પતિ-પત્ની અને તેઓ.
આજે તલાકના મુકદ્દમાની પહેલી સુનાવણી હતી. બે વર્ષથી રીયા અને એનો પતિ મનોજ એક બીજાથી જુદા જ રહેતા હતા. પંદર દિવસ પહેલા જ એને છૂટાછેડાને લગતી કાનૂની નોટિસ મળી હતી. ગરીબી સામે ઝઝૂમતી રિયા પાસે એટલા પૈસા પણ નહતા કે બસ કે રિક્સા ભાડે કરીને અદાલત આવે, ચાલતા જ આવવાનું હતું તેથી નિયત સમયથી ઘણી વહેલી આવીને, અદાલતના પ્રાંગણમાં બેઠી બેઠી અદાલત ખૂલવાની રાહ જોઈ રહી હતી.
એના ચહેરા ઉપર ઉદાસી હતી. એના શરીરનું અસાધારણ સૌંદર્ય, તદ્દન સાદી, રસ્તા ઉપર ઝાડુ લગાવવાવાળી પહેરે એવી સાડીમાં લપેટાયું હતું. એનું પેટ ભૂખના દર્દથી ભડકતું હતું. દશ રૂપિયાનો ખર્ચ કરીને એણે ચાય અને બિસ્કુટ મંગાવ્યા અને ખાઈ લીધા. થોડી વારમાં મનોજ એક લક્ઝરી કારમાં આવ્યો, એની સાથે એની માં અને એના બે નાના ભાઈઑ હતા. અદાલલતના આંગણામાં રિયાને એકલી બેઠેલી જોઈને મનોજે કાળા રંગના ગોગલ્સ ચઢાવી લીધા કે જેથી રીયા સાથે આંખોનો સંપર્ક નથાય. રિયાએ પણ ન્યાયાલયમાં જવા માટે પગ ઉપાડ્યા.
બંનેનું લગ્ન જીવન માંડ એક વરસ જેટલું જ ચાલેલું. તેઓને રીયા પસંદ નહતી, સ્પેસિફિક થઈને કહેવું હોય તો તેઓને રિયાની ગરીબી પસંદ નહતી. પણ મનોજને રિયાનું વ્યક્તિત્વ અને એના દેહનુ સૌદર્ય ઘણું પસંદ હતું. મનોજની જીદના કારણે તેઓએ રિયાને ઘરમાં આવકારવી પડી હતી, પણ તેઓ એક વાતે મક્કમ હતા કે એને અહી ઠરવા દેવી નથી. ગમે તેમ કરીને પણ તેઓએ રીયા અને મનોજના લગ્ન જીવનમાં ભંગાણ સર્જવું હતું. મનોજ સિવાયના બધા જ, સાસુ, સસરા દિયર અને નણંદ સહિતના બધા જ એને ઘરની બહાર કાઢવા માટે એક મત હતા.
રીયા માત્ર ગરીબ જ નહતી, અનાથ પણ હતી, જ્ન્મતાની સાથે જ એના માતા-પિતા એક રોડ અકસ્માતમાં માર્યા ગયા હતા, એનો ઉછેર એના ‘કાકા-કાકી’
ને ત્યાં થયો હતો. કાકા તો રિયાને પોતાની જ દીકરી ગણતાં હતા તેથી તો એને કોલેજ સુધીનું ભણતર મળવા પામ્યું હતું. કોલેજના પહેલા દિવસથી એ મનોજની નજરે ચઢી હતી. મનોજની જીદ હતી તેથી બંને વચ્ચે મૈત્રી સંબંધ બનેલો અને એની જીદ હતી તેથી જ એ સંબંધ લગ્ન સુધી પહોંચેલો.
પણ કાકીને રીયા પસંદ નહતી. કાકા અને કાકીને પણ બે દીકરીઓ હતી, પણ રીયા ખૂબ જ બુદ્ધિમાન અને સુંદર હતી , એ હકીકત કાકીની સહન શક્તિની બહારની વાત હતી. મનોજના પરિવાર તરફથી જ્યારે લગ્નનું માંગુ આવ્યું ત્યારે કાકાએ તરત જ લગ્નની મંજૂરી આપી દીધી હતી, જ્યારે કાકીને માટે આ રાહત હતી કે લગ્નને બહાને છૂટકારો મળતો હતો.
મનોજના પરિવારની લગાતાર ખટપટો અને સખત દબાણ સામે મનોજ પણ હારી ગયો અને રિયાને ઘરની ભાર કાઢવા તૈયાર થઈ ગયેલો. કાકા અને કાકી ત્યારે રિયાને આશરો તો આપેલો પણ એ રિયાના કાકાના કારણે, પણ કમનસીબી લઈને જન્મેલી રિયાના કાકાનું હાર્ટ એટેકથી મોત થતાની સાથે જ કાકી એના ઉપર ખરાબ પગલાનીનું હોવાનું આળ મૂકીને ઘરની બહાર કાઢી મૂકી હતી. જનમતાની સાથે માં-બાપને ખાઈ જનારી રિયાએ અંતે એના કાકાનો પણ ભોગ લીધો હોવાનું આળ એના માથે કાકી ચઢાવેલું.
બેઘર અને સાવ જ અનાથ અવસ્થામાં આવી પડેલી રીયા માટે ઉપર આકાશ અને નીચે ધરતી હતી. એ એકલી જ હતી, અને એને કોઈનો સહારો નહતો, સહારા માટે એક બ્યુટી પાર્લરમાં નોકરી લઈ લીધી, જ્યાં એને મહિનાના બે હજાર રૂપિયા મળતા હતા, એમાથી એક હજાર રૂપિયા એક રૂમની ઓરડીનું ભાડું ચૂકવવામાં ખર્ચાઈ જતાં, અને બાકી વાધેલા એક હજારમાથી એણે ખાણી-પીણીની જોગવાઈ કરવાની હતી.
એણે ગરીબી અને અમીરીને ખૂબ જ નજીક—પોઈન્ટ-બ્લેન્ક-રેન્જથી- જોઈ હતી. પતિના ઘરે બેહિસાબ અમીરી હતી, પણ એ અમીરી એને સુખ આપતી નહતી. પતિના સ્નેહીઓ એને ઘર બહાર કરાવવા મક્કમ હતા, એને રોજેરોજ મહેણાં ટોણાં શંભળવતા હતા. એની હાલત ઘરની કામવાળી બાઈ કરતાં ખરાબ હતી, એને અશુભ પગલાની કહેતા, અક્કલ વગરની, મૂર્ખ જડસું તરીકે એને પ્રચારવામાં આવતી. શરૂઆતમાં તો આવા પ્રચારની કોઈ અસર એના પતિ મનોજના મન ઉપર પડતી નહતી, પણ મનોજને માનસિક રૂપથી તોડી પાડવા માટે તેઓ પાસે હજારો આડીયા હતા.
એના લગ્નને માંડ ચારેક મહિનાનો સમય થયો હતો, અને એના સસરા રોડ અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થયા. એના દોષનો ટોપલો રિયાના માથે મઢી દેવાયો, એ છે જ છપ્પર પગી, જનમતા માં-બાપને ખાઈ ગઈ અને હવે અહી સાસરીમાં સાસરાને મોતને ઘાટ ઉતારવા આવી છે. બૈરીના રૂપમાં ઘેલો થયેલો મનોજ આવું બધુ જોઈ શકતો નથી પણ એણે પસ્તાવુ પડશે.
રિયાની પીઠ પાછળ મોટા કદના કાવતરાઓ ઘડાવા લાગ્યા. સસરાની દેખભાળની બધી જવાબદારીઓ રિયાના માથે હતી. નિયમિત દવાઓ આપવાથી લઈને પથારીમાં ઝાડો પિશાબ કરાવવાની જવાબદારીઓ પણ રિયાના માથે હતી, અને રીયા આ કામ ખૂબ જ ચીવટાઈ અને આત્મીય ભાવથી કરતી હતી. એક દિવસ એની સાસુએ સાસરાને આપતી દવાઓમાં એક દવા બદલી નાખી જેના કારણે સસરાની હાલત ગંભીર થઈ ગઈ. ઘણો પૈસો ખર્ચીને એમને માંડ માંડ મોતથી બચાવી લેવાયા. એના દોષનો ટોપલો રિયાના માથે ગોઠવી દેવામાં આવ્યો. મનોજ પણ આ વાતથી નારાજ થઈ ગયો. એણે રિયાને રીતસર ખખડાવી નાખી. તું ભણેલી ગણેલી થઈને આવી ભૂલ કરી જ કઈ રીતે શકે? દવા જોઈને નથી અપાતી? રીયા બિચારી—એની પાછળ થતાં કાવાદાવાથી અજાણ-કઈ રીતે પોતાનો બચાવ કરે?
આ જ દરમિયાન રિયાને મહિના રહ્યા. મનોજ આ ખબરથી ખુશ થયો. પણ મનોજને ખબર નહતી કે આ ખુશ ખબરને કઈ રીતે અશુભ ખબરમાં તબદીલ કરવામાં આવવાની છે. રિયાને ચારેક મહિનાનો ગર્ભ હતો, એને ખૂબ જ વોમિટ થતી હતી, ડોક્ટરે તાકીદ કરી કે રિયાને બેડરેસ્ટ ની જરૂર છે. કોઈ પણ ભારે કામ એની પાસે લેવામાં ના આવે. રિયાની સાસુએ એનો અર્થ કર્યો…..આ જ તક છે…..એની પાસેથી સખત ….ભારે મજૂરીવાળું કામ લેવાનું.
રિયાની લેફ્ટ રાઇટ શરૂ થઈ ગઈ. રસોડાની કામગીરીનો બધો જ ભાર એના માથે મૂકી દેવામાં આવ્યો. મનોજ નો પરિવાર એટલો ધનાઢ્ય હતો કે રસોઈનું કામ ‘મહારાજ’ પાસેથી લેવામાં આવતું હતું પણ સાસુએ મહારાજ ને રજા ઉપર ઉતારી દીધો. એવામાં લગ્ન લાયક ઉમરે આવેલા એના દિયરને જોવા માટે છોકરીવાલા આવ્યા, એ દિવસે વીસેક માણસની રસોઈ બનાવવાની હતી, જેનો ભાર રીયા ઉપર મૂકી દેવાયો. ધાર્યું હોતે તો બીજો કોઈ રાંધવાવાળો બોલાવી શકાયો હોતે પણ એવું કોણ ધારે અને શા માટે? આવી તક કઈ વારેવારે આવતી નથી. સાસુનું ગણિત સાચું પડ્યું.
રિયાથી કામનો બોજો સહન થઈ શક્યો નહીં, એની આંખે ઝાંખ વળવા માંડી, એણે ચક્કર આવવા લાગ્યા, ઊબકા અને વોમિટ શરૂ થઈ ગયા અને રીયા ઉંધા માથે, પેટભર પડી ગઈ. એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં ડોક્ટરે કહ્યું, બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું છે. સૌથી મોટો હોબાળો સાસુએ મચાવી દીધો. ‘મારા દાદી બનવાના સપના ચકના ચૂર કરી નાખ્યા આ રાંડે તો’ એને માં બનવું જ નહતું તેથી જાણી જોઈને એ પડી ગઈ. મનોજ પણ ખૂબ જ નિરાશ થઈ ગયો. એને બાળકો ગમતા હતા, એના સપના પણ ચકના ચૂર થઈ ગયા.
આખા પરિવારમાં એવો હોબાળો મચી ગયો, રિયાને સમજ જ પડી નહીં કે એ બોલે તો શુ બોલે અને કોને કહે? એનો પતિ હવે એનો રહ્યો નહતો. છતાં એના મનમાં આશા હતી કે બધુ બારોબાર થઈ રહેશે. થોડાક જ દિવસોમાં એમના લગ્નની એનિવર્સરી આવી રહી હતી, રિયાને હતું કે આ દિવસોમાં તો મનોજ ખુશ થશે જ થશે જ પણ એને સ્વ્પને પણ ખ્યાલ ના હતો કે આ જ દિવસે એને પહેરેલે કપડે એનો પતિ એને ઘરમાથી કાઢી મૂકવાનો છે. રીયા પહેરેલે કપડે તો નહીં પણ એના ગરીબ કાકાએ એને લગ્નમાં ચઢાવેલ બે સાડી લઈને મનોજનું ઘર છોડી દીધેલું.
ન્યાયાલયના દરવાજાની પાસેની બેન્ચ ઉપર રીયા બેઠી બેઠી પ્રતિક્ષા કરી રહી હતી કે ક્યારે એનું નામ પોકારવામાં આવે. તો હૉલના સામેના છેડે મનોજ અને એનો પરિવાર ખુશી મનાવતો બેઠો હતો. તેઓ કોઈ વાત ઉપર રિયાને જોઈને અંદરો અંદર હસી રહ્યા હતા. એલોકોની હસી ખુશીને જ સાર્થક કરતું હોય એમ જ રિયાનું નામ પુકારવાં આવ્યું, કોર્ટનો પોલિસ રિયાને જાતે આવીને અંદર ન્યાયાલયમાં દોરી ગયો. મનોજ એના પરિવાર સાથે બેઠો. કેસની શરૂઆત મનોજના વકીલે કરી.
‘મી લોર્ડ, મારા અસીલ મનોજના લગ્ન સંબંધી આ વાત છે. મનોજ પોતે પૈસાદાર પરિવારનો સભ્ય છે, એની પોતાની કમાઈ પણ લાખોની છે, પણ એ પહેલેથી જ સ્વભાવથી ભોળો લાગણીશીલ રહ્યો છે, એની સામે એની પત્ની રીયા ધનસંપતિની લાલચુ અને તેથી ખરાબ ચારિત્ર્યની ઔરત રહી છે, એના અનેક મરદો સાથે અનૈતિક સંબંધો રહ્યા છે. કોલેજના સમયથી જ એણે મનોજને પોતાની પ્રેમ જાળમાં એવો ફસાવ્યો હતો, કે મનોજ એના પોતાના માં-બાપનું માનતો નહતો. મનોજ નોકરી ઉપર જતો એની સાથે જ રીયા ગેરમરદો સાથે મોબાઈલ ઉપર વાતો કરવા બેસી જતી અને મન ફાવે ત્યારે મન ફાવે એની સાથે રંગ રેલીયા મનાવા નીકળી પડતી, કેટલીક વાર તો એના ચાહકોને એ ઘરે પણ બોલાવતી, એની સાસુએ એને ઘણી વખત રંગે હાથ પકડી લીધી હતી પણ રિયાએ મનોજના મનને એ રીતે વશ કરી લીધું હતું કે એ રીયા સિવાય કોઈની પણ વાત શાંભળતો જ નહતો. તેથી આપ નામદાર સાહેબ ડાઈવોર્સ અરજીને મંજૂર કરીને મારા અસલીલને આ ફરેબી લગ્નના બંધનથી મુક્ત કરવો. એવી અમારી અરજ છે.
વકીલે રિયાના ચરિત્રયને લઈને જે રજૂઆત કરી એનું સમર્થન આપવા માટે સાક્ષી બોક્સમાં રિયાની કાકીને હાજર કરવામાં આવી, ત્યારે કાકીએ વકીલની વાતનું સમર્થન કરતાં કહ્યું કે રીયા નાનપણથી જ ખરાબ ચારિત્ર્યની હતી, જેના કારણે મને પણ મારી બે દીકરીઓ સંબંધી ચિંતા થતી હતી. આની સાથે જ છૂટા છેડાનો મનોજનો કેસ મજબૂત થઈ ગયો.
રીયા ખૂબજ શાંતિથી આ કથની શાંભળી રહી હતી, એના માટે આ નવું નહતું, એને મૂર્ખ અક્કલ વગરની હવસખોરના રૂપમાં એની કાકી અને એની સાસુ સતત ચીતરતા જ રહેતા હતા, આવા વાતાવરણમાં એનો એક જ સહારો મનોજ હતો, જે એને સારી અને સાચી રીતે જાણતો અને સમજતો હતો.
ન્યાયધીશે રિયાને વિટનેસ બોક્સમાં બોલાવીને પૂછ્યું, ‘ બહેન રીયા, તમારી વિરુદ્ધ જે આક્ષેપો થયા છે, એ તમને સ્વિકાર્ય છે? જો નથી તો એનો જવાબ આપો. તમારી પાસે તમારો વકીલ છે?
‘ના સાહેબ મારી પાસે મારો કોઈ વકીલ નથી’
‘જો તમને વકીલનો ખર્ચ પરવડતો ના હોય તો બોલો, અદાલત તમારા માટે વકીલની વ્યવસ્થા કરી શકે એમ છે.’
‘ સાહેબ મારે વકીલની સેવાની કોઈ જરૂર નથી. રહી વાત એમના વકીલે જે કઈ કહ્યું અને મારા કાકીએ સમરથનમાં જે કહ્યું,, એના સંબંધી તમો સાહેબ મારા પતિ મનોજ ને જ પૂછો. તેઓ કહેશે કે વકીલની વાત સાચી છે કે ખોટી. મારે મારા બચાવમાં જાતે કઈ જ કહેવું નથી. અને એક અંતિમ વાત, મને મારા પતિએ જ ઘરમાથી કાઢી મૂકી હતી, એમના આદેશથી જ હું એમનું ઘર છોડી ગઈ હતી અને છેલ્લા બે વરસથી અમે એકબીજાથી અલગ રહીએ છીએ. બે વરસ દરમિયાન અમે ક્યારેય ક્યાય મળ્યા નથી. તેથી કોઇ એવું કહી શકે એમ નથી કે મે એમના મનને ભોળવ્યું છે.’
ન્યાયધીશ સાહેબે મનોજને વિટનેસબોક્સમાં બોલાવ્યો અને પૂછ્યું, ‘ બોલો મનોજભાઈ તમારે તમારી પત્નીની બાબતે શું કહેવું છે?’
મનોજે સાદી અને સરળ ભાષામાં કહ્યું, ‘ વકીલ સાહેબે અને એમના સાક્ષી રિયાની કાકી જે કહ્યું એ ખોટું છે, કોલેજકાળ દરમિયાન હું અને રીયા સતત એકબીજાની સાથે એક બીજાના સંપર્કમાં જ રહ્યા છીએ. અને રિયાનું ચારિત્ર્ય અણીશુદ્ધ રહ્યું છે, મને ક્યારેય એ ચરિત્રયને વાતે કોઈ ફરિયાદ રહી નથી.’
મનોજના બ્યાનને શાંભળીને ન્યાયધીશ સાહેબ મનોજના વકીલ ઉપર ગુસ્સે થઈ ગયા. ‘તમને ભાન છે? તમે ખોટા તથ્યો અદાલત સમક્ષ રજૂ કરીને ઘણો ગંભીર ગુનો કર્યો છે, આમાં તમારું લાઇસંસ પણ રદ થઈ શકે છે. આને તમે ચેતવણી સમજજો. અને એની સાથે ન્યાયધીશ સાહેબે વિસ દિવસ પછીનો ઠરાવ આપ્યો.
મનોજની માં અને એના ભાઈ બહેન માનોજ ઉપર ખૂબ ગુસ્સે થયા, તેઓ ખૂન્ન્સભરી નજરથી રીયા સામે જોવા લાગ્યા. મનોજે બનાવેલો આખો ખેલ બગાડી મૂક્યો હતો. પણ મનોજ ચૂપચાપ નીચી નજરે એમની સાથે ચાલવા લાગ્યો. એણે કોઈને વાત નો જવાબ આપ્યો નહીં. જે કહેવાનું હતું તે ન્યાયધીશ સામે કહી દીધું.
એ જ દિવસને રાતે રીયા મોડી સાંજના સમયે ખાવા બેઠી હતી અને એના રૂમ ના દરવાજા ઉપર કોઈએ દસ્તક લગાવી. રિયાને નવાઈ લાગી, એ કોણ હશે? ઊભી થઈ અને દરવાજો ખોલ્યો તો એ આશ્ચર્ય ચકતી થઈ ગઈ. એ મનોજ, એનો પતિ હતો. અરે તમે? ‘ તમારે અહી સુધી આવવાની તકલીફ લેવાની જરૂર નહતી, હું ડાઈવોર્સ પેપર ઉપર સહી કરી દેવાની જ હતી. તમારે મારી ઉપર એટલો વિશ્વાસ તો મૂકવો જોઈતો હતો.’
‘પણ મને તારી રૂમમાં અંદર આવવા તો દેશે કે નહીં? એક વાર મારી વાત શાંભળસે કે નહીં?’
‘આવો, અંદર આવો અને કહો’ રીયાએ મનોજ ને આવકાર્યો.
‘હું તારી માફી માંગવા આવ્યો છુ. મને કઈક કહેવાની તક તો આપશે કે નહીં?’
‘કઈ વાતની માફી? કોર્ટમાં વકીલે જે કહ્યું એ વાતની માફી?’
‘કોર્ટની વાત તો ઠીક છે, ઘણી ઘણી વાતોની માફી મારે માંગવાની થાય છે. આપણાં પતિ-પત્નીના સંબંધમાં આવેલ ભંગાણનું કારણ ‘તેઓ’ છે, તેઓ હતા, એટલી વાત મારી બુધ્ધિમા ઉતરી નહીં, તેના કારણે તારે કોઈ પણ જાતના અપરાધ વગર ભારે સજા અને બદનામી ભોગવવી પડી, તેથી હું તારો ગુનેગાર છુ અને મારા એ ગુના માટે માત્ર તારી માફી માંગવા જ નથી આવ્યો પણ તેઓને હમેશ માટે છોડી દઈને, હું હમેશ માટે તારી સાથે રહેવા, આપણાં સંસારને ફરીથી વસાવવા માટે આવ્યો છુ. તું મને માફ કરીશ?’
પતિની આવી કબૂલાત રિયાની અપેક્ષા બહારની હતી. એ નિશ્બ્દ થઈ ગઈ. કહેવા જેવુ એની પાસે શું હતું? એની આંખો આંસુથી છલકાઇ ઉઠી, પતિને વળગીને એ રડવા લાગી, પતિ પણ રડી રહ્યો હતો.
અત્યારની ગરીબીમાં એવી અમીરી હતી,
જે મોટા બ્ંગ્લાઓ કે મહેલોમાં પણ નથી. હોતી.
સમાપ્ત.