શ્રેષ્ઠ માવતર…
હશે અંદાજે 40 વર્ષની ઉમર પ્રેમદાસ એમનું નામ મધ્યમકદનો બાંધો એકદમ સામાન્ય પહેરવેશ અને નખશિખ પ્રમાણિક વડોદરામાં આવેલી અલકાપુરીની પ્રસિદ્ધ એક ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ચોથા વર્ગની શ્રેણીમાં ડ્રાઈવર
ની નોકરી કરે.
એ દિવસ એને આજે પણ યાદ છે સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીનો મદદનીશ ક્લાર્ક સતાવાહી અવાજે તેને બોલાવતા કહે છે પ્રેમદાસ તમે જલ્દીથી આવો તમને મોટા સાહેબ અત્યારેજ બોલાવે છે.
પ્રેમદાસ તો મૂંઝાઇ ગયા,મોટાસાહેબ તો મને કયારેય બોલાવતા નથી અને આજે એકાએક મને બોલાવે છે.
નક્કી કાંઈક મારી ભૂલ થઇ હશે અને પ્રિન્સિપાલ મેડમે મારી ફરિયાદ કરી હશે.એ ગભરાતા,
અ મંગળ કલ્પનાઓ કરતા મોટાસાહેબ ની ચેમ્બરના દરવાજે આવ્યા.
મોટાસાહેબ નો અવાજ આમેય કડક, સત્તાવાહી ને રૂઆબદાર હતો.
આવો પ્રેમદાસ,
આ પત્ર લ્યો તમારા માટેજ છે ને મોટેથી અહીંયા બધા સાંભળે એ રીતે વાંચો.
માલિક મારી કાંઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો,પણ મને આ નોકરી માથી છૂટો નો કરો.
હું ને મારી દીકરી કુસુમ ક્યાં જશું?
આમેય તમે મારી દીકરીને તમારી સ્કૂલમાં ફ્રી માં ભણાવો છો એ તો તમારો ઉપકાર છે જ.
એક શ્વાસે પ્રેમદાસ ઘણું બોલી ગયા.મોટાસાહેબે પ્યુનને પ્રેમદાસને પીવાનું પાણી આપવા કહ્યું.
થોડીવારે તે સ્વસ્થ થયાં પછી પેલા મેનેજીંગ ટ્રસ્ટી બોલ્યા પ્રેમદાસ તમે વિચારો છો તેવું કશું નથી
આપણી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ,તમારી દીકરી કુસુમે જે નિબંધ લખેલ છે તે તમને વાંચવા માટે લાવ્યા છે તે વાંચો.
સાહેબ મને ક્યાં અંગ્રેજી આવડે છે?
સારુ મેડમ તમે જ તેમની દીકરીનો નિબંધ જે આપત્ર સાથે છે તે બધા સાંભળે એ રીતે તેમને વાંચી સંભળાવો.
શ્રેષ્ઠ માવતર………….*
તેમણે વાંચ્યું –
આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.
હું કચ્છના ચોબારી ગામ પાસે આવેલા એક નાના ગામથી છું.
જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે.
મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.
મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક,અતાર્કિક અને ભાવનાશીલ કારણો કહી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ટસ ના મસ થયાં નહી .
મારા દાદા દાદી ને પૌત્ર જોઈતો હતો તેમણે પપ્પા ને બીજાલગ્ન માટે બહુજ દબાણ કર્યું અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો તેઓ તેમનો ત્યાગ કરશે.
પણ મારાં પપ્પા માન્યા નહિ
છેવટે તેમને પળવાર પણ વિચાર ના કર્યો ને ગામ સાથે બધું જ છોડી દીધું તેમની ખેતીલાયક એકરોની જમીન,એક સુંદર આરામ આપતી જિંદગી,સુંદર ઘર,પશુઓ અને એવી તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.
તેઓ આ વડોદરા જેવા મોટા શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા.
જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.
આજે હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધતો હતો અને તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી ભાવતી નથી,હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ખરેખર ભાવતી નથી.
પણ જેમ જેમ હું મોટી થતી ગઈ અને મને એ ખબર પડતી ગઈ કે બલિદાન શું છે.
એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.
આ શાળાએ એમને છત આપી,સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને સ્કૂલમાં પ્રવેશ આપ્યો.
જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.
જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.
જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ટોચ ઉપર છે.
ટુંક માં કહુ તો
જિંદગીમાં જો માતા
પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે,
તો મારા પિતા દુનિયાની સૌથી શ્રેષ્ઠ મા છે.
માતૃત્વ દિવસ પર હું મારા પિતાને આધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા બદલ શુભેચ્છા આપવા માંગું છું,તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં પ્રિન્સિપાલ મેડમના ડ્રાઇવર તરીકે કાર્ય કરતા મારા પિતા છે.
હું જાણું છું કે,મારાં ભાષા શિક્ષક આ વાંચ્યા પછી કદાચ મને નાપાસ કરે, ઠપકો આપશે
પણ
આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.
આભાર.
ઓફિસમાં નિરવ શાંતિ હતી.
દરેક પ્રેમદાસના હળવા ડૂસકા સાંભળી શકતા હતા.
તેની દિકરીના માસુમ શબ્દોથી તેની આંખો આંસુઓથી
ભરાઈ ગઈ હતી.
તેમણે પ્રિન્સિપાલ મેડમ નાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
મોટાસાહેબ ઉઠયા અને પ્રેમદાસને ખુરશી અને પાણી આપ્યા.અને પોતે પણ ઢીલા અવાજે માંડ માંડ બોલી શક્યા,
આ વખતે તેમના અવાજમાં ખારાશ
ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.
પ્રેમદાસ તમારી દીકરી કુસુમને આ નિબંધ માટે અમે 10 માંથી 10ગુણ આપ્યા છે.
શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે.
શાળા માતૃત્વદિવસ ની ઉજવણી આવતીકાલે ભવ્ય રીતે કરવા જઈ રહી છે. અને શાળાના વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય મહેમાન તરીકે
બોલાવવાનું નક્કી કર્યું છે.
જે અમારા સૌને માટે ગૌરવ સાથે સન્માનની વાત છે
કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે.
તમારી દિકરીના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,
તમે આ પૃથ્વી પર ના શ્રેષ્ઠ માવતર છો
“તો પ્રેમદાસ શું તમે અમારી આ કાર્યક્રમના *મુખ્ય મહેમાન* બનશો?”…
પ્રેમદાસ કુસુમ ને યાદ કરતા,રડતા રડતા સ્કૂલનો પ્રસ્તાવ સ્વીકારે છે.