Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

તમારે લગ્ન જ ન કરવા હોય અને તમારા લગ્ન થાય નહી આ બંને વસ્તુમાં આમ તો જમીન આસમાનનો ફર્ક છે. પુરુષ વાંઢો રહી જાય તો ઘણીવાર હાંસીપાત્ર બને છે જ્યારે સ્ત્રી વાંઢી રહી જાય એ દયાપાત્ર બને છે. સ્વઈચ્છાથી ન પરણેલી સ્ત્રીઓ મોટાભાગે સમાજસેવા કે ધાર્મિક પ્રવૃતિમાં પોતાની જાતને ઓગાળી ધ્યે છે. પરંતુ પોતાની જીદને લીધે કુંવારી રહી ગયેલી સ્ત્રીઓના વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે?

*પ્રથમ કારણ:- શહેરનો મોહ!*

‘મારે તો રાજકોટની બહાર જવું જ નથી!’ ‘મને અમદાવાદ સિવાય દમ ઘુંટાય!’ ‘મુંબઈની બહાર ના પરણાય મરી જવાય!’ લગભગ દરેક મોટા શહેરમાં જુવાન થનારી કન્યાઓ આવી અવળી જીદે ચડી જાય છે. અલી ઘેલી! પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેરના બોર્ડ સાથે! ચર્ચ ગેટવાળી કન્યાને કાંદીવલીમાં નથી પરણવું તો નરોડાવાળીને ચાંગોદર નથી જવું અને કાલાવડ રોડવાળીને ગાંધીગ્રામમાં નથી પરણવું. બોલો લ્યો… શહેરનો છે એટલો મોહ પાત્રમાં રાખો તો એ જ્યાં હશે ત્યાં તમને સ્વર્ગ જેવું લાગશે. તમામ કન્યાઓ મેટ્રોસીટી તરફ મીંઢોળ બાંધીને દોડી રહી છે. એ જોતા તો એમ લાગે છે આવનારા વર્ષોમાં ગામડામાં જન્મવું એ અભિશાપ થઈ જશે. કન્યાઓની આ ઘેલછા ગામડાઓને સ્મશાન બનાવ્યે પૂર્ણ થશે કે શું?

*બીજુ કારણ: ‘હજી તો દિકરી નાની છે.’*

સ્ત્રી આમ તો કદી મોટી ઉંમરની હોતી જ નથી. પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ પિસ્તાલીસ કે સાંઈઠ વર્ષની થાય ત્યાં સુધી પ્રમાણિકતાથી પકડી રાખે છે. કેટલાક માતા પિતા સારા ઘરનું માગુ આવે ત્યારે વાત આગળ ચલાવ્યા વિના સીધુ જ રોકડું પરખાવે છે કે ‘અમારી દીકરી તો હજી ભણે છે.’ અલ્યા ભઈ તો અમારો ગગો કાંઇ તમારી ગગીના ભણવાના ચોપડા ફાડી નાંખે એવો લાગે છે? અમારૂ ખાનદાન કાંઈ સાવ નિરક્ષર થોડું છે? પાપાની પરી પાપાને જ નાનકડી લાગે છે. પપ્પા ક્યારેક દીકરીની ફેસબુક કે ઇન્સ્ટાની પોસ્ટ પણ વાંચવાનો સમય કાઢો. સત્ય સમજાઈ જશે કે ગગીને આવતી કાલે જ વળાવી દેવી જોઈએ. બહુ નાની ગણ્યા કરશો તો પછી એ કદી ‘નાની’ નહી બને હો!

*ત્રીજુ કારણ: ‘બાપ રે! જોઇન્ટ ફેમેલી છે!’*

‘મુરતીયાનું આઠ જણાનું કુટુંબ છે અને એમાં સૌથી નાની વહુ ના થવાય.’ બોલો હવે આ બેનબાની ચોઈસ માટે આપણે રાશનકાર્ડ પર કાપ મૂકવાનો? ‘અમારે તો આગળ પાછળ કોઈ ના હોય એવો વરરજો શોધવો છે.’ બેન તો અનાથઆશ્રમ બાજું ધ્યાન દોડાવો. સો એ પાંચ ફેમેલી હવે સંયુક્ત કુટુંબમાં માંડ રહે છે. વડીલોની હૂંફ અને આશિર્વાદ તમામ કપલને જોઈએ છે પરંતુ વડીલો કોઈને નથી જોતા! પોતાના નવજાત શિશુની પ્રોપર સંભાળ માટે માતાપિતા કેર ટેકર તરીકે બધા ઈચ્છે છે. પરંતુ એ માતાપિતાની કેર ટેક બહુ ઓછા કરે છે. જોઇન્ટ ફેમેલીમાં નહી પરણવાની જીદ કરીને કુંવારી બેઠેલી કન્યાઓ પાછી પોતાના ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે જ રહેતી હોય છે. આને કહવાય વિકાસ…!

*ચોથું કારણ: ‘આઈ વોન્ટ ફ્રીડમ!’*

‘મને તો કોઇની અંડરમાં જીવવુ જ નથી. આઈ એમ અ ફ્રી બર્ડ. આઈ વોન્ટ ફ્રિડમ.’ આવા વાક્યો પચ્ચીસ વરસે કહેનારી કેટલીય યુવતીઓ પિસ્તાલીસ પછી સાઈકેટ્રીસની ડિપ્રેશનની દવા લેતી નજરે પડે છે. ફ્રી બર્ડની જીંદગીમાંથી બર્ડ નીકળી જાય છે. અમુક કન્યાઓ પશ્ચિમની જીવનશૈલીને પૂર્વમાં જીવી લેવા તલપાપડ હોય છે. જવાબદારી શબ્દ જ જેને બાણ શૈયા જેવો લાગતો હોય તેવા ઘણાને વર્ષો પછી ‘શૈયા’ જ બાણ જેવી લાગવા માંડે છે. ફ્રિડમની સગલી થામાં બેન! નબળુ પાતળુ ગોતીને ગોઠવાઈ જા. તું નસીબદાર હોઇશ તો તારા પગલે વરને કેનેડા કે યુ.એસ.ના વિઝા મળી જાશે તો પછી ફ્રિડમના સ્વીમીંગપુલમાં એ’યને આજીવન ધુબકા માર્યા કરજે…! સ્વચ્છંદતાને સ્વભાવ ન બનાવાય બેબલી. દુષણોનું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટમાં નથી મળતો. પરણીજા બાઈ નહીંતર આગળ આવશે એકલતાની ખાઈ.

*પાંચમું કારણ- પાતળી આર્થિક પરિસ્થિતિ*

હવેની છોકરીઓ તો મુરતીયો જોવા આવે ત્યારે જ માઈક્રો ઓબ્ઝરવેશન કરી લ્યે છે. એ કઈ ગાડીમાં આવ્યો? તેની પાસે ક્યો મોબાઈલ છે? આ ભૂરો મને MIનો મોબાઈલ તો ગીફ્ટ નહી આપે ને? મારે તો આઇફોન જ જોઈએ. (પછી ભલેને મારા બાપુજીના ઘરે કોઇની આઇફોનની ત્રેવડ ન હોય તો’ય!) છોકરાના ઘરના સોફા પરથી તેની માનસિકતા ન મપાય બેન! શક્ય છે કે એ અત્યારે પરિવાર મધ્યમવર્ગનો છે પરંતુ તારા પગલા થશે અને તું જો કરકસરથી ઘર ચલાવશે તો પાંચ વરસમાં સૌ સારા વાના થશે. બાકી માત્ર બેંક-બેલેન્સ, મોંઘી ગાડી અને મોટા બંગલા જોઈને હરખે હરખે પરણનારી કેટલીય કન્યાઓને ફાઇવસ્ટાર બંગલામાં દવા પીવાના દિવસો આવ્યા છે. માટે છોકરો કાંડાવાળો હોય, તને સદ્દગુણી લાગે અને તારા દિલમાં તેને જોઈને ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિને ગોળી મારજે બેન! વર કન્યાનો એકબીજા પરનો ભરોસો મજબુત થશે તો કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો મળશે જ! આગે બઢો.

*છઠ્ઠું કારણ- સામસામુ નથી કરવું.*

06:43

કેટલીક કન્યાઓનું આ કારણ પ્રમાણમાં વ્યાજબી લાગે છે. ક્યારેક આ ક્રુર ભાસે છે. ભાભી રીટર્ન થાય એટલે વગર વાંકે નણંદબા પણ પરત મોકલી દેવાય છે. સંબંધોની આ મીરર ઇફેક્ટને લીધે ઘણા પરિવારો ટક્યા પણ છે અને તૂટ્યા પણ…!

*સાતમું કારણ: ભણેલો જોઈએ!*

કેટલીક કન્યાઓ સરકારી નોકરને જ પરણવાની પ્રતિજ્ઞા કરી બેસતી હોય છે. કલેક્ટર કે કમિશ્નરને વરવાના સ્વપ્ન જોનારી પછી સરકારી બેંકના પટ્ટાવાળાનું મંગળસૂત્ર પહેરે છે. ઘણી કન્યાઓ “પતિ એ જ પરમેશ્વર” નહીં પરંતુ “પે સ્લીપ એ જ પરમેશ્વર” સૂત્રને જીવનભર વળગી રહે છે.

ટૂંકમાં કન્યાઓ પાસે ન પરણવાના આજે આવા એક હજાર બહાના હોઈ શકે. પરણવાનું એક જ કારણ પુરતું છે કે સુખી થાવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણવુ જરૂરી છે. સમયસર પરણી જાવ નહીતર પછી આંટી થઈ જશો.

💃🏻🕺🏻

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment