શિવગાથાનો સમર્થ ગાયક – ડૉ. સુમન્ત ટેકાડે
===========================
એક યુવાન વિપ્રોમાં કોઇ સીનિયર પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. એક ઉચ્ચાધિકારીની સામે બેઠો હતો. સાહેબે જોયું કે યુવાન સતારાથી છે. વધુ પૃચ્છા કરતાં જાણ્યું કે એનો પરિવાર જાવળી નામના ગામથી હતો. સાહેબે પૂછ્યું “આપણા દેશના ઇતિહાસમાં તમારા ગામનું શું યોગદાન છે તે જાણો છો?”
છોકરાએ ઉત્તર આપ્યો “વેલ, ખાસ તો કાંઇ નથી. શિવાજીના વખતમાં એક યુદ્ધ થયું હતું આજુબાજુના જંગલોમાં.”
“ઇઝ ધેટ ઇટ?”
“હા અને શિવાજીએ અફઝલખાનને મારી નાંખ્યો હતો.”
“વેલ. ક્યારેક વિચાર્યું છે કે અફઝલખાનના વધના પ્રકરણમાંથી એક ટીમલીડરે શું શીખવા જેવું છે?”
“હમ્મ…. ના સર. એ તો કોઇ દિવસ નથી વિચાર કર્યો.”
“વાંધો નહીં. શિવાજીના સમગ્ર જીવનમાંથી લીડરશીપના કયા સિદ્ધાન્તો શીખવા જેવા લાગે છે?”
“સર, એક્ચ્યુઅલી આઇ ડોન્ટ બિલીવ ઇન રીડીંગ હિસ્ટ્રી એન્ડ ઓલ્સો નોટ એ શિવાજી ફેન.” યુવાને કહ્યું.
“રિયલી!” ઇન્ટરવ્યૂઅર સાહેબને આશ્ચર્ય થયું. એમણે ઉમેર્યું “કેમ એવું?”
યુવાને ઉત્તર આપ્યો…
“સર, શિવાજીની મહાનતા વિષે આપણને બધું અતિરેકમાં કહેવામાં આવ્યું છે. હી વોઝ જસ્ટ એ મરાઠા વોરિયર. એ જમાનામાં મરાઠા સરદારો સુલ્તાનોની સેનામાં નોકરી કરતા. એમના પિતા પણ આદિલશાહની સેનાની એક ટુકડીના નાયક હતા. શિવાજીએ પિતાની જેમ કોઇની નોકરી કરવાના બદલે થોડા કિલ્લાઓ જીતી લઇને અને સૂરત જેવાં શહેરો લૂંટીને પોતાને રાજા ઘોષિત કરી દીધા. જયારે પોતે હારવાની શક્યતા જોઇ ત્યારે જીતેલા કિલ્લાઓ સુલતાનોને પાછા ય આપી દીધા. ફરી સુલ્તાનો નબળા પડ્યા તો ફરી આક્રમણો કરીને જીતી લીધા. સર ઇટ ઇઝ ઓલ ગ્લોરિફાઇડ બાય સર્ટન ગ્રુપ્સ અધરવાઇઝ હી વોઝ જસ્ટ એ કલેવર મિલિટરી જનરલ. ધેટ્સ ઓલ.”
“હમ્મ… ઇન્ટરેસ્ટીંગ વ્યૂ પોઇન્ટ.” ઇન્ટરવ્યૂઅર સાહેબે કહ્યું.
આ ઘટનાએ ઇન્ટરવ્યૂઅર સાહેબને વિચારતા કરી દીધા. હૃદયથી વિચલિત પણ કરી દીધા કારણકે તેઓ છત્રપતિ મહારાજના જીવનના અભ્યાસુ હતા.
વિચારે ચડ્યા કે શા માટે એક યુવાન શિવાજીને એક સામાન્ય મરાઠા સેનાનાયક ગણાવે છે! શા માટે એમના ઇતિહાસને “ઓલ ગ્લોરિફાઇડ” કહે છે!
આ છોકરો પુરવાર કરી રહ્યો હતો કે ભારત પર હજુ વિદેશીઓ જ શાસન કરી રહ્યા છે. કોઇ પણ દેશની ભૂમિ પર શાસન એ સાચું શાસન નથી. લોકોનાં હૃદયમનને વશમાં કરી લેવાં એ છે સાચું શાસન, અને ભારતીયોએ એમનાં હૃદયમન બહુ સહેલાઇથી વિદેશીઓને આપી દીધાં. શત્રુદેશની પ્રજાને માનસિક રીતે પરાધીન બનાવી દેવાથી મોટી બેડી બીજી કોઇ નથી. પ્રજા વિચારે પણ એ જ રીતે જે રીતે શાસક ઇચ્છે. અને આક્રમકો એ કરવામાં બહુ સફળ રહ્યા. એમણે પ્રજાના એક બહુ મોટા અને સમર્થ વર્ગને પોતાના દેશ, ધર્મ, સંસ્કૃતિ, અને ઇતિહાસનો વિરોધી બનાવી દીધો. એ વર્ગને દેશ પ્રત્યે વિરોધ અને વિદેશીઓ માટે પ્રેમ, લાગણી, સમ્માન, અહોભાવ, અને સહાનુભૂતિ થઇ ગયાં.
ભારતપર શાસન કરનારા પરદેશી શાસકોની એ જ સહુથી મોટી સફળતા. ભારતને બધી રીતે લૂંટીને સંપત્તિ બ્રિટન ભેગી કરી એ નહીં. સફળતા એ જ કે તેઓ પરદેશી શાસનના સમર્થકો ભારતમાં જ સર્જી શક્યા.
એવું વાતાવરણ સર્જવામાં સફળ રહ્યા કે ભારતીય સંસ્કૃતિમાં ગૌરવ લેવા જેવી કોઇ સિદ્ધિ હતી જ નહીં. જેને આપણે ભારત કહીયે છિયે એવો કોઇ દેશ જ ન હતો. એ ભૌગોલિક પ્રાન્ત તો પછાત લોકોથી વસેલો હતો જેને પરદેશથી લોકોએ આવી આવીને સંસ્કૃત કર્યો. એવું વાતાવરણ સર્જવામાં એ લોકો સફળ થયા કે ભારતની પ્રજાને ભારતીય હોવા પર લજ્જા થઇ જાય.
ભારતીયો એમ માનતા થઇ જાય કે શાસન તો વિદેશી શાસક જ કરી શકે અને અમારે તો બસ એમની ચાકરી કરવાની હોય. લઘુતા તો એટલી કે લોકો કહેતા થઇ ગયા કે પરદેશી આક્રમણો અને શાસન તો ભારત પર કરવામાં આવેલા ઉપકાર હતાં.
આધુનિક, શિક્ષિત, અને બૌદ્ધિક ગણાવા માટે દેશના સ્વમાનની, અને સ્વાભિમાનની વાત કરનારાઓને માર્ગ ભૂલેલા અથવા શાન્તિ અને સદ્ભાવનાના વિરોધી ગણાવી દેવાવા લાગ્યા. પ્રશંસાને પાત્ર એ જ માણસ, કે જેની પ્રશંસા વિદેશી શાસકોએ કરી હોય. જે સ્વમાની અને અભિમાની ભારતીય નરરત્નોએ વિદેશી શાસકોની સામે માથું ઊંચું કર્યું એમના માટે ભારતીયોના જ મનમાં અવગણના અથવા છાનો તિરસ્કાર આરોપી દીધો. તથાકથિત બૌદ્ધિક લોકો એમના વિરોધમાં અને વિદેશી શાસકોના પક્ષમાં વિચારતા થઇ ગયા, આ હતી એમની સહુથી મોટી સફળતા.
અને આનો શિકાર બન્યા એ લોકો જે શિક્ષિત હતા, સુરક્ષા અને સુવિધા ઇચ્છતા હતા અને સંઘર્ષથી ભાગતા હતા, એમની પોતાની શાન્ત અને સ્થિર જીવનશૈલીમાં કોઇ વિક્ષેપ ઇચ્છતા નહતા, ભલે એમનો એ સ્વાર્થ દેશના દૂરગામી હિત માટે ઘોર બાધક બને. એમને મન વિદેશી શાસકોના કૃપાપાત્ર બની રહેવું એ દેશના હિત કરતાં ઊંચું હતું.
અને આ માત્ર વિદેશી શાસનના સમયકાળ સુધી મર્યાદિત ન રહેતાં પ્રજાની માનસિકતા બની ગઇ. ભારતીય સંસ્કૃતિનાં ગૌરવચિહ્નોનું અપમાન કરવું અભિવ્યક્તિનું સ્વાતન્ત્ર્ય ગણાયું, એવાં અપમાનોનો વિરોધ પછાતપણું ગણાયું, અને ભારતીય ધર્મ, સંસ્કૃતિ, અને જ્યોતિર્મય વ્યક્તિત્વોની ઉપેક્ષા અને અજ્ઞાનને આધુનિકતા કહી દેવાયું. આ સહુથી મોટી સિદ્ધિ વિદેશી શાસકોની, કે એમણે પોતાના દેશના વિરોધી અને વિદેશી શાસનના હાથા બનવામાં ગમે ત્યારે કામ લાગી શકે એવા દેશવાસીઓનો આખો સમૂહ દેશમાં જ તૈયાર કરી લીધો.
એક આડ વાત. આ વાતમાં જેવા શિક્ષિત પ્રજાજનોની વાત કરી એવાઓમાંના એક હતા નગીનદાસ સંઘવી. એમના અભ્યાસપૂર્ણ વ્યક્તિત્વ પર, એમની તથ્યનિષ્ઠા પર, એમની નિર્ભયતા પર, એમના ચારિત્ર્ય પર આપણને હૃદયથી માન છે. પણ એમણે શિવાજી વિષે એવું જ લખ્યું છે જેવું આ છોકરાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, કે શિવાજી એક સાધારણ મરાઠા સરદાર હતા, મુસ્લિમ સુલ્તાનો પ્રત્યેની દાઝના કારણે હિન્દૂ વાર્તાકારોએ શિવાજી અને રાણા પ્રતાપનાં અતિરેકભર્યાં મહિમામંડન કર્યાં. બીજા સરદારો કરતાં અમુક રીતે સારા, પણ હતા તો એક સાધારણ સરદાર જ.
આવા લેખનું મહિમામંડન વળી એમના જેવા પ્રચ્છન્ન વામપંથી મહેન્દ્ર મેઘાણી સાહેબે કર્યું. એમણે અર્ધી સદીની વાંચનયાત્રા નામના એમણે સંકલિત લેખોના સંગ્રહમાં રાખવા સંઘવી સાહેબના હજારો લેખોમાંથી એ જ લેખનું ચયન કર્યું જેમાં એમણે શિવાજીને સાવ સાધારણ સરદાર સાબિત કરવા નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. ફરી એકવાર, આ વિદેશી અને દેશવિરોધી શક્તિઓની જ સફળતા. બસ આવા લોકોમાંનો જ એક હતો એ છોકરો.
ઇન્ટરવ્યૂઅર સાહેબે એક મોટો નિર્ણય લઇ લીધો. જે માણસ શૂન્ય નહીં, પણ સંપૂર્ણ વિનાશમાંથી વિરાટ સર્જી શકતો હોય, જે માણસ પહેલો પ્રહાર જ માતેલા શત્રુના લાસ્ટ રિઝોર્ટ જેવા સેનાપતિ પર કરી, એનું પેટ ચીરીને અને માથું કાપીને શત્રુની છાતી બેસાડી દઇ શકતો હોય, જે માણસને શત્રુઓ પણ વોર સ્ટ્રેટેજી જીનિયસ કહેતા હોય, જે માણસ ઓછામાં ઓછા માણસોની સહાય લઇ વધુમાં વધુ કામ કરી શકતો હોય, જે માણસે સઘળી સત્તા હોવા છતાં શત્રુઓની દીકરીઓ અને મહિલાઓનું માન સદા જાળવ્યું હોય, જે માણસના અભિયાન માટે તાનાજી માલુસરે અને બાજીપ્રભુ દેશપાંડે જેવા શૂરવીરો ભીષણ પરાક્રમ સાથે પ્રાણ પાથરી દેતા હોય, જે માણસની ઉપસ્થિતિમાં પોર્ચુગીઝ, ડચ, અને બ્રિટિશ સેનાઓએ વેપારધંધા સિવાય બીજે ધ્યાન ન આપવામાં જ શાણપણ માન્યું હોય, જેને મળીને આવેલા એક બ્રિટિશ સેનાપતિએ લંડન પત્ર લખ્યો હોય કે “આ માણસ સાથે આંખ મેળવવામાં મને ભય લાગે છે કારણકે મને ખબર છે કે એ મારી આરપાર જોઇ શકે છે.” જે સામ્રાજ્ય ત્યજી સમર્થ સ્વામી રામદાસ ભેગો શિષ્ય થઇ ચાલી નીકળવા તૈયાર હોય, અરે, જે સ્વામી વિવેકાનન્દનો આદર્શ હોય, જે વીર સાવરકરનો આદર્શ હોય, અરે! સવા લાખસે એક લડાવવા સિંહોની સેના તૈયાર કરી શકનાર મહાવીર ગુરુ ગોવિન્દસિંહે પણ જેનામાંથી પ્રેરણા લીધી હોય, અને એમને ક્યારેય મળી ન શક્યાનો અફસોસ રહી ગયો હોય, જેના કસમયે થયેલા મૃત્યુ પર સ્વયં ઔરંગઝેબે રોજો રાખીને વિશેષ નમાજ અદા કરી હોય અને એમાં કહ્યું હોય “ભગવાન, તારાં દ્વાર ઉઘાડાં રાખજે, તારા સ્વર્ગ માટે સુપાત્ર એવો એક મહામાનવ તારા દ્વારે આવવા નીકળો છે.” માનવું અઘરું લાગે, પણ મોસાદ જેવી સંસ્થા પણ જેને પોતાનો આદર્શ કહેતી હોય અને એની પૂરા કદની પ્રતિમા એમના હેડક્વાર્ટરના સ્વાગતખંડમાં શોભતી હોય, જેના નામની શપથ ભારતીય સેનાના સૈનિકો એકવીસમી સદીમાં ય લેતા હોય, જે સેનાનાયકની યુદ્ધકલા અને શાસન કૌશલ્ય પર ‘ક્લાઉઝવિત્ઝ ઓન સ્ટ્રેટેજી’ જેવાં આધિકારિક પુસ્તક લખાવાં જોઇએ એવા મહામાનવ, અતિમાનવ એવા છત્રપતિ શિવાજીનો આ દેશના યુવાનોને પરિચય થવો જોઇયે. જે માણસને અધૂરિયા આધુનિકોએ એક સામાન્ય સરદાર પુરવાર કરવા બધા પ્રયત્નો કરી લીધા છે એ એમની પ્રેરણા હોવો જોઇયે, અભ્યાસનું પાત્ર હોવો જોઇયે.
અને એ કામ કરવા માટે એમણે વિપ્રો જેવી સફળ કંપનીના એક સીનિયર અધિકારીનું પદ છોડી દીધું અને શિવાજીના જીવનના વિવિધ પ્રસંગોમાંથી શીખવા જેવા પાઠો યુવાનોને શીખવવા આદરી દીધો પ્રવાસ ગામથી ગામ, અને કોલેજથી કોલેજ.
એમનું નામ ડૉ. સુમન્ત ટેકાડે.
તેઓ ઇતિહાસની એવી વાતો કહેતા કે જે આપણાથી જાણીજોઇને, સમજીવિચારીને સંતાડવામાં આવી છે.
દુર્ભાગ્યે આ દેશનો પહેલો પ્રધાનમંત્રી માત્ર જન્મથી ભારતીય હતો. વૈચારિક રીતે બ્રિટિશ, ભાવાત્મક રીતે મુસ્લિમ, અને કલ્પનાશીલતામાં સામ્યવાદી હતો. આના કારણે એણે પોતાના સામ્યવાદી મિત્રોને ભારતની પ્રમુખ શિક્ષણસંસ્થાઓ અને સરકારી પ્રચારતંત્રનું સંચાલન સોંપી દીધું. ડો. રાધાકૃષ્ણન્ અને કનૈયાલાલ મુન્શી જેવા સારસ્વતો સાથે હોવા છતાં અબુલ કલામ આઝાદને શિક્ષણમન્ત્રી બનાવ્યા જેના માટે ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ થાય તેવું શિક્ષણ આપવું એ એજન્ડામાં જ નહતું. હા. નહેરુના સામ્યવાદપ્રેમી સાગરીતોની સાથે મળીને ભારતની નવી પેઢી ભારતીય સંસ્કૃતિ માટે હીનતા અનુભવતી થઇ જાય એવું શિક્ષણ આપવાનું આયોજન પૂરતા પ્રમાણમાં કરી રાખ્યું હતું. ભારતદ્વેષી વિદેશી યુનિવર્સિટીઓના માર્ગદર્શનથી એક આખી બ્રિગેડ તૈયાર કરી અને એના સભ્યોને ‘પ્રોફેસર એમેરિટસ’ જેવાં સાધારણ માણસો પ્રભાવિત થઇ જાય એ પ્રકારનાં જાતજાતનાં આન્તરરાષ્ટ્રીય સમ્માનો અપાવીને એમને એમનાં ક્ષેત્રમાં આધિકારિક સ્થાપિત કરી દીધા.
આવા માણસોની ટોળકીએ અભ્યાસક્રમ અને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરી ભારતની નવી પેઢીઓને ઇતિહાસનાં અનેક અનેક ઉજ્જવળ પ્રકરણોથી સાવ અજાણી રાખી. એની સામે ભારતીયને ભારતીય હોવા પર લાજ થવા માંડે એવી વાતો પર સૂક્ષ્મદર્શક કાચ મૂકીને વધારી વધારીને કહેવામાં આવી. એક નિયમ જ જાણે બની ગયો કે આધુનિક, શિક્ષિત, બૌદ્ધિક, અને પ્રગતિશીલ તરીકે સ્વીકૃતિ જોઇતી હોય તો ભારતદ્વેષી પરદેશીઓ સાથે તાદાત્મ્ય કરી લેવાનું. એમની ગરિમા વધે એ રીતે વિચારવાનું, બોલવાનું, એમની આંખોએ જ ભારત જોવાનું. એમના અહંકારને ન રુચે એવું કાંઇ નહીં કરવાનું. ટૂંકમાં, ભારતમાં વિદેશી સર્વોપરિતા સ્થાપવા માટે પૂર્ણસમય કામ કરનારા એજન્ટ બની જવાનું. તો જ આધુનિક, શિક્ષિત, બૌદ્ધિક, અને પ્રગતિશીલ તરીકે સ્વીકૃતિ મળે એવું થઇ ગયું. અને જોવાની મજા કે વિડંબના તો એ છે, કે આવા માણસોને પોતે દેશના વિરોધમાં વર્તી રહ્યા છે એવો અણસાર પણ નથી હોતો. હિપ્નોટાઇઝડ થઇ ગયા હોય છે.
ઇતિહાસમાં ઈસવી સંવત 712માં મહમ્મદ બિન કાસીમે આપણા દેશ પર આક્રમણ કર્યું અને રાજા ધૈર્યસેનનો પરાજય થયો એ ભણાવવામાં આવ્યું પણ ત્યાં શાસન કરતા આરબોનો બપ્પા રાવલના નેતૃત્વમાં એવો સજ્જડ પ્રતિકાર થયો કે પછીનાં દોઢસો વર્ષ કોઇ વિદેશી આપણા દેશ સામું જોવાનું સાહસ નહતો કરી શક્યો એ વાત અભ્યાસક્રમમાં જાણીજોઇને ક્યાંય કહેવામાં ના આવી.
આપણે એ જાણીયે છિયે કે અલગ અલગ મુસ્લિમ આક્રમકોએ 1303થી 1567 વચ્ચે ત્રણ વાર ચિત્તોડગઢ જીતી લીધો. પણ એ નથી જાણતા કે પરદેશી શત્રુઓ પાસેથી એ ગઢ પાછો કોણે જીત્યો.
મુહમ્મદ ઘોરીએ 1192 માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા એ આપણે જાણીયે છિયે પણ એ જ ઘોરીને 1178 માં આબુના પર્વતોમાં ઘેરી લઇ ભાગવા વિવશ કરી દેનાર અણહિલપુર પાટણનાં મહારાણી નાયિકાદેવીને પણ આપણે ઓળખતાં નથી. કારણ! ભારતદ્વેષી ઇતિહાસકારોએ તૈયાર કરેલો અભ્યાસક્રમ. હિન્દૂઓના મનમાં એવી લઘુતા ઘર કરી જવી જોઇએ કે તેઓ માત્ર પરાજિત થયા છે અને વિજેતા તો માત્ર વિદેશીઓ જ.
સુમન્તઅન્ના આવા વિજેતાઓનો ઇતિહાસ કહેતા. જાંબવાને હનુમાનજીને જેમ એમનું સામર્થ્ય સ્મરણ કરાવ્યું હતું એમ ભારતના યુવાનોને એમના વિસરાવી દેવામાં આવેલા સામર્થ્યનું સ્મરણ કરાવતા હતા. શિવાજી વિષે આયોજનપૂર્વક પ્રસરાવવામાં આવેલો એવો પ્રચાર કે તેમના વિષેની વાતો તો કવિઓએ અહોભાવમાં લખેલી છે બાકી તેઓ તો એક સાધારણ સરદાર હતા એ પ્રચારનું પુરાવાઓ સાથે ખંડન અને શિવાજીની સાચી મહાનતાનું મહિમામંડન કરતા.
એવું શું હતું શિવાજીના જીવનમાં, ચારિત્ર્યમાં જે એમને અતિમાનવ કક્ષાના મહામાનવ બનાવે છે એ વાતો ઐતિહાસિક દસ્તાવેજો સાથે કહેતા. એવા ગુણોની વાતો કહેતા કે જે આપણામાં વિકસાવવા પ્રેરણા મળે. અતિશયોક્તિ ભરેલી વાતો નહીં.
વિચાર તો કરો, કે શિવાજીના જન્મ સમયે નર્મદાથી કૃષ્ણા સુધીના પ્રદેશે છેલ્લાં એકધારાં બસો વર્ષોથી માત્ર અને માત્ર મુસ્લિમ શાસન જ જોયું હતું. હિન્દૂ સૈનિકો અને સરદારો એમની સેનામાં નોકરી જ કરતા. સુલ્તાનો મન્દિરો ભંગાવતા તો અન્નદાતાની વિરુદ્ધ થવાનું પાપ તેઓ ન કરતા અને મૂકપ્રેક્ષક બનીને બધું જોતા. કોઇ હિન્દૂને શાસન કરતો એમણે ક્યારેય નહતો જોયો એટલે મનમાં પણ ગ્રન્થિ બાંધીને બેસી ગયા હતા કે હિન્દૂ શાસન કરવા સર્જાયો જ નથી. એણે તો બસ આજ્ઞાનું પાલન કરવાનું. આ વાત આપણને ક્યારેય કહેવામાં નહતી આવી.
સ્વયં શાહજી ભોસલે આવા એક સરદાર હતા. અન્ય એક સરદાર લખુજી જાદવની સ્વમાની પુત્રી જીજા એમની સાથે પરણી હતી. જયારે એના ગર્ભમાં શિવાજી ઉછરી રહ્યા હતા ત્યારે ઈર્ષાળુ નિઝામશાહે લખુજી, એમના એક દીકરા, અને એક પૌત્રને દેવગિરિના ગઢમાં દગાથી મરાવી નાંખ્યા.
એટલું જ નહીં, શિવાજીનો જન્મ થયો એ જ વર્ષે શાહજીના દાદાને નિઝામશાહે જાગીરમાં આપેલું ગામ પુણે આદિલશાહે ઘમરોળાવી નાંખ્યું. એક પણ મકાન ઊભું રહેવા નહતું પામ્યું અને એક પણ નાગરિક જીવતો રહેવા નહતો પામ્યો. આ આપણને કહેવામાં નથી આવતું. આ ઘટનાઓએ અકળાયેલી જીજાના મનમાં પ્રાણપ્રશ્ન જન્માવ્યો કે શા માટે હિન્દૂ સરદારોને ચાકરી કરવી ફાવી ગઇ છે!
છતાં ઉજ્જડ કરી દીધેલા ગામમાં વટથી બાળ શિવાજીના હાથે ભૂમિપૂજન કરાવીને શણગારેલા બળદની જોડી અને સોને મઢેલા હળથી વાજતેગાજતે ખેડ કરાવી લોકોને ગામમાં ફરી પધારવા આમન્ત્રણો આપ્યાં હતાં. લોકોએ સાથ આપ્યો અને સાતેક વર્ષમાં તો ગામ ફરી વસી ગયું. જેનો પતિ એ ગામ ધ્વસ્ત કરનારની નોકરી કરી રહ્યો હોય છતાં ગામ ફરી વસાવવાનું વ્રત લે એ નારીનું તેજ કેવું હશે!
આવી માની જીવન્ત પ્રેરણા અને કૌણ્ડિન્ય શાસ્ત્રી એટલે કે દાદાજી કોંડદેવના માર્ગદર્શનમાં શિવાજી દિવસના કુલ ત્રણ પ્રહર એટલે કે પૂરા નવ કલાક વિવિધ વિષયોનો અભ્યાસ કરતા. મહાનતા શિવાજીએ આવો શ્રમ કરીને અર્જિત કરી હતી.
આવી વાત સુમન્તઅન્ના જેવા જ શોધીને લાવી શકે.
શિવાજીના જીવનનું સહુથી પ્રસિદ્ધ પ્રકરણ કહી શકાય તેવું અફઝલખાન વધ પ્રકરણ. એક સામાન્ય છાપ છે કે અફઝલખાને ભેટીને અભિવાદન કરી રહેલા શિવાજીનું માથું બગલમાં દાબીને ભેટમાંથી કટાર કાઢીને એમની પીઠ પર વાર કર્યો એટલે શિવાજીએ અગમચેતી પૂર્વક ડાબા હાથની મુઠ્ઠીમાં બંધ રાખેલા વાઘનખથી એનું પેટ ચીરી નાંખ્યું.
સુમન્ત અન્ના કહે છે કે ઇતિહાસ જરાક જુદો હતો.
આ પ્રકરણની બધી વાતો સાચી. સિવાય એક, કે અફઝલે શિવાજીને મારવા પહેલો ઘા કર્યો હતો.
વાસ્તવમાં અફઝલ શિવાજીને જીવતા પકડી જવા માંગતો હતો અને એટલે જ તો લોઢાનું એક પાંજરું બનાવડાવી પોતાની સાથે લઇને આવ્યો હતો. અને શિવાજીને એણે બગલમાં ભીંસીને દબાવ્યા હતા એ પણ એમને જીવતા પકડવા માટે જ.
પણ એ વાયકા, કે શિવાજીએ પહેલો ઘા નહતો કર્યો અને અફઝલના વિશ્વાસઘાતના કારણે જ એને મારવો પડ્યો એ સાચી નથી. એ શિવાજીના છળને સંતાડવાનો હિન્દૂ કવિઓનો પ્રયત્ન છે.
શિવાજી અફઝલને પતાવી દેવાનો નિશ્ચય કરીને જ આવ્યા હતા. પહેલો ઘા શૂરાનો. શું ખોટું છે એમાં! શિવાજીને જીવતા પકડીને એ જાહેરમાં શિરચ્છેદ કરવા માટે જ બિજાપુર લઇ જવાનો હતો તો એને પહેલાં જ પતાવી દેવાનો હોય કે નહીં!
જે રાક્ષસે બિજાપુરથી પ્રતાપગઢ આવતાં આવતાં તુલજાભવાનીનું અને પંઢરપુરનું વિઠોબાનું મન્દિર ધ્વસ્ત કર્યાં હોય એને જીવતો થોડો જવા દેવાનો હોય! એટલું જ નહીં, શિવાજીથી સાત વર્ષ મોટા ભાઇ સંભાજીની હત્યા પણ અફઝલે દગાથી કરાવી હતી. એવાને પહેલો ઘા કરીને પતાવી જ દેવાનો હોય ને! એની સાથે ચર્ચાવિચારણાઓ ના જ કરવાની હોય. એવાને મારવો એ જ ધર્મ છે અને એ ધર્મનું જ શિવાજીએ પાલન કર્યું હતું.
વાઘનખથી તો અફઝલનું પેટ જરાક આહત થયું હતું. દોઢ ઇંચના વાઘનખ એ સાડા છ ફૂટના રાક્ષસને ખાસ નુકસાન કરી શકે તેમ ન હતા. વાઘનખથી નીકળેલા લોહીનો ફુવારો જોઇ અફઝલ ડઘાઇ ગયો અને એ ક્ષણનો લાભ લઇ શિવાજીએ બિછુવા નામે ઓળખાતો બેધારી તરંગિત ધાર વાળો જમૈયો એના પેટમાં મારી દીધો જે આંતરડાં બહાર ખેંચતો આવ્યો હતો.
હા. અફઝલની મરણચીસ સાંભળીને એના વિશ્વાસુ બ્રાહ્મણ સલાહકાર કૃષ્ણ ભાસ્કર કુલકર્ણી તલવાર લઇને શિવાજીને મારવા દોડતા આવ્યા હતા એમને પણ ન છૂટકે મારવા પડ્યા એ શિવાજીએ જીવનમાં કરેલી એકમાત્ર બ્રાહ્મણહત્યા (એ જ કૃષ્ણજી ભાસ્કરને શિવાજી ગુપ્તવેશે થોડા દિવસ પહેલાં અફઝલની છાવણીમાં જ મળ્યા હતા ત્યારે કૃષ્ણજીએ પૂછ્યું હતું “શું કરવા સ્વરાજ્ય પાછળ પડ્યા છો! આધિપત્ય કેમ નથી સ્વીકારી લેતા સુલ્તાનોનું!” અને શિવાજીએ એમની જનોઇ તરફ આંગળી ચીંધીને “આ તમારા વંશજોના ખભે રહે એટલે જરૂરી છે સ્વરાજ્ય” એવું કહ્યું હતું. છતાં એમણે શિવાજી પર આક્રમણ કર્યું.)
પછી શિવાજીએ અફઝલનું માથું વાઢીને પહેલાં તુલજા ભવાનીના ચરણે અને પછી માતા જીજાબાઇના ચરણે ધર્યું, અને પછી માન સહિત પ્રતાપગઢમાં જ કબર ખોદાવી ભૂમિસંસ્કાર કર્યો.
અર્વાચીન નરસિંહે ફરી એકવાર એક રાક્ષસનું પેટ ચીરી નાંખ્યું હતું. કવિ ભૂષણે આ પરાક્રમને વીરરસ છલકતી પંક્તિઓથી બિરદાવ્યું છે.
इन्द्र जिमि जंभ पर, वाडव सुअंभ पर,
रावण सदंभ पर, ज्यों रघुकुल राज है।
पवन बारिबाह पर, शंभु रतिनाह पर,
ज्यौं सहस्रबाह पर श्रीराम द्विजराज है॥
दावा द्रुमदंड पर, चीता मृगझुंड पर,
भूषण वितुंड पर, जैसे मृगराज हैं।
तेज तम अंस पर, कान्हा जिमि कंस पर,
त्यौं मलेच्छ बंस पर, सेर शिवराज हैं॥
નો વન્ડર શિવાજી મોસ્સાદના પણ આદર્શ છે.
શિવાજીના વિરોધીઓ જે ઘટનાનો ઉપયોગ એમની છબિ મલિન કરવા માટે કરે છે એ પાંચમી જાન્યુઆરી 1665ના દિવસે સુરત પર કરેલું આક્રમણ અને લૂંટ. સ્વયં ચન્દ્રકાન્ત બક્ષીએ પણ ક્યાંક આવું કાંઇક લખ્યું હતું કે “શિવાજીની પ્રતિમા સૂરતમાં! શિવાજીએ સૂરત લૂંટ્યું હતું એની સાથે સૂરતીઓને કોઇ વાંધો લાગતો નથી.” મારા એક લોકપ્રિય મેનેજમેન્ટ ટ્રેઇનર મિત્ર પણ એકવાર એમના ક્લાસમાં કોઇને ઉદ્દેશીને બોલ્યા હતા “શિવાજીએ સૂરત સાથે શું કર્યું હતું એ તમને જાણ હોત તો આમ એમનું ચિત્ર તમે તમારા પ્રોફાઇલ પિક્ચર તરીકે ન રાખત.” આવું મને અન્યત્ર પણ સાંભળવા મળેલું છે.
ફરી એકવાર, આ જ છે સફળતા વિદેશીઓની, કે તેઓ ભારતીયો ભારતનાં ગૌરવચિહ્નો પ્રત્યે તિરસ્કાર કરતા થઇ જાય એવું વાતાવરણ સર્જી શક્યા.
પ્રચાર એવો કરવામાં આવ્યો કે શાઇસ્તખાન સેના સાથે પુણેમાં હતો ત્યારે એની સાથે સંઘર્ષમાં શિવાજીને મોટી આર્થિક હાનિ થઇ હતી એ ભરપાઇ કરવા શિવાજીએ સૂરત લૂંટવાનું નક્કી કર્યું.
વાસ્તવ શું હતું?
વાસ્તવ એ હતું કે ઔરંગઝેબે એના સગા મામા શાઇસ્તખાનને શિવાજીને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. શાઇસ્તખાન સેના સાથે ઔરંગાબાદથી પુણેના માર્ગ પર ગામોને બરબાદ કરતો, મન્દિરો ધ્વસ્ત કરતો, ગામો લૂંટતો, હિન્દૂ દીકરીઓ અને સ્ત્રીઓનાં અપહરણ અને બળાત્કારો કરાવતો ને નરસંહાર કરાવતો પુણે આવ્યો અને લાલ મહલ, જે ઘરમાં સાત વર્ષ શિવાજીનું બાળપણ વીત્યું હતું એ પચાવી પાડ્યું.
એણે જીજામાતાએ જતનથી વસાવેલા પુણેને લૂંટી લીધું. અનાજના ભંડારો અને ખેતરો બાળી નાંખ્યાં. પશુઓને હાંકી ગયો. પરાજિત સૈનિકની સંપત્તિ અને સ્ત્રીઓને ઉપાડી જવી એ તો સ્વયં કુરાને વિજેતા સૈનિકને આપેલો અધિકાર છે એનો પૂરો અમલ કર્યો. ભીષણ સંહાર કર્યો. એણે નાગરિકોને ગામ છોડી જતા રહેવા કહ્યું અને નગરમાં દાખલ થવા પર પ્રતિબંધ મુક્યો. આ બન્યું હતું 1660માં (પણ આક્રમકોનાં આવાં નીચ કામોનો આપણા ઇતિહાસના અભ્યાસક્રમમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી.)
એપ્રિલ 1663ની એક સાંજે નગરમાં એક લગ્ન હતું. સાંજના સમયે નગરમાં વરરાજા ભેગી એક જાન પ્રવેશી જેમાં એક જાનૈયો હતો શિવાજી, જેની સાથે બીજા ચારસો જાનૈયા બનીઠનીને આવ્યા હતા પણ તેમનો હેતુ હતો સર્જિકલ સ્ટ્રાઇક.
સર્જિકલ સ્ટ્રાઇક સફળ રહી. શાઇસ્તખાનને જાણ હતી કે શિવાજી મહિલાઓના આવાસમાં પ્રવેશતા નથી અને એમના સૈનિકોને પણ એ જ આદેશ હતો. એટલે એ રાણીવાસમાં સંતાઇ ગયો. શત્રુ ક્યાં છે એ જાણતા હોવા છતાં શિવાજી રાણીવાસના દરવાજાની બહાર સંતાઇને ઊભા. શાઇસ્તખાન દરવાજેથી બહાર નીકળે એવો તો વીર ન જ હતો. એ ઝરૂખેથી નીચે કૂદકો મારવા ગયો એટલે શિવાજીને તલવારનો ઘા કરવો પડ્યો જે ચુકી ગયો. શાઇસ્તની ફક્ત ત્રણ આંગળીઓ કપાઇ. પણ એ જીવતો ભાગી શક્યો.
પુણેને ત્રણ વર્ષમાં કરેલું નુકસાન ઔરંગઝેબ ભરપાઇ કરી દે બસ એટલું શિવાજીને જોઇતું હતું. અને માત્ર સૂરતના જ સમૃદ્ધ શેઠિયાઓ એ કરી શકે એમ હતું. શિવાજીએ કેવી રીતે સૂરત આક્રમણનું આયોજન કર્યું એના પર તો આદરણીય પૂજ્ય શ્રી નગેન્દ્રવિજય સાહેબે સફારીમાં વિસ્તૃત લેખ લખ્યો છે એ મેળવીને વાંચવો જોઇયે.
સુપર સ્પાય નાયક બહિરજી જાદવના નેતૃત્વમાં શિવાજીની ગુપ્તચર સેના બહુ સક્રિય અને સક્ષમ હતી. સુરતના ઘરેઘરની, અને શેરીએ શેરીની માહિતી અગાઉથી મેળવી ચુક્યા હતા અને લૂંટ કરવી પડે તો એક્શન પ્લાન કેવો હોવો જોઇએ એ નક્કી કરી ચુક્યા હતા. સૂરતના વ્યાપારીઓની કુલ વાર્ષિક આવક કેટલી છે એના આંકડા એમના સુધી પહોંચી ગયા હતા અને કેટલો વધુ ટેક્સ વ્યાપારીઓ ખમી શકશે એનો હિસાબ કરી ચુક્યા હતા અને કેટલાં વર્ષ એ ટેક્સ લેવાથી શાઇસ્તખાને કરેલી આર્થિક હાનિ ભરપાઇ થઇ શકશે એની ગણતરીઓ કરાવી ચુક્યા હતા.
શિવાજીએ સૂરતની બહાર ડેરો નાંખ્યો. સૂરતના સુબા ઇનાયતખાનને સન્દેશો મોકલ્યો કે નગરના સર્વ શ્રેષ્ઠીઓને લઇને એમની છાવણીએ મળવા આવે. એમની માંગ હતી કે સૂરતના બધા વ્યાપારીઓ એમની વાર્ષિક આવકના માત્ર અઢી ટકા રકમ આવતાં અમુક વર્ષો સુધી મરાઠા સામ્રાજ્યને ટેક્સ રૂપે ચૂકવે (વાર્ષિક કુલ બાર લાખ રૂપિયા.)
સ્વાભાવિક જ ઔરંગઝેબના સૂબાને એ સ્વીકાર્ય ન હોય. પણ જે રીતે મુઘલ ગુપ્તચરોને અંધારામાં રાખીને એક હજાર અશ્વારોહી સૈનિકો સાથે છેક સૂરતના પાદરે પહોંચી ગયા એટલે કેટલી તૈયારી સાથે આવ્યા હશે એનું અનુમાન ઇનાયતખાન કરી શક્યો. શિવાજીને પડકારવાનું સાહસ એનામાં હતું નહીં એટલે એ પોતે સંતાઇ ગયો. પણ એક કારસો કર્યો. સૂરતના ચોવીસ વેપારીઓના એક મંડળને એણે શિવાજીનું સ્વાગત કરવા મોકલ્યું. અને એમની આગળ હાથમાં આભૂષણો અને રત્નોનો થાળ લઇને એક મુઘલ સૈનિક ચાલતો હતો. આ મંડળ શિવાજીના શિબિરમાં પ્રવેશ્યું. સૈનિક નજરાણાનો થાળ લઇ શિવાજી પાસે આવ્યો. રિવાજ એવો હતો કે રાજા એ થાળ પર હાથ મુકે એટલે એક સેવક એ થાળ એમના વતી સ્વીકારી લે. શિવાજી થાળ પર હાથ મુકવા આગળ ઝુક્યા કે તરત જ એ સૈનિકે સંતાડી રાખેલી કટાર કાઢી અને શિવાજી પર વીંઝી દીધી. પણ એ કટાર શિવાજીના શરીરને સ્પર્શે એ પહેલાં એક અંગરક્ષકે તલવારના ચપળ વારથી એને પૂરો કરી નાંખ્યો. એના લોહીનો ફુવારો શિવાજીના પહેરણ પર થયો એટલે દૂરથી જોઇ રહેલા સૈનિકોને એવું લાગ્યું કે એ માણસે શિવાજીને કટાર મારી દીધી. એટલે તેઓ પણ શિવાજીના શિબિરમાં ધસી આવ્યા.
એ ચોવીસ શેઠિયાઓના વેશમાં સૈનિકો હશે અને શિવાજી પર આક્રમણ કરી શકશે એ સંભાવના જોઇ એમણે કાંઇ વિચાર્યા વિના એ વ્યાપારીઓના જમણા હાથ કાપી નાંખ્યા. આ ઉચાટમાં થઇ ગયેલી મોટી ભૂલ હતી. ઇનાયતના પાપે ચોવીસ નિર્દોષ વ્યાપારીઓએ હાથ ગુમાવ્યા હતા. એ સમયના વિશ્વના ધનાઢ્યતમ વ્યાપારી વીરજી વોરા એમના સદ્ભાગ્યે એ ચોવીસમાં ન હતા.
ઇનાયતના આ દગાથી ક્રોધે ભરાયેલા શિવાજીના સૈનિકોએ પ્લાન બી અમલમાં મૂકી દીધો અને નગરને લૂંટવાનું નક્કી કર્યું. છતાં એમની લૂંટ મુસ્લિમ સૈનિકો કરતા એવી લૂંટ ન હતી. કોઇ નાગરિકને મારવાનો નહતો. મહિલાઓના ઓરડાઓમાં તો પ્રવેશવાની પણ મનાઇ હતી. મોહનદાસ પારેખ જેવા સદાવ્રતીના ઘરને તો હાથ પણ લગાડવાનો નહતો. બ્રિટિશ, ડચ, અને ફ્રેન્ચ વ્યાપારીઓનાં વહાણોને, કે એમની કોઠીઓને પણ છોડી દેવાની હતી. આ અભિયાન નજરે જોનારા ફ્રેન્ચ પાદરી એમ્બ્રોસે તો એમના પત્રમાં શિવાજી માટે “દેવદૂત જેવા રાજા” એવો શબ્દપ્રયોગ કરેલો છે. એમને મળવા ગયેલો એક ડચ વ્યાપારી તો એમનાથી એટલો પ્રભાવિત થયો કે એણે પોતે ત્યાં ને ત્યાં શિવાજીનું એક પેન્સિલ પોર્ટ્રેઇટ બનાવી આપ્યું (શિવાજીની વાસ્તવિક છબિ માટે આપણે આ ડચ વ્યાપારીના આભારી છિયે કારણકે શિવાજીના જીવનકાળ દરમ્યાન બનેલું એમનું એ એક માત્ર ચિત્ર છે. એક બ્રિટિશ નાગરિકે એની સ્મૃતિ પરથી એક રંગીન ચિત્ર પણ બનાવેલું છે પણ એ શિવાજીના ગુજરી ગયાના બીજા વર્ષે બનેલું છે.)
શિવાજીએ લૂંટ કરી હતી, સંહાર નહીં. લૂંટ જ કરવી હોત તો મોહનદાસ પારેખનું ઘર પણ લૂંટી લેત, બ્રિટિશ કે પોર્ટુગીઝ વ્યાપારીઓ, કે ફ્રેન્ચ ચર્ચ પણ લૂંટી શકત પણ એમને ન જ લૂંટયાં કારણ કે ઔરંગઝેબને આર્થિક સહાય કરનારા વ્યાપારીઓને જ લૂંટવાના હતા.
અને શિવાજી વિષે ઘસાતું બોલનારાઓને ક્યારેય ઔરંગઝેબ, શાઇસ્તખાન કે અફઝલખાનના ઘાતકી અને હિંસક અત્યાચારો વિષે ક્યારેય બોલતા નથી સાંભળ્યા. માત્ર હિન્દૂઓનાં ગૌરવ પ્રતીકો વિષે હલકું બોલી તેઓ પોતાને આધુનિક, શિક્ષિત, બૌદ્ધિક, અને પ્રગતિશીલ સાબિત કરવા માંગતા હોય છે.
શિવાજીએ સૂરત ભાંગ્યું હોવા છતાં સ્થાનિક પ્રજામાં હીરો બનીને પાછા ગયા હતા કારણકે ધન સિવાય બીજું કશું જ સાથે નહતા લઇ ગયા અને કપડાં અને અનાજ પણ લૂંટયાં જ હતાં, પણ એનું નિર્ધન લોકોમાં તાત્કાલિક દાન કરી દીધું હતું. એમની આ જ ચાલે એમને પાંચ વર્ષ પછી બીજી લૂંટ માટે લોકોનું સમર્થન મેળવી આપ્યું હતું.
હિન્દૂ શબ્દથી ફાટકડાનો વિસ્ફોટ સાંભળી વાંદરા ભડકે એમ ભડકતા સેક્યુલરો એવું જતાવવા મથતા હોય છે કે શિવાજીનાં યુદ્ધો તો રાજા વિરુદ્ધ રાજાનાં જ હતાં એમાં હિન્દૂધર્મ માટે હતાં એમ કહેવું યોગ્ય નથી. પણ શિવાજીએ નાનપણથી જ સ્વપ્ન જોયું હતું હિન્દૂ સામ્રાજ્યનું. એવા સમયે, જ્યારે છેલ્લાં બસો અઢીસો વર્ષથી નર્મદા અને કૃષ્ણાની વચ્ચે કોઇ જ હિન્દૂ રાજા રાજ્ય નહતો કરી શક્યો. એટલે એમના સામ્રાજ્યને હિન્દવી સામ્રાજ્ય કહેવાયું હતું જેમાં સહુ ધર્મો સુરક્ષિત હતા.
શિવાજીના અવસાનના પ્રકરણને પણ બ્રાહ્મણવિરોધી દલિત રાજકારણીઓએ વાહિયાત પૂર્વધારણાઓ સર્જીને વિવાદનો વિષય બનાવી દીધું છે. કૃષ્ણજી ભાસ્કર કુલકર્ણીની હત્યાના કારણે નારાજ થયેલા બ્રાહ્મણ મન્ત્રીઓએ રાણી સોયરાબાઇની મદદ લઇ એમને વિષ આપ્યું હતું એવી વાત ઉડાડી છે. વળી તેઓ એમ પણ કહે છે કે એ બ્રાહ્મણ મન્ત્રીઓ શિવાજીને શૂદ્ર માનતા હતા એટલે એમનું શાસન એમને સ્વીકાર્ય નહતું. આ મૂર્ખો તો એમ પણ કહે છે કે દાદાજી કોંડદેવ પણ એક કાલ્પનિક પાત્ર છે.
આ બધી વાતોનું પુરાવા સાથે ખંડન કરતા સુમન્તઅન્ના. શિવાજીનું સ્વાસ્થ્ય જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ બહુ જ કથળી ગયું હતું. નાનપણમાં રોજના નવ કલાકની મહેનત અને ખરેખર જેમ મેઘાણીદાદાએ શિવાજીના હાલરડામાં ગાયું છે “રહેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા….” એવું જ જીવ્યા હતા. ક્યારેક તો દિવસના સોળ સોળ કલાકનો અવિશ્રાન્ત પ્રવાસ, એ પણ પર્વતો અને જંગલોમાં. શરીરની ક્ષમતાની કસોટી થઇ જ જાય. શરીર વહેલું થાકે જ એમાં આશ્ચર્ય નથી.
======================================================
આ લેખ ચોક્કસ લાંબો છે પણ આમાં કહેલી બધી જ વાતો સુમન્ત અન્નાએ એક જ ટેલિફોનિક સંવાદમાં કહી હતી. તો આવું તો કેટલું સંશોધન હશે એમની પાસે, જે વામપંથી ઇતિહાસકારોએ આપણાથી સંતાડીને રાખ્યું છે!
એટલે જ એમણે કોર્પોરેટ કરિઅર છોડી હતી અને યુવાનોને શિવાજીના ચરિત્રની વાતો કરતા. અને એ પ્રસંગોમાંથી શું શીખી શકાય તેવું છે, જે કરિઅર અને જીવનને પણ પ્રશસ્ય બનાવી શકે, ચારિત્ર્યનિર્માણ કરી શકે, અને રાષ્ટ્રને સુદ્રઢ કરી શકે.
મિત્રો આપણે એવા ભયાનક સમયમાંથી પસાર થયાં છિયે કે લેખ વાંચ્યા પછી કદાચ કોઇને પણ પ્રશ્ન નહીં થયો હોય કે સુમન્ત અન્ના આવું અભિયાન ચલાવતા હતા એવું ભૂતકાળમાં કેમ લખ્યું છે અને કેમ વર્તમાનમાં નહીં.
કારણ એ જ છે મિત્રો, કે સુમન્ત અન્ના પણ કોરોના વાયરસનો આખેટ બની ગયા.
દેશને મોટી ખોટ પડી ગઇ. યુવાનોને શિવાજી જેવા રાષ્ટ્રનાયકનો પરિચય કરાવવો કે બધી રીતે વામન કદનું અસ્તિત્વ હોય તો પણ વિરાટકાય ધ્યેય સિદ્ધ કરી શકાય છે, ચિડિયા ખરેખર બાજ સામે જીતી શકે છે; એ જેવું તેવું કામ નહતું. એ યજ્ઞ હતો એમના જીવનનો. પડછંદ કંઠે શ્રોતાના હૃદયમાં પડઘાય એમ “જય ભવાની” સાથે એમના વક્તવ્યનો પ્રારંભ થતો એ હવે સ્મૃતિમાં રહી ગયું.
આ લેખ એમને શ્રદ્ધાંજલિ માટે જ લખવાનો શરુ કર્યો હતો પણ શિવાજીના જીવનપ્રસંગોની જ વાતો વધુ થઇ.
પણ એ જ હતું ને અભિયાન સુમન્ત અન્નાનું!
।। છત્રપતિ શિવરાજનો જય ।।
।। જય ભવાની ।।