આજે અમો માર્કેટમાં એક લારી પરથી કંકોડા લઈને નીકળતા હતા ત્યાં અછડતી નજરે જોયું તો ત્યાં એક બાઈક આવીને ત્યાં ઊભું રહ્યું. બાઇક ચલાવનારે હેલ્મેટ પહેર્યું હતું, બાઈકના હેન્ડલ પર ટિફિન લટકતું હતું…એમની બાઈક પાછળ કોઈક મેડમ બેઠા હતા. કોઈ હસબન્ડ ઓફિસ જતા એમના મેડમને શાક માર્કેટમાં ઉતરતા જતા હોય એવું એ સ્વાભાવિક દૃશ્ય હતું.
પણ હું આગળ ચાલ્યો તો સ્ત્રીના માદક સ્વરમાં પણ જોરથી બોલાયેલું એક વાક્ય મારા કાને પડ્યું અને મારા પગ થંભી ગયા. વાક્ય હતું કે, “અરે ઓય…કિસ તો આપતા જાઓ…” 😲
મેં અચાનક પાછળ ફરીને જોયું તો એ મેડમ એમના હસબન્ડને કહેતા હતા. એમના હસબન્ડે એમને બાઈક પરથી ઉતારીને બાઇક થોડું ચલાવ્યું ત્યાં તેઓ આ વાક્ય જાહેરમાં બોલ્યાં, અને જાણે આસપાસનું માર્કેટ થંભી ગયું.
લારી પર ઊભેલા ડોશી બબડ્યા, “શરમ વગરની બાઈ છે.”
જો કે મને બહુ ગમ્યું. મને થયું રોજ આમ ઓફિસ જતા ભાઈ મેડમને કિસ કરીને જતા હતા…આજે રહી ગયું હશે તો માંગતા હશે…કેવો મજાનો પ્રેમ…🥰
મેડમ એમના હસબન્ડના બાઇક તરફ આગળ વધતા હતા અને સૌ ડોળા ડોળા ફાડી ફાડીને જોતા હતા. હું પણ આ ક્રાંતિકારી ક્ષણનો સાક્ષી થવા ઉભો રહી ગયો. મેડમ એમના હસબન્ડની એકદમ લગોલગ ગયા…
બરાબર એ જ પળે એમના હસબન્ડે મેડમના હાથમાં ‘keys’નો ઝુડો મૂક્યો. અને બાઇક લઈને રવાના થયા.
મેડમ ચાવીનો ઝૂડો લઈને લારી તરફ આવવા પાછા વળ્યા ત્યારે મેં એમનું મોં જોયું તો ઓળખી ગયો કે અરે, આ તો સરસ મેડમ…🤦
મારાથી ન રહેવાયું એટલે હું ત્રણ ડગલા ભરીને એમની પાસે ગયો અને આજે તો કહી જ નાંખ્યું કે, “તમારા એક્ટિવા કરતા તમારું અંગ્રેજી વધુ જીવલેણ છે.” 🤨
– કાનજી મકવાણા