●♡●◇●♡●◇÷÷મામેરુ÷÷◇●♡●◇●♡●
પ્રભાસ પાટણ સોમનાથ ની બાજુ મા ‘ગીર ખોરાસા’ નામના એક નાનકડા ગામ ના પાદર ના કુવે પનિહારીઓ પાણી ભરી રહી છે…કુવા ની ગરેડી ના ખીલા કીચુડ..કીચુડ ના અવાજ થી ગાજી રહ્યા છે…
વચ્ચે વચ્ચે પનિહારીઓ ની વાતો ના જકોળા વાતાવરણ ને ઘોંઘાટીયુ બનાવી રહ્યા છે…કોઈ ની નણંદ તો કોઈ ની સાસુ વગોવાઈ રહી છે…આજે ગામના દરબાર ને ઘરે વિવાહ નો પ્રસંગ છે..એટલે બાયુ ની વાતો મા..ક્યારેક ક્યારેક ‘રૂપાળી બા’
ના મામેરા ની વાત પણ આવી જાય છે..
એક બાઈ બોલી….
“જોતો ખરી એલી..રૂપાળીબા ના મામેરા ની હેલ્યુ આવે છે ક્યાંય…?”
બીજી બાઈએ ટાપસી પુરી..”પાટણ ના કેડા તો હજી સુના છે”
ત્રીજી બાઈ..”રૂપાળી બા નું મામેરુ હવે આવી રહ્યુ..!!”
અને બધી પનિહારીઓ એકસાથે હસી પડી…
આમ જ્યા વાતો ચાલે છે ત્યા..પ્રભાસપાટણ નોએક હરીજન કુવે પાણી પીવા આવ્યો..
“બોન..તરસ્યા વાટમારગુ ને પાણી પાશો..?”
“કયે ગામ જવુ છે ભાઈ..!!”
પાણી ની ગાગર નમાવી એક બાઈ પાણી ખોબા મા રેડતા પુછવા લાગી…
“માધુપૂર જાવ છું બૉન..”
“ઓહો…આમ ક્યાથી આવો છો..?”
“સોમનાથ પાટણ થી..”
“લે…તો..તો અમારા દરબાર ની વહુવારુ ના મામેરીયા…”
કહી ને પાણી પાતી બાઈએ બીજી બાઈ સામે આંખ ઊલાળી
હરીજન કાંઈ સમજ્યો નહીં એટલે સામે જોઈ રહ્યો..
“તને કાંઈ ખબર નથી ભાઈ…
આજ અમારા ગામ ના દરબાર ગઢ મા વિવાહ નો પ્રસંગ છે..અને તમારા દરબાર ની દિકરી રૂપાળીબા આહ્યા સાસરે છે..
અમને તો એમ કે,તમે એનું મામેરૂ લઈ ને આવ્યા હશો..”
આટલું બોલી બધી બાઈઓ ઠઠ્ઠો કરતી ચાલતી થઈ..
ગામ માથી આ હરીજન ના જુવાન ને જાણવા મળ્યું કે,ખોરાસા અને પાટણ ના દરબાર વેવાઈ છે..પણ બંને વચ્ચે કાંઈક દુખ થયુ હોવાથી વહેવાર નથી…
અને એના..ઝઘડો નો ભોગ બની છે રૂપાળીબા
આજે વિવાહ જેવો રૂડો અવસર ને રૂપાળી બા મામેરે વિનાની રહેશે..
આપણી ભારતીય સંસ્કૃતિ મા મામેરા નું બહું મહત્વ છે…
બેન ને ભાઈ ના મામેરા ની જીંદગીભર વાટ હોય છે..
એને ઘરે પ્રસંગ આવે ને બેન મામેરુ વધાવી ને આંગળીઓ ના ટાંચકા ફોડે ત્યારે એને જે હરખ હોય…
એનું શબ્દો મા વર્ણન ન થઈ શકે…
આ હરીજન નો જુવાન…વિચાર કરતો કરતો ગામ ના પાદરે આવ્યો..
મન મા કાંઈક ગાંઠ વાળી ને પાછો વળ્યો…
ગામ ની બજાર મા આવી ને દરબાર ગઢ નો રસ્તો પુછ્યો
દરબાર ગઢ મા તો ઢોલ શરણાઈ ની પ્રાંછટ બોલે છે…
વિવાહ નો અવસર છે કિલ્લોલ થાય છે…
પણ આ હરીજન વિચારે છે
કે,આ આનંદ મા મારા ગામની એક દિકરી કોઈ ખૂણા મા ઓશીયાળી થઈ ને બેઠી હશે..
એની ઊપર મેણા ના મેહ વરસતા હશે…
એણે..ગામઘણી દરબાર ની મુલાકાત માંગી,દરબાર મા હાજર થયો..
“બોલ ભાઈ…ક્યુ ગામ..?”
“પ્રભાસ પાટણ…!!”
“ઓ..હો…વેવાઈ નું ગામ…,શુ આવ્યા છો..?”
“અમારા રૂપાળીબેન નું મામેરૂ લઈ ને આવ્યો છું બાપુ..”
“વેવાઈ ને શું થયું..?”
“એના કુંટુંબ મા એક અણધાર્યુ મરણ થયુ એટલે અવાઈ એમ નથી…મને મોકલ્યો છે”
“વાહ..તો..તો..મામેરા ના ગાડા પાછળ આવતા હશે..?”
“અમારી દિકરી ના મામેરા ગાડામા નો સમાઈ બાપું…
બેન ને મામેરા મા હું ‘ઈશ્વરયું ને કીંદરયું’ બે ગામ લખી દઉ છું”
દરબાર ની કચેરી ના માણસો…છક થઈ ગયા..
પણ,દરબારે કીધુ “એના દસ્તાવેજ ક્યા..?”
“મને ખબર નૉતી દરબાર…. કે ખોરોસા ના દરબારગઢ મા માણસ ની જીભાન કરતા કાગળ ની ચબરખી ને મોટાઈ આપવામા આવે છે…”
દરબાર નીચે જોઈ ગયા..
રૂપાળીબા..આવ્યા હરીજન ના જુવાન ના કપાળે ચાંદલો કરી મામેરૂ વધાવ્યું…
જુવાન પોતાના પંથે પડ્યો..
સોમનાથ પાટણ આવી ને,
પોતાના ગામ ના દરબાર……જે..
ભગવાન સોમનાથ મહાદેવ ની પૂજા કરી દરબાર ભરી ને બેઠા છે એ કચેરી મા આવી ને કહેવા લાગ્યો…
“બાપું..હવે જીવાડો કે મારો એ તો તમારા હાથ મા છે…પણ રૂપાળીબા બોન નું મામેરૂ ભરી ને હાલ્યો આવું છું…”
પ્રભાસ પાટણ ના દરબાર ની દાઢી ને મુછ ફરકવા લાગી..
“મામેરા મા શું દીધુ ભાઈ…?”
“ઈશ્વરીયુ ને કિંદરયું બેઈ ગામ નો દસ્તાવેજ પુગાડવાનો છે..”
“વાહ…બાપ તે તો મારી આબરૂ રાખી…બે ગામ તે બેન ને દીધા આ પાંચ ગામ નો ગરાસ આજ થી હું તને લખી દઉં છું..”
એમ કહેવાઈ છે કે…આઝાદી મળી એના પહેલા સોમનાથ પાટણ ની આસપાસ ના પાંચ ગામ નો ગરાસ સોમનાથ ના હરીજનો ને મળતો….
✍ભરત વ્યાસ.