Wait!!! સમય થશે ત્યારે મળશે! લઈ દઈએ છીએ.
પાંચમાં ધોરણમાં સાયકલ લેવી હતી. ભાઈબંધોની સાયકલ જોઈને મને પણ સખત ઇચ્છા થતી. સ્કૂલે, ટ્યુશનમાં, ક્રિકેટમાં સ્ટમ્પ માટે કે પછી રવિવારે રખડવા જવા પોતાની સાયકલ હોય તો મજા આવે.
દર વર્ષે સારા માર્ક્સ લાવીને ઘરે સાયકલ લઈ આપવાની પપ્પાને ડિમાન્ડ કરું. પપ્પા ફરી છ માસિક પરીક્ષામાં માર્ક્સ લાવવાનું બહાનું આપે. વળી, ઉનાળુ વેકેશન પણ પડી જાય. એટલે નવા વર્ષે વધુ સારું પરફોર્મ કરવાની વાત થાય.
એમ આ સાયકલ લાવવાની સાયકલ બે વર્ષ ચાલી. એક દિવસ શનિવારે અચાનક જ પપ્પા LMLનું સ્કૂટર લઈને સ્કૂલ છૂટવાના ટાઈમે પહોંચી ગયા. તોફાની હોઈએ એટલે અચાનક તેમને જોઈને એટલે થોડો ડર પણ લાગે. મને કહ્યું, “બેસી જા પાછળની સીટમાં.”
મને એવું લાગ્યું કે કોઈક પ્રકારની કમ્પલેઈન મળી લાગે છે. એટલે કશું જ બોલ્યા વિના ચૂપચાપ બેસી ગયો. સીધા જ સાયકલની દુકાને લઈ ગયા. એમાં પણ બે જ ઓપ્શન પસંદ કરીને રાખેલા. બંને વચ્ચે 200/- રૂપિયાનો ગેપ હતો. મને કહી દીધું કે, “આપણું બજેટ 2500/- રૂપિયા આસપાસનું છે. એની અંદર જે તને ગમે તે સાયકલ આપણે લઈશું.”
તેમના ચહેરા પરના ભાવો એકદમ ફ્લેટ. તેઓ કહે, “તારે ફરી પહેલો નંબર આવ્યો સાતમા ધોરણમાં એટલે તને સાયકલ અપાવવાનું મેં નક્કી કરેલું. ચાલ હવે, પસંદ કર અને ચલાવવાનું ચાલુ કર.”
મેં પણ સાયકલ દુકાનની બહાર લાવીને ચલાવવાનું શરૂ કર્યું. આમ પાછા દર બે સેકન્ડે પાછળ ફરીને જુએ કે કશું થયું તો નથી ને! હું સાયકલ લઈને આવી તો રહ્યો છું ને! પરંતુ, ખાસ ભાવો ન દર્શાવે.
આ હતું Wait નું કલ્ચર. જે કદાચ આજે નથી. ઇઝી-પીઝી મની & ક્વિક હેપ્પીનેસવાળા કોન્સેપ્ટ કદી જીવનના સેટબેક્સમાંથી ઊભા નહીં થવા દે. ડાઉન ટાઈમ કેટલો ચાલશે એ થોડો કોઈના હાથમાં છે! અકળાઈ જવાનો સમય છે માત્ર એક સેકન્ડ, એ પછી મોબાઇલનું બફરિંગ હોય કે ક્રેડિટ કાર્ડવાળાના ફોન! 😁
ડામરના રોડ પર ફાસ્ટ પેસમાં દોડતી દુનિયામાં ફૂટપાથ પર ચાલતા ચાલતા પથ્થરને દેડવવાની નિરાંત હું શોધું છું! મનની ફરી એવી સ્થિતિ જે સાયકલ મેળવવા માટેની મથામણ વખતે હતી.
મોરલ:
- હંમેશા કશુંક મેળવવા માટે કશુંક ગીરવે મુક્યું હોય તો જ તપ પાકે. પછી એ સેલરી હોય, સમય હોય કે સ્થિતિ હોય.
- સમય આવ્યે મળશે અને આ સમય પહેલા આટલું જોઈએ, આમાંથી કયા પ્રકારનું વ્યક્તિત્વ આપણે છીએ?
- કશું પણ ગીરવે મૂક્યા વિના સમય પહેલા જોઈએ, આવી માનસિકતા હોય તો મનોચિકિત્સક પાસે ઈલાજ જરૂરી છે.