ખુદીરામ બોઝ. એક એવું નામ કે જેને દરેક ભારતીય ખૂબ ગર્વથી આજેય યાદ કરે છે.
સૌ જાણે છે કે તેઓ ભારતની આઝાદી માટે સૌથી નાની ઉંમરે શહીદ થનાર વીર સપૂત હતા.
છતાંય એના જીવનના છેલ્લા દિવસોનો એ પ્રસંગ લગભગ કોઈ નહીં જાણતું હોય.
માત્ર અઢાર વર્ષના શાળામાં ભણતા એ વિદ્યાર્થીની બોમ્બકાંડમાં ધરપકડ થઈ ત્યારે એને ભોળવીને એની પાસેથી ગુપ્ત બાતમી કઢાવવા પોલીસે એક રૂપાળી છોકરીને જેલમાં એની પાસે મોકલી.
છોકરી તેઓની સાથે ચેનચાળા શરૂ કરે તે પૂર્વે તો ખુદીરામ એની સામે હાથ જોડી બોલ્યાઃ ‘ભલે તમે આવ્યાં, મા!
હું નાનપણથી જ મા વગરનો હતો. હું કેવો નસીબદાર કે
આજે મને મરતાં મરતાં મા મળી!
મને એવા આશીર્વાદ આપો કે હું માતૃભૂમિ કાજે આનંદથી મરું.’ છોકરીની આંખોમા આંસુ આવી ગયાં. એ તરત પાછી ફરી ગઈ.
ખરેખર, ખુદીરામની શૂરવીરતાના મૂળમાં તેનું ચારિત્ર્ય હતું.
(-ડો. જ્ઞાનવત્સલ સ્વામીના એક આર્ટિકલનો અંશ)
સં. હસમુખ ગોહીલ