છવ્વીસ વરસના જ્હોન એફ. કેનેડી અમેરિક્ન નૌકાદળમાં લેફ્ટેનન્ટ હતા. બીજી ઓગસ્ટ, ૧૯૪૩ની રાત વાદળોને
કારણે વધુ અંધારી હતી. સોલોમન ટાપુઓ પર કેનેડી અને સાથીદારો બોટમાં બેસીને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેવામાં
એક જાપાની ડિસ્ટ્રોયર વીજળિક ઝડપે આવી પહોંચી, ધુમ્મસમાં તેણે કેનેડીના નાનકડા જહાજને બે ભાગમાં ચીરી નાખ્યું.આકાશમાં આગ અને ધુમાડાનો ગોળો સર્જાયો, કેનેડીના પેટ્રોલિંગ જહાજ પરના બે સૈનિકો માર્યા ગયા. કેનેડી અને બીજા દસ સૈનિકો તૂટેલા જહાજની આસપાસ એકઠા થઈ ગયા, તેઓને સમજાયું કે તરીને નજીકના ટાપુ સુધી પહોંચવા સિવાય તેઓની પાસે કોઈ વિકલ્પ નથી.
કેનેડી જ્યારે હાવર્ડ યુનિવર્સિટીમાં હતા ત્યારે ત્યાંની તરણબાજોની ટીમના સભ્ય હતા. આસપાસના જળમાં શાર્ક માછલીઓ અને મગરમચ્છો પણ મોટી સંખ્યામાં હતાં. કેનેડીએ પોતાના ઘવાયેલા સાથીનાં કપડાંને પોતાના દાંતથી કચકચાવીને પકડ્યા અને એને ખેંચતા ખેંચતા પાંચ કલાક સુધી તરતા રહ્યા. શિકારી માછલીઓ અને મગરમચ્છોથી ડર્યા વગર એ ‘પ્લમ પૂડિંગ’ નામના ટાપુ પર પહોંચ્યા અને ત્યાં નારિયેળ ખાઈને જીવ ટકાવી રાખ્યો. ઘણા દિવસો એમ જ વીતી ગયા. દરમિયાન નજીકથી એક હોડીમાં સોલોમન
ટાપુના કેટલાક લોકો પસાર થયા ત્યારે તેઓને મદદ માટેનો વાવટો બતાવ્યો.
એ ટાપુવાસીઓએ અમેરિકા અને મિત્ર દેશોની ફોજને સંદેશો પહોંચાડશે તેવી ધરપત આપી, પરંતુ ભાષાની તકલીફ હતી. એ ટાપુવાસીઓ અંગ્રેજી જાણતા ન હતા. કાગળ-પેન હતાં નહીં. કેનેડીએ તાજા નારિયેળની એક કાચલી લીધી અને
તેના પર ચપ્પુથી કોતરીને એક સંદેશો લખ્યો કે, ‘કમાન્ડર, આ સ્થાનિક લોકો જાણે છે કે અમે કઈ જગ્યાએ ફસાયા
છીએ. તેઓ તમોને દોરીને અહીં સુધી લઈ આવશે. અમે ૧૧ જણ જીવતાં છીએ, એક બોટ લઈને મદદે આવો. કેનેડી.’ સ્થાનિક લોકોએ એ નારિયેળ કમાન્ડર સુધી પહોંચાડ્યું અને મદદ આવી પહોંચી અને એ અગિયારને બચાવી લેવામાં આવ્યા.
(અભિયાન દીપોત્સવી વિશેષાંક ( ૨૦૨૦) માંથી સાભાર)
સં./ ટાઈપીંગઃ હસમુખ ગોહીલ