Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચમત્કારો તો પહાડ જેવા જૂના છે !

યુનિવર્સિટીના ઉપકુલપતિ જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીના નિમંત્રણથી હું  એમને ત્યાં મહેમાન હતો. ત્યાં એક અતિથિગૃહ પણ હતું. 

રોનાલ્ડ નિક્સન પણ ત્યાં  રહેતો. તે  યુનિવર્સિટીનો પ્રિય પ્રોફેસર હતો. આ નિકસન એ જ કૃષ્ણપ્રેમ.

મારો ને નિકસનનો રૂમ જોડાજોડ હતો. રોજ સવારે અમે સાથે નાસ્તો લેતા;  ઘણી વાર યજમાનો મને ગાવાનું કહેતાં, અને હું  ગાતો. કૃષ્ણપ્રેમ તે વખતે હાજર હોય જ. તેને પણ મારાં કીર્તન ખૂબ ગમતાં.

તેમના કમરામાં જ્યાં નજર કરો ત્યાં  ચોપડીઓ જ વેરાયેલી પડી હોય. ચર્ચાઓમાં તે પોતાની બુદ્ધિ-તર્કથી  પ્રતિસ્પર્ધીની દલીલોનાં છોતરાં કાઢી નાખતા.

કૃષ્ણપ્રેમના બે અંતરંગ મિત્રો હતા. બંને પૂરેપૂરા બુદ્ધિવાદી, તર્ક વાદી  !

એક દિવસ અમે બધા ચા પીતા હતા, ત્યાં તેના મિત્રે ‘દૈવી ચમત્કારો’ની સામે યુદ્ધ પોકાર્યું. તે મેજ પર હાથ પછાડી કહે : ‘ચમત્કારો બમત્કારો કાંઈ નથી ! વિજ્ઞાને એમનું પોલ પકડી પાડ્યું ત્યારથી ચમત્કારો બનતા જ અટકી ગયા છે !’

આ સાંભળી કૃષ્ણપ્રેમ હસ્યા, તેમણે પડકાર ઉપાડી લીધા, કહે : ‘આટલા દિવસ તમારું વિજ્ઞાન હતું કયાં ? હજી ગઈ કાલે તો એનો જન્મ થયો છે; એ ધાવણું છોકરું વયોવૃદ્ધનું પોલ શું પકડી પાડવાનું હતું ? અને આ તે કંઈ જેવો તેવો વયોવૃદ્ધ છે ? યુગોના યુગો થયાં હજી એ નિત્યયુવાન છે; ચમત્કારો તો પહાડ જેવા જૂના છે !

આટલું કહી તેમણે  સ્વાનુભવનો એક પ્રસંગ વર્ણવ્યો.

કહ્યું : ‘પ્રથમ વિશ્વયુદ્ધ વખતે હું પાઇલોટ હતો. મારું કામ દુશ્મન પ્રદેશ પર બોમ્બ ઝીંકવાનું હતું.

એક દિવસ હું દુશ્મનોની હિલચાલનું નિરીક્ષણ કરવા ઊડતો હતો, ત્યાં મેં પાંચસાત ફાઈટર વિમાનોને ઉડતા જોયાં. હું સમજ્યો કે એ અમારા પક્ષનાં  વિમાનો છે, તેથી એમની તરફ જવા હું મારા વિમાનને જમણી બાજુ વાળવા ગયો, ત્યાં તો કોઈ અદશ્ય શક્તિએ જોરથી મારું કાંડું પકડયું, વિમાનને  ડાબી બાજુએ વાળી દેવડાવ્યું. હું તો મૂઢ જ બની ગયો, શક્તિ એટલી બધી ચોક્કસ હતી, કે એના વિષે શંકા કરી જ ન શકાય. માન્યામાં ન આવે એવું  સત્ય હતું.

થોડી પળમાં તો હું હતો ત્યાં પાછો આવી પહોંચ્યો. મારા સાથીદારો કહેવા લાગ્યા કે સારું થયું, તું તરત  પાછો આવી ગયો ! એ દુશ્મનોનાં વિમાનો હતાં ! હવે મને ભાન થયું કે હું ચમત્કારી રીતે બચી ગયો.

દોસ્ત, આ વાત માનો કે ન માનો, પણ ધારણા બહારની કોઇ શક્તિએ જ આ ચમત્કાર સરજ્યો હતો એ વિષે મને કોઈ શંકા નથી. મુસીબત માત્ર એ છે કે નજરે દીઠું મનાય, સાંભળ્યું મનાય નહિ. જેઓ પોતાનાં વહેંતિયાં મગજથી બધું માપવા માગે છે અને માપી શકતા નથી ત્યારે એની ઠેકડી ઉડાડે છે !

~ પુસ્તક – ઉત્તર વૃંદાવનના મહાયોગી

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment