતો,”એક અજાણ્યા અંકલને જોઈને મમ્મી જોરજોરથી રડવા લાગી અને રૂમમાં દોડી આવી.”
દિકરાનો જવાબ સાંભળતાં જ મિનાક્ષીનું રૂદન થંભી ગયું.ઝડપભેર બેઠી થઈને રડતાં રડતાં જ મિનાક્ષી બોલી ઉઠી,”બેટા! એ અજાણ્યા અંકલ નહીં પરંતુ તારા પપ્પા છે.હા બેટા! એ તારા પપ્પા છે.”કહીને ડૂસકાં ભરતાં ભરતાં જોર જોરથી રડવા લાગી મિનાક્ષી.
કોલાહલ સાંભળીને નીચેના માળની રૂમમાં રોકાયેલ મિતેષનાં મમ્મી પપ્પા પણ આવી પહોંચ્યાં.
મિતેષને શું કહેવું એ કંઈ સુઝતું નહોતું.છેવટે થોડું મનોબળ ભેગું કરીને બોલ્યો, “હવે છાની રહે મિનાક્ષી.”
તો મિનાક્ષીના પણ કંઈ બોલવાના ક્યાં હોશ હતા?
છેવટે શરૂઆત તો મિનાક્ષીએ જ કરી.”મિતેષ! આપની અમાનત આપને સોંપવા માંગું છું.એનો સ્વિકાર કરવાની ના પાડતા નહીં.બાકી મેં તો તમને અને તમારા પરિવાર સાથે દગો કર્યો છે.હું તમારા માટે લાયક નથી.યાત્રા પુરી થયે મિલન દિકરાને તમને સોંપવા માંગું છું.”
ટોળામાંથી તાળીઓ સંભળાઈ.એ તાળીઓ નયનાબેનની હતી.તેઓ ધીરે ધીરે રૂમમાં આવ્યાં અને મિલનના માથા પર હાથ મુકીને બોલ્યાં, “જો બેટા! હું તારી દાદી છું.બોલ બેટા! તારે મમ્મી સાથે રહેવું છે કે પપ્પા સાથે.”
મિલન તો આ બધું ચકળવકળ આંખે જોઈ અને સાંભળી રહ્યો હતો.એને ઝાઝી સમજ પડતી નહોતી.ત્યાં જ મિનાક્ષીનાં દાદી બોલ્યાં,”બોલ દિકરા બોલ! “
છેવટે મિલન ધીરે ધીરે બોલ્યો,”મારે તો બધાંયની સાથે રહેવું છે.મમ્મી પપ્પા પણ ખરાં અને દાદા દાદી પણ ખરાં!મમ્મી પપ્પા મને ભણાવશે ને દાદા દાદી મને વાર્તાઓ કહેશે.”
સન્નાટો છવાઈ ગયો ઘડીભર…
એ સન્નાટાભર્યા વાતાવરણમાં મિતેષ બોલ્યો,” દિકરાને મને સોંપ્યા પછી તું એના વગર રહી શકીશ મિનાક્ષી? મારે તો દિકરોય જોઈએ છે ને દિકરાની મા પણ જોઈએ છે.”
આંસુથી ખરડાયેલ આંખો દુપટ્ટાથી લુંછીને મિનાક્ષીએ મિતેષ સાથે નજર મેળવવાની કોશિશ કરી. મિતેષે હકારમાં ડોકું હલાવીને કહ્યું,”હા, મિનાક્ષી.મારા હ્રદયમાં આજેય તારુ સ્થાન અકબંધ છે.એ સ્થાનને આજસુધી ભરવાની કોશિષ પણ નથી કરી.મને એટલી જ ખબર છે કે, મેં તને પ્રેમ કર્યો છે.”
મિતેષનાં વાક્યો સાંભળીને મિનાક્ષીથી ડૂસકું નંખાઈ ગયું.એ પળનોય વિલંબ કર્યા વગર મિતેષની માફી માંગવા ઉઠી ત્યાં જ નયનાબેન ઝડપથી ઉભાં થઈને મિનાક્ષીનો રસ્તો રોકીને ઉભાં રહ્યાં.મિનાક્ષી અચકાઈને ઉભી રહી ગઈ.એ ઉભી ઉભી થથરી રહી હતી.એની સાથે નયનાબેને નજર મેળવી.મિનાક્ષી નીચું જોઈ ગઈ.નયનાબેન સાથે નજર મેળવવાની એની ક્યાં તાકાત હતી?મિતિષ સહિતનાં સૌ કોઈ હાજર લોકો પણ વિટંબણામાં મુકાઈ ગયાં. એકદમ ખામોશી છવાઈ ગઈ.સૌ કોઈ નયનાબેન શું કહેવા માગે છે તેના ઈંતજારમાં હતાં ત્યાં જ નયનાબેન બોલ્યાં, “બેટા મિનાક્ષી વહુ! આપણે અત્યારે ભોળાનાથને આંગણે આવ્યાં છીએ.એમની સાક્ષીએ તમારા બન્નેનું પુનઃમિલન થશે એ મને વધારે ગમશે.”
મિનાક્ષીનો ગભરાટ ગાયબ થઈ ગયો.એ ઘડીભર સાસુમાને જોઈ જ રહી.અચાનક કંઈક યાદ આવતાં ઝડપભેર નીચી નમીને મિનાક્ષી નયનાબેનના ચરણસ્પર્શ કરવા ગઈ ત્યાં જ નયનાબેને એને બાથમાં જકડી લીધી.
પવિત્ર ભૂમિના પવિત્ર તીર્થસ્થાનની હોટેલ પર ટોળાની તાળીઓનો ગુંજારવ માનવ હૈયાંને ભાવવિભોર કરી રહ્યો હતો.મિનાક્ષીનાં દાદી અને મિતેષનાં માવતરના આનંદની કોઈ સીમા નહોતી.મિતેષ તો પુત્ર મિલનને ઉંચકીને ગાલે બકીઓ ભરી રહ્યો હતો.ધીરેધીરે માનવ ટોળું વિખેરાઈ ગયું પરંતું આ ફરીથી હર્યાભર્યા થયેલ પરિવારની આખી રાત વાતો થતી રહી.
સવારે આરતી ટાણે અશ્રુભરી આંખે મિતેષ અને મિનાક્ષી નત મસ્તકે ભોળાનાથને પ્રાર્થના કરીને વિનવી રહ્યાં છે.એમના મોં પર આ અલૌકિક તિર્થસ્થાને સ્પષ્ટ સંતોષ વરતાઈ રહ્યો છે.
. બરાબર અડધો કલાકની પ્રાર્થના કરીને ઉઠ્યાં ત્યારે બન્ને જણ હળવાં ફુલ થઈ ગયાં.બન્નેએ માબાપ અને દાદીમાના આશિર્વાદ લીધા.સૌની આંખો ભીની જરૂર હતી પરંતું અત્યારે એ ભિનાશ માત્ર ભોળાનાથની પરમ કૃપાની જ હતી.
સૌ શ્રી પશુપતિનાથના મંદિર પરિસરમાંથી નિકળ્યાં એના પછી મિતેષ અને મિનાક્ષીનો દિકરો મિલન વારંવાર પાછળ ફરીને ભોળાનાથની પ્રતિમા સામે નજર કરી લેતો હતો.એને ભોળાનાથને જરુર કંઈક કહેવું હતું પરંતું બાળ બુદ્ધિના મિલન પાસે ભોળાનાથ આગળ રજૂ કરવાના ચોક્કસ શબ્દો નહોતા.
લેખક-નટવરભાઈ રાવળદેવ