” ધરાના ખમીર ” – સૌરાષ્ટ્રની શોર્યગાથા
સૌરાષ્ટ્ર અમારી માતૃભૂમિ.. અમારી કર્મભૂમી.. અમારી ધર્મભૂમિ..!!
જ્યા કપાયા માથા અને ધીંગાણે ચડ્યા ધડ – જ્યા લખાયા નેક-ટેક અને ધરમના ઈતિહાસ – જ્યા પુજાયા ગામેગામ પાળીયા – જ્યા ગવાયા બિરદાવલી ગીતો – જ્યા બોલાયા પશુંઓ પણ શહીદ..!!
આપણા સૌરાષ્ટ્ર ( કાઠીયાવાડ, સોરઠની ) પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંત ઈતિહાસના હું તમે અને સૌરાષ્ટ્રમા વસતો દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે.!! આમા જ્ઞાતી જાતિના ભેદભાવ ના હોય.., જો જ્ઞાતી જાતિના ભેદભાવ હોય તો..!! જેની આપણે પુજા કરીએ છીએ… જેને આપણે ભગવાન માનીએ છીએ તેને પણ એકવાર કેવું પડ્યું છે કે..,
એ લક્ષ્મણ !! તું મને ઈશારા કરમા આ શબરીના બોર જેવી મીઠાસ મને પહેલા ક્યારેય નથી મળી.. ” જનક નંદિની સીતા પીરસે તે ભોજનમા આવી મીઠાશ નથી મળી.. માતા કૌશલ્યાનાં દુધમા પણ આટલી મીઠાશ નથી જોઈ ” જેટલી આ શબરીના હેઠા બોરમા મને મીઠાસ લાગે છે..!! જો ભગવાન પોતે આ વાતનો સ્વીકાર કરતા હોય તો આપણે તો માણસ છીએ જ્ઞાતી જાતીના કોઈ ભેદભાવ ના હોય. ભગવાન શ્રીરામ અને શબરીની વાતને હજારો વર્ષ થયા હશે પણ હમણા ચારસો વર્ષ પહેલા સૌરાષ્ટ્રમા બનેલી એક ઘટના વિશે વિચારીએ તો આજે પણ રૂવાંડા બેઠા થઈ જાય.
।। સત્ય ઘટના ।।
જ્યારે જેતપુરના સુદામડા ગામ ઉપર મિયાણાના પાર ઉતર્યા અને જે કત્લેઆમ કરાવી ત્યારે કહેવાતા મરદ મુછાળા ભાગી નીકળયા હતા, ગામ આખામા ભાગો ભાગોના અવાજ સંભળાવા લાગ્યા હતા. ગઢ ઉપર ગામની બહેન-દિકરીઓ દોડા કરવા લાગી હતી ત્યારે સીંતેરક વર્ષના માતા હાથમા ઉઘાડી તલવાર….
તરવાર ધરી રણ ઝૂઝતી થી, સમશેર ઝડી શિર ઝીલતી થી !
અરી ફોજ કા પાવ હટતી થી, કવિ વૃંદ કો ગીત ગવાવતી થી !
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી.., હિન્દ કી રાજપુતાનીયા થી !!
ગઢ ઉપરથી માતાને આવતા જોઈ ગામના એક ઢોલ વગાડતા હરીજનના દિકરાની નજર વૃદ્ધ માતા પર પડતા ઢોલ બંધ કરી ને..
અરે માડી તમે ક્યા ?
માડી કહે સુદામડા ભંગાઈ અને હું બેઠી રહું તો.. તો.. સુદામડાનુ પાણી લાજે “ધીંગાણામા જઉ છું”
પણ.., માડી હજી હુ બાકી છુ મર્યો નથી લાવો તલવાર
માડી કહે : પણ તતતતતું ?
હા..હા માડી લાવો ઝટ તલવાર તમે મુકી દો. જો હુ ગામના પ્રસંગોમા ઢોલ વગાડી શકતો હોય, ગામના જુવાનીયાને ઘોડીએ ચડાવી શકતો હોય તો કોક દી., મારે પણ તલવાર હાથમા લેવી પડે, લાવો તલવાર..
માતાએ તલવાર આપી…
હાથમા તલવાર આવતા ગળામા જે ઢોલના દોરડા બાંધ્યા હતા તે કાઢી ઢોલ માથા સોસરવો પહેરી લીધો.. બકતરની જેમ અને તલવાર લઈ દોટ દીધી, હાથમા તલવાર સાથે ભડનો દિકરો ધીંગાણે ચડ્યો. લડતા લડતા ખબર ના રહી કે શરીર વેતરાઈ ગયું છે, વાગેલા ઘા શરીરને ચીરી નાખ્યું છે, પરોઢીયે સમાજે આવીને જોયુ તો જે ઢોલ ગળામાથી કાઢી તેમણે બકતર તરીકે પહેર્યો હતો તે ઢોલની કિનારીઓ એ પડખું ચીરી નાખ્યું હતું. સુરાતનમા ખબર ના રહી કે ધડ માથુ અલગ થયા છે એકલા હાથે લડ્યો અને કામ આવ્યો પણ.. મીયાણાઓને ભાગવું પડ્યું., લડતા લડતા મિયાણાઓને સુદામડાની બહાર ધકેલી દિધા., એકલવીરે અડધોઅડધ મિયાણાના માથા ધડથી અલગ કરી નાખ્યા હતા અને જેટલા મીયાણા બચ્યા તે ધીંગાણુ છોડી ભાગી છુટયા હતા હતું. આજે પણ તે મરદનો ત્યા પાળીયો ઉભો છે અગર ક્યારેય જવાનું થાય તો પાળીયા ને નમન કરી લેવું કે, વાહ મરદ વાહ..!! તું ધર્મ માટે.. ગામ માટે… કામ આવ્યો.
આમા જ્ઞાતી જાતી ના હોય…!!
સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેટલા પાળીયા જોવા મળશે તેટલા આખાંય ભારતમા ક્યાંય જોવા નહી મળે. સૌરાષ્ટ્રની ધરા ઉપર જેટલા ધીંગાણા ખેલાયાં તેટલા બીજે ક્યાંય નહી ખેલાયાં હોય. બધા જ ધીંગાણાઓમા ઘણા તો ઉચ્ચ મૂલ્યો માટે લડયા હતાં. સૌરાષ્ટ્રના જે જે ગામમા ધીંગાણા થયા તેમા અનેક જુવાનો શહીદ થયા. ઘણી જગ્યાએ તો શહિદ જુવાનો પાછળ તેમની પત્નીઓ અને માતાઓ સતી થઈ ગયા છે જે ઓના પાળીયા આજે પણ સૌરાષ્ટ્રના ગામેગામ ઉભા છે. સૌરાષ્ટ્રમા જ્યા જ્યા પાળીયા ઉભા છે તેમનો ગૌરવવંત ઈતિહાસ પ્રેરણા દાયક છે અને અટલે તો કવિએ લખ્યું છે કે..,
।। કવિ રચના ।।
મારે ઠાકોરજી નથી થાવું…
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું…
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવુ
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું…
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું…
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવુ
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવુ
રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..!!
અર્થાત !! પથ્થરને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે, મારે પ્રભુ નથી થાવું એના કરતાં તો મને માતૃભૂમી કે ધરમ કાજે., કે પછી કોઈ બહેન દિકરીની લાજ કાજે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની “ઘડવૈયા મારે” રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત કરી છે.
નેક-ટેક અને ધરમ માટે ધીંગાણે ચડેલા વિરોની ખાનદાની અને ખુમારીનો ઈતિહાસને સૌરાષ્ટ્રની ભૂમીના કણ કણમા છે. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હંમેશા શાશ્વત રહેવાનો છે. જેઓની સાક્ષી ગામેગામ ઉભા પાળીયા આજે પણ આપે છે.
” કોક આડા કોક ઉભા કોક ભોમા (ધરતીમા) પડેલા ભાળ્યા,
આવા શુરવીરો ના આજેય ઉભા છે હારબંધ પાળીયા..!! “
ખાંભી અને પાળીયાનો પરમ કર્તવ્ય સમજીને આપણા પુર્વજોની જેમ પ્રાણ અર્પણ ન કરી શકીએ પરંતુ આપણા સૌરાષ્ટ્રની લોક સંસ્કતિ અને પુર્વજોના ગૌરવવંતા ઈતિહાસ વિશે માહિતગાર તો કરી શકવાના છીએ. આજની નવી પેઢીને મર્યાદા પૂર્ણ સાચી સંસ્કૃતિ અને સાચા-ખોટાનું જ્ઞાન આપી શકીએ તો પણ સાચું તર્પણ કર્યા બરાબર છે. ઈચ્છા તો એવી થાય છે કે ખાભી પાળીયાઓ દેખાડી દેખાડી સંસ્કાર અને સાંસ્કૃતિ ભુલેલા લોકોને બતાવીએ કે આમ જુઓ ! આપણા પૂર્વજ કોણ હતા કેવા હતા અને આજે આપણે કેવા છીએ.
પ્રિય, વાચક મિત્રો…
સાદર પ્રણામ સાથ જણાવવાનું કે.., સૌરાષ્ટ્રના ગામેગામ ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ વિરોની ઈતિહાસમા બનેલી ( શોર્યગાથાઓ – લોકવાર્તા ) પ્રસિદ્ધ સાહિત્યકારો રચિત દરેક અમર રચનાઓ ” સૌરાષ્ટ્ર રસધાર ” ફેસબુક પેજ પર એક પછી એક પોસ્ટ કરાશે જે આપ વાંચન કરી શકશો.
।। જીવન અમૂલ્ય સાહિત્ય વાંચન ।।
સાહિત્ય વાંચન વ્યકતિના અંતઃમનને પ્રફુલ્લિત કરવા માટેનું સાધન છે, વિવેક અને દક્ષતા કેળવવાની ચાવી વાંચન છે, મનની ફળદ્રુપતા અને વિચારોની યોગ્ય દિશા માટે વાચન જરૂરી છે, સાહિત્યનું વાચન વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે, સાહિત્ય વાચન સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સમજાવે છે, સાહિત્ય વાંચન વ્યક્તિના દુઃખને સુખ તરફ લઈ જવામા મદદરૂપ થાય છે, સાહિત્ય વાંચન થકી તમે આજના સમયે ખર્ચ વગરનું મનોરંજન મેળવી શકો છો, જ્ઞાનની ઊર્જાના પર્યાય એવા વાચનને તમે તમારી સાથે રાખી ગમે ત્યાં જઇ શકો છો સામાજીક વિકાસમાં સાહિત્યનો સિંહ ફાળો છે, સમાજના વિકાસ માટે વાચન અગત્યનું છે તેથી આપ સૌ મિત્રો ને જણાવવાનું કે…,
સૌરાષ્ટ્ર રસધાર ફેસબુક પેજ દ્વાર આપણા વૈભવપૂર્ણ વારસાને તમારા સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.. અને તમે તમારા સંબંધી મિત્રો સુધી..અને સંબંધી મિત્રો સૌરાષ્ટ્રમા વસતા હર એક વ્યકિત સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારવા અને આપણા સમાજ હજુપણ ચાલતા કુરિવાજો- અંધશ્રદ્ધા ખોટી માન્યતા બંધ કરવા અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિ વધુમા વધુ લોકો સુધી
પહોંચાડી મદદરૂપ થવા આપને વિનંતિ..!!
– આભાર મિત્ર
આપણા સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ વારસા તેમજ સૌરાષ્ટ્રની ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપતું સાહિત્ય ” સૌરાષ્ટ્ર રસધાર ” ફેસબુક પેજ ઉપર આપ વાચન કરી શકશો.
Facebook
http://www.facebook.com/smsaurashtra
Gujaratiwriter@Gmail.com
Mobile : +918401451000