એક મુસાફર એક મઠની મુલાકાતે જાય છે. ત્યાંના લોકો તેને રહેવા માટે જગ્યા અને ખાવા-પીવાની સુવિધા આપે છે.પણ દરરોજ સાંજે તેને એક વિચિત્ર અવાજ સંભળાય છે.
જ્યારે તે એક સાધુને આ અવાજ વિશે પૂછે છે, ત્યારે સાધુ કહે છે: “હું તમને આ અવાજનું કારણ નહીં જણાવી શકું, કારણ કે તમે સાધુ નથી.”
મુસાફરને આ જાણવાની ખૂબ જ ઉત્સુકતા જાગે છે, તેથી તે શરૂઆતમાં મઠમાં ત્રણ વર્ષ વિતાવે છે, લાકડા કાપે છે અને પાણી ભરે છે. અને સેવા કરે છે ત્યારબાદ તે ફરીથી સાધુઓને અવાજ વિશે પૂછે છે.
સાધુઓ કહે છે: “અમે તમને નહીં જણાવી શકીએ, કારણ કે તમે સાધુ નથી.”
તેથી મુસાફર એક શિષ્ય તરીકે બીજા ત્રણ વર્ષ વિતાવે છે, છોડને પાણી પાય છે અને રસોઈ બનાવે છે. ફરીથી તે સાધુઓને અવાજ વિશે પૂછે છે.
સાધુઓ કહે છે: “અમે તમને નહીં જણાવી શકીએ, કારણ કે તમે સાધુ નથી.”
એટલે મુસાફર હવે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવા લાગે છે અને બીજા ત્રણ વર્ષ વિતાવે છે, પછી તે ફરી સાધુઓને અવાજ વિશે પૂછે છે.
સાધુઓ કહે છે: “અમે તમને નહીં જણાવી શકીએ, કારણ કે તમે સાધુ નથી.”
મુસાફર ધ્યાન અને પ્રાર્થના કરવામાં બીજા ત્રણ વર્ષ વિતાવે છે.
છેવટે, એક સમારોહ યોજવામાં આવે છે જેમાં મુસાફરને ‘સાધુ’ જાહેર કરવામાં આવે છે.
હવે તે એક સાધુને અવાજના ઉદ્ગમ વિશે પૂછે છે.
સાધુ કહે છે: “હવે તો તું પોતે જ એક સાધુ છે, જા અને જાતે જ જોઈ લે.”
સાધુ તે નવા બનેલા સાધુ (મુસાફર) ને એક માર્ગ તરફ લઈ જાય છે.
એ માર્ગ એક મોટા ઓરડા તરફ જાય છે.
એ ઓરડો બીજા એક માર્ગ તરફ જાય છે.
એ માર્ગ એક નાના ઓરડા તરફ જાય છે.
ત્યાં, મુસાફર અંતે જુએ છે કે “તે વિચિત્ર અવાજનું કારણ શું છે.”
પણ… હું તમને નહીં જણાવી શકું કે તે શું છે, કારણ કે તમે સાધુ નથી!
અસ્તુ…