*વિચાર મંથન*
આશરે પોણા બસોએક વર્ષ પહેલા મોટી પાનેલીના પ્રેમજીભાઈ ઠક્કર અને એના દીકરા પુંજાભાઈ ઠક્કરે ખારવાઓ સાથે મળીને માછલીનો ધંધો શરુ કર્યો. સમાજે આ કુટુંબને આ ધંધામાં પડવા બદલ સતામણી શરુ કરી અને ન્યાતબહાર કર્યું. કુટુંબના મોભી પ્રેમજીભાઈએ આખરે આ ધંધો સંકેલી લીધો અને સમાજની માફી માંગી. દંડ ભરીને ફરી પોતાના કુટુંબને સમાજમાં લેવા વિનંતી કરી, પણ સમાજે પ્રેમજીભાઈ, પુંજાભાઈ તથા કુટુંબને મેણાટોણા અને હેરાનગતિ ચાલું રાખી. આખરે કંટાળીને પુંજાભાઈ બાજુમાં રહેતા આદમજી ખોજાને સાથે લઈને રાજકોટ જઈને આગાખાની ઇસ્લામ ધર્મ અંગીકાર કરી આવ્યા.
1600 કિલોમીટર લાંબો દરીયાકીનારો અને એ દરિયામાં કામ કરનાર જાંબાજ અને કુશળ ખારવાઓ આપણી પાસે હતા પણ દરિયા પાર જવાય નહિ, જવાય તો ભ્રષ્ટ થઇ જવાય વગેરે જેવા જડ ધાર્મિક ખ્યાલો ઉભા કરવાને લીધે આપણે ક્યારેય કોલંબસ કે વાસ્કો ડી ગામા પેદા ન કરી શક્યા. પણ ખારવાઓ સાથે મળીને એક વ્યક્તિએ માછલી ધંધો શરૂ કર્યો એને એટલી સતામણી કરી કે આપણે મહંમદ ઝીણાભાઈ પુંજાભાઈ ઠક્કર એટલે મહંમદ અલી જિન્નાહ પેદા કર્યા.
*****
‘સૌરાષ્ટ્રની રસધાર’માં ‘એક અબળાને કારણે’ નામથી એક કથા છે. સિંધમાં જત મુસ્લિમની એક સ્વરૂપવાન દીકરી પર સિંધના શાસક સુમરાની મેલી નજર થઇ. પિતાએ દીકરી સુમરાને પરણાવવાનો નકાર કર્યો અને સુમરાએ કહ્યું કે “તો નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ.” જતોએ પોતાના કુટુંબ કબીલા સાથે ગુજરાત તરફ હિજરત કરી. સુમરાની તાતી ફોજના ડરથી કોઈ જતોને આશરો આપતા નથી.આખરે એ આશરો લખધીરજી પરમારના નાનકડા મૂળીના પાદરમાં મળ્યો. એક મુસ્લિમ દીકરીની રક્ષા માટે પરમારોએ સુમરાની વિશાળ ફોજ સામે ટક્કર લીધી. પરમાર અને જત વીરો કૌમી સૌહાર્દનો ઉત્તમ ઉદાહરણ બેસાડતા સુમરાની સેના વીરતાથી લડ્યા, પણ આખરે હાર્યા.
અહીંથી આગળ રસધારના જ શબ્દશ: જોઈએ તો સુમરાએ હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું : “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહિ આ૫ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”
લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી, અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.
હાલોજી પરમાર મહમદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો; પણ જોરજુલમથી નહિ – એને ઈસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા. પણ હાલાજીનું મન પલળ્યું નહિ. સૂમરાની ખંડણી પૂરી થયે હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો.
પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલેાજી પાછો અમદાવાદ આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ હાલેાજી આવીને બોલી ઉઠ્યો : “બાદશાહ સલામત ! મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.”
બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૃછી. હાલાજીએ હકીકત કહી.
“હું મારે ઘેર ગયો, આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો, ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું : “તમે પાણીને ગોળે અડશો મા.”
“મેં કહ્યું : ‘ભાભી, હાંસી કરો છો કે શું ?’ ભાભી બોલ્યાં : ‘ના, હાંસી નથી, ખરું છે.’ તેાય હું હાંસી સમજ્યો, ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું : ‘તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છે. હવે તમે ચોખા ન ગણાઓ.” જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો.”
હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા, અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મેાગલ, શેખ, સિપાઈ, લેાદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.
અહીં સુધી વાત રસધારના શબ્દોમાં જ હતી, મુસ્લિમ દીકરીની અને મુસ્લીમ પરિવારોની રક્ષા માટે મુસ્લિમ આન્ક્રાતા સામે લડ્યા છતાં ભાભીઓના એ ટોન્ટ અને સતામણીએ એક પોતાના જ એક કુંવરને ધર્મ બદલાવો પડે એ રસ્તે મોકલ્યો. હાલોજી સમજ્યા એમ હિંદુ ધર્મ એવો સાંકડો નથી, સાંકડો હોત તો મુસ્લિમ દીકરીની રક્ષા માટે આમ ખપી ન ગયા હોત. પણ વ્યક્તિ ક્યારેક એટલો ભોળો કે નાદાન પણ હોય છે કે બાદશાહે જે પવિત્ર રીતે રાખ્યો અને સાથે મૌલવીઓ દ્વારા ઇસ્લામની સમજ અપાવવા પ્રયાસ કર્યો તો એમાંથી એના શાતીર બદઈરાદાઓ સુંઘી ન શકે. બાકી તો મહંમદ બેગડો એ પણ જોઈ શક્યો હોત કે પરમારોની આ આખી લડાઈ તો મૂળ એક મુસ્લિમ દીકરીને અને મુસ્લિમ પરિવારોની રક્ષા માટે હતી. પણ કુંવર જેવા વ્યક્તિઓ ખુબ લાગણીશીલ પણ હોય કે જે આવી સતત સતામણીઓથી એટલો દુભાય કે એ ધર્મપરિવર્તન જેવું મોટું પગલું પણ ભરી લે છે.
હાલોજી એવા લાગણીશીલ ક્ષત્રિય જ હતા એટલે જ પોતે વટલાયા છતાં એની અંદરનો ગૌ બ્રાહમણ પ્રતીપાળ ક્ષત્રિય જીવતો હતો તેથી જ તેઓ આખરે ગાયોની રક્ષા કરતાં જ શહીદ થયા.
******
બંગાળમાં સુંદર મુખ અને આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતો કાલાચંદ નામનો એક બ્રાહ્મણ યુવાન સવારમાં નદીએ રોજ સ્નાન કરવા જતો. રસ્તામાં મહેલના ઝરુખે બેઠેલી સુલતાનની દીકરી ગુલનાઝ આ યુવાનને રોજ જુવે. એ શાહજાદી યુવાનના પ્રેમમાં પડે છે. પિતાને કહે છે કે પરણીશ તો આને જ. સુલતાન યુવાનને બોલાવીને પોતાની શાહજાદી સાથે પરણવું પડશે એ પ્રસ્તાવ મુક્યો. યુવાન પાસે ના પાડી શકવાનો વિકલ્પ હતો જ નહિ. બુદ્ધિશાળી યુવાને કહ્યું કે, “હું પરણીશ પણ ધર્મ પરિવર્તન નહિ કરું.” સુલતાન સહમત થયો. યુવાન ખુશ થતો પોતાના સમાજના વડાઓ પાસે આવ્યો કે પોતે આમ પોતાના ધર્મ જાળવીને રાખીને સુલતાનનો જમાઈ બનશે. સુલતાન એ રીતે પોતાના સમાજ અને ધર્મ સાથે સારી રીતે વર્તશે. સુલતાનને કોઈ દીકરો છે નહિ તો કદાચ ભવિષ્યમાં પોતે રાજા બનશે. પણ અફસોસ કે સમાજના ટૂંકી દૃષ્ટિના જડ પ્રતિનિધિઓઓએ યુવાનની વાત સમજી નહિ અને સુલતાનની દીકરી સાથે નહિ જ પરણવાનો આગ્રહ કર્યો, જો પરણે તો સમાજ બહાર મુકાશે વગરે ધમકીઓ તો ખરી જ. સુલતાન તરફથી લગ્ન અથવા કેદ કે મૃત્યુ મળવાનું જ હતું. યુવાન પાસે ના પાડવાનો રસ્તો હતો જ નહિ, યુવાન પોતાના સમાજના આ કડવા વચનોથી ખુબ દુભાયો. સુલતાન પાસે જઈને વટલાયો અને શાહજાદીને પરણ્યો.
પછી એ કાલાચંદમાંથી મુસ્લિમ બનેલો એ ‘કાલા પહાડ’ નામે કુખ્યાત સેનાપતિ થયો. હજારો હિન્દુઓને એને વટલાવ્યા, હજારોની હિન્દુઓની કત્લેઆમ કરી. સેંકડો મંદિરો તોડ્યા. બંગાળ અને પૂર્વી ભારતમાં એટલી મુસ્લિમ બહુમતી થઇ કે એક બાંગ્લાદેશ સુદ્ધા અલગ બન્યું તો એના મૂળમાં આ ‘કાલા પહાડ’નો મોટો ફાળો છે.
પણ આમાં ટૂંકી દૃષ્ટિ અને ટૂંકી બુદ્ધિ કોની?
*****
ગુલામ ભારતની વસમી સદીના બીજા દાયકામાં ઉત્તરાર્ધમાં એક વિદ્વાન યુવાન કોલમ્બિયા યુનીવર્સીટીમાંથી ભણીને બરોડા સ્ટેટમાં સૈન્ય સચિવની નોકરીએ લાગે છે. એ યુવાનને રહેવા માટે ઘર નથી મળતું. ખુદ સીનીયર ઓફિસર હોવા છતાં એની નીચે કામ કરનાર લોકો એની સાથે ઘા કરીને ફાઈલની લેવડ દેવડ કરે, એના માટે પાણીનું માટલું અલગ હોય, નામ બદલીને પારસી ધર્મશાળામાં રહે ત્યાં પણ ટોળું પહોચી જાય અને ત્યાંથી કાઢવામાં આવે. આટલા ભણેલ ગણેલ યુવાન દોષ માત્ર એટલો કે એ દલિત જાતિમાં જન્મ્યો હતો. આ વાત છે ડૉ.આંબેડકરની, જયારે તેઓ બરોડા સ્ટેટની નોકરીએ લાગ્યા હતા. અસ્પૃશ્યતાના ખ્યાલો અને એના ઠેક્દારો એટલા સજ્જડ કે મહારાજ સયાજીરાવ ગાયકવાડ સુદ્ધા આ બાબતે ખાસ મદદ ન કરી શક્યા.
‘પોતે આટલું ભણીને આવ્યા છે તો હવે પોતાની જાતી પોતાને ખાસ નહિ નડે’ એવું વિચારતા ડૉ.આંબેડકરને હરેક જગ્યાએ એની જાતી નડી. યુવાન આંબેડકર થાકીને બરોડા છોડે છે. પણ છોડતા પહેલા એક વડના ઝાડ નીચે એ રડી પડે છે, વિચારે કે આટલું ભણ્યા બાદ પણ જો મારી સાથે ડગલે અને પગલે આ ભેદભાવ થતો હોય તો મારા સમાજના અભણ, ગરીબ અને ગામડિયા ભાઈઓ બહેનો સાથે શું વિતતી હશે? અને પછી એક સંકલ્પ થાય છે કે હવેનું જીવન શોષિતોના ઉત્થાન માટે સમર્પિત હશે. ડૉ. આંબેડકર જ્યાં રડી પડ્યા એ જગ્યા આજે સયાજી બાગમાં છે, એ ‘સંકલ્પ ભૂમિ’ પર હિંદુ ધર્મના કર્તાધર્તાઓએ ઘણું શીખવા જેવું છે.
પ્રંચડ સામાજિક ભેદભાવોથી દુભાયેલા ડૉ.આંબેડકરે જ્યારે જાહેરાત કરી કે ‘પોતે હિંદુ જન્મ્યા ભલે પણ હિંદુ રહીને મરશે નહિ.” ત્યાર પછી વર્ષો સુધી મુસ્લિમ આગેવાનો અને મૌલવીઓએ વારંવાર ડૉ. આંબેડકરને મળીને એ પ્રયત્નો કર્યા કે તેઓ ઇસ્લામ અંગીકાર કરે. પણ આંબેડકર જ્યારે પોતાનું મૃત્યુ નજીક પામી ગયા તો મૃત્યુ પહેલા આ દેશ પર છેલ્લો ઉપકાર કરતાં હોય એમ એમણે ભારતીય ધર્મ એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એકવાર વિચારી જુવો તો તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હોત તો?!
‘કૃષ્ણસભા’માં મિલી મેરે ‘ગીતા’ના ‘न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते’ શ્લોક પર વાત કરતાં ડૉ.આંબેડકરની આ વાત જોડી હતી કે આટલા ભણ્યા બાદ, આટલું જ્ઞાન પામીને આવ્યા પણ આપણે તો ડૉ. બાબાસાહેબ આંબેડકરને એ જ રીતે અસ્પૃશ્ય ગણાતા રહ્યા, જ્યારે કે કૃષ્ણ કહી ગયા કે, “જ્ઞાનથી પવિત્ર બીજું કશું જ નથી.” છતાં આપણે સમજયા નહિ અને આપણા જ ધર્મને કેટલું મોટું નુકશાન પહોચાડતા રહ્યા !
આપણે ત્યાં ગીતા કે ધાર્મિક ગ્રંથો પર વાત કરનારા કહેવાતા વિદ્વાનો કે અધિકૃત ગણાતા વ્યાસપીઠધારીઓ કે ડાયરાવીરો , કૃષ્ણસભાની આ વાતની જેમ ભાગ્યે જ ધર્મની વાત કરતાં સમાજિક નિસબતની વાત જોડે છે. બાકી તો બસ ધાર્મિક હૈશો હૈશો, મિથ્યાભીમાન અને ઉન્માદ…ભલેને વર્ષે દહાડે લાખો sc-st હિંદુ ધર્મ છોડતા હોય. કોઈપણ ધર્મની કે પરંપરાની વાતને કહેવાતી ધાર્મિકતાથી આગળ વધીને આધ્યાત્મિકતા, સામાજિકતા, અને રોજબરોજના જીવન સાથે જો જોડી ન શકાય તો એનો કોઈ અર્થ નથી.
આ બધી વાતોમાં હિંદુ સમાજે ઘણી બધી શીખવા જેવી વાતો છે. કોઈ માફી માંગે લે પછી શા માટે એને એટલી બધી સતામણી કે ટ્રોલ કરવું કે કોઈને એને તમારાથી સાવ છુટ્ટો કરવાનો મોકો મળે. માફી માંગી લે પછી એને પ્રેમથી પણ સમજાવી પોતાની તરફ કરી શકાય. બાકી તેજસ્વી અને લાગણીશીલ કર્ણને ટોન્ટ મારો ત્યારે દુર્યોધનો તો એને અંગ દેશનો ટુકડો ફેંકી પોતાના ઋણમાં દબાવી એને પોતાની તરફ કરવા હરહંમેશ તૈયાર જ બેઠા હોય છે. ગાંધીજીના દીકરા હરીલાલ ગાંધીનું દેવું ભરપાઈ કરીને પણ એને વટલાવી દેવામાં આવ્યો હતો એ જાણીતી ઘટના છે. સાવ ટૂંકી બુદ્ધિના થઈને શા માટે કાલાચંદને કાલા પહાડ બનવા દેવો. પોતાના જ દલિતભાઈઓ સાથે એટલો બધો ભેદભાવ થયો રહ્યો કે હવે તો દલિત વ્યક્તિ શિક્ષિત થાય કે તરત કહેવાતા ધર્મ સાથે ડીસકનેક્ટ ફિલ કરવા લાગે છે.
હમણા કૃષ્ણની એક બાળલીલાને અજીબ અર્થમાં પેશ કરતાં એક મિમના કેસમાં મિમ મુક્નારે માફી માંગી પછી ય એને ઘણો પ્રતાડિત કરવામાં આવ્યો એ જોતા કાર્તિક મહેતાએ લખ્યું કે આપણે બંધુત્વ શીખવું પડશે, આપણા ભાઈને ગમે તેટલો નાદાન હોય એને ગાળો અને ટોન્ટ બંધ કરવા પડશે, આ હિન્દુત્વ ખાલી નામનું રહેશે અને અંદર અંદર આમ જ સેડેસ્ટીક આનંદ( પ્રતાડિત કરવાનો વિકૃત આનંદ) મેળવીને ખલાસ થઇ જઈશું. ઉપરના બધા જ કિસ્સામાં આ જ થયું છે. જો કે એ મિમ મુકાનારે અગાઉ પણ આસ્થાળુઓને ઉશ્કેરાટ થાય એવા મિમ મુકેલા છે, આ વખત હદ થઈ એટલે લોકોએ એને પરચો બતાવ્યો. જે જરૂરી પણ હતો. જો કે કોઈ આવા સાહસો કરે ત્યારે પહેલા પોતાના મિત્રોની અને મિત્રોની મંશાની ઓળખ કરી શકે એટલો મેચ્યોર થાય પછી એણે આવા સાહસો કરવા જોઈએ, જો કે મેચ્યોર વ્યક્તિ આવા દુ:સાહસો કરે જ નહિ.
સનાતન પરમ્પરા ખુબ વિશાળ છે, હાલ એમાં જોઈતી કડકાઈ ય આવી ગઈ છે, એ જરૂરી છે. બસ વણજોઈતો ઉન્માદ મિથ્યાભિમાન ન આવે એ સમજવા જેવું છે. બહુ લાંબુ લખાયું પણ હજુ કેટલું નથી લખી શકાયું, કેટલુક નથી લખી શકાય એમ…પણ આમાં સમજવાવાળા સમજી જશે. બાકી નથી સમજવાના એ કૃષ્ણ જીવનના ડેમોથી ય સમજ્યા.
કૃષ્ણ જેવા કૃષ્ણએ પોતાના જીવન દ્વારા એટલો પરિપૂર્ણ ડેમો આપ્યો કે ક્યા કેટલું ખેંચવું, ક્યાં છોડી દેવું, ક્યાં ધીરજ રાખવી ને ક્યાં ઉતાવળ, ક્યાં ઉગ્રતા ને ક્યાં ઉદારતા, ક્યાં મૌન ને ક્યાં વાતચિત…પણ આપણે સમજતા નથી… એમાં ય આપણે ત્યાં સંપ્રદાયો અને આચાર્યોએ તો કૃષ્ણને ગોકુળ પૂરતા જ મર્યાદિત કરી દીધા…આમપણ આપણને સાચી અને સ્પષ્ટ વાતો કહેનારા સંતો એટલા ક્યાં પસંદ પડે છે !?
*સંકલન by 🦁*