મુંબઈમાં નાકની દાંડીએ સડસડાટ સીધી દોડતી ટ્રેનમાં મહિનાનો પાસ કઢાવી યાત્રા કરનારા અનેક છે. તેમાં એક વિધાર્થી ટ્રેનમાં યાત્રા કરતાં મશ્કરી અને મજાકમાં ઘરની નજીક ઊતરવાના ઈરાદાથી ચાલુ ટ્રેને સાંકળ ખેંચે છે. ટ્રેન ઊભી રહે તે પૂર્વે તે જ ડબામાં દાખલ થયેલા ટિકિટ કલેક્ટરે. બૂમ મારી ”કોણ છે સાંકળ ખેંચનાર ?” બૂમ સાંભળતાં જ પકડાઈ જવાના ડરથી વિદ્યાર્થી દોડીને જાજરૂમાં સંતાઈ જાય છે, ટ્રેન ઊભી રહી ગઈ છે; ડ્રાયવર વ્હિસલ ઉપર વ્હિસલ મારે છે; દરેક વ્હિસલ સંભળાતાં વિદ્યાર્થીને પરસેવો છૂટે છે; અન્ય યાત્રીના ઈશારાથી ટિકિટ કલેક્ટર સમજી જાય છે કે સાંકળ ખેંચનાર જાજરૂમાં છે. તે દરવાજો ઠોકે છે, ભયભીત થયેલો, પરસેવે રેબઝેબ થયેલ વિદ્યાર્થી શરમના
શેરડા સાથે અંતે દરવાજો ખોલે છે. ટિકિટ કલેક્ટર તેને આગલા સ્ટેશન પર ઉતારે છે,
સ્ટેશન માસ્તરની રૂમમાં લઈ જાય છે, ખૂબ ધમકાવે છે, શરમિંદો વિદ્યાર્થી માફી માંગે છે અને તેને વોર્નિંગ આપી છોડી મૂકવામાં આવે છે. આ વિધાર્થીને છોડી મૂકવામાં આવ્યો છે છતાં ભયના લીધે તેના મન ઉપર એવી ધેરી છાપ પડી જાય છે કે પોતે ગુનેગાર છે અને ગમે ત્યારે તેના ગુના માટે તેની ઘરપકડ થઈ શકે છે. તે પોતાને ઘેર જાય છે છતાં રાત્રે ટ્રેનની વ્હિસલ સંભળાતાં જ પરસેવો છૂટે છે; ટ્રેનનો અવાજ સાંભળતાં જ તે દોડી બાથરૂમમાં પેસી જાય છે. અનેક મહિના સુધી તેને લાગ્યા કરે છે કે તેનો કોઈ પીછો કરી રહ્યું છે. ટિકિટ કલેક્ટર જેવું કોઈ દેખાય તો તે વિદ્યાર્થી દોડાદોડ કરવા માંડે છે. વાસ્તવિકતામાં તેને તેની ભૂલ બદલ વોર્નિંગ (ચીમકી) આપી છૂટો કરવામાં આવેલો છે. છતાં તે પોતાને ગુનેગાર માને છે, તેને સતત લાગે છે કે તે બંધનમાં છે, હજુ તેનો છુટકારો થયો નથી. આ માન્યતા તેના મનની ભ્રાંતિ છે અને તે ભ્રાંતિ જ ટ્રેનના અવાજથી તેને બાથરૂમમાં ઘકેલી દે છે. ભ્રાંતિ જ તેને પરસેવે તરબોળ કરે છે. મનની માન્યતા કે ભ્રમ તેને ગુનેગાર ન હોવા છતાં ગુનેગાર મનાવે છે. તેનાં માતાપિતાએ ખૂબ ઉપચાર કર્યા છતાં ખોટી માન્યતા, એક વાર મતમાં ઘર કર્યું, પછી નીકળતી નથી.
અંતે એક મનોવૈજ્ઞોનિકની સલાહથી એવી ગોઠવણ કરી કે એક દિવસ એક ટિકિટ કલેક્ટર અને પોલીસ આવીને તેને પકડી જાય અને સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં લઈ જાય, જ્યાં પૂર્વયોજના મુજબ તે વિદ્યાર્થીના પિતા પણ હાજર થાય, અને સૌની હાજરીમાં તેને ગુનેગાર સાબિત કરવામાં આવે અને વિદ્યાર્થીની રૂબરૂમાં તેના પિતા પાસેથી રૂપિયા પાંચસોનો દંડ લઈ તેને મુક્ત કરવામાં આવે. અનને યોજના મુજબ દંડ લઈ વિધાર્થીને પુનઃ કહેવામાં આવે છે કે હવે આજથી તું મુક્ત છે, તારા ગુના માટે તારો દંડ કરવામાં આવે છે. અને આશા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં આવી ભૂલ તું નહીં કરે, હવે દંડ ભરીને ગુનામાંથી મળેલી મુક્તિને વિદ્યાર્થી સાચી માને છે અને ફરી ગુનો નહીં કરવાનું વચન આપે છે, માફી માગે છે, અને પોતાને મુક્ત માને છે. અહીં વિદ્યાર્થી અંતે પોતાને મુક્ત માને છે તે તેના જ મનની માન્યતા છે.
મુક્તિ સાચી નથી કારણ કે પૂર્વે તેને ‘બંધન’નો અનુભવ હતો તે પણ ભ્રાંતિ હતી.
આમ “બંધન’ અને ‘મુક્તિ’ બન્ને એકબીજા પર આધારિત છે, સાપેક્ષ છે. બંધન ભ્રમ છે તો મુક્તિ વિભ્રમ છે. જેમ કાંટાને કાઢવા કાંટો જોઈએ, ઝેરને મારવા એન્ટીડોટ” તરીકે અન્ય ઝેર જ આપવામાં આવે છે તેમ જ બંધનરૂપી ભ્રમને દૂર કરવા મુક્તિરૂપી
મહાભ્રમ ઊભો કરવામાં આવે છે. જેને બંધનનું ભૂત વળગેલું છે તેને જ મુક્તિરૂપી ભૂવાની જરૂર પડે છે.
માટે જ આદિ શંકરાચાર્યજી ‘“વિવેક ચૂડામણિ”માં જણાવે
છે
“*वायुना नीयते मेघः पुनस्तेनैव नीयते |
. ना कल्प्यते बंधो मोक्षस्तेनेव कल्प्यते ॥।
(વિવેક ચૂડામણિ -૧૭૩)
અર્થ: જેમ વાયુ અલગ અલગ વાદળાંને એક સ્થળે ભેગાં કરી બાંધે છે અને તે જ વાયુ વંટોળનું સ્વરૂપ લઈ છિન્નભિન્ન કરી બંધાયેલાં વાદળોને એક સ્થળેથી ઉઠાડી, ઉડાડી વેરવિખેર અને અદૃશ્ય કરી શકે છે તેવી જ રીતે મનની કલ્પનાથી જ બંધન
પેદા થાય છે અને મન જ તે બંધનથી મોક્ષ કે મુક્તિ અપાવે છે, મન એ જ બંધન-મોક્ષનું કારણ બને છે.
-’અષ્ટાવક્ર ગીતા’- સ્વામી તદ્રુપાનંદ સરસ્વતી
🌺