Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આવાં બાળકોનાં શરીર પર ચોંટેલી ધૂળથી જેનો ખોળો મેલો થાય છે તે માતાઓ ધન્ય છે.

મહારાજા સયાજીરાવની રક્ષા કરવા સિંહ સામે પડેલા બે બહાદુર છોકરા: હરિ અને અરજણ.

હાલ તમે વડોદરાના સયાજીબાગના પ્રવેશ કરો એટલે ડાબી બાજુ તમને ખુમારી અને આત્મવિશ્વાસથી ઉભેલી કિશોર વયના બે છોકરાની કાંસ્ય પ્રતિમાઓ દેખાય છે.

તમે એ પ્રતિમાઓને ધ્યાનથી જુવો તો એ કોઇ રાજકુમારો નથી તો દેખાતા. અને જો પ્રાદેશિક અને પરંપરાગત પહેરવેશના જાણકાર હો તો એ પણ દેખાય આવે કે આ પહેરવેશ વડોદરા આસપાસના વિસ્તારનો નથી, પણ કાઠિયાવાડનો છે. તો વિચાર એ આવે કે સયાજીબાગમાં છાતી કાઢીને આ છોકરા છે કોણ?

એ બેઉ વડોદરાથી ત્રણસો કિલોમીટર દૂર ગીરના ધારી તાલુકાના સાવ નાનકડા એવા ગામ સુખપુરના સામાન્ય કોળી પરિવારમાંથી આવતા બે સગાભાઇઓ છે–હરિ અને અરજણ.

મહારાજા સયાજીરાવે આ બે ભાઈઓની પ્રતિમા પોતાના પ્રિય બાગમાં મૂકી એની પાછળ ઘટના કંઈક એવી છે કે,

હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાઈ છે, પણ પહેલાંના વખતમાં રાજા-મહારાજા શોખ ખાતર શિકાર કરતા.

સાડા આઠ દાયકા પહેલા (લગભગ ૧૯૩૩માં) કાંગસા ગામ એ કરવામાં આવેલા એક શિકારની આ વાત છે. કાંગસા ગાંડી ગીરના પાદર જેવું અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું એક નાનકડું ગામ. કાંગસા ની પશ્ચિમે ગિરનાર ડુંગર અને જંગલ. છ દાયકા પહેલા એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા.

એમાં સિંહ પણ ખરા.

કાંગસા ગામ નજીક એક વોકળો છે. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા. તેને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. એ સમયે અમરેલી અને એ જીલ્લાના આ ભાગ ગાયકવાડ સ્ટેટમાં આવતો. તો કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા. વોકળાની નજીક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માંચડા પર ગોઠવાયા હતા.

માંચડાથી થોડે અંતરે તે વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા. એમાં સુખપર ગામના આ બે છોકરાઓ પણ હતા. આ બે છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈ ને ઉભા હતા. એમાં છોકરાના હાથમાં નાની કટારી હતી અને બીજાના હાથમાં લાકડી.

નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ના લાગે . અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. વોકળાને કાંઠે આવીને તે ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી.

પણ કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદુકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એણે નજર ફેરવી માંચડા પરના માણસોને જોઇને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો, છલાંગો ભરતો એ માંચડા સુધી ધસી આવ્યો. માંચડાને ભોય ભેગો કરવા માંગતો હોય એમ એને ઝોળવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ.

સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝયું જ નહીં!

આ કટોકટીની પળે હરિ અને અરજણ એક હિંમત ભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા. અને હાકોટા કરતા હોય એમ તેમણે એક સાથે અવાજ કર્યો. સિહનુ ધ્યાન તેમના તરફ ખેંચાયું. તેણે માંચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મુક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને નવ ફૂટ લાંબા એ સિંહે એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનુ નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું પણ હરિ અને અરજણ ગભરાયા નહીં, એ તો લાકડી અને કટારી ઉગામીને ચપળતાથી ઉભા રહ્યા.

સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો.ત્યા મહારાજાએ હોંશ સંભાળ્યું અને બંદુકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દિધો. આ બધું એટલું ઝડપી બન્યું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં.

સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. સૌના જીવ હેંઠા બેઠા. મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા. ઉતરીને સીધા આ બેઉ ભાઈઓ પાસે ગયા. હરિ અને અરજણના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓ એ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અરજણની પીઠ થાબડીને ધન્યવાદ આપવાનું કામ કર્યું.

પણ મોટા મનમાં સયાજીરાવજી કંઇ એટલેથી અટકે? આ તો વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથીય ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે ? એમણે આ બે સગા ભાઈઓના વડોદરા બોલાવી નવાજ્યા. એમના પૂતળા રચાવીને કમાટીબાગમાં સ્થાપ્યા. કમાટીબાગ અત્યારે સયાજીબાગ તરીકે ઓળખાય છે સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અરજણના પૂરા કદના પૂતળા છે. વડોદરા જાઓ ત્યારે સયાજીબાગમાં આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો.

દુરંદેશી મહારાજાએ એ પ્રતિમાઓ એટલે જ મુકાવી હશે કે આ દેશના બાળકો અને માતાપિતા એમાંથી શોર્ય, સ્વરક્ષણ અને હિંમત શીખે.

******

અત્યારે જે zen–g છે એવા અઢારથી વીસ વર્ષના યુવાનોને એમના બાળપણમાં ચોથા ધોરણની ગુજરાતીમાં આ છોકરાનો પાઠ ભણવાનો આવતો. અત્યારે કદાચ નથી આવતો.

મૂળ તો મને આ વિગતવાર પોસ્ટ કરવાનો વિચાર પ્રહલાદ જોશીની પોસ્ટ પરથી આવ્યો. એમણે આ ભાઈઓને યાદ કરીને એક સરસ વાત તારવી કે, “સંતાનોને તડકામાં તપવા દો. એમનાં શરીરોને ધૂળિયાં થવા દો, કાદવથી ખરડાવા દો. પડવા ને આખડવા દો. ફટકા પડવા દો એમનાં શરીરો પર. મારથી, કે કાંઈ વાગવાથી બીવા ન જોઈએ. પીડાથી ભાગવાં ન જોઈએ. “ખમી લેવાશે જે થાશે તે” એનો અભ્યાસ હોવો જોઈએ. ભૂખમાં ય અકળાય નહીં, આવનારા ભયથી ધ્રુજે નહીં, ને કોઈથી ભોળવાય પણ નહીં એવાં હોવાં જોઈએ બાળકો, કે જેમને જોઈને કહેવાનું મન થઇ જાય કે धन्यास्तदङ्ग रजसा मलिनी भवन्ति (આવાં બાળકોનાં શરીર પર ચોંટેલી ધૂળથી જેનો ખોળો મેલો થાય છે તે માતાઓ ધન્ય છે.)”

******

અચ્છા, તમે એ ધ્યાન આપ્યું કે આ બેઉ સગ્ગાભાઈઓના નામ પણ કેવા રૂડા છે! હરિ કૃષ્ણને કહેવાય છે અને અરજણ એટલે અર્જુન. જાણે કૃષ્ણ અર્જુનની જોડી જેવા બે ભાઈઓ.

ભાગવતમાં જો કૃષ્ણ અને બલરામની બાળપણથી ધિંગામસ્તી વાંચી હોય તો ખ્યાલ આવે કે હાથીની સૂંઢ જેવા હાથ પગ વાળા કૃષ્ણ અને બલરામ કઈ હદે બહાદુર, હિંમતવાન અને ચપળ છે. ભાગવતમાં દૃશ્ય છે કે નંદબાબાના આંગણામાં ઉછળકૂદ કરતા વાછડાનાં પૂંછડા પકડીને ઢસડાતા આ બેઉ અઢી ત્રણ વર્ષના કૃષ્ણ બલરામ આખાય ગોકુળમાં ધૂળ ધૂળ થાય છે. કૃષ્ણ અને બલરામને દૈવી રીતે ન જુવો અને એમના બાળપણને લોજીકલી જુવો તો પણ એ એમનો ઉછેર એવા માહોલમાં થયો હતો કે આ બેઉ ભાઈઓ આટલી નાની ઉમરમાં કંસના માણસોને, એના હાથીને, એના મલ્લને, ખુદ કંસને ભારે પડ્યા.

– કાનજી

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment