Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

—–राणकदेवी—-
આ રમણી સિંધ દેશના રાજા શેરખાવરની કન્યા હતી. તેનો જન્મ મૂલ નક્ષત્રમાં થયો હતો. તેના જન્મ સમયે રાજ જોષીએ તેના જન્માક્ષર બનાવીને કહ્યું હતું કે, “આ બાલિકાના ગ્રહ એવા છે કે એનું મોં જોયાથી એનો પિતા આંધળો થઈ જશે.”એ સમાચાર સાંભળીને તેના પિતાએ નવી જન્મેલી બાલિકાને પોતાના નોકરને હાથે એક વનમાં મોકલાવી દીધી. રાજાનો વિચાર તો એવો હતો કે એમ કયાંથી કોઈ જંગલી પશુ આવીને તેને ખાઈ જશે અને બધી બલા ટળી જશે; પરંતુ રામ રાખે તેને કોણ ચાખે ? પરમાત્માએ તો બાલિકા રાણકદેવીને માટે કાંઈ ઓરજ ભવિષ્ય નિર્માણ કર્યું હતું, તેથી રાણકદેવી એવી નિરાધાર અવસ્થામાં પણ બચી ગઈ. આખી રાત એ શૂનકાર જંગલમાં પડી રહી. બીજે દિવસે સવારમાં હડમતિયો નામનો એક કુંભાર ત્યાં આગળ માટી ખોદવા આવ્યો. તેની નજર એ સુંદર બાલિકા ઉપર પડી. તેનું અપૂર્વ સૌન્દર્ય જોઈને એ અંજાઈ ગયો. એ કુંભારને ઘેર કાંઈ છોકરું નહોતું, એટલે તેણે એ કન્યાને પોતાને ઘેર લઈ જઈને ઉછેરવાનો વિચાર કર્યો. આખો દિવસ કામ કરીને ઘેર પાછો ગયો, ત્યારે એ સુંદર બાલિકાને પોતાને ઘેર લેતો ગયો. એ કન્યાના મુખનું તેજ જોતાં- વારજ ખાતરી થતી હતી કે એ કોઈ રાજવંશી કન્યા છે. એ કન્યા જંગલમાંથી મળી આવી હતી માટે કુંભારે તેનું નામ રાણકદેવી પાડયું હતું. કુંભાર તથા તેની વહુ રાણકદેવીને ઘણા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યાં. દિવસે દિવસે તેનું સૌંદર્ય ઘણું વિકાસ પામવા લાગ્યું. તેના રૂપલાવણ્યની પ્રશંસા ચારે તરફ થવા લાગી. કચ્છ- ના લાખાફુલાણીએ પણ એ કન્યા ઉપર મુગ્ધ થઈને હડમતિયા કુંભારને કહેવરાવ્યું હતું કે, “આ કન્યા મને પરણાવો.
” હડમતિયા કુંભારે લાખા ફુલાણીને જવાબ આપ્યો કે, ” મારી નાતવાળાને પૂછીને પરણાવીશ.” લાખાકુલાણી તેને ઘણો આગ્રહ કરવા લાગ્યો એટલે કુંભાર ત્યાંથી નાસીને સોરઠ રાજ્યમાં મજેવડી ગામમાં વસ્યો, પરંતુ ત્યાં પણ એ  જંપીને બેસી શક્યો નહિ.

એક દિવસ એવું બન્યું કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસોદી ભાટ ફરતા ફરતા સોરઠમાં જઈ પહોંચ્યા અને એ કુંભારના ઘરમાં રાણકદેવી તેમના દીઠામાં આવી કન્યા તો ગુજરાતના રાજાધિરાજના અંતઃપુરમાં શોભે. તેમણે પાટણ નગરમાં જઈને સિદ્ધરાજને વિનંતિ કરી કે, “રાજાધિરાજ! આપના  અંતઃપુરમાં આટલી બધી રાણીઓ છે પણ એક પણ પદ્મિની નથી.” રાજાએ આજ્ઞા આપી કે, ” તમે મારા ભાટ છે. તમે દેશદેશાંતરમાં જઈ તપાસ કરો અને મારે લાયક કોઈ પદ્મિની કન્યા હોય તેને શોધી લાવો. ભાટ લોકો એ કુંભારને ત્યાં ગયા અને કુંભારને ઘણું સમજાવીને રાણકદેવીનું સગપણ ગુર્જરનરેશ સિદ્ધરાજ સાથે નક્કી કર્યું .

એ સમયમાં જૂનાગઢમાં રા’ખેંગાર રાજ્ય કરતો હતો. રા’ખેંગારની બહેન સિદ્ધરાજ જયસિંહના પિત્રાઈઓમાં પરણાવી હતી. તે પોતાના બે દીકરાઓને લઈને પિયેરમાં રહેતી હતી. એક દિવસ રા’ખેંગારના એ બે ભાણેજ દેશળ અને વિશળ શિકાર ખેલવા ગયા હતા. ફરતા ફરતા તેઓ મજેવડી ગામમાં જઈ પહોંચ્યા. ત્યાં આગળ રાણકદેવીનું સિદ્ધરાજ સાથે સગપણ થયાની ખબર તેના જાણવામાં આવી. તેમણે જઈને પોતાના મામા રા’ખેંગારને કહ્યું કે, “આપણા રાજ્યમાં એક કુંભારની પુત્રી ખૂબસૂરત છે. એ સોરઠના રાજમહેલમાં શોભે એવી છે. તેને ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાટ આવીને જોઈ ગયા છે અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે; પરંતુ આપણા રાજ્યમાંની કન્યા બહાર-નો રાજા લઇ જાય એમાં આપણી આબરૂ રહે નહિ. એવું થાય તો આપણું નાક કપાઈ જાય માટે ગમેતેમ કરીને આ કન્યા હાથ કરવી જોઈએ.” રા’ખેંગારે ભાણેજને રજા આપી કે, “તું મારી તરફથી ખાંડુ લઈને જા અને આપણા અંતઃપુરમાં એ કન્યાને લઈ આવ.” દેશળ મજેવડી ગામ પહોંચ્યો અને કુંભાર પાસે રાણકદેવીનું માગું કર્યું. સિદ્ધરાજની સાથે તેનો વિવાહ થયો હોવાથી કુંભારે એ કન્યા રા’ખેગારને આપવાની સ્પષ્ટ ના કહી ; પણ દેશળે ઘણો આગ્રહ કર્યો અને સીધી રીતે માની જઈને કન્યા નહિ આપે તો બળાત્કાર કરવો પડશે, એવી ધમકી આપી, એટલે કુંભારે રાણકદેવીને દેશળ સાથે વળાવી દીધી. સોરઠમાં પહોંચ્યા પછી રાજા રા’ખેંગારે યથાવિધિ રાણકદેવી સાથે લગ્ન કર્યું અને એવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ એટલા માટે મોટો ઉત્સવ મનાવ્યો. આખા રાજ્યમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. રાજા રા’ખેંગારે ત્રણ દિવસ સુધી ગામની દરેક વર્ણને જમાડી. એ સમયમાં રાજા સિદ્ધરાજના પાટનગર પાટણના વાઘરી લોકો માટીનાં વાસણ વેચવા સારૂ સોરઠ ગયા હતા. તેમણે પૂછ્યું કે, “આજે રાજાને ઘેર શું ટાણું છે કે આખું ગામ ત્રણ ત્રણ દહાડાથી જમી રહ્યું છે?” રા’ખેંગારના નોકરે કહ્યું કે :-

“ સોરઠ સિંહલદ્વીપની, જાત તણી પરમાર;
બેટી રાજા રોળની, પરણ્યો રા’ખેંગાર. “

પોતાના રાજાનું જે કન્યા સાથે સગપણ થયું હતું તે કન્યાને બીજો રાજા પરણી ગયો, એ વાત એ વાઘરીઓને પણ અસહ્ય થઈ પડી. તેમણે પાટણ જઈને પોતાના રાજાને એ વાત કહી. સિદ્ધરાજ એ ખબર સાંભળીને ઘણે ગુસ્સે થયો અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા તેણે પોતાના શૂરા સામંતોને મોકલ્યા. રા’ખેંગાર પણ વીરરાજા હતો એટલે સિદ્ધરાજના સૈન્યનો પરાજય થયો.

આ પ્રમાણે સિદ્ધરાજને પરાજય આપીને રા’ખેંગાર પૂર્ણ સુખમાં રાણી રાણકદેવી સાથે જીવન વ્યતીત કરવા લાગ્યો. સિદ્ધરાજનું વેર એ બિલકુલ ભૂલી ગયો હતો. આ વખતે રા’ખેંગારના મનમાં એમજ હતું કે, “આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સુખી હોય તો તે હુંજ છું.” તેને આ પ્રમાણે સંતોષ માનવાનું કારણ પણ હતું. રાણકદેવી પતિપરાયણા નારી હતી. પતિના સુખવૈભવમાં વૃદ્ધિ કરવાને તે રાતદિવસ પ્રયત્ન કર્યાં કરતી હતી. સદભાગ્યે એ પ્રેમી દંપતીની સ્નેહગ્રંથિને મજબૂત કરનાર બે પુત્રરત્ન પણ રાણકદેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયાં હતાં.

આ પ્રમાણે રાણકદેવી અને રા’ખેંગારનો સુખી સંસાર ચાલ્યો જતો હતો. પેલી તરફ પાટણમાં સિદ્ધરાજ તેનું વેર લેવાનો લાગ શોધી રહ્યો હતો. તેણે એક વાર ફરીથી ઘણું મોટું સૈન્ય લઇ જઇને  રા’ખેંગારના રાજ્ય ઉપર ચઢાઇ કરી. આ સમયે રા’ ખેંગારનો ભાણેજ દેશળ પણ ફૂટીને સિદ્ધરાજના પક્ષમાં ગયો હતો. એ લોકો પુષ્કળ સૈન્ય લઈને ગઢમાં ગયા અને દરવાજો ઉઘડાવીને શરણાઈઓ વગડાવી. દૂદો અને હમીર એ દરવાજાનું રક્ષણ કરવા ઉભા હતા, તેમને સિદ્ધરાજના સૈન્યે ઠાર માર્યા. શત્રુઓને સામા આવતા જોઈને રા’ખેંગાર લડવા આવ્યો.એ વખતનું વર્ણન કરતાં ગુજરાતનો જૂનો કવિ કહે છે :-

“ઝાંપો ભાગ્યો ભેળ પડિ, ભેળ્યો ગઢ ગરનાર;
દૂદો હમીર મારીયા, સોરઠના શણગાર.
રણ શરણાઇ વાગીયો, પાખરીઆ કેકાણ;
શૂરા મુખ પાણી ચડે, કાયર પડે ભંગાણ.”

અ વખતે રા’ખેંગાર અને સિદ્ધરાજના સૈનિકો વચ્ચે ઘણી ઝપાઝપી ચાલી. બન્ને પક્ષના સિપાઈઓ માર્યા ગયા અને છેવટે રા’ખેંગાર પણ એ યુદ્ધમાં કામ આવી ગયો. પછી સિધ્ધરાજ ને સાથે લઈને રા’ ખેગારનો નિમકહરામ ભાણેજ દેશળ રાણકદેવીના મહેલમાં ગયો અને કહ્યું કે, “ મામીજી અમે બે ભાઈઓ તથા મામાજી આવ્યા છીએ, બારણાં ઉઘાડો.” સરળ હૃદયની રમણી રાણકદેવીના પેટમાં કાંઈ પાપ નહોતું. એણે તરત  બારણાં ઉઘાડ્યાં પતિના મૃત્યુની તેને લેશમાત્ર પણ ખબર નહોતી. એ તો એ સમયે પોતાના બે પુત્રોને રમાડવામાં અને લાડ લડાવવામાં તલ્લીન હતી. સિદ્ધરાજે તેની નિકટ જઈને રા’ખેંગારના મત્યુના સમાચાર જણાવ્યા તથા પોતાની રાણી બનવા માટે ઘણા પ્રેમપૂર્ણક આગ્રહ કર્યો, પરંતુ સતી રાણકદેવીએ તેનો ઘણોજ તિરસ્કાર કરી કાઢ્યો. એથી ગુસ્સે થઈને સિદ્ધરાજે રાણકદેવી મા પાંચ વર્ષના કોમળ બાળકને મારી નાખ્યો અને બીજા બાળકને મારવાની પણ બીક બતાવી. બીજો બાળક ૧૧ વર્ષના હતો. તેનું નામ માણેરો હતું. એ સિદ્ધરાજથી ડરી જઈને માની સોડમાં ભરાઈ ગયો. એ વખતે વીરપત્ની રાણકદેવીએ તેને ક્ષાત્રધર્મના રહસ્યરૂપ સુંદર ઉપદેશ સંભળાવ્યો :-

” માણેરા ! તું મ રોય,મ કર આંખ્યો રાતિયો;
કુળમાં લાગે ખોટ, મરતાં મા ન સંભારિયે.”

એ સાંભળી સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ આપ્યો કે, “આ છોકરાને અહીંયાં મારશો નહિ. જે વખતે રાણકદેવી પાટણમાં પેસવાને આનાકાની કરશે, તે સમયે તેને પાટણને દરવાજે ઠાર કરજો.

આ પ્રમાણે કહીને સિદ્ધરાજે રાણકદેવીને બળાત્કારથી પાટણ તરફ લઇ જવા લાગ્યો, પરંતુ રાણકદેવીના મનમાંથી પતિભક્તિ લેશ પણ ઓછી થઈ નહોતી. શિયળનું ગમે તેટલા જોખમે પણ રક્ષણ કરવાનો તથા પતિ પાછળ સતી થવાનો તેણે મનમાં સંકલ્પ કર્યો હતો. રાણકદેવીને ગઢમાંથી બહાર લઈ જતા હતા વખતે રા’ખેંગારનો ઘોડો તેની નજરે પડ્યો.એ ઘોડાને જોઈને એ ઘણી દિલગીર થઈને બોલી :-

“ તરવરિયા તોખાર, હૈયું ન ફાટ્યું હંસલા !
મરતાં રા’ખેંગાર, ગામતરાં ગુજરાતનાં.”

થોડી વાર પછી રા’ખેંગારનો સાબરશૃંગ તેના જોવામાં આવ્યો, તેને જોઈને તેણે નીચેના ઉદગાર કાઢ્યા : –
“ રૂ! સાબર શૃંગાળ, એક દિન શૃંગાળાં હતાં;
મરતા રા’ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.”

થોડી વાર પછી મોરને કેકારવ કરતો સાંભળી તેણે કહ્યું:-
“ કાંઉ કે ગચ્છ મોર, ગોખે ગરવાને ચડી;
કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.”

સારાંશ કે, “અરે મોર ! ગિરનારની બારીએ ચઢીને શું કામ ટહુકે છે? મારા કાળજાની કોર કાપીને, મારૂં પાંજરૂ (ઘર) પાણી- એ બાળ્યું છે; એટલે કે મારા સગા ભાણેજે મારૂં ઘર ભગાવ્યું છે.”

જરા આગળ ચાલતાં પતિ રા’ખેંગારની લાશ રાણકદેવીની દ્રષ્ટિએ પડી. તેને જોઈને એ શોકાર્ત રાણી બોલી ઊઠી:-

“સ્વામી! ઊઠો સૈન્ય લઈ, ખડગ ધરો ખેંગાર; છત્રપતીએ છાઈઓ, ગઢ જૂનો ગિરનાર. “

પછી દામાકુંડ આગળ આવતાં તે પતિવ્રતા નારી બોલી:-
“ઊતર્યા ગઢ ગિરનાર, તનડું આવ્યું તળાટિયે; વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખવો.”

પછી ધારગર નામની વાડી પાસે આવીને તે બોલી કે:-
” ચંપા ! તું કાં મહોરિયો, થડ મેલું અંગાર ;
મહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર, ”

એમ કહેવાય છે કે રાણીનાં એ વચનો સાંભળીને ચંપાનું ઝાડ સુકાઈ ગયું અને એ લીલીકુંજાર વાડી પણ બળી ગઈ. પછી ગિરનાર પર્વતને જોઈને તે બોલી કે:-
”  ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે;
મરતાં રા’ખેંગાર, રંડાપો રાણકદેવડી.”

પાંચ ગાઉ ચાલ્યા પછી રાણકદેવીએ પાછું વાળીને જોયું. ઊંચો ગિરનાર એ સમયે દષ્ટિગોચર થતો હતો. ગિરનાર જાણે એ ફોજ વળાવવા આવતો હોય એવો ભાસ થતો હતો. તેને સંબોધીને રાણકદેવી બોલી:—

” ગોઝારા ગિરનાર ! વળામણ વેરીને કિયો;
મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.”

ઘણે દૂર પહોંચ્યા પછી ગિરનારને દૃષ્ટિમર્યાદામાં પેસી જતો જોઈને એ બોલી ઊઠી:-

” મ પડ મારા આધાર ! ચોસલાં કોણ ચઢાવશે?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.”

સારાંશ કે, “ઓ ગિરનાર! તું પડીશ નહિ, હવે તારાં ચોસલાં પાછાં કોણ ચડાવશે? ચડાવનાર હતો તે તો ગયો અને હવે જીવતા હશે તેઓ તારી જાત્રા કરવા આવશે માટે તું પડી જઈશ નહિ.”

આ પ્રમાણે રસ્તામાં પણ ક્ષણે ક્ષણે પતિનું સ્મરણ કરતી કરતી રાણકદેવી પાટણ આગળ આવી પહોંચી. ત્યાં આગળ સિદ્ધરાજે તેને રહેવા માટે સુંદર સ્થાન બતાવ્યું ત્યારે રાણકદેવીએ કહ્યું કે:-

“બાળું પાટણ દેશ, પાણિ વિના પૂરાં મરે;
સરવો સોરઠ દેશ, સાવજડાં એ જળ પીએ.”

પછી પાટણને પાદર આવીને બધાંએ ઉતારો કર્યો. સિદ્ધરાજે શહેર બહાર આખા શહેરને ઉજાણી કરાવીને કહ્યું કે, “સર્વે લોકોએ સારાંસારાં લૂગડાં પહેરીને બહાર આવવું.” રાજાની આજ્ઞા માનીને બધા નાગરિકો સુંદર વસ્ત્રાલંકાર પહેરીને ઉજાણીએ આવ્યા, ત્યારે તેમને જોઈને રાણકદેવી બોલી કે:-

” બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે;
સરવો સોરઠ દેશ, લાખેણી મળે લોબડી.,

પછી ગુજરાતની કોઈ સ્રીએ તેને પૂછ્યું કે, “તમે સિદ્ધરાજની રાણી છો ?” તેના ઉત્તરમાં વીરાંગનાએ ઉત્તર આપ્યો કે ” હું તો મારા કંથને એવી દશામાં મૂકીને આવી છું કે—
“વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત;
જુઓ પટોળાંવાળીયો, લોબડીવાળીનો કંથ.
જે સાંચે સોરઠ ઘડયો, ઘડીયો રા’ખેંગાર;
તે સાંચો ભાગી ગયો, જાતો રહ્યો લુહાર.”

પછી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે, “એવું છે તારે તમારી આંખોમાં આંસુ કેમ નથી આવતાં?”

રાણકદેવી બોલી:-

“પાટણને પડતે, કહો તો કૂવા ભરાવીએ;
માણેરો મરતે, શરીરમાં સરણાં વહે,”

આટલા દિવસના સહવાસમાં સિદ્ધરાજ જોઈ શક્યો હતો કે રાણકદેવી સાચી સતી છે. તેના હૃદયમાંથી પતિભક્તિ લેશમાત્ર ઓછી થઈ નથી. સામ, દામ, ભેદ, દંડ આદિ ઉપાયો અજમાવીને સિદ્ધરાજે તેને વશ કરવાનો ઘણોએ પ્રયત્ન કર્યો, પણ સતી રાણકદેવીનું ચિત્ત કશાથી ચલિત થયું નહિ. પોતાના ઉપર કુદૃષ્ટિ રાખવા માટે તેણે સિદ્ધરાજનો ઘણોજ તિરસ્કાર કર્યો. સિદ્ધરાજ ગમે તેવો તોપણ સમજુ રાજા હતો. રાણી ઉપર નિરર્થક બળાત્કાર કરવાનું તેણે યોગ્ય ન ધાર્યું. તેણે રાણકદેવીનો ઘણો આદર- સત્કાર કરીને પૂછ્યું: “તમારે ક્યાં રહેવાની ઈચ્છા છે?” રાણકદેવીએ કહ્યું કે, “ હું વઢવાણ ગામમાં રહીશ.” પછી સિદ્ધરાજ તેને લઈને વઢવાણ ગયો, ત્યાં ગયા પછી રાણકદેવીએ સતી થવાની ઈચ્છા દર્શાવી. ઉદારચિત્ત રાજા સિદ્ધરાજે તેની ઇચ્છા માન્ય રાખી અને ભોગાવા નદી આગળ સુગંધીદાર કાષ્ટની ચિતા ખડકાવી એ ચિતામાં રાણી રાણકદેવીને બેસાડીને સિદ્ધરાજે કહ્યું કે, “ તું સાચી સતી હોઈશ તે અગ્નિ વગર જ ચિતા સળગશે. ” પછી રાણકદેવી ગામમાં દેવતા માગવા ગઈ પણ કોઈએ તેને દેવતા આપ્યો નહિ, એટલે સૂર્યનારાયણને પગે લાગીને એ બોલી કે:-

* વારૂ શહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે; ભોગવતો ખેંગાર રાણ, ભોગવ ભોગાવા ધણી. ”

એમ કહેવાય છે કે એ સમયે ઉષ્ણ વાયુ વાવા લાગ્યો અને ચિતા એકદમ સળગી ઊઠી. એ સમયે સિદ્ધરાજે પોતાની પામરી તેના ઉપર નાખી; તે રાણકદેવીએ પાછી નાખી અને કહ્યું કો “મારી ભેગો તું બળી મરે તો આવતા ભવમાં હું તારી રાણી થાઉં.” પણ પ્રેમની ખાતર પ્રિયતમાની સાથે બળી મરવાની હિંમત સિદ્ધરાજની ક્યાંથી ચાલે?

જોતજોતામાં પતિવ્રતા રાણકદેવીનો પવિત્ર દેહ એ ચિતામાં બળીને ભસ્મીભૂત થઇ ગયો.

भारतनी देवीओ ग्रंथ बीजो (પ્રાચીન અને ઐતિહાસિક ૨૪૯ ચરિત્ર) प्रयोजक : स्वर्गस्थ शिवप्रसाद दलपतराम पंडित मुकाम कोटा, रजपूताना
सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी संपादक अने प्रकाशक : भिक्षु अखंडानंद અમદાવાદ અને મુંબઈ-૨ ( વિક્રમ સંવત ૧૯લ્પ)
પોસ્ટ – દિનેશ ચૌહાણ ખોરસમવાળા.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment