મહા સુદ અગિયારસને જયા એકાદશી કહે છે.
પૌરાણિક કથાનક પ્રમાણે આ જયા એકાદશીના વ્રતથી માલ્યવાન નામના ગાંધર્વે તથા પુષ્યવતી નામની અપ્સરાએ ઇંદ્રના શાપ ઉપર જય મેળવ્યો હતો તેથી તેનું નામ જયા એકાદશી પડ્યું.
એકવાર ઇંદ્ર રાજા, અપ્સરાઓ અને ગાંધર્વો સહીત નાગલોકમાં આવેલ નંદનવનમાં દેવક્રીડા કરવાં આવ્યા હતાં. એ સમયે પુષ્યવતી નામની અપ્સરા, માલ્યવાન નામના ગાંધર્વ ઉપર મોહ પામી અને હાવભાવથી તેને વશ કર્યો.
ઇંદ્ર સમક્ષ બધા ગાંધર્વોનું નૃત્ય-ગાયન થયું એમાં માલ્યવાન પણ હતો,
જો કે,
કામ-મોહિત થયેલો આ પ્રેમી,
શુદ્ધ ગાઈ શક્યો નહિ.
દેવેંદ્રએ બંનેનાં ચિત્ત પારખી લીધાં. પોતાનું અપમાન થયેલું જાણી,
ઇંદ્રે બંનેનો પિશાચ યોનીમાં જન્મ થશે એવો શાપ આપ્યો.
આ શાપ થી બંને મૃત્યુલોકમાં હિમાલય પર્વત ઉપર પિશાચ થયાં.
આ યોનિમાં તેઓ અત્યંત દુ:ખી થયાં. પરિતાપ પામેલા અંત:કરણ વડે મહાકષ્ટ તેઓને ભોગવવાં પડ્યાં. ગંધ, રસ, સ્પર્શ, નિંદ્રા વગેરે સુખથી તેઓ વિમુખ હતાં.
તેમના શુભ દૈવથી મહા સુદ અગિયારસને દિવસે તે બંનેએ કોઈ આહાર કર્યો નહિ, કોઇજીવની પણ હત્યા કરી નહિ. દુ:ખથી પીડાતા બંને પિશાચોએ રાત્રી પીપળાના ઝાડ નીચે ગાળી. આ વ્રતના પ્રભાવે શ્રી હરિ પ્રસન્ન થયાં અને બંન્નેને પિશાચયોની ના શાપથી મુક્ત કર્યા…
પુરાણોમાં લખે છે કે, આમ આ જયા એકાદશીનું વ્રત કરવાથી પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે, અથવા પિશાચત્વ કદી પ્રાપ્ત થતું નથી.
પાપનું હરણ કરી મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ એકાદશી છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણજન્મખંડમાં जया શબ્દ વિશે જણાવે છે કે,
जयः कल्याणवचनो ह्याकारो दातृवाचकः ।
जयं ददाति सा नित्यं सा जया परिकीर्त्तिता ।।
जया च विजया चैव जयन्ती पापनाशिनी ।
द्वादश्योऽष्टौ महापुण्याः सर्व पापहराद्बिज ! ।।
અને जयः એટલે शत्रुपराङ्मुखीकरणम् ।
जयः શબ્દ સંસ્કૃત जि ધાતુ ઉપરથી આવેલ છે.
આ ધાતુ જયારે અકર્મક હોય ત્યારે ઉત્કર્ષ એવો એનો અર્થ થાય છે. આપણે એકબીજાને મળતાં 🙏જય 🙏જય કહીએ છીએ ત્યાં તેનો ઉત્કર્ષનો અર્થ છે.
પણ जि જયારે સકર્મક ક્રિયાપદ હોય ત્યારે તેનો અર્થ બીજાનો પરાભવ કરવો એવો થાય છે.
જય શબ્દ એ કલ્યાણ; શ્રેય; ચડતી; સૌભાગ્ય અને જીતીલેવાંના અર્થમાં વપરાય છે.
ચરસંહિતાના શારીરસ્થાનના અધ્યાય 4 માં જણાવેલ છે કે
सत्वं એટલે કે મન ખરેખર ત્રણ પ્રકારનું शुद्धं, राजसं, અને तामसं હોય છે.
એમાં राजसं सदोषमाख्यातं रोषशंत्वात् અને
આ રાજસ મનના છ ભેદ પૈકી એક पिशाच-सत्व(મન) હોય છે જેનાં લક્ષણો :
महालसं स्त्रैणं स्त्रीरहस्कामम् अशुचिः शुचिद्वेषिणं
भीरुं भीषयितारं विकृतविहाराहारशीलं पिशाच विद्यात् ।।
એટલે અત્યંત આળસું, કાયર, લંપટ, ગંદોગોબરો- અપવિત્ર અને બીજાની પવિત્રતાની પણ નિંદા કરનાર, જાતે બીકણ તેમ જ અન્યને પણ પોતાની ભીરુતાથી ભય પેદા કરાવનાર તથા વિરુદ્ધ આહારવિહાર કરવાની વૃતિ… પિશાચ પ્રકૃતિ કહેવાય છે.
ફાગણ-ચૈત્ર અથવા ચૈત્ર-વૈશાખ મહીનાઓમાં સૂર્યની જયારે મીનસંક્રાંતિ થાય છે ત્યારે વસંતૠતુ શરૂ થાય છે અને વૃષભ સંક્રાંતિ સાથે વસંતની સમાપ્તિ થાય છે.
મહા-माघ માસમાં વસંતના વધામણાં થવાની શરૂઆત પ્રકૃતિ કરવાં લાગે છે જેની કંઈક અસર માનવમન પર પણ થવાં લાગે છે. મહા-माघ મહીનાની બંન્ને એકાદશીઓ અનુક્રમે જયા અને વિજયા કહેવાઇ છે આ એકાદશી ના સંયુક્ત માહાત્મ્ય,
વાસંતીક ૠતુકાળના પ્રભાવ હેઠળ મનુષ્યનું મન કામ-ઉન્માદગ્રસ્ત થઇને પિશાચી સત્વનું ના થાય એ માટે ચેતવવાનું છે…
निघंटु ગ્રંથોમાં जया ના પર્યાય માં जयन्ती, अग्निमंथ-અરણી, निलदुर्वा-કાળીધ્રો हरितकी-હરડે शान्ता-શમીનીએક પ્રજાતિ/ ખીજડી, તથા बला-ખપાટ નામની વનસ્પતિઓ દર્શાવેલ છે.
અહિ પર્યાય તરીકે દર્શાવેલ વનસ્પતિઓ પૈકી મોટાભાગે પ્રજાસ્થાપન માટે વપરાતી વનૌષધિઓ છે.
આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથોમાં महापैशाचकं घृतम् નું વર્ણન ઉન્માદ ચિકિત્સામાં કરાયેલ છે, એમાં जयाः નામે વનસ્પતિ નો ઉલ્લેખ છે….
जटिला पूतना केशी चारटी मर्कटी वचा।
त्रायमाणा #जया वीरा चोरकः कटुरोहिणी।।
कायस्था शूकरीच्छत्रा अतिच्छत्रा पलङ्कषा।
महापुरुषदन्ता च वनस्था नाकुलीद्वयम् ।।
कटम्भरा वृश्चिकाली शालिपर्णो च तैर्घृतम् ।
सिद्धं चातुर्थिकोन्मादग्रहापस्मारनाशनम् ।।
महापैशाचकं नाम घृतमेतद्यथामृतम् ।
बुद्धिमेधास्मृतिकरं बालानाञ्चाङ्गवर्द्धनम् ।।
ઊંચે ચઢતો મદ એ ઉન્માદ કરાવે છે.
વસંતમાં પણ મદન-ઉત્સવ હોય છે. મદ સાથે अनः પ્રત્યય લાગે છે ત્યારે मदनः શબ્દ બને છે આ अनः પ્રત્યય જીવન કે જન્મનો ભાવ દર્શાવે છે.
એટલે આ જયા એકાદશી…
મન પર જય કરવાનો સંદેશ આપે છે,
ૠતુકાળની અસરથી મદ પ્રગટ થવો સ્વાભાવિક છે.
પણ એ મદથી ઉન્માદ નહી પણ મદન-ઉત્સવ પરિણમે…
જયા એકાદશી એ મન પર જય મેળવવા શ્રીહરિનું નિત્ય સ્મરણ બની રહે એ જરૂરી છે,
શ્રીમદ્ ભાગવત્ ના આઠમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં આપેલ गजेन्द्रमोक्ष स्त्रोतः નું પારાયણ આ એકાદશીએ આપણું મન પિશાચી સત્વથી ઢંકાઇ ના જાય એ માટે કરાતું હોય છે.
ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત સંસ્કૃત માં જોવા તથા સાંભળવા…
https://youtu.be/4yt_nVcZulY
ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત નો હિન્દી ભાવાનુવાદ જોવા તથા સાંભળવા
https://youtu.be/mwkW4Wns8N8
ડૉ. ભાવેશભાઈ મોઢ
Like this:
Like Loading...