જમાદાર જાન મોહંમદ
જંગલખતોનો નાનો કર્મચારી જાન મોહંમદ જંગલની જાન હતો
ટીલીયો જંગલનો રાજા
ટીલીયાને બધા લાડ થી બાપ લાકાળો કહેતા
ટીલીયો ગીરમાં રહેતો હતો
જમાદાર પણ ગીરમાં જંગલખાતામાં નોકરી કરે
ખાખી વરદીનાં શર્ટમાં ચાર બટન ખુલા રાખી બાયું ચડાવેલો
જાન મોહમ્મદ પગ નીચે કુવાડો દબાવી બેઠો હોઈ
એટલે સાસણ ના મોરલા ગળાના ટુકડા કરીને ગીરને ગાંડુ કરતો ટહુકો કરે
માડી જાયો ભાય મળ્યો હોઈ ને બેન દોડીને જાય તેમ
વાયરો વળી વળીને જાન મોહમ્મદના વાંકડિયા મેલા વાળમાં માથું ઘસતો
ભ્રહ્માંડ ના રહસ્યો ગોતવા કોઈ જીવ ભૂલો પડ્યો હોઈ તેવો હતો
ગાંડી ગીરનો ડાયો દીકરો એટલે જાન મોહમ્મદ
ચાલો જાણે જાન મોહમ્મદને તો ઓળખી લીધો
હવે આગળ વધીયે
જો જો હો કુવાડા થી બીતા નહી
એતો પગનીચે દાબીને રાખેલો છે જંગલના દુશ્મનો માટે
વિશ્વનો નકશો જોવોતો
સોમાલિયા તરીખે ઓળખાતો આફ્રિકાનો ભૂ ભાગ વચ્ચે પાણી ના હોઈ તો
કાઠિયાવાડના કિનારે પડતા ખૂણામાં બરછીની જેમ પેસી જાય તેમ ગોઠવાયેલો છે
હજારો વરસો પહેલા આફ્રિકા અને ગીર જોડાયેલું હશે
માણસો અને પશુનો આવારો જાવરો પણ હશે
આફ્રિકામાં ઘણા દેશો છે
સોમાલિયામાં ચાંચીયા છે
તો આપડે સૌરાષ્ટમાં ચાંચ બંદર છે
ગીરમાં ઝેબા નામનો સિંહ છે
તો અહીં આફ્રિકામાં ઝામ્બિયા નામનો દેશ છે
સેસિલ નામનો એક સિંહ અફ્રિકાના આ ઝામ્બિયા નામના દેશમાં રહેતો હતો
તેનું નામ સેસિલ નામના એક સાહસિક અંગ્રેજના નામ ઉપરથી પડેલું
ગીરનો ટીલીયો ઘણા વરસ પહેલા ગુજરી ગયો ઝામ્બિયાના સેસિલને પાછો થયે પાંચેક વરસ પણ નહિ થયા હોઈ
આ બંને સિંહોની વાત છે
બે જંગલોની વાત છે
પણ વાતને સાંધતું પાત્ર છે જમાદાર જાન મોહમ્મદ
સાધનામાં અનુસંધાન થાય
મંત્ર સાધનામાં
સાધક સામાન્ય રીતે તાંબાના પાત્રમાં રાખેલું પાણી મંત્ર સાધના પછી પીવે છે
સાધકો માને છેકે પાણી સાંભળે છે .
પાણીને યાદદાસ્ત હોઈ છે
પાણી યાદ પણ રાખે છે મંત્રોનો ધ્વનિ
જોજો તમે નદી કિનારે ત્રિકાળ સંધ્યા કરતા માનવની છાયા નદીના પટ ઉપર સોનેરી લાગશે
ગીરમાં હિરણ નામની એક નદી
ગીરને હિરણને ટીલીયાની ડણક આજે પણ યાદ હતી
કારણ
ગીરની હિરણ માં આજે તાજા વરસાદથી પાણી આવ્યું હતું
ને ખળ ખળ થતી હીરણ નદીએ વાત માંડી ….પાણી ને તો બધુજ યાદ હોઈ છે !
વાત એમ હતીકે
જાન મામદ જમાદાર જંગલ વિભાગનો નાનો કર્મચારી
ટીલીયો ગીરનો રાજા
પ્રખ્યાત સાવજ
ટીલીયો તેને એટલે કહેતા કે તેના કપાળમાં ટીલું હતું
હિરણ નું પાણી પીતો ટીલીયો 13 વરસ નો થયો ત્યાં સુધીમાં
શેત્રુંજી શીંગોડા મચ્છુન્દરી અને રાવળનું પાણી પણ ચાખી આવ્યો હતો
એ આંટો મારે ત્યારે નદી કિનારે એક બે જીવ પ્રાણ છોડી દે
શિકાર સિંહનો સ્વભાવ છે . શિકારી છે એટલે તો સન્માન છે
તે ખાનદાન હતો
સાવજ તો ખાનદાનજ હોઈ ને ?
તેને નદીયુંનું પાણી પીધું હતું
તે માલધારીની દેવી જેવી દીકરીયુંએ વીરડા કર્યા હોઈ તેમાં એ લબકારા પણ મારી લેતો
પણ માલધારીના કોઈ માલ નું લોહી એને ચાખ્યું ના હતું
નાની પાડરી પણ નીકળે તો
વિશ્વામિત્રની જેમ મેનકાને જોઈ તે મોઢું ફેરવી લે તેમ મોઢું ફેરવી લેતો
ગીરમાં
સિંહ દર્શન હોઈ ત્યારે જમાદાર જાન મોમ્મદ લાંબા સાદે ગાતો
ટીલીયા …..બાપા ટીલીયા ઓ મારા ટીલીયા
ને ટીલીયો ટહેલહતો ટહેલતો વીડીનાં ઘાસ માંથી બહાર આવી બાજુના જાંબુના ઝાડ સાથે કાયા ઘસી
બોરડી અને કારંજ વચ્ચેથી ડોકું કાઢી હવામાં જાન મોમ્મદને સૂંઘી લેતો
પછી સામો ભેટવા જતો હોઈ તેમ ડણક દેતો દોડતો દોડતો આવતો
ટીલીયો ઝાપટ મારી જમાદારની લાકડી ઉપર ટીંગાડેલું ગોસ્ત છીનવી લેતો
ટીલીયાની આ મસ્તી હતી
જમાદારની આ આમતો નોકરી હતી
પણ ગીરનું ઝાડવે ઝાડવું જણાતું હતું કે જાન મહોમદ નોકરીમાં જાન રેડે છે
જાન મોહમ્મદ જેવી નોકરી હજુ સુધી જંગલ ખાતામાં કોઈએ કરી નહતી
ગુજરાત સરકારની નોકરી કરવા સિલેક્ટ થયેલા નવા ડેપ્યુટી કલેક્ટરોને સરકાર ગીરના જંગલમાં
1989 માં લઇ ગયેલી ત્યારે મેં ટીલીયા જેવા સિંહને જોયા હતા
અને ટીલીયા તથા જાન મોહમ્મદની દોસ્તીના કિસ્સા જંગલના ગાર્ડ પાસેથી સાંભળ્યા હતા
એક કિસ્સો એવો હતો
તેદી ટીલીયાની ભૂલ થઇ ગઈ
બન્યું એવું કે શિકાર પછી વધેલું ગોસ્ત તે બોરડીના ઝાળા સુધી પાછા પગે ઘસડીને લાવ્યો
ધ્યાન ના રહ્યું પાછળ ઉભેલા ઝરખ ના ટોળાનું
ટીલીયાને વડકુ ભરી મોટા ઝરેખે તેના થાપમાં નખથી ઉઝરડો પાડ્યો
હિરણના વેગથી એકાદું ભેખડનું ભેડુ પડી જાય તેમ ટીલીયાના થાપમાંથી ગોસ્ત જુદું થઇ ગયું
બીજા ઝરખ અનુકરણ કરે અને ટીલીયાને ઘાયલ કરે તે પહેલા
જાન મોમ્મદનો ગોબો ઉડતો આવીને ઝરખના મોઢા ને શુન કરી ગયો
ઝરખોનું ટોળું ભાગ્યું
સિંહ ડણકતો ડણકતો તેની પાછળ
જાન મોમ્મદ ગુસ્સાથી થુંકીને બોલ્યો સાલા મફતિયા ટીલીયાનું ગોસ્ત ખાવા આવ્યા છો
તમારીતો……..
બસ તેદી અને આજની ઘડી
જાન મહોમદ ત્રણ દિવસથી ટીલીયાને ગોતે
ટીલીયો દેખાઈ નહિ ટીલીયાના થાપામાં ઝરખે બેસાડેલા નોર વકર્યા હતો
પાકીને દડો થયેલો ઘા અને એના ઉપર બેસતી માખીએ ટીલીયાના મોઢા ઉપરથી નૂર ઉડાડી દીધેલું
ગુંગુંગુંગું કરતી અને ફરતી માખી સાવઝ લાચારીથી જોઈ રહ્યો હતો
ડોબાને ડોકેથી પકડી પછાડી દેતો ટીલીયો
માખી પાસે લાચાર હતો
માત્ર બેજ જણ એને મદદ કરી શકે તેમ હતા
એક માનવ
બીજો દેવ
જંગલનો જાન મોહમ્મદ ટીલીયાને ગોતતો હતો
ત્રણ દિવસે ટીલીયાનો પતો મળ્યો
જાન મોમદે ક્લોરીનથી ઘા ધોયો
કણસતો ટીલીયો બળતરા સહન કરી પડ્યો રહ્યો
તેનો હિંસક સ્વભાવ જાન મોહમ્મદ ના બાપ જેવા વાત્સલ્ય પાસે ઓગાળી ગયો હતો
તે પણ જીબથી ઘા ઉપર લશકોરા કરવાની કોશિશ કરવા લાગ્યો
સારવાર થોડી લાંબી ચાલી ટીલીયો બચી ગયો
સિંહ દર્શન ફરી ચાલ્યું
જંગલનું જીવન ટૂંકું હોઈ છે પણ ટીલિયો લાંબુ જીવ્યો
જાન મોહંમદથી પણ લાંબું
હિરણ ને આ વાત યાદ હતી
આજે તે ફરી કેવા બેઠી જાન મોમ્મદની અને ટીલીયાની વાત
ગીરની આતો ખૂબી છે
વરસાદ પડે ને વાત ઉગી નીકળે
તમે પૂછશો કે આટલા વરસો પહેલા બનેલી વાત આજે કેમ કરો છો ?
કોઈ હમણાં ની ઘટના હોઈ તો બતાવો
બિલકુલ બિલ કુલ
હમણાં થોડા વારસો પહેલા ઝામ્બીયા ની વાત છે
ઝામ્બિયા દેશનું નામ પહેલા રોહડેશીયા હતુ
એ રોહડેશીયા માં સેસિલ નામનો મોટો બિઝનેસ મેન રહેતો
તેના નામ ઉપરથી ઝામ્બિયાના જંગલમાં રહેતા આ સિંહ નું નામ સેસિલ પડેલું
આપડા ગીરના સિંહોને તો માલધારીઓ નામ આપતા
મોટાભાગના નામ તેના દેખાવ અને ખાસિયતોને આધારે આપતા જેમકે માથે ટીલું હોઈ તો ટીલીયો
ઉંમરલાયક હોઈ તો બુઢો
ગળામાં પડતી ઝોલ થોડી લાંબી હોઈ તો ઝબો ઝેબા વિગેરે
સેસીલનું નામ તો મોટા અંગ્રેજ વેપારીના નામથી રખાયેલું અને વળી આફ્રિકન સિંહ એટલે ભારેખમ અને લાંબો ચોડો પણ ખરો
સિંહ તો આફ્રિકામાં ય હોઈ અને ગિરમાંય હોઈ પણ જાન મોહમ્મદ કઈ બધે હોઈ ?
સેસિલ 13સી વરસ નો થયો
ભારે રૂવાબદાર ઝામ્બિયાની વીડી માં દોડે તો લાગે કે આખી વીડી એની હારે દોડે છે
સિંહ દર્શન કરવા આવતા લોકોનું તે પ્રિય પ્રાણી હતું
ઝામ્બિયામાં સરકાર પૈસા લઈને સિંહના શિકારની છૂટ આપે
આવી છૂટ લઈને એક જીપ જંગલમાં દોડતી હતી
જીપની સાથેજ ગેલ કરતો કરતો સેસિલ સિંહ દોડતો હતો
ઘડીક આગળ જાય ઘડીક પાછળ જાય
જીપ તરફ ઊંચી આંખ કરી જોઈ લે
કે જંગલ ખાતાના જાણીતા કર્મચારીઓ જીપ માં બેઠેલા છે કે નહી
આજે જંગલખાતાના માણસો સાથે
જીપમાં એક મશહૂર અમેરિકન શિકારી બેઠો હતો
ઈરાદો હતો સેસીલનો શિકાર
દોડતી એકા એક જીપ પાછી ફરી
અને સિંહે પણ મોઢું ફેરવ્યું
સિંહ ને આ રીતે મોઢું ફેરવતો જોઈ
હિરણ નદી ઝામ્બિયામાં હોત તો જરૂર બોલી હોત
“બાપ લાકાળો “
કમરથી વાળીને પાછળ જોતો સિંહ લાડથી ” લાકાળો ” કહેવાય
પણ આતો ઝામ્બિયા હતું આ ક્યાં ગીર હતું
અહીં હિરણ નદી ના હતી સિંહને લાડ કરે તેવો જાન મોહમ્મદ ના હતો
જીપ ની પાછળ દોડતા આફ્રિકન સિંહ સેસિલનો સોદો થઇ ચુક્યો હતો
જીપ માં અમેરિકન શિકારી સાથે બેઠેલા જંગલના ચોકીદારોએ
શિકારી ડોક્ટરને યાંત્રિક બાણ માંથી કઈ જગ્યાએ નિશાન લેવું તે સમજાવ્યું
શિકાર પછી
સેસિલનો મોરો ઉતારી લઈને સ્ટફ કરી સાગના લાકડા ઉપર માઉન્ટ કરવાનો હતો
તિર છૂટ્યા કુલ ચાર
સિંહ ના પાછળના ના થાપા અને પડખા વીંધી નાખ્યા
સેસિલ ની આંખમાંથી જીવન હસતું બંધ થયું
ફાટી રહેલી આંખોએ જીવનું છેલ્લું દ્રશ્ય જોઈ લીધું
આગળના બન્ને પગ શિથિલ થઇ પ્રાથના કરતા હોઈ તેમ ભેગા થઇ ગયા
છેલ્લો ઘુરકાટ કરી આ સેસિલ નામનો સિંહ જાણે આખા જંગલને કેતો હોઈ તેમ લાગ્યું
“બાપ મુને આવતા જનમે પાછો સાવજ નોજ અવતાર આપજે
પણ કાંઠો હિરણ નો આપજે . જંગલ ગીરનું આપજે અને સાથ જાન મોહમ્મદનો આપજે “
ને પછી એક તરફ માથું ઢાળીને મરદની જેમ સેસિલ કાયમ માટે સુઈ ગયો
જંગલમાં જીણો જીણો વરસાદ શરુ થયો બરાબર ગીરની જેમ
સેસિલ ના દેહ ઉપર પડતો જીણો જીણો વરસાદ છબી છબીને કહેતો હતો
તથાસ્તુઃ તથાસ્તુઃ
જા સેસિલ તું ફરીને સાવજ નોજ અવતાર લેજે તને કોઈ જાન મોહમ્મદ કે જગાવર ગીર સાસણમાં મળશે મળશે ને મળશેજ
પાણી બધું યાદ રાખે છે …..પાણી બધું સાંભળે પણ છે
કોક દી હિરણ ને કાંઠે જાવ તો તપાસ કરજો સેસિલ ત્યાં જન્મી ચુક્યો છે કે નહિ
ટીલીયા તો હજુ પણ ફરતો હશે
કોક કોક જાન મોહમ્મદ પણ હશે
અને જાણ મોહમ્મદ ના મળે તો આ જગાવર ને જરૂર મળજો
આ ફોટો તેમનો છે
