ભીખા ની પત્નિ ખુબ કજીયાળી અને માથા ભારે હતી.
એક દિવસ ભીખો ખેતર મા કામ કરતો હતો ત્યારે એની પત્નિ ભાત લઇ ને ખેતરે આવી.
ભીખો બળદ ને બાંધી ભાત ખાવા બેઠો. એટલે એની પત્નિ એ કકળાટ ચાલુ કર્યો.
આટલા વર્ષો થી ખેતી કરો છો..
તો હજી સુધી મારા માટે કાઇ કર્યુ તમે..?
મારે ઘરેણા કરાવવા છે..
પણ કોણ જાણે કેમ રળે છે..?
કાઇ ઉપજ જ નથી આવતી..
કાઇ ગતાગમ જ પડતી નથી ..
એટલા મા બળદે એનો પાછળ નો પગ ઉલાળી ને પાટું માર્યું, ભીખા ની પત્નિ ના માથા મા વાગ્યો.. અને એનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ.
.
.
સ્મશાન વિધિ પતાવી બધા ગામલોકો ભીખા ના ઘરે સાંત્વના આપવા ગયા. ગામ મા એક મંત્રી પણ વિઝીટ પર આવેલા હતા, એ પણ ભીખા ના ઘરે ગયા.
મંત્રી એ જોયુ કે કોઈ સ્ત્રી ભીખા પાસે જઇ ને સાંત્વના ના શબ્દો કહે એટલે ભીખો હકાર મા માથુ હલાવતો.. અને કોઈ પુરુષ પાસે આવે એટલે નકાર મા માથુ હલાવતો.
મંત્રી ને નવાઈ લાગી.. આમા કંઇક છે.. એટલે છેલ્લે સુધી રોકાયા. બધા ગયા પછી ભીખા ને પુછ્યુ: સ્ત્રીઓ આવતી ત્યારે હા પાડતો અને પુરુષો આવતા ત્યારે ના કેમ પાડતો હતો?
ભીખો : સાહેબ સ્ત્રીઓ કહેતી કે ભગવાન ને ગમ્યુ એ ખરું સૌ સારા વાના થઇ જશે..
અને પુરુષો પૂછતા કે બળદ વેચવો છે??
😭😭😭
Day: November 4, 2025
✨ માણસાઈનું ઊંચું કદ
રાત્રીનો અંધકાર ઓરો ઊતરી આવ્યો હતો. આકાશ પર ઘેરી કાળી મખમલી ચાદર ધીમે ધીમે પથરાઈ રહી હતી. રાતના નવ વાગી રહ્યા હતા. બસ સ્ટેશનના સ્ટેન્ડ પર લાગેલી બસો પોતાના રૂટ તરફ જવા રવાના થઈ રહી હતી. એકલ-દોકલ બસો જ સ્ટેન્ડ પર ઊભેલી હતી. ફેરિયાઓના અવાજો શાંત થઈ ગયા હતા. બસ સ્ટેશનના બુક-સ્ટોલ, ટી-સ્ટોલ બંધ થઈ ચૂક્યા હતા. લોકોની હાજરી આછી-પાંખી હતી. ખભા પર બેગ અને હાથમાં થેલો લઈ લગભગ પચીસેક વર્ષની યુવતી ટિકિટ વિન્ડો પર આવી ઊભી રહી. તપાસ કરતાં પૂછ્યું, “અમરેલી જવા બસ ક્યારે મળશે?” ટિકિટબારી પરના ક્લાર્કે શેડ્યૂલ જોયું અને બોલ્યો, “સવા દસે.” તેણીએ હાથમાં પહેરેલા ઘડિયાળ સામે જોયું. હજી તો આઠ વાગવામાં દસ મિનિટ ઓછી હતી. તેણે પ્રશ્ન કર્યો, “સવા દસ સુધી બસ આવી તો જશે ને?” ક્લાર્કે કહ્યું, “બેન, આવવાનો સમય એ છે, બાકી ભુજથી આવશે, તો મોડું-વહેલું થાય પણ ખરું.” તેણીએ વાતનો સ્વીકાર કરતાં હકારમાં ડોકું ધુણાવ્યું. બસની રાહ જોતાં પ્લેટફોર્મ નંબર-૧૦ પાસેના બાંકડા પર બેઠી. મોબાઈલ હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો. સામેથી અવાજ આવ્યો, “હા, બોલ મનીષા.” જવાબમાં તેણે કહ્યું, “મમ્મી, હું સવાર સુધી પહોંચી જઈશ.” થોડી સામાન્ય વાતચીત પછી તેણે ફોન કાપ્યો અને બેગમાં મૂકી દીધો.
બાંકડા પર બેઠેલી મનીષાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. સાંજે પાંચ વાગ્યે તે શાળામાં હતી ત્યારે તેની માતાનો ફોન આવ્યો હતો. તેના પિતાને હૃદયરોગનો હુમલો થયો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તે તેના માતા-પિતાનું એક જ સંતાન હતી. પિતાએ રિક્ષા ચલાવી તેને ભણાવી-ગણાવી હતી. એક વર્ષ પહેલાં જ અજાપર ગામડે શિક્ષિકા તરીકેની નોકરી મળી હતી. તેણીએ શાળાના આચાર્ય પાસે રજા લીધી અને વતન જવા બસ સ્ટેશન આવી હતી.
સ્ટેન્ડ પર લાગેલી બાકી બસો પણ ઊપડી ગઈ હતી. બસ સ્ટેશન લગભગ ખાલીખમ થઈ ગયું હતું. પીળો પ્રકાશ આપતી લાઇટો ચાલુ રહી હતી. મનીષાએ ચારે બાજુ નજર ફેરવી, સૂનકાર ફેલાયેલો હતો. પવન થોડો ઠંડો થયો હતો. પવનની ગતિમાં ઉડતા કચરાના ટુકડા આમતેમ રખડતા-રઝળતા હતા. તેણે ઘડિયાળ જોયું, ૯:૨૦ મિનિટ થઈ હતી. રાત, સૂનકાર અને કેટલાક વાંચેલા કિસ્સાઓ તેના મગજમાં હળવે હળવે ટકોર મારી રહ્યા હતા. તે વિચારમાં હતી કે ત્યાં એક લાંબો પડછાયો તેના શરીર પર પડ્યો. તેણે નજર ઊંચી કરી અને જોયું. ઊંચો બાંધો, પાતળો દેહ, વધી ગયેલી દાઢી, અસ્તવ્યસ્ત, રૂક્ષ માથાના વાળ, મેલા-ઘેલા કપડાં પહેરેલો પચાસેક વર્ષની ઉંમરનો પુરુષ તેની પાસે આવી ઊભો હતો. તે જરા ગભરાઈ ગઈ. પુરુષે સ્મિત કર્યું. પાન-મસાલાના ડાઘાવાળા દાંતનું સ્મિત પણ કદરૂપું હતું. ભારેખમ અવાજમાં પ્રશ્ન કર્યો, “કઇ બસમેં વીનુણું આય?” (કઈ બસમાં જવાનું છે?). તેના જવાબમાં તે ચૂપ જ રહી. તે પુરુષને થયું કે કદાચ તે તેની વાત સમજી નથી લાગતી એટલે પોતાની કઠોર લઢણ સાથે ગુજરાતીમાં પૂછ્યું, “કઈ બસમાં જવું છે?” મનીષાના શરીરમાં ડરનો પ્રવાહ પસાર થઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે ચૂપચાપ પોતાનો સામાન ઊંચક્યો અને બાંકડા પરથી ઊભી થઈ ચાલતી થઈ. તે પુરુષ તેને જતાં જોઈ રહ્યો. મનીષાએ આજુબાજુ નજર ફેરવી. પ્લેટફોર્મ નંબર-૭ પાસે એક યુવક બેઠો હતો. તેના પહેરવેશ પરથી તે ભણેલો-ગણેલો લાગતો હતો. તે તરફ ચાલી અને તેના સામેના બાંકડા પર જઈ બેઠી. મોબાઇલમાં વ્યસ્ત તે યુવાને તેની સામે જોયું અને ફરી મોબાઇલમાં વ્યસ્ત થઈ ગયો. બે-ત્રણ વખત તેણીએ મદદની ઉમ્મીદથી તેની તરફ જોયું, પણ યુવાનનું ધ્યાન માત્ર મોબાઇલમાં હતું. મનીષાની ડરથી ભરેલી નજર વારંવાર પ્લેટફોર્મ નંબર-૧૦ તરફ જોઈ લેતી હતી. તે પુરુષ પોતે બેઠી હતી તે બાંકડા પર નિરાંતે બેસી ગયો હતો. દસેક મિનિટ પછી પ્લેટફોર્મ નંબર-૭ પર એક બસ આવી અને ઊભી રહી. પેલો યુવાન ઊભો થયો અને બસમાં બેસી ગયો. હવે સ્ટેશનમાં મનીષા અને બાંકડા પર બેઠેલો તે માણસ જ હતા.
મનીષાનો ડર વધી રહ્યો હતો. વિચારો, શંકા-કુશંકા, ડર, વાતો, વાર્તાઓ, મોબાઇલમાં આવતી રીલ્સ, હકીકતમાં બનેલી ઘટનાઓ તેના મગજમાં ઘૂમી રહી હતી. “મને મારી નાખશે તો? બીજા બે-ત્રણ લોકોને બોલાવી લેશે તો? મારી ઇજ્જત પર…” વિચાર માત્રથી તેનું શરીર ધ્રૂજી ઊઠ્યું હતું. તેણે ડરને કારણે કેટલીયે વાર આંખો બંધ કરી રાખી, પણ જેવી આંખો ખોલી કે તેની નજર પ્લેટફોર્મ નંબર-૧૦ તરફ ગઈ. તે પુરુષ ચૂપચાપ એક પગને બાંકડા પર ચડાવી બેઠો હતો. જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય. મનીષાનો ભય હવે છૂપો રહી શકે તેમ ન હતો. તેના કપાળ પર પસીનાના બિંદુ જામી ગયા હતા. હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. મનોમન તેણે તે પુરુષને અનેક બદદુઆઓ આપી અને રાક્ષસ તરીકે ગણાવી દીધો હતો. પોતાની જાતની રક્ષા માટે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી હતી, ત્યાં દૂર સડક પર પીળા રંગનો ઉજાસ દેખાયો. તેણે મોબાઇલમાં જોયું. સવા દસ વાગી રહ્યા હતા. તેને હાશકારો થયો. ઘડીકમાં ઉજાસ સ્પષ્ટ થયો. બસ આવતી દેખાઈ. તેણે બોર્ડ વાંચ્યું – ભુજ-અમરેલી. તેણે પોતાનો સામાન ઊંચક્યો અને પ્લેટફોર્મ-નંબર-૧૦ તરફ આગળ વધી. બાંકડા પાસેથી પસાર થતાં તેણે નજર નીચી રાખી જાણે તેણે કોઈને જોયો જ ન હોય. બસ સ્ટેન્ડ પર લાગી કે, તે દોડતી તેમાં ચડી ગઈ. કંડક્ટરની સીટ પાછળની ખાલી સીટ પર તે બેઠી અને હાશકારો અનુભવ્યો. કંડક્ટરે બહાર નજર કરી અને હાથ ઊંચો કરતાં બોલ્યો, “બાબુ, આજે કેમ તું હજી સ્ટેશન પર છો?” કદરૂપું સ્મિત કરતાં તે બોલ્યો, “રાત થઈ ગઈ ને, બે’ન સ્ટેશન પર એકલી હતી. જમાનો કેવો છે. એટલે હું અહીંયા બેઠો હતો.” હાથ ઊંચો કરી ચાલતો થયો. તેના શબ્દો સાંભળી મનીષા ડઘાઈ ગઈ. ઘડીક મૂક થઈ ગઈ. કંડક્ટરે તેની સામે જોયું અને બોલ્યો, “બાબુ, છેલ્લા કેટલાય વર્ષોથી બસ સ્ટેશનમાં મજૂરી કામ કરે છે.” આત્મગ્લાનિમાં ડૂબેલી તેણે જવાબમાં માત્ર હુંકાર આપ્યો અને બસની બારી બહાર નજર કરી. ખાલી સડક પર લાંબા પડછાયા સાથે માણસાઈનું ઊંચું કદ ચાલી રહ્યું હતું.(લેખિકા:પલ્લવી શેઠ( કરછમિત્રની પૂર્તિ જેડલની કોલમ ગગનવિહારમાં લઘુવાર્તા)