*વાત એક નાનકડી*
✒લેખક: *નીલમ દોશી*
*સંસ્કૃતિની સુગંધ*
==============
નીતાબહેન સવારથી મૂંઝાઇ રહ્યા હતા.એક તરફ દીકરો વહુ આવી રહ્યાના સમાચારથી ખુશ હતા. તો સાથે સાથે એક મૂંઝવણ પણ અનુભવી રહ્યા હતા.પરદેશી વહુને પોતે કેમ સાચવશે? શું બોલશે તેની સાથે? પતિનો ગુસ્સો પણ હજુ ઉતર્યો નહોતો. પંદર દિવસ પહેલાં જ અર્ચનનો અમેરિકાથી ફોન આવ્યો હતો. જેમાં તેણે તે જ દિવસે લગ્ન કર્યાના સમાચાર આપ્યા હતા. અને આશીર્વાદ માગ્યા હતા. બાકીની વાતો પોતે થોડા દિવસમાં દેશમાં આવે છે ત્યારે નિરાંતે કરીશ. એમ કહ્યું હતું.
નીતાબહેન અને નિખિલભાઇ બંને ડઘાઇ ગયા હતા. એકનો એક પુત્ર આ રીતે લગ્ન કરી લેશે એવી તો કલ્પના પણ નહોતી આવી. દીકરાના સંસ્કાર પર, પોતાના ઉછેર પર તેમને પૂરો ભરોસો હતો. એ બધું શું ખોટું પડયું હતું ? જે દીકરા માટે આજ સુધી ગર્વ લેતા રહ્યા હતા. તે શું પોતાનો ભ્રમ હતો ? નિખિલ ભાઇ તો હમેશા એમ જ કહેતા કે
‘ મારો દીકરો અર્ચન તો મારું અભિમાન છે. ‘
આજે આ સમાચાર મળ્યા તે ક્ષણથી નિખિલભાઇ મૌન ઓઢીને બેસી ગયા હતા. એકદમ ચૂપ બની ગયા હતા. કદાચ અંદર સુધી ખળભળી ગયા હતા. નીતાબહેનને પણ દુખ તો ચોક્ક્સ થયું હતું. પરંતુ પતિની પીડા જોઇને તે વધારે અસ્વસ્થ થઇ ગયા હતા.
અને આવતીકાલે અર્ચન તેની અમેરિકન પત્ની જેનાને લઇને આવતો હતો.
નીતાબહેનના મનમાં દીકરા વહુના આગમનના સમાચારથી ખુશી થઇ હતી. પરંતુ એ ખુશીની સાથે સાથે નીતાબહેન એક ડર પણ અનુભવતા હતા. બાજુવાળા કાંતાબેનને ત્યાં એનો દીકરો પરદેશથી થોડા દિવસો માટે આવ્યો હતો..ત્યારે તેનું વર્તન પોતે નજરે જોયું હતું. તેની વહુ તો અહીંની જ હતી. તો યે જે રૂઆબ અને રોફ બંને જણાએ મા- બાપ સાથે કર્યા હતા…તેનાથી પોતે અજાણ નહોતા.અને આ તો અધૂરામા પૂરુ વહુ પરદેશી હતી. નિખિલભાઇનો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાની જૂનવાણી રહેણી કરણી ! કેમ થશે? શું થશે?તે ડરથી નીતાબેન મનમાં મનમાં ફફડતા હતા. અત્યાર સુધી તો પતિ શાંત બનીને બેઠા હતા. પતિની ભીતર તો લાવા ઉકળતો હતો. એનાથી તે અજાણ નહોતા જ. પરંતુ દીકરા વહુને જોતા જ કયાંક બાપ દીકરા વચ્ચે ચકમક ઝરશે તો ? જયારે નીતાબહેન તો વહુને શું ભાવશે ? શું ગમશે ? શું કરશે ? એવા વિચારો ઘૂમરાતા હતા.
તેમને થતું હતું. વહુ પહેલીવાર ઘેર આવે છે. સ્વાગત તો કરવું જ જોઇએ.પણ એ બધી વિધિઓ વહુને તો જૂનવાણી જ લાગવાની. લાપસીનું આંધણ મૂકવાનું મન પણ થયું.પણ ના,ના, એને એવું બધું નહીં ભાવે.સારી મીઠાઇ જ તૈયાર લાવી રાખવી સારી.ભાષા તો વહુ સમજશે નહીં. વાત તો શું કરશે? આવા કેટકેટલા વિચારોથી નીતાબહેન ઉભરાતા હતા. ઘર સાફ તો રહેતું જ હતું. તો યે તેમણે અર્ચનનો રૂમ થોડો વધુ વ્યવસ્થિત કર્યો. નિખિલભાઇ મૌન બનીને બધુ જોતા રહ્યા હતા. તે પત્નીને નહોતા સહકાર આપતા કે નહોતા વિરોધ કરતા.આમેય અંદર ગમે તેટલી લાગણી હોય તો પણ એ વ્યકત કરવી તેમને કયાં ફાવતી હતી?
સવારમાં જલદી જલદી નીતાબહેન અર્ચનને ભાવતી વસ્તુઓ બનાવી તેની રાહ જોઇ રહ્યા. વહુને તો શું ભાવતું હશે ? શું ખાતી હશે કેમ ખબર પડે? યુ.એસ.થી મુંબઇ અને ત્યાંથી જામનગર. અને પછી ત્યાંથી ટેક્ષી કરીને બંને આવવાના હતા.એટલે રાહ જ જોવાની રહી.અને હવે પહોંચવા જ જોઇએ. જામનગરથી નીકળી ગયાનો ફોન તો આવી ગયો હતો.બધી તૈયારી કરી નીતાબહેન આંટાફેરા કરતા હતા.પતિ તો છાપુ વાંચવાનો ડોળ કરીને ચૂપચાપ બેઠા હતા. બેલ વાગવાની રાહ તો કયાં જોવાની હતી? ઘરના અને મનના બધા દરવાજ ખુલ્લા રાખી ને જ બેઠા હતા. ત્યાં જ ગાડી આવીને ઉભી રહી. ”મમ્મી” કહેતો અર્ચન પગે લાગીને ભેટી પડયો.એનું અનુકરણ કરતી જેના પગે લાગી ત્યારે તો નીતાબહેનને શું બોલવું, શું આશીર્વાદ આપવા એ યે ન સમજાયું.સરસ સાડી,કપાળમાં મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓનો ઝૂડો પહેરેલી વહુની તો એમને કલ્પના યે કયાં હતી? ”મમ્મી, તારે આરતી…આરતી નથી ઉતારવી અમારી?’ અર્ચન હસતા હસતા બોલ્યો..એ જ સ્ટાઇલ, એ જ હાસ્ય..એ જ નિખાલસતા..કયાં કંઇ બદલાયું હતું? ફકત આ વખતે એકલાને બદલે સાથે નાનકડી ઢીંગલી જેવી રૂપકડી છોકરી હતી. ફકત ચહેરા પરથી જ “ગોરી” લાગતી છોકરી બાકી બધી રીતે તો નખશિખ ભારતીય જ લાગતી હતી. બંને નિખિલ ભાઇને પગે લાગ્યા ત્યારે તે પણ જોઇ જ રહ્યા.
નીતાબહેન બનેને ઘરમાં અંદર લઇ ગયા. ઠાકોરજીને પગે લગાડવા.પ્રસાદ આપ્યો. જેના જે ભાવથી ભગવાનને પગે લાગી અને પ્રસાદ લીધો તે જોઇ નીતાબહેન હરખાઇ રહ્યા.
”મમ્મી.ઘર તો બહું સરસ છે” જયારે જેનાએ શુધ્ધ ગુજરાતીમાં કહ્યુ તો નીતાબહેન તો માની જ ન શકયા. માની મૂંઝવણ સમજી અર્ચન બોલ્યો,
”અરે,મમ્મી,ચિંતા ન કર. જેના બધુ ગુજરાતી સમજે છે અને મોટાભાગનું બોલી પણ શકે છે. હા, ભૂલ થાય ત્યાં સુધારજે. તને ખબર છે ? એક વરસથી તારી વહુ થવાની ટ્રેનીંગ લેતી હતી. હવે પાસ કે નાપાસ..એ તો તું કહીશ ત્યારે જ ખબર પડે…”
જમતી વખતે બંગાળી મીઠાઇ જોઇને અર્ચન બોલી ઉઠયો,
”આ શું મમ્મી? મહેમાનની જેમ મીઠાઇ મંગાવી છે? તારા હાથની લાપસી કે લાડવા નથી ખવડાવવાની?મેં તો જેના આગળ કેટલા વખાણ કરી રાખ્યા છે કે મારી મમ્મી જેવી લાપસી કોઇ ન બનાવી શકે.”
”બેટા,મને એમ કે….”
”હા,તને એમ કે પરદેશી વહુના નખરા કેવા યે હશે બરાબરને? સાચુ કહેજે એવું વિચારીને ચિંતા કરતી હતી ને? હું તારો દીકરો છું તને ઓળખું તો ખરો ને? પણ…મમ્મી,જેના જન્મે જ અંગ્રેજ છે..એને આપણી સંસ્કૃતિ, આપણા રીતરિવાજ, વિગેરે બધું બહું જ ગમે છે. તેને આપણી રહેણી કરણી આપણી સંસ્કૃતિ બધી જ ખબર છે. તું જરાયે ચિંતા ન કર.”
અને ખરેખર સાંજ સુધીમાં નીતાબહેન તો ઠીક નિખિલભાઇને પણ થયું..
ના,ના,પોતે ખોટા ગુસ્સે થતા હતા. અર્ચન અને જેના સતત હસતા હતા અને હસાવતા હતા.કેવી રીતે જેના ગુજરાતી શીખતા શીખતા કેવા કેવા છબરડા વાળતી હતી તે બધી વાત અર્ચન કહેતો હતો અને જેના હસતી હતી.જેના મૂળ તો વાતોડી હતી.થોડા કલાકમાં તો ઘરમાં એવી ભળી ગઇ કે જાણે વરસોથી આ ઘરમાં જ ન રહેતી હોય. દરેક વસ્તુ જોતી રહી..રસથી વખાણ કરતી રહી. મમ્મી,પપ્પા આખો દિવસ શું કરે છે, સમય કેમ પસાર કરે છે…બધું પૂછતી રહી હતી. એને તો જાણે પ્રશ્નો ખૂટતા નહોતા. નીતાબહેન ને થયું કે આટલો રસ તો પોતાનામાં કોઇએ કયારેય લીધો નથી.રાત્રે તો નીતાબહેનની સાથે પરાણે રસોડામાં ઘૂસી ગઇ.
લાપસી ખાઇને ખુશખુશાલ થઇ ગઇ. રાતે જમીને બધા બેઠા હતા ત્યારે તો ઘર જાણે જીવંત બની ઉઠયું. વાતો જાણે ખૂટતી જ નહોતી. અંતે નીતાબહેને જ સમજીને કહ્યું,
”અર્ચન,બેટા,આજે તમે યે થાકયા હશો. કાલે વાતો કરશું. આજે તો હસી હસીને પેટમાં દુ:ખી ગયું. હવે સુઇ જાવ.
”હા,મમ્મી, અને જેના તારી સાથે સુઇ જશે”
અર્ચને જાણે ધડાકો કર્યો હોય તેમ નિખિલભાઇ અને નીતાબહેન સાંભળી રહયા..
”અર્ચન આમ કેમ કહેતો હતો?” બંને પ્રશ્નાર્થ નજરે અર્ચન સામે જોઇ રહ્યા.
“હા,મમ્મી, એ મુખ્ય વાત તો અમે હજુ તમને કરી જ નથી.’
જેના જાણે ટહૂકી ઉઠી. ”એટલે?”
“એટલે એમ જ કે…મેં અને જેનાએ કાયદાની ભાષામાં લગ્નના સહી સિક્કા કર્યા છે.જેથી કોઇ કાનૂની ગૂંચવાડો ઉભો ન થાય.બાકી તમારા આશીર્વાદ વિના લગ્ન થોડા થાય? જેનાને તો આપણા રિવાજ પ્રમાણે ફેરા ફરીને બધી વિધિ પ્રમાણે લગ્ન કરવા છે.અમે હજુ સાથે રહ્યા જ નથી.લગ્નનું પવિત્ર સહજીવન તમારા આશીર્વાદ વિના થોડુ શરૂ થાય?”
નીતાબહેન કે નિખિલભાઇ તો કંઇ બોલી જ ન શકયા.
”ખરેખર?”
“હા,મમ્મી, જેનાના મમ્મી પપ્પા પણ આઠ દિવસમાં અહીં આવી જશે. તને જે રીતે દીકરો પરણાવવાની હોંશ હતી…છે..એની શું મને ખબર નથી?”
નિખિલભાઇ અને નીતાબહેનના આશ્ર્વર્ય અને આનંદનો તો પાર ન રહ્યો.આવી તો કલ્પના પણ કયાંથી આવે? પોતે તો કાંતાબેનના દીકરા-વહુનો દાખલો જ વિચારતા રહ્યા. કેવા મૂરખ હતા પોતે.
અને અઠવાડિયા સુધી ઘરમાં મંગલ ગીતો ગવાતા રહ્યા. જેનાના મા-બાપ પણ આવીને આ પરાયા દેશમાં જે રીતે બધા સાથે ભળી ગયા..તે જોઇને તો ગામવાળા… સગાવહાલા.. પણ બધા નવાઇ પામી ગયા.નીતાબહેન અને નિખિલભાઇએ ગૌરવથી..ધામધૂમથી દીકરાને પરણાવ્યો.
દીકરા –વહુને પોંખતા નીતાબેનની આંખો હર્ષથી છલકાઇ રહી. પણ…પણ..હજુ આશ્ર્વર્યનો આંચકો જાણે બાકી હતો.પોંખીને દીકરા વહુને અંદર લઇ ગયા ત્યારે બંનેએ પગે લાગીને મમ્મી,પપ્પાના હાથમાં એક કવર મૂકયું. ”આ શું છે ?’ ”તમે જ ખોલી ને જુઓ, પપ્પા, આ છે અમારી સરપ્રાઇઝ ગીફટ.
નિખિલભાઇએ કવર ખોલ્યું તો એમાં અર્ચન અને જેના બંનેની નોકરીના એપોઇંટમેન્ટ લેટર હતા.બંનેને મુંબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં સરસ નોકરી મળી ગઇ હતી. અને હવે તેઓ કાયમ અહીં જ રહેવાના હતા.
” મમ્મી, હવે અઠવાડિયામાં આપણે ચારેય મુંબઇ જઇએ છીએ. ત્યાં કંપનીએ સરસ બંગલો આપ્યો છે.હવે અમે કાયમ તમારી સાથે જ રહેવાના છીએ….” ”મમ્મી, રાખશો ને આ પરદેશી છોકરીને કાયમ તમારી સાથે?” જેના ટહૂકી ઉઠી. નીતાબહેન શું બોલે ? અહીં કયાં કોઇ પરદેશી હતું ? સંસ્કાર કંઇ કોઇ એક દેશનો ઇજારો થોડો જ હોય છે ? નિખિલભાઇનો ચહેરો પર ફરી એકવાર દીકરા માટેના ગૌરવથી ઝળહળી ઉઠયો હતો.
🙏🙏🌹🌹🌹🌹🙏🙏