જિંદગી માત્ર એ નથી કે આપણે જોઈએ છીએ એ પણ છે જે જોઈ શકવા માટે આપણે સક્ષમ નથી. જયારે કોઈની મદદ કે માર્ગદર્શનથી નથી જોઈ શકતા એ જોતા અને સમજતા થશું ત્યારે આપણી નફરત પ્રેમમાં પલટાતા બિલકુલ વાર નહીં લાગે.
એક ભાઈ પોતાની સાથે બે – ત્રણ નાનાં બાળકોને લઈને ટ્રેનમાં ચડ્યા. એક ડબ્બામાં થોડી જગ્યા જોઈ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઈક વિચારતા વિચારતા એ ભાઈ બેસી ગયા. ટ્રેન ચાલુ થઈ અને સાથે સાથે પેલા બાળકોના તોફાન પણ ચાલુ થયા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તોફાન વધતાં ગયાં.
પેલા ભાઈ તોફાન કરી રહેલાં બાળકોને કંઈ જ કહેતા નહોતા આથી બાળકો વધુ ધમાચકડી મચાવતાં હતાં. થોડીવાર પછી તો એ બીજા મુસાફરોના સામાનમાં હાથનાખીને ફંફોસવા માંડ્યા અને આખો ડબો માથે લીધો.
ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ પેલા શૂન્યમનસ્ક થઈને બેઠેલા ભાઈને ઢંઢોળીને કહ્યું, ” ભાઈ આ તમારાં બાળકો કેવા તોફાન કરે છે. તમે એને અટકાવતા કેમ નથી ? ”
બાળકો સહેજ દૂર ગયા એટલે પેલા ભાઈએ મુસાફરોને ધીમેથી કહ્યું , ‘‘ એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છું અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણ કે આ તોફાન અને સુખ એના જીવનમાં બહુ ટૂંકા ગાળાનું છે. આ બાળકોની મા મૃત્યુ પામી છે અને હું એમને સાથે લઈને ડેડબોડી લેવા જાઉં છું. હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચુપ કરાવું ? ”
તમામ મુસાફરોની આંખ ભીની થઈ ગઈ. જે બાળકોને એ નફરત કરતા હતા એ જ બાળકોને બીજી જ ક્ષણે વ્હાલ કરતા થઈ ગયા. કોઈએ ચૉકલેટ આપી, કોઈએ બિસ્કિટ આપ્યા તો વળી કોઈએ બહારથી આઇસક્રીમ પણ લઈ આપ્યો. કોઈએ બાળકોને પોતાના ખોળામાં બેસાડ્યા , કોઈએ માથા પર હાથ ફેરવ્યો તો કોઇએ કપાળમાં ચૂમી આપી. સત્ય જાણ્યા પછી તમામ મુસાફરોનો ગુસ્સો ન જાણે ક્યાં જતો રહ્યો !
જીવનમાં સુખ હોઈ કે દુઃખ તેને સમજતા અને તેમાંથી આંનદ લેતા શીખી જશું તો જીવનની દરેક પળ સુખમય બની જશે.
ભારત સંસ્કૃતિ માંથી
👏👏👏