ઈ.સ. 1912માં ટાઈટેનિક ડૂબી જેની વિશ્વ આખાએ નોંધ લીધેલી. તેમાં બચી ગયેલા લોકોના છાપાંઓમાં આવેલા ઈન્ટરવ્યૂના આધારે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં. જેનો આધાર લઈને પછી વર્લ્ડક્લાસ ફિલ્મ પણ બની, પરંતુ તેનાં ૨૪ વર્ષ પહેલાં ઘટેલી વીજળીની દુર્ઘટનામાં આવું ન બન્યું.
આજથી 113 વર્ષ પહેલાં ઈ.સ. 1888ની 8મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ.
સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્ત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે.
તેની જળસમાધિથી લઈને છેક 2009સુધીનાં 120વર્ષના ગાળામાં માત્ર ‘હાજી કાસમ તારી વીજળી રે..’ લોકગીત, ‘વીજળી વિલાપ’ નામથી કાવ્યોની બે પુસ્તિકા અને ગુણવંતરાય આચાર્યની નવલકથા સિવાય કશું લખાયું નહીં. એય પાછું સાંભળેલી વાતો પર વધારે આધારિત હોઈ ખરેખર શું બન્યું હતું તે જાણી શકાતું નહોતું. આ કમી છેક 2010માં ધોરાજીના વિદ્વાન સંશોધક યુનુસ ચીતલવાલાએ પુરી કરી આપી. એક દાયકાની મહેનત અને સંશોધન બાદ તેમણે તૈયાર કરેલું પુસ્તક ‘વીજળી – હાજી કાસમની’ આપણને આખી દુર્ઘટના વિશે સત્ય વાત પુરાવા સાથે આપે છે.
આ જહાજને એસ.એસ.વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું.
શેફર્ડ શિપિંગ કંપનીની એ સમયે ભારતમાં 10 થી 15 સ્ટીમરો ચાલતી હતી. આ બધાં જ જહાજોનાં નામ ભારતની વિવિધ નદીઓનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતાં.જેમાં નીરા, સાવિત્રી, તાઇફ, જુવારી, ભીમા, ગોદાવરી, કાલી, ક્રિષ્ના, રાજાપુરી વગેરેનો સમવેશ થતો હતો.’વૈતરણા’મુંબઇથી ગોવા, ત્રિવેન્દ્રમ-કોંકણ, જેવાં દરિયાઇ કાંઠાનાં સ્થળો વચ્ચે ચાલતી હતી.
એસ.એસ.વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા 292 ટન હતી જેમાં 258 ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ 21″ હતો અને જે 42″ અને 30″ ના હડસેલા વડે 73 હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ 170.1 ફીટ, પહોળાઈ 26.5 અને ઊંડાઈ 9.9 ફીટ હતી.
વીજળીના કેપ્ટન હાજી કાસમ ઇબ્રાહીમ શેફર્ડ શિપિંગ કંપનીના એક અનુભવી કેપ્ટન હતા જે મુંબઇ કોંકણના હોવાનું મનાય છે “વીજળી”પાંચમી નવેમ્બર 1888ના રોજ સવારે 7.30 વાગે મુંબઇથી કચ્છના માંડવી બંદરે જવા ઊપડી હતી. 8મી નવેમ્બરે સવારે 7.30 વાગે તે માંડવીથી દ્વારકા થઇ પોરબંદર, માંગરોળ, વેરાવળ થઇ મુંબઇ પહોંચતાંતેને 36 કલાક જેટલો સમય લાગવાનો હતો.એ સમયે કચ્છ-સૌરાષ્ટ્રમાં રેલવે નવી હતી. દરિયાઇ માર્ગે મુસાફરી કરવાનું વધારે અનુકૂળ અને સસ્તું હતું. એટલે માંડવીથી અનેક કચ્છીઓ આ નવીનકોર સ્ટીમરમાં ચડ્યા હોય એ સ્વાભાવિક છે.
વૈતરણા એ જ દિવસે સાંજના સમયે પોરબંદરના
દરિયાકાંઠાથી દૂર હતી ત્યારે જ પોરબંદરના દરિયામાં વાવાઝોડું શરૂ થઇ ગયું હતું. આથી ‘વૈતરણા-વીજળી’ પોરબંદરના બારા સુધી આવી જ ન હતી. પોરબંદરના હાલાઇ મેમણ હાજી કાસમ નૂરમહંમદ એ વખતે પોરબંદરમાં જ રહેતા હતા.
“વીજળી પોરબંદર આવી ત્યારે હાજી કાસમ પણ દરિયે
ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના તત્કાલીન એડમિનિસ્ટ્રેટર લેલીસાહેબ આઇ.સી.એસ. હતા. તેમનું પૂરું નામ સી.એફ.એલ.લેલીલ હતું. દરિયાને ગાંડોતૂર બનેલો જોઇ હાજી કાસમે અનેક મુસાફરોને ‘વીજળી’માં ન જવાની સલાહ આપી હતી.
ચિત્તલવાલાને મતે માંડવીથી ‘વીજળી’માં આશરે 750 મુસાફરો ચડ્યા હતા. એ પછી દ્વારિકાથી 100 મુસાફરો તેમાં ચડ્યાં હતાં. હાજી કાસમની સમજાવટને કારણે પોરબંદરથી એક પણ મુસાફર ‘વીજળીમાં ચડ્યો ન હતો. ‘વીજળી’ સ્ટીમરનો સ્ટાફ 40 સભ્યોનો હતો.
વીજળી આશરે 900 મુસાફરોને લઇને આગળ વધી ત્યારે એ માંગરોળ સુધી દેખાઇ હતી. એ માંગરોળથી વેરાવળ વચ્ચેના દરિયામાં ડૂબી હોવીજોઇએ. ‘વીજળી’ને ગળચી જનારું એ વાવાઝોડું 48 કલાક
સુધી ચાલ્યું હતું. એ જ વખતે શેફર્ડ કંપનીની બીજી એક
સ્ટીમર જાફરાબાદ પાસે હતી. પણ સદ્નશીબે એ સ્ટીમરને વાવાઝોડાથી કોઇ જ નુકશાન થયું ન હતું. પરંતુ વીજળી જ ડૂબી.!
જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.
‘વીજળી’નો કેસ બ્રિટનની અદાલતમાં ચાલ્યો ત્યારે તેમાં અનેક શખ્સોની ઇન્કવાયરી થઇ હતી. જેમાં એક અંગ્રેજ નિષ્ણાતે કહ્યું હતું કે, હિન્દુસ્તાનના સૌરાષ્ટ્ર પ્રદેશના સાગરકાંઠે મીટિઅરોલોજી સ્ટેશન (હવામાન-વાયુમથક) સ્થાપવાનું મેં લેખિતમાં સૂચન કર્યુ હતું. પરંતુ એ સ્વીકારવામાં આવ્યું ન હતું .
જો આવું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હોત તો એ દરિયાઇ તોફાનની અગાઉથી આગાહી કરી શકાઇ હોત. કેમ કે એ તોફાન ભારે ચક્રવાત હતો. પણ કમનશીબે એ નિષ્ણાત અંગ્રેજની સલાહ અવગણાઇ, જેના કારણે આશરે 900 જેટલા મુસાફરોને પોતાના ખોળામાં લઇને ‘વીજળી’ કાયમને માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોઢી ગઇ.
લેખ સૌજન્ય:
(કૂલછાબ’ માં થી ટૂંકાવીને) – રાજેન્દ્ર દવે
વૈતરણા વીજળી તસવીર તથા પૂરક માહિતી સૌજન્ય: વીકિપિડીયા
🍁

