એક મેજરના નેતૃત્વમાં ૧૫ જવાનોની એક ટૂકડી હિમાલયના રસ્તે જઈ રહી હતી. સખત ઠંડી વચ્ચે મેજર ને વિચાર આવ્યો કે આ સમયે જો એક કપ ચા મળી જાય તો આગળ વધવાની તાકાત મળી જાય. પરંતુ રાતનો સમય હતો અને આજુબાજુ માં કોઈ વસ્તી પણ ન હતી.
લગભગ એક કલાક ના ચઢાણ પછી તેમને એક જર્જરિત ચા ની દુકાન જોવા મળી પરંતુ તેના પર તાળું લાગેલું હતું.ભૂખ અને થાકની તીવ્રતા થઈ મેજર સાહેબ દુકાનનું તાળું તોડવા તૈયાર થઈ ગયા. તાળું તોડ્યું તો અંદર તેમને ચા બનાવવાનો બધો સામાન મળી ગયો.
જવાનોએ ચા બનાવી, ત્યાં રાખેલા બિસ્કીટ વગેરે ખાઈને ક્ષુધા સંતોષી. થોડો આરામ કરી બધા આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા પરંતુ મેજર સાહેબને આમ ચોરો ની જેમ દુકાનનું તાળું તોડવા બદલ આત્મગ્લાનિ થઈ રહી હતી.તેમણે પાકીટમાં થઈ એક હજાર ની નોટ કાઢીને ખાંડના ડબ્બા નીચે દબાવીને રાખી દીધી તથા દુકાનનું શટર ઠીકથી બંધ કરીને આગળ વધી ગયા.
ત્રણ મહિના બાદ એ ટુકડીના બધાં ૧૫ જવાન સકુશળ પોતાના મેજર ના નેતૃત્વમાં એ જ રસ્તે પાછા ફરી રહ્યા હતા.રસ્તામાં ચાની એ જ દુકાન ખુલી જોઈને ત્યાં વિશ્રામ કરવા રોકાઈ ગયા.
દુકાનનો માલિક એક બુઢો વ્યક્તિ હતો જે એક સાથે આટલા ગ્રાહકો જોઈને ખુશ થઈ ગયો અને તેમને માટે ચા બનાવવા લાગ્યો. ચાની ચુસ્કીઓ અને બિસ્કીટો વચ્ચે જવાનો બુઢા ચાવાળા ને તેના જીવનના અનુભવો વિશે પૂછવા લાગ્યા, ખાસ કરીને આટલી વેરાન જગ્યામાં દુકાન ચલાવવા વિશે.
બુઢો તેમને ઘણી વાતો સંભળાવતો રહ્યો અને સાથે સાથે ભગવાનનો આભાર માનતો રહ્યો.
ત્યારે એક જવાન બોલ્યો,” બાબા,આપ ભગવાન માં એટલા માનો છો પણ જો ખરેખર ભગવાન હોય તો તેમણે તમને આટલી ખરાબ પરિસ્થિતિ માં શા માટે રાખ્યા છે?”
બાબા બોલ્યા,” ના, સાહેબ ભગવાન વિશે એવું ન કહો, ભગવાન તો છે અને ખરેખર છે.. મેં તેમને જોયા છે.”
આખરી વાક્ય સાંભળીને બધા જવાન કુતૂહલ થી બુઢાની તરફ જોવા લાગ્યા.
બુઢો બોલ્યો,” સાહેબ, હું બહુ મુસીબત માં હતો. એક દિવસ મારા એક ના એક પુત્ર ને આતંકવાદીઓ એ પકડી લીધો.. એમણે તેની ખૂબ મારપીટ કરી પણ મારા પુત્ર પાસે કોઈ જાણકારી ન હતી એટલે મારપીટ કરી છોડી મૂક્યો.”
” હું દુકાન બંધ કરીને તેને હોસ્પિટલમાં લઈ ગયો. હું બહુ આર્થિક તંગી માં હતો અને આતંકવાદીઓ ના ડરથી કોઈ એ મને ઉધાર પણ ન આપ્યું.”
” મારી પાસે દવાઓ ના પૈસા પણ ન હતા. મને કોઈ આશા નજર આવતી નહોતી. એ રાત્રે હું બહુ રડ્યો અને ભગવાનને પ્રાર્થના કરી અને મદદ માંગી.,” અને સાહેબ તે રાત્રે ભગવાન ખુદ મારી દુકાનમાં આવ્યા. હું સવારે મારી દુકાન પર પહોંચ્યો તો તાળું તૂટેલું જોઈને મને લાગ્યું કે મારી પાસે જે થોડું ઘણું પણ હતું તે પણ લૂંટાઈ ગયું હતું. હું દુકાનમાં ઘુસ્યો અને જોયું તો એક હજાર રૂપિયાની નોટ ખાંડના ડબ્બા નીચે ભગવાને મારી માટે રાખેલી હતી.
સાહેબ..તે દિવસે હજારની નોટ નું મૂલ્ય મારા માટે શું હતું એ હું કહી શકતો નથી.પણ ભગવાન છે સાહેબ , ભગવાન તો છે.”બુઢો સ્વગત બબડ્યો.
ભગવાનના હોવાનો આત્મવિશ્વાસ તેની આંખોમાં સાફ ચમકી રહ્યો હતો.
આ સાંભળીને ત્યાં સન્નાટો છવાઈ ગયો.
પંદર જોડી આંખો મેજરના તરફ જોઈ રહી હતી જેની આંખોમાં તેમને માટે સ્પષ્ટ સંદેશો હતો ” ચુપ રહો”
મેજર સાહેબ ઉઠ્યા, ચા નું બીલ ચૂકવ્યું અને બુઢાને ગળે લગાવીને બોલ્યા, હા બાબા, હું જાણું છું ભગવાન છે…અને હા ,તારી ચા પણ શાનદાર હતી.”
એક જવાને બતાવેલી, જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં બનેલી આ એક સાચી ઘટના છે.
🍁