Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, હાલરડું

હાલરડું – ભવ:


વ્હાલુડા તને હાલરડે ઝુલાવું,પ્રભુ કેરી પ્રીત લગાડું.

મીઠી મીઠી નીંદરડી લાવું રે.

કૃષ્ણ રામ તણી વાતો વણજે, ને અરજણ હનુમાન કેરો થાજે.

વ્હાલો મારો ભરત થાજે, રામ તારે જીવનમાં આવશે.

વ્હાલુડા તને હાલરડે ઝુલાવું, (૧)

આજ અભિમન્યુ જેમ પોઢાડુ, વિચારો તારા જીવનમાં વાવું.

વ્હાલુડા તને હાલરડે ઝુલાવું, (૧)

વીર શિવાજી કેરો થાજે , હિન્દવી સ્વરાજ તુ સ્થાપજે.

વ્હાલુડા તને હાલરડે ઝુલાવું, (૧)

વીર તુ મહાવીર થાજે, સંસ્કૃતિ ની ખમ્મા રાખજે.

વ્હાલુડા તને હાલરડે ઝુલાવું, (૧)

પ્રભુ પ્યારા કામ કરજે , પ્રભુ નો વ્હાલુડો થાજે

વ્હાલુડા તને હાલરડે ઝુલાવું,પ્રભુ કેરી પ્રીત લગાડું.

Harshad30.wordpress.com

Posted in હાલરડું

હાલા રે વાલા, મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

ભઈલો મારો ડાહ્યો,
પાટલે બેસી નાહ્યો,
પાટલો ગયો ખસી,
ભઈલો પડ્યો હસી,
હાલા રે વાલા મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

ભાઈ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો,
ભાઈ મારો છે વણઝારો,
એને શેર સોનું લઈ શણગારો,
હાલા રે વાલા મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

બેની મારી છે ડાહી,
પાટલે બેસીને નાહી,
પાટલો ગયો ખસી,
બેની પડી હસી,
હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

બેની મારી છે લાડકી,
લાવો સાકર ઘીની વાડકી,
ખાશે સાકર ઘી મારી બેની,
ચાટશે વાડકી મિયાંઉ મીની,
હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

Posted in હાલરડું

હાં આં…..આં હાલાં !


હાં આં…..આં હાલાં !

હાલા રે વહાલા,ભાઈને હીંચકા ઘણા રે વહાલા,
હીંચકે  હીરની દોરી, ભાઈને હીંચોળે બેનડી ગોરી.
હા આં…..આં હાલાં !
ભાઈ મારો ડાહ્યો,પાટલે બેસીને નાહ્યો,
પાટલો ગયો ખસી,ભાઈ તો ઉઠ્યો હસી.
હા આં…..આં હાલાં !

હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !
————–
હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !
———–
હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હા
———-
હાલ્ય વાલ્ય ને હેવૈયો,
ભાઇને ભાવે રે લાડુ સેવૈયો;
સેવૈયો પડ્યો છે શેરીમાં,
ભાઇ તો રમશે મા’દેવની દેરીમાં;
દેરીએ દેરીએ દીવા કરું,
ભાઇને ઘેરે તેડાવી વિવા કરું,
વિવા કરતાં લાગી વાર,
ભાઇના મામા પરણે બીજી વાર.
હાં…..હાં હાલાં !
———————-
હાલ્ય વાલ્યના રે હાકા,
લાડવા લાવે રે ભાઇના કાકા;
હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુઆ;
ફુઆના તો ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય,
ત્યાં તો ભાઇ રે મોટો થઇ જાય.
હાં…..હાં હાલાં !
——————–
હાલ્ય વાલ્ય ને હેલ્ય,
વગડે વસતી રે ઢેલ્ય;
ઢેલ્યનાં પગલાં તો રાતાં,
ભાઇના કાકા મામા છે માતા.
હાં…..હાં હાલાં !
—————
હાલ્ય વાલ્ય ને હડકલી,
ભાઇને ઓઢવા જોવે ધડકલી.
હાં…..હાં હાલાં !
————-
ભાઇ મારો છે વણઝારો,
સવાશેર સોનું લઇ શણગારો;
સોનું પડ્યું છે શેરીમાં,
ભાઇ મારો રમશે મા’દેવજીની દેરીમાં.
હાં…..હાં હાલાં !
————–
ભાઇને દેશો નૈ ગાળ,
ભાઇ તો રિસાઇ જાશે મોસાળ;
મોસાળે મામી છે જૂઠી,
ધોકો લઇને રે ઊઠી;
ધોકો પડ્યો છે વાટમાં,
ને ભાઇ રમે રે હાટમાં,
હાં…..હાં હાલાં !
————
ભાઇ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઇ મારો ઊઠ્યો રે હસી,
હાં…..હાં હાલાં !
—————
ભાઇ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો;
હાં…..હાં હાલાં !
————-
ભાઇ મારો છે લાડકો,
જમશે ઘી-સાકરનો રે વાડકો;
ઘી-સાકર તો ગળ્યાં;
ભાઇના વેરીનાં મો બળ્યાં;
ઘી-સાકર ખાશે મારા બચુભાઇ,
વાટકો ચાટે રે મીનીબાઇ.
હાં…..હાં હાલાં !
————–
ભાઇ મારો છે રે રાંક,
હાથે સાવ સોનાનો છે વાંક;
વાંકે વાંકે રે જાળી,
ભાઇની સાસુ છે કાળી !
વાંકે વાંકે રે ઘૂઘરી,
ભાઇની કાકી મામી છે સુઘરી !
વાંકે વાંકે મોતી થોડાં,
ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં;
ઘોડાની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે;
ઘોડા ખાશે રે ગોળ,
ભાઇને ઘેરે હાથીની રે જોડ.
હાં…..હાં હાલાં !
————–
ભાઇ મારો છે ગોરો
એની ડોકમાં સોનાનો રે દોરો;
દોરે દોરે રે જાળી,
ભાઇની કાકી રે કાળી.
હાં…..હાં હાલાં !
—————-
ભાઇ મારો છે અટારો,
ઘી ને ખીચડી ચટાડો;
ખીચડીમાં ઘી થોડું,
ભાઇને સારુ વાઢી ફોડું.
ઘી વિના ખીચડી લૂખી,
ભાઇના પેટમાં રે દુઃખી !
હાં…..હાં હાલાં !
————–
ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંહે ભૂલી ફરું;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડીમાં જઇ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો.
હાં…..હાં હાલાં !
————–
હડ્ય તુતુડાં હાંકું,
ભાઇને રોતો રે રાખું;
તુતુડાં જાજો દૂર,
ભાઇ તો શિરાવશે દૂધ ને કૂર;
દૂધ ને કૂર તો લાગે ગળ્યાં,
ભાઇના આતમા રે ઠર્યા;
હડ્ય તુતુડાં હસજો,
વાડીમાં જઇને રે વસજો.
હાં…..હાં હાલાં !

Posted in હાલરડું

ગોપાલ મારો પારણીયે ઝુલે રે,


ગોપાલ મારો પારણીયે ઝુલે રે,
ઝુલાવે યશોદામૈયા ગોરી,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ,
કાનુડાને પારણીયે બેઠા પોપટીયા,
કાનુડાને પારણીયે નાચે છે મોરલા,
કાનુડાને પારણીયે મોતીઓની માળા,
કાનુડાને પારણીયે હીરની છે દોરી,
ઝુલાવે રાધિકારાણી ગોરી રે,
કાનુડાને પારણીયે હીરની છે દોરી,
ઝુલાવે રાધિકારાણી ગોરી રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
કાનુડા માટે સોનાના બજોઠ મંગાવો,
કાનુડા માટે ચાંદીની કૂંડીઓ મંગાવો,
કૂંડીમાં કેસુડાના જળ તો ભર્યા રે,
ગોપાલ મારો નાવણીયા કરે રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
ઝુલાવે ગોકુળની ગોપીઓ રે,
કનુડાએ પહેર્યાં છે જરકસી જામા,
કનુડાએ પહેર્યું છે પીળુ પિતાંબર,
કાનુડાને માથે છે મોરપિચ્છ મુગટ,
કાનુડાને કાને હીરાના કુંડળ,
કાનુડાનેગળે છે નવલખો હાર,
કાનુડાને હાથે બાજુબંધ બેડિયા,
કાનુડાને કાંડે સોનાની પહોંચી,
કાનુડાનેઆંગળીએ હીરાના વેઢ છે,
કાનુડાને કેડે સોનાનો કંદોરો,
કાનુડાનેપગમા છે રુમઝુમતી ઝાઝરી,
ગોપાલ મારો શણગાર તો સજે રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
ઝુલાવે યશોદામૈયા ગોરી,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
કાનુડાને ભાવે છે  માલપુડા, રબડી,
કાનુડાને ભાવે છે બરફી ને પેંડા,
કાનુડાને ભાવે છે મગજના લાડુ,
કાનુડાને ભાવે છે ચુરમાના લાડુ,
કાનુડાને ભાવે છે મીઠા મધુરા ઘેબર,
કાનુડુ મારો ભોજનિયા કરે રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
ઝુલાવે રાધિકારાણી ગોરી,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
કનુડા માટે લવીંગ સોપરી મંગાવો,
કનુડા માટે કેસર, ઈલાઈચી મંગાવો,
કનુડા માટે પાનાના બીડલા મંગાવો,
ગોપાલ મારો મુખવાસ તો આરોગે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
ઝુલાવે ગોકુળની ગોપીઓ રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,

Posted in હાલરડું

હાલરડાં – સાંઈરામ દવે


“હાલરડાં”

સાંઈફાઈ લેખમાળા,

કળશ-દિવ્ય ભાસ્કર,

– સાંઈરામ દવે

કોઈપણ વ્યક્તિ માટે પોતાની માના હાલરડાંથી વધુ સુરીલો સ્વર આ સૃષ્ટિમાં હોતો નથી. શિશુના કાને પડેલો માતૃત્વનો એ પ્રથમ મંજુલ સ્વર આમ જુઓ તો કાનની ‘સૂરમયી દીક્ષા’ છે.

ધરતી પર નવા સવા આવનાર બાળકની આંખમાં વિસ્મયના ઝરણાઓ વહેતા હોય છે. તેની આંખ ઉઘડે ત્યારે એક લાગણીશીલ વ્યક્તિને તે પોતાની આસપાસ જૂએ છે. એક આશ્ચર્ય સાથે એ બાળક એ વ્યક્તિને જોયા કરે છે. પોતાની સારસંભાળનો ભરોસો આવ્યા પછી મા જ્યારે બાળક માટે હાલરડું ગાય છે ત્યારે બાળકનુ હૈયું મા સાથે બ્લ્યુટુથની જેમ pair થઈ જાય છે.

હાલરડાં શબ્દનો એક અર્થ એવો પણ થાય કે મા પોતાના સંતાનને કહે છે કે ‘બેટા, હાલ તું સુઈજા હું રડું!’ એક સંશોધન પ્રમાણે બાળક કંઈ જન્મતાવેંત માની ભાષા અને હાલરડાંના શબ્દોને સુપેરે સમજી લ્યે છે એવું નથી, બાળક ભાષા નથી ઓળખતો ભાવ ઓળખે છે. હાલરડાંના સ્વરોથી બાળકને એ ખાતરી થાય છે કે મારી આસપાસ કોઈ છે અને જેથી હું સલામત છું.

ઘણાં કિસ્સાઓ આપણે નજરે જોયા છે કે પપ્પા વીસ મીનિટ હાલરડાં ગાય તો પણ બાળક ઘોડિયામાં જાગતું પડ્યું હોય. પરંતુ મા બે મીનિટ હાહા… હાહા… કરીને બાળકને બે થપલી મારી જાય તો પણ બાળક તરત સૂઈ જાય છે.

મેં એ દ્રશ્ય પણ જોયુ છે મા-બાપ મજૂરીએ ગયા હોય ત્યારે પોતાના ડાબા પગના અંગુઠે ઘોડિયાની દોરી બાંધી દસ-બાર વર્ષની બેનડી આવડે એવી રોટલી વણતી હોય અને ભાઈ રૂએ તો એનું હાલરડું ગાતી હોય કે,

‘બે ઘડી સૂઇ જા મારા વીર, થોડુ હું ભરી આવું નીર,

પછી તારા હાલા ગાઉં મારા વીર, પછી તારી દોરી તાણું મારા વીર!’

આપણાં વૈદિક સનાતન પરંપરાના જીવનના સોળ સંસ્કારોમાં મને કોઈ પૂછે તો હું બાળકો માટે બે સંસ્કાર ઉમેરાવું. એક-‘હાલરડાં સંસ્કાર’ અને બીજો ‘બાળગીત – બાળવાર્તા સંસ્કાર.’ હાલરડાં એ બાળકના ભાવવિશ્વને કંડારે છે. આ એક એવી બારીક ગોલ્ડન મીનાકારી છે જેની છાપ કોઈપણ શિશુ પર જીવનપર્યંત રહે છે. હાલરડું સાંભળવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ કેટલીક ફેશનેબલ માતાઓ યુ ટ્યુબ પરથી ડાયરેક્ટ હાલરડાં સંભળાવે છે. જોકે બાળક તો તોય સૂઈ જાય છે! એને ક્યાં કોઈ દલીલ આવડે છે? પરંતુ માનુ સ્થાન જ્યારે મોબાઇલ લઇ લ્યે ત્યારે માતૃત્વ ઝંખવાઈ જાય એ સ્વાભાવિક છે. આ રીતે જૂઓ તો કેટલાક પેરેન્ટસ બાળકોની છાશવારે ફરિયાદ કરતાં હોય છે કે ‘અમારા બાળકો મોબાઈલ બહુ વાપરે છે.’ પરંતુ આ સમસ્યાના મૂળ સુધી કોઈ નથી પહોંચતુ.

આપણાં દેશની સરકારોએ આજ સુધીમાં અગણિત યોજનાઓ બહાર પાડી છે. શું આવનારા દિવસોમાં એવી યોજના કે કાયદો ન બહાર પાડી શકાય કે જે કપલને પચાસ હાલરડાં ન આવડે ત્યાં સુધી એ મા-બાપ બનવાને લાયક નથી. સંસદમાં જ્યારે આવુ કોઇ બિલ સર્વાનુમત્તે કોઈપણ વિરોધાભાસ વગર પાસ થશે ત્યારે સમાજજીવનમાં ‘અચ્છે દિન’ની શરૂઆત થશે. પણ રે! સાંઈ! બાળકો કોઈની વોટબેંકમાં નથી. કાશ જો માસુમ શિશુઓનો હાથ ઘોડીયામાંથી EVM સુધી લાંબો થતો હોત તો અવશ્ય બાળકોને લાભ થાય એવા કાયદાઓ ફટાફટ ઘડાતા હોત.

મેઘાણીભાઇએ શિવાજીનું હાલરડું લખ્યું અને એ જગપ્રસિદ્ધ થયુ. પરંતુ ક્યારેક સમય મળે તો તેના શબ્દો વાંચજો એક્ચ્યુલી એ શિવાજીનું જાગૃતિ ગીત છે. જનેતા જીજાબાઈ આવનારા કપરા સમય માટે પોતાના નવજાત શિશુને એલર્ટ કરે છે. ભલે આ મેઘાણીભાઇની માત્ર કલ્પના હતી પરંતુ આજે એ હાલરડું સાંભળીએ ત્યારે આપણને એકદમ સચોટ અને વાસ્તવિક લાગતી કલ્પના લાગે છે. ક્યારેક મને પ્રશ્ન થાય કે મેઘાણીભાઇ પછી હજારો કવિઓ ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા. કેમ કોઈને શિવાજીની જેમ ‘મહારાણા પ્રતાપ’, ‘ઝાંસીની રાણી’ કે ‘ભગતસિંહ’ નું હાલરડું લખવાની પ્રેરણા ન થઈ?

કારણની કબર નથી ખોદવી પરંતુ મારૂ દ્રઢપણે માનવું છે કે આજની માતાઓ કદાચ મહાપુરુષોના હાલરડાં વિસરી જશે તો ચાલશે. પરંતુ ઘરના ઘોડિયામાં સુતેલા શિશુના હાલરડાં જ જો નહી ગાય તો આવનારા સમયમાં આ ધરતી પર મહાપુરુષો નહી પાકે એ નક્કી છે.

હાલરડાંમાં ધીમા સ્વરે મા જ્યારે હા…હા… બોલે ત્યારે આમ જુઓ તો એ પોઝિટિવિટીનું પહેલું લેસન આપે છે. આપણી અભણ માતાઓએ મૂળાક્ષરોમાંથી ‘ના…ના…ના…ના…’ શબ્દ સીલેક્ટ નથી કર્યા પરંતુ ‘હા..હા…’ શબ્દ પસંદ કર્યા છે. જે સંદેશો પાઠવે છે કે બેટા મોટો થઈને જગતને મદદરૂપ થવા માટે હા પાડતા શીખજે. જીવનનો પહેલો શબ્દ હકારરૂપે બાળકના કાને પડે છે એટલે જ તો આપણા પૂર્વજો કદાચ બહુ શિક્ષિત ન હોવા છતાં હકારાત્મકતાથી ભર્યાભાદરા હતા.

રામચરિત માનસમા ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા ભગવાન શ્રીરામનું ચાલકડું સરસ રીતે આલેખાયું છે. મા જશોદાના હાલરડાંએ કૃષ્ણને જેટલો ઝુલાવ્યો છે એટલા હાલરડાં કદાચ કોઈ અવતારના નહી મળે. તો માતા ત્રિશલા ભગવાન મહાવીરને પોઢાડવા હાલરડે ઝુલાવે છે. મેઘાણીભાઈએ સંશોધીત કરેલુ ખારવાની સ્ત્રીનું અણમોલ હાલરડું “વાહુલિયા તમે ધીમા રે ધીમા વાજો” જયારે પણ સાંભળીએ ત્યારે આંખો ભીની થયા વગર રહેતી નથી. કેટલાક હાલરડાં એ માતૃત્વના અને વાત્સલ્યના વરસાદ જેવા છે. કેટલાક હાલરડાંમાં ભવિષ્યની અગમચેતી પણ છે. તો કેટલાક હાલરડાંમાં પરિવારની પરિસ્થિતિઓ પણ છે.

શિવાજીનું હાલરડું સર્વપ્રિય થયુ તેના કારણમાં સૌરાષ્ટ્રભરના લોક કલાકારોનો સિંહ ફાળો પણ કહેવાય. પરંતુ સગર્ભા અવસ્થામાં મહારાણી રૂપસુંદરી પતિ જયશિખરીના મૃત્યુ પછી જંગલમાં વનરાજ ચાવડાને જન્મ આપે. એ વનરાજનું હાલરડું બહુ ગવાયુ નહી કે ચર્ચાયુ પણ નહી આમાં વાંક કોનો?

(કાશ આવનારા સમયમાં સગાઈ માટે કન્યા જોવા જતી વખતે કોઈ પરિવાર હોબી પૂછવાને બદલે કન્યાને ‘એકાદ હાલરડું આવડે છે?’ આવો સવાલ પૂછીને પુત્રવધુ સિલેક્ટ કરવાનો ક્રમ શરૂ કરે!)

હાલરડાંનો મહિમા વાંચીને કોઈ આજની મમ્મીશ્રીને પ્રશ્ન થાય કે હવે અમારા બાળકે ક્યાં ધીંગાણા કરવાના છે? અત્યારે મરવા-મારવાના સંસ્કારની જરૂર શું? તો એવી મમ્મીઓને યાદ અપાવુ કે હાલરડાંથી સંતાનોને બ્રહ્મજ્ઞાન લાધ્યુ છે. જી, હા સમય મળે તો માર્કંડેય પુરાણ પર નજર કરજો. ગંધર્વોના રાજા વિશ્વવસુની દીકરી મદાલસાના લગ્ન ઋતુધ્વજ સાથે થાય અને માતા મદાલસા તેના સાત સાત સંતાનોને હાલરડાંમાં જ એવું બ્રહ્મજ્ઞાન આપે કે એ સંતાનો મોટા થઈને સીધા સન્યાસી બને છે.

હાલરડાં સંસ્કારીતાના પારસમણી છે. માતાઓ મા બનતા પહેલા બે ચાર હાલરડાં ગાતા શીખી લે તો આવનારા બાળકનો બેડો પાર થઈ જાય. એ બાળક ક્યાં લતા મંગેશકર જેવો સ્વર માંગે છે. એ તો માત્ર ભાવજગત ઝંખે છે. શું ક્યો છો?

વાઇ ફાઇ નહી સાંઇ ફાઈ આવે તો વિચારજો.

sairamdave@gmail.com

Posted in હાલરડું

વઢિયારનાં હાલરડાં


વિષય:- વઢિયારનાં હાલરડાં

લેખક :- રઘુ શિવાભાઇ રબારી “રાઘવ વઢિયારી”

મહામંત્રી, વઢિયાર સાહિત્ય મંચ,

સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર, ભીલોટ તા;રાધનપુર (પાટણ)

-;- પ્રસ્તાવના -;-

અર્વાચીન યુગમાં મુદ્રણકલાનો વિકાસ થયો એ પહેલાં હજારો વર્ષોથી લોકકંઠે સચવાઈ રહેલું અને કાળને અતિક્રમિને પેઢી દર પેઢી એ પ્રદેશમાં ઉતરી આવેલું સાહિત્ય એ લોકસાહિત્ય.૧

તળપદી ભાષામાં મઢેલું અને અજ્ઞાત કર્તૃત્વ ધરાવતું આ સાહિત્ય કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. લોકસાહિત્ય સંચિત કરેલું સાહિત્ય છે અને એ સર્વ કોઈનું છે. દરેક પ્રદેશ કે પ્રજાને સાહિત્ય વારસામાં મળે છે. વઢિયારને પણ આવો વારસો મળ્યો છે. એ ઘણો સમૃદ્ધ છે.

હ્રદયમાં ઉત્પન થતા ઊર્મિ તરંગોને વાણી દ્વારા વ્યક્ત કરવાની મનુષ્યને મળેલી કુદરતી શક્તિનો પ્રત્યેક પ્રજાએ પોતાની સમજણ પ્રમાણે ઉપયોગ કર્યો છે. લોકગીતો કે લોકકથાઓ હવે ભલે ગ્રંથસ્થ થયાં હોય, પરંતુ એ સાહિત્ય એ ગ્રંથકારનું નથી. એનું કર્તૃત્વતો અજ્ઞાત છે. એનો જો કોઈ કર્તા કે રચયિતા હોય તો એ સમગ્ર લોકસમૂહ છે. કોઈ એકનું નથી. જેમ મધપૂડામાં તૈયાર થઈ નીકળેલું મધ કોઈ એક મધમાખીનું નથી તેમ.

મેઘાણીએ આ ક્ષેત્રે જે કેડી કંડારી હતી એ આજે રાજમાર્ગ બની છે. કારણ એ રસ્તે પુષ્કર ચંદરવાકર, શાંતિભાઈ આચાર્ય, કનુભાઈ જાની, ડોં.હસુ યાજ્ઞિક, નાથાલાલ ગોહિલ, ડોં.બળવંત જાની, નિરંજન રાજ્યગુરુ, જેવા સંશોધકો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભગવનદાસ પટેલ, ભોગીલાલ સાંડેસરા, ડોં. રાજેશ મકવાણા, પ્રેમજી પટેલ, ડોં.દિપકભાઈ પટેલ, પ્રભુદાસ પટેલ, પ્રાગજીભાઇ બામ્ભિ, ડોં.અમૃતભાઇ પટેલ, પ્રાંજલિ પટેલ, જ્યંતિલાલ દવે, મુરાદખાન ચાવડા, માધવ ચૌધરી, વિજયપુષ્પા ભગોરા, પ્રજ્ઞા પટેલ, વીરચંદ પંચાલ, મફત રણેલાકર જેવા ઉત્તમ સંપાદકો અને સર્જકો મળ્યા છે.

લોકસાહિત્ય એટલે ‘લોકો દ્વારા લોકો માટે રચાતું સાહિત્ય.’ આ સાહિત્ય શિસ્ટ સાહિત્ય કરતાં કઈક અંશે ભિન્ન છે. આ સાહિત્યનો સર્જક એક આખો સમુદાય છે. આ સર્જકો મોટે ભાગે અભણ હોય છે.૨

વાસ્તવમાં આ સાહિત્ય સમાજના રિવાજો, રૂઢિયો, પરંપરાઓ, અંધશ્રદ્ધા, પહેરવેશો, વગેરે સંસ્કૃતિનું આલેખન કરે છે. જનસમાજનાં સુખ-દુ:ખ, પ્રેમ, લાગણી, વ્યથા વગેરેને પોતાની બોલીમાં કંડારે છે. આ સાહિત્ય જ્યારે માનવનો ઉદ્દ્ભવ થયો ત્યારથી રચાયું છે.

-: વઢિયાર વિસ્તાર પરિચય :-

આજે આપણે વાત કરવી છે ‘વઢિયારનાં હાલરડાં’ વિશે, પણ એ પહેલાં હું આપને વઢિયારથી અવગત કરાવવા માગું છું વઢિયાર ક્યાં છે ? વઢિયાર કેવો છે ? વઢિયારી કોણ છે ? આ ત્રણ પ્રશ્નો દરેક શ્રોતા અને વાચકના મનમાં ઉદભવે સ્વાભાવિક છે. અને આ ત્રણેય પ્રશ્નોના જવાબ પણ છે મારી પાસે.

જાડેજા રાજપુતોના આદ્યસ્થાપક પુરુષ રાયધણજીએ ઘોરી સાથેના યુદ્ધમા પૃથ્વીરાજની મદદે સને ૧૧૧૯ માં ગયેલા તે દાઝમાં ઘોરીએ કચ્છ ઉપર ચડાઈ કરી ત્યારે રાધનપુર જે વિસ્તાર છે તે ભૂમિમાં મહમદ ઘોરીને ઓઢા જામ અને વિસળદેવે પાછો ભગાડેલો એ વખતે કચ્છના જામ રાયધણે કચ્છની સરહદ મજબૂત કરવા સને ૧૨૦૭ માં (૮-આઠ) કોટવાળું રાધનપુર વસાવ્યું. દૂર એક કોટબાંધી ચોકી બેસાડી. જેને જામ રાયધણના પુત્ર ઓઢા જામ સંભાળતા. એ વખતે બાંધેલો કોટ બહુ ઉપયોગી થયો. ફતેહ મળેલી જેથી આ કિલ્લાનું નામ ફતેહકોટ(ફતેહગઢ) રાખેલું. હાલ આ જગ્યાએ ઊંચા ટેકરાને ભુજીયા ભોરિંગનાગનું સ્થાનક છે. જામ અબડાનો વંશ “વડિયાર” કહેવાતો તે રાજ કરતા તે “વઢિયાર” કહેવાયું આમ જામ અબડાના વંશના નામ પરથી વઢિયાર પ્રદેશ બન્યો જે પહેલાં કચ્છ રાજમાં હતું૩

વઢિયાર, ઉત્તરે બનાસકાંઠાના ભાભર સૂઈગામ તાલુકાનો ‘મેવાહ’ વિસ્તાર દક્ષિણે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનો ‘ખારાપાટ’ વિસ્તાર પૂર્વે બનાસકાંઠાનો થરા ‘કાંકરેજી’, દિયોદર ‘હિન્દવાણી’ વિસ્તાર તથા મહેસાણાનો બહુચરાજી ‘ચુંવાળ’ અને પાટણનો ‘પાટણવાડા’નો વિસ્તાર જ્યારે પશ્ચિમે ક્ચ્છનું નાનું રણ અને ચોરાડ-વાગડ વિસ્તારની ભૌગોલિક સીમા ધરાવે છે.

એટલે કે વઢિયારમાં પાટણના સમી, શંખેશ્વર, રાધનપુરના સંપૂર્ણ ગામડા, હારીજ-સાંતલપુરના અડધા તથા ભાભર-થરા-સૂઈગામ-પાટડી આ તાલુકાનાં અમુક અમુક ગામોનો સમાવેશ થાય છે.૪

બનાસ, રૂપેણ, સરસ્વતી આ ત્રણ-ત્રણ નદીઓને ખોળે રમતો એક અનોખો પ્રદેશ એટલે વઢિયાર. વરસોથી એક ભવ્ય લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલો આનર્તનો એક વટવાળો વિસ્તાર એટલે વઢિયાર. મહાભારત કાલીન ધર્મારણ્યનું લોહેશ્વર, અણહીલપુર પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું વતન પંચાસર, ભક્તિનો ઘૂઘવતો મહાસાગર મા વરાણાની ખોડિયાર અને વીર વાછડાના શૌર્યને સાચવીને બેઠેલો રાધનપુરનો નવાબી વિસ્તાર એટલે વઢિયાર.૫

ટૂંકમાં કહીએતો ‘વઢિયાર, સૌરાષ્ટ્રની મીની આવૃતિ છે.’ સૌરાષ્ટ્ર અને કચ્છની ભૌગોલિક સીમા ધરાવે છે છતાં વઢિયાર કેમ હાંસિયામાં રહ્યું સમજાતું નથી. એમ કહોને કે ખરા અર્થમાં અસ્પૃશ્ય જ રહ્યો છે. ક્યારેક આ ભોમકા આવી મને કહે છે. “વરસોથી વેરાન બેઠી છું હું, બસ, એક પેન લઈ ખેડી જા.” નવાબી રાજના કારણે આ વિસ્તારનું સાહિત્ય કંઠોપકંઠ પરંપરાથી લેખિત સ્વરૂપ પામ્યું નહીં હોય..

‘વઢિયાર’ એક એવો પ્રાંત છે, જેના લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિમાં આજ દિવસ સુધી કોઈ નકર કામ થયું નથી. રમેશ ઠક્કર, રમેશ તન્ના નવઘણસિંહ વાઘેલા, ડોં.કિશોર ઠક્કર અને ડોં.બળદેવદાસ સાધુ જેવા વડીલો તેમજ મનુ ઠાકોર અને ચેતન રબારી આ ક્ષેત્રે સંશોધન કરી રહ્યા છે. એમને અભિનંદન.

વઢિયારના ગામેગામ સચવાયેલા પાળિયાઓ, લોકગીતો, લોકકથાઓ અને લોકનૃત્યો એ વઢિયારી સાહિત્ય છે. કવિ કાનથી માંડીને વઢિયારના ગામડે બળદનું પૂંછડું આમળતાં-આમળતાં દોહા-છંદ લલકાર તા ખેડૂત પાસે વઢિયારી સાહિત્ય છે.

અરે… અમાસની કાજળઘેરી રાતે અંધારાને ચીરીને કાન સુધી પહોંચતા તંબૂરના તારનાં ભાવવાહી ભજનો અને દશેરાના દિવસે ભજવાતી ભવાઈઓમાં પણ વઢિયારી સાહિત્ય છે. નેહડે મધુર ગીતડાં ગાતી રબારણ ને વનવગડે ગાયો ચારતા ગોવાળિયાના કંઠેથી નીકળતા હલકદાર રેગડીના સૂરો વઢિયારીને મન ઋગ્વેદની ઋચાઓ છે.

ધાન ધીંગા મન મોકળા,દલ દાતરી ઉદાર,

સંતો શુરાઓ સંચરે (ઈ) વસુંધરા વઢિયાર.

ધાબળ વરણી ધરતી, પાણી વાળો પટ,

મૂંછાળા ધાન નીપજે, વઢિયાર ધરાનો વટ.૬

વઢિયારની આગવી ઓળખ એ છે, કે વઢિયારની સંસ્કૃતિની અનોખી ભાત ધરાવે છે. અહીંનું કુટુંબ જીવન,સમાજ જીવન અદકેરું છે. વઢિયારનું ભાતીગળ લોકજીવન તેના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાચવી બેઠું છે. આનંદ-ઉલ્લાસને સુખ-દુ:ખના પ્રસંગોએ આ મોંઘેરા માનવીઓ પોતાની જીવનગાથાને કેવી રીતે રજૂ કરે છે એ જોવાનો, જાણવાનો અને માણવાનો વિષય છે.

-: હાલરડાની વિભાવના અને હાલરડાંના પ્રકારો :-

હાલરડાં બાળકાવ્યોનો એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ પ્રકાર છે. બાળકના સર્વાંગી વિકાસ માટે પયપાનની સાથે લયપાન પણ અત્યંત જરૂરી છે. હાલરડાં વિશ્વની દરેક ભાષામાં લખાયાં છે. દરેક પ્રદેશમાં તેની લોકબોલીમાં ગવાય છે. હાલરડું બાળકને ઊંઘાડવા માટેનું સાધન માત્ર નથી, પરંતુ માતાના સ્વરનો અમૃતસ્પર્શ આ હાલરડાં દ્વારા બાળક સુધી પહોંચે છે. બાળકને ભાષાનો અને સંગીતનો પ્રથમ પરિચય પણ હાલરડાં દ્વારા જ મળે છે.

હાલરડું માટે વઢિયારમાં ‘હાલા’ શબ્દ ઉચ્ચારાય છે. જ્યારે લોકડાયરામાં લોકસાહિત્યકારો ઘણીવાર કહેતા હોય છે ; “હાલરડું એટલે મા કહે છે, હાલ…હું…રડું…!” અને માતા પોતે ગમે એટલી થાકીપાકી હોય પણ પારણાની ઈ ઘોડિયાની દોરી હાથમાં લઈને અવર્ણીય સંગીતમાં ખોવાય જાય છે. જ્યાં થાક પણ રહેતો નથી.

“હાલરડાં એટલે પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં માતા કે બહેન વગેરે દ્વારા ગવાતાં ભાવવાહી અને સાદાં છતાં જ્ઞાનપેરક ટૂંકારી સ્વરોવાળાં ગીતો.”૭

-: ગર્ભસંસ્કારનાં હાલરડાં :-

બાળકનું ખરું શિક્ષણ તેના ગર્ભકાળથી જ શરૂ થઈ જાય છે. અને તે એના જીવનપર્યંત ચાલું રહે છે. સગર્ભા સ્ત્રીના શારીરિક, માનસિક, બૌધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસની અસરો ગર્ભસ્થ શિશુ પર પડે છે. આ અંગે સંશોધનો પણ થયાં છે. બાળક માતાના ગર્ભમાં 280 દિવસ રહે છે. આ સમયગાળો એના સમગ્ર જીવનનો પાયો બની રહે છે. માતાના વિચાર, લાગણીઓ, પ્રાર્થનાઓ અને સંકલ્પોની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે.૮

આવાં ગર્ભસંસ્કારનાં હાલરડાં વાઢિયાર પ્રદેશમાં પણ જોવા મળે છે.

પહેલા તે માસનાં વધામણાં હરિ હાલરડું રે,

બીજો માસ જાય રે ગોવિંદ હાલરડું રે.

આમ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમા માસ સુધીની પંક્તિઓ ઉપર મુજબ જ ગવાય છે . જ્યારે નવમા માસે બાળક જન્મે ત્યારે કામગરી માતાને સમય નથી માટે કહે છે.

દસમે જન્મ્યો કાન રે હરિ હાલરડું રે, માડી ! મને ‘હાલા ગાવ રે’ ગોવિંદ હાલરડું રે.

જાતાં તે નાખીશ હિંચકો હરિ હાલરડું રે, આવતાં ‘હાલા ગાઈશ રે’ ગોવિંદ હાલરડું રે.

પછીની પંક્તિઓમાં દાતણ-લોટો, નાવણ-જળકુંડી, દૂધડે-સમોવણ, સોનાથાળી ભરીને કંસાર, મુખવાસ આપવા સુધીના ઉદરમાં રહેલ બાળક અને માના સંવાદોની જોવા મળે છે .

-: શ્રીકૃષ્ણને સંબોધી ગવાતાં હાલરડાં :-

સામાન્ય જન સમાજની બાયું પોતાના બાળકમાં ભગવાન શ્રી કૃષણનું સ્વરૂપ જોઈને કૃષ્ણને સંબોધીને હાલરડાં ગાય છે.

પડવે પહેલાતના મહારાજ,

બીજે બોલ્યું નાનું બાળ ;

ગોકુળ આવજો ને મહારાજ !

આમ, આ હાલરડામાં પૂનમ સુધીની તિથિઓની સંખ્યામાં અલગ-અલગ કામગીરી બતાવીને ગવાય છે.

આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજભૂમિમાં આંબનો છે વાસ.

સખી રે ! આંબો રોપિઓ. ૯ અહીં ‘આંબાના પ્રતિક દ્વારા બાળકની વાત કરવામાં આવી છે. આવાં સાંકેતિક પ્રતિકો દ્વારા મા ભાવો વ્યક્ત કરતી.

આંબે વાસુદેવજી એ બીજ રોપિયાં, થયો દેવકી ખેતર પરકાશ,

સખી રે આંબો રોપિયો.

આંબે જશોદાજીએ જળ સિંચિયાં,ગોપ ગોવાળ સૌ આંબાના રખવાળ,

સખી રે આંબો રોપિયો.

આ હાલરડામાં વાસુદેવએ બાળરૂપી આંબાના બીજ દેવકીના ખેતરમાં રોપવાની વાત કરી છે. વળી જશોદાજી જળ સિંચન અને ગોપગોવાળો એના રખેવાળ થવાની વાતને સહજતાથી જેતે સામયની લાજમર્યાદા બતાવે છે.

આજ મારે ઘેર વાજયા સાંજી રે ! કૃષ્ણ સોહાગી બઈ મારુ આંગણું, હલુલુલુ….હાલા…હાલા….

આજ મારે ઘેર અતિ આનંદ ! કોંવર કાનજી પાયણે ! હલુલુલુ….હાલા…હાલા….

કો’તો કાનજી ! અંગ ગોરાં કરું, ગોંજે ભરું દેવને દાળિયા ! હલુલુલુ….હાલા…હાલા….

આવો તો કાનજી ! પેરાવું જામા રે ! તારાથી વાલુના કોઈ ! હલુલુલુ….હાલા…હાલા….

કો’તો કાનજી ! પેરાવું ઝુલડી રે ! તમારાં દર્શન દોને દેવ ! હલુલુલુ….હાલા…હાલા….૧૦

ઉપરના હાલરડામાં વઢિયાર વિસ્તારમાં પ્રથમ બાળક જન્મે “વધઈ વગાડવી” એ રિવાજ છે તેનો પડઘો જોવા મળે છે. વઢિયારમાં ઢોલીને બોલાવી પુત્રજન્મે આંગણામાં કુટુંબ-પરિવારના લોકોને બોલાવી કસુંબા-પાણી કરવામાં આવે છે. ઢોલ ઉપર મામાના ત્યાંથી આપવામાં આવેલ રૂમાલ મૂકીને કંકુ-ચોખાથી વધાવે છે. ઢોલીને ભેટ-સોગાત આપીને રાજી કરવામાં આવે છે. બાળકને મોસાળ પક્ષેથી કપડાં અને જણસ આપવામાં આવે છે. આ પ્રસંગને “વધઈ વગાડી” કહેવામાં આવે છે. આ હાલરડામાં વઢિયાર પ્રદેશમાં બહુ પાકતા ચણાના પાકનો પણ ઉલ્લેખ છે “ગોંજે ભરું દેવને દાળિયા !”

સોના રૂપાનાં મારાં પારણિયાં, પોઢોને ભગવાન, બાળા પોઢોને,

એટલું કીધુને કાન પોઢી ગયા, ને પોઢ્યા છે ભગવાન, બાળા પોઢોને,

અહી સોના-રૂપાનાં પારણિયે બાળકને ભગવાન કહીને પોઢાડ્યું છે. આટલું કહેતા બાળ ઊંઘી ગયું પણ માને ચિંતા થાય છે કે પોતે કામકાજ કરી રહી છતાં બાળક જાગ્યું નહિ એટલે એને શંકા થાય છે. અને નીચેની પંક્તિયું બોલે છે.

ઘરના કામકાજ કરી રિયાં ને, તોય ના જાગ્યાં બાળ,

પાડોસણ બેની તને રે કહું, જગડો મારો બાળ.

બઈ તારું બાળ બિયાણું, લાય ઉતારું લુણ,

લીલા તે વાંસનું પુંખડુંને ત્રણ શેરીની ધૂળ.

બાળક બિયાણું, ઝબક્યું ,નજર લાગવી, આવી માન્યતાઓ પણ હાલરડાંમાં જોવા મળે છે વળી એના પછીની પંક્તિમાં પરિણામ પણ આપવામાં આવ્યું છે.

એટલું કરતાં કાન જાગ્યા, જાગ્યા છે ભગવાન, બાળા પોઢોને.

બીજું એક કૃષ્ણ પ્રેમનું હાલરડું જોવા મળે છે. કૃષ્ણને ઝુલાવવાની સાથે-સાથે પારણિયાને સોના,,મોતી,માણેક, હિરલે જડાવી રંગબેરંગે રંગાવી,જરીવાળી ઝાલર મેલી શણગારવાની વાત ‘પોઢો પારણીયેના’ પ્રાસથી રજુ કરી છે. જેમાં વઢિયાર પ્રદેશની કલા સંસ્કૃતિના દર્શન થાય છે.

ઝુલો ઝુલો જશોદાના લાલ પોઢો પારણિયે, ઝુલો ઝુલો નંદજીના બાળ પોઢો પારણિયે,

તારું પારણિયું સોનલે મઢાવશુ રે ! મોતી માણેક ને હિરલે જડાવશુ રે,

તને ખમ્મા ખમ્મા કઉં નંદલાલ, પોઢો પારણિયે,

તારું પારણિયું રંગે રંગાવશું રે ! એને ઝાલર જરીની મેલાવશું રે,

તારાં હાલરડાં ગાઉં નંદલાલ , પોઢો પારણિયે,

તને રમવા રમકડાં આલશું રે ! નિત નવા નવા વાઘા પેરાવશું રે,

તારું મુખડું જોઈ હરખાઉ લાલ, પોઢો પારણિયે,૧૧

-: વીરપુરૂષો અને રાજવીઓનાં હાલરડાં :-

વઢિયાર વિસ્તારમાં સૌથી વધારે પ્રખ્યાત કોઈ હાલરડું હોય તો તે ‘વનરાજ ચાવડાનું હાલરડું’ છે. વનરાજ ચાવડાની રાજધાની વઢિયારના પંચાસરમાં હતી.

વનરાવનનો રાજા રે પોઢ્યો ઉંચે પારણે હો રાજ !

બહાદુર બાળો રાજા રે પોઢ્યો ઉંચે પારણે હો રાજ !

હાં રે પોઢ્યો જયશિખારીનો બાળ , હાં રે પોઢ્યો વેરીડાં કેરો કાળ.

હલકે ને હીંચોળું રે રાજા ગુર્જર દેશનો હો રાજ !

જુગતે ને ઝુલાવું રે મોભી ગુર્જર માતનો હો રાજ !

ઊંચેરી વડવાઈએ રે વનરાજનાં પારણાં હો રાજ !

અંકાશીલી ડાળ્યે રે બાળુડાનાં ઝુલણાં હો રાજ !

હાં રે માથે હીરે મઢેલું આકાશ , હાં રે માથે પૂનમનો અંજવાસ.

દૂધલડાં કાંઈ પીતો રે રૂપાવરણી રાતનાં હો રાજ !

ગોઠડિયું કાંઈ કરતો રે તારલિયાની સાથમાં હો રાજ !૧૨

આમ આ હાલરડાના ૬ (છ) બંધ છે. જેમાં વનરાજના રૂપનાં, પરાક્રમનાં વખાણ છે. સાથોસાથ વનરાજની માતાએ એને કયું છે કે આજ સુધી જીવું છું રે ગાવા શૂરનાં ગીતડાં હો રાજ ! ખરેખર વનરાજનું આ હાલરડું દરેક ગુર્જરવાસીએ વાંચવા, સાંભળવા અને ગાવા જેવુ છે. આ ઉપરાંત વનરાજનું એક બીજું હાલરડું કવિ ત્રિભોવન વ્યાસે રચેલું છે. પોઢો પોઢો મારા પારણે મારા બાળુડા વનરાજ,

ઝાડની ડાળીએ ઝૂલાવું, મારા ગુર્જરના શિરતાજ.

મારા બાળુડા વનરાજ ! ૧૩

વઢિયારના લોકદેવતા વચ્છરાજ સોલંકી (વાછડા દાદા)નું પણ હાલરડું સાંભડવા મળે છે.

ઝૂલે રે વચ્છરાજ કુંવર ઝૂલે રે વચ્છરાજ, કાલરી ગઢમાં ઝૂલે રે વચ્છરાજ !

પિતા હાથીજી ને માતા કંકુબાનો જાયો, ગાયનો રે વારુ ઝૂલે રે વચ્છરાજ !

બનાસનાકાંઠે વસતા લખાજી ગોહીલનું પણ એક હાલરડું સાંભળવા મળે છે.

લખાજીને લાડ લડાવું, હાલા શૂરવીરના ગાઉં,

શાદુળજી માગે શિવની આગે સુત દેજે શૂરવીર,

એ..કુરબાન કરે પંડની કાયા શિવને સોંપે શરીર.

રજપુતીનો રંગ ઈ રાખે, પરાક્રમી બેટડો પાકે॰

લખાજીને લાડ લડાવું, હાલા શૂરવીરના ગાઉં,

-: દેવી-દેવતાઓનાં હાલરડાં :-

લોકસાહિત્યના સૌથી વધારે ગીતો જો કોઈ દેવતાનાં જોવા મળતાં હોય તો રામદેવપીર છે. વઢિયારમાં રામામંડળની મંડળની મંડળીઓમાં રામદેવપીરનું હાલરડું જોવા મળે છે.

હાલરડું વાલું રે રામદેવજીને હાલરડું વાલું,

સોના પારણીયે હીરની છે દોરી, એ ઝૂલે પારણીયે વનમાળી. રામદેવજીને હાલરડું વાલું !

અહી પાછળની પંક્તિઓમાં માતા, પિતા, બહેન વગેરેના હાથે રામદેવજીના હાલા ગવાય છે.

સમગ્ર ગુજરાતના માલધારી સમાજના ઈસ્ટદેવ ગોગા મહારાજ અને સિગોતર(સિકોતર) માતાજીનાં પણ હાલરડાં વઢિયારમાં સાંભળવા મળે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં રમેલ (જાતર) હોય ત્યારે ગવાય છે. ગોગાજીનું હાલરડું ડાક સાથે ગવાય છે જેને હાલરડાં નહીં પણ ‘’હાલરિયાં’’ કહે છે. આ હાલરિયાં એ હાલરડાં જ છે.

સોના પારણે ઝુલો, ગોગા રૂપા પારણે ઝુલો, સોનાનાં પારણિયાં, ગોગા રૂપાનાં પારણિયાં,

ધરણીના રે ધણી, ગોગા વાંકડી મૂછો વાળા, કાશીના રે વાસી ગોગો પારણીયામાં ઝુલો,

હલુલુલુ હાલ….. ગોગા હલુલુલુ હાલ…..

ધોળા ઘોડા વાળા, બાપા ધોળી ધજા વાળા, શંકરના રે શણગાર બાપા પારણીયામાં ઝુલો,

મણિધર ઝુલો, ગોગા બાપા ફણીધર ઝુલો, પારસમણિ ગોગા બાપા પારણીયામાં ઝુલો..

હલુલુલુ હાલ….. ગોગા હલુલુલુ હાલ…..૧૪

નાગદેવતાને માનવ રૂપમાં ચિતરીને ભાવથી એના પણ હાલરડાં ગવાય છે. આ ઉપરાંત સિગોતર માતાજીનું પણ હાલરડું સાંભળવા મળે છે.

હાલો વાલો રે દેવી, હાલો વાલો, સંધની સિગોતર તને હાલો વાલો !

દરિયો વાલો રે બૂન દરિયો વાલો,દરિયાની દેવી તને દરિયો વાલો !

-: નેહડાનાં હાલરડાં – હાલા… :-

ગીરની જેમ વઢિયારમાં પણ લોકોની વસાહતને નેહડાઓ કહે છે. અને આ નેહડામાં રહેતા લોકોની આગવી સંસ્કૃતિ જોવા મળે છે. જ્યાં નિસ્વાર્થ સ્નેહ(નેહ) જોવા મળે છે તે ‘નેહડો’ છે. નેહડાની બાયો હાલા ગાય છે. જેમાં બાળકને લાડ લડાવવામાં આવ્યા છે તો ક્યાંક રમૂજ પણ જોવા મળે છે.

સોના રૂપાનું મારુ પારણું રે લોલ, પારણે પોઢ્યો મારો લાલ રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,

પારણે મોરપોપટ શોભતા રે લોલ, પારણું મોહાળનું વિમાન રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,

મોરવાયે ચાંદોસૂરજ કોતર્યા રે લોલ, એના પાયા પડ્યા ચાર દિશ રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,

સોયલો ઝૂલે બાળ પારણે રે લોલ, જાણે અંકાશે ઝગમગ તારલો રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,

હીરની દોરીએ માડી ઝુલાવતી રે લોલ, ‘રાઘવ’ હેતે હાલા ગાય રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,૧૫

ઉપરના હાલરડામાં વઢિયારી લઢણથી પદ્યને ગાવાથી એની હલક જોવા મળે છે. અહી પારણાને શણગારી મોહાળનું વિમાન કહેવામાં આવ્યું છે. આમ તો વઢિયારમાં મોટેભાગે પારણાં મોશાળથી આવેલી ભેટ હોય છે એટલે એને મોહાળનું વિમાન કયું છે. તો ‘રે લોલની’ પ્રાસ પંક્તિઓઓ ચમત્કૃતિ આપે છે.તો નીચેના હાલરડામાં વઢિયારના કલ્પવૃક્ષ બાવળમાંથી ઘોડિયાં બનાવવાની વાત કરી છે.

કાચા બાવળનું લાકડું રે ઘમર ઘૂઘરડી રે,

એનાં ઘડાવશું ઘોડિયાં રે ઘમર ઘૂઘરડી રે,

ઘોડીયે કોણ કોણ હિંચશે રે ઘમર ઘૂઘરડી રે,

હીંચશે ક્રિશક લાડકો રે ઘમર ઘૂઘરડી રે,૧૬

વઢિયારમાં પોતાની આગવી શૈલીથી આગવા રાગથી ગવાતું હાલરડું એ ‘હાલા’ છે. મા, બહેન કે કોઈપણ સ્ત્રી લાંબા લહેકાથી જ્યારે હાલા ગતિ હોય તો ઘડીવાર એ સાંભળીને હાલરડામાં પોઢવાનું મન થાય છે. એના શબ્દોમાં બહુ મર્મ નથી પણ એનો રાગ કર્ણપ્રિય હોય છે. હાલા હાલા કરતી ભૈ.. મારી ઋતુના હાલા ગાતી હાલા,

ઋતુ મારી અટારી એની કેડે બાંધો કટારી હાલા.

ઋતુ મારી વણઝારી એને શેર સોને શણગારી,

શેર સોનું કેવાનું સવાશેર સોનું પેરવાનું હાલા.

ઋતુ મારી વેપારી પૈસા લાવી બે પાલી,

બે પાલીના સવાયા ઋતુના કાકા ભવાયા હાલા.

હાલા હાલા ગાતી’તી ઋતુ વગર મરતી હાલા.

હાલો હાલો માડીનો લુલો પગશે મનાડીનો,

મનાડી ગઈ શે માળવે મારી ઋતુને પારણે કુણ જાળવે હાલા.

ઋતુના મામા આવે..શે…ફૂલ રૂમાલિયો લાવે હાલા.

ફુલ રૂમાલિયામાં નવલી ભાત,મારી ઋતુ પીવે ઘીની નાળ હાલા.

હાલરડાં દ્વારા જ ‘મા’ પોતાના બાળકમાં સ્નેહના રસો સીંચે છે. અને સ્નેહપાન કરાવતાં આજુબાજુના વાતાવરણનો પરિચય કરાવે છે. આવી કલ્પનાઓ બાળમાનસને જિજ્ઞાસાપ્રેરક બને છે. બાળકના મનને અનુરૂપ એની બોલચાલની લઢણને ધ્યાનમાં રાખીને માતા હાલરડાં જોડી કાઢે છે. તેમાંથી બાળકને ભાષાની સમજ, શબ્દ અને અર્થની સમજ, સંગીત અને લયનું એક માળખું બાળકના ચિતમાં સંક્રાન્ત થાય છે. આ રીતે હાલરડાં ભાષાશિક્ષણનું પણ કામ કરે છે. હાલરડામાં સંગીત, લય અને ઢાળની મધુરતા તરફ પણ બાળક આકર્ષાય છે.

હલુલુલું…હાલા ! હલુલુલું…હાલા ! જેવા રવાનુકારી જ્યારે અટારી-કટારી, માડી-મનાડી વગેરે દ્વિરુક્ત શબ્દો અને ઉક્તિનાં આવર્તનો-પુનરાવર્તનો તથા માતાના મધુર કંઠનું સંગીત બાળકને આનંદનો અનુભવ કરાવે છે.

અંતમાં એમ કહી શકાય કે હાલરડાં દ્વારા પ્રાપ્ત થતો સાંસ્કૃતિક વારસો,જાતિગત વિશેષતાઓ, સામાજિક પરિવેશ, લોકમાનસ, પશુ-પક્ષીઓ, દેવ-દેવીઓ, આકાશમંડળ આ બધાના શ્રવણથી બાળકનું હાડ બંધાય છે. હાલના સમયમાં હાલરડાં પણ બીજા લોકસંગીતની જેમ લૂપત્તાને આરે છે. તેને ગાવાવાળી દાદી-મા-ફઈ-કાકી-માસી-બહેન આધુનિકતાના રવાડે છે. જ્યારે આજ સ્ત્રીપાત્રો બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં ગાતીને બાળકના માનસમાં ભાવ-ભાષા-સંગીત અને સંસ્કારનાં અમૃત પાતી, એ હાલરડાં આપણી અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત છે. બાળક ,પારણું અને હાલરડું એ સૃષ્ટિના સર્જન અને પાલનપોષણના સ્તંભો છે.

સંદર્ભ :- (૧) “ગુજરાતની લોકસંસ્કૃતિ”- હસુતાબેન સેદાણી

(૨) “ઉતર ગુજરાતની લોકકથામાં મફત રણેલાકરનું પ્રદાન”- રાજેશ મોતીભાઈ રબારી, લોકગુર્જરી અંક માર્ચ-૨૦૨૦.

(૩) “કસુંબીનો રંગ” – દાનસિંહ જાડેજા ‘સત્યાર્થી’

(૪) ”વાતો ધરા વઢિયારની”-રાઘવ વઢિયારી

(૫) “વઢિયારની વાર્તા”-ડૉ.કિશોર ઠક્કર

(૬) કવિ મોડદાન ઝુલા

(૭) “લોકસાહિત્યકોશ”-સં.જેઠાલાલ ત્રિવેદી

(૮) તપોધન, પેમ્પલેટ ચિલ્ડ્રન યુનિવર્સિટી,ગાંધીનગર.

(૯) મુલાકાત : લક્ષ્મીબેન-મોતીપીંપળી, (૧૦) અગરબેન-વડા.(લેખકની બહેનો), (૧૧) જવાંબેન-લેખકનાં માતૃશ્રી

(૧૨) “કસુંબીનો રંગ”-ઝવેરચંદ મેઘાણી

(૧૩) ત્રિભુવન વ્યાસ

(૧૪) મનુ રબારી (ગીતકાર)

(૧૫) “ડિયર કિશુ”-રાઘવ વઢિયારી

Posted in હાલરડું

તમને ઝૂલાવે યશોદામૈયા ગોરી રે      


તમને ઝૂલાવે યશોદામૈયા ગોરી રે      
રસિક પ્રભુ, ઝૂલો રત્ન હિંડોળે….
ઝૂલો રત્ન હિંડોળે.


તમારે હિંડોળે ઝૂલે છે હાથી,
તમારે હિંડોળે ઝૂલે છે ઘોડા,
તમારે હિંડોળે મોતીઓની માળા રે
રસિક પ્રભુ, ઝૂલો રત્ન હિંડોળે..
ઝૂલો,રત્ન હિંડોળે.
તમારે હિંડોળે નાચે છે મોરલા,
તમારે હિંડોળે નાચે પોપટીયા,
તમારે હિંડોળે કોયલડીના કુ..કુ..રે
રસિક પ્રભુ, ઝૂલો રત્ન હિંડોળે……
ઝૂલો,રત્ન હિંડોળે.
તમને ઝૂલાવે ઓ લાલા તમને
ઝૂલાવે ઓ કાના તમને
ઝૂલાવે રાધિકારાણી ગોરી રે
રસિક પ્રભુ, ઝૂલો રત્ન હિંડોળે….
ઝૂલો રત્ન હિંડોળે.

Posted in હાલરડું

એક બહેનીએ ગાયેલું હાલરડું.



ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારા મ્હીયરની મ્હોરતી કુંજમાં;
મ્હારો વીરો ટહુકતો મોર,
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને.
મ્હારા મહીયરના માનસરોવરે,
મ્હારો વીરો બાળેરો રાજહંસ;
મ્હારા તાતજીનાં તપતાં તપ તેજમાં,
મ્હારો વીરો ઉગમતો ભાણ;
મ્હારી માતાનાં ઉ ઉછરંગમાં,
મ્હારો વીરો અષાઢી બીજ ચંદ;
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારા દાદાજીની ડહેલીએ ને ડાયરે,
મ્હારો વીરો લાડીલો બાળરાજ;
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારાં દાદીજીને હીર દોર હીંચકે;
વીરો પેઢીનું પોઢેલું પૂણ્ય;
હું તો મહીયરના આંબલાની મંજરી,
મ્હારો વીરો આંબલીઆનો મ્હોર;
વીરો સુખડાં દુખડાંની મ્હારે છાંય છે,
વીરો વસમી વેળાની ન્હારે બહાંય છે;
વીરો દુબળા દહાડાની મ્હારે સહાય છે.
મ્હારા અંતરનો ઠામ,
મ્હારી વાતનો વિરામ,
મ્હારાં આંસુ લુછનાર,
મ્હારું કુશળ પૂછનાર.
વારૂં ઓવારૂં વ્હાલા વીરને,
માડીજાયા રે મ્હારા વીરને;
ંબિકા અનંત તેને રક્ષજો,
જીવજો ઝાઝેરું વીર;
મ્હારા હૈયાનું હીર.
માડીજાયા તે મ્હારા વીરને.
ચાંદા સૂરજ તપો ત્યાં લગી,
તપજો મહીયરના મ્હેલ;
વધજો વીરાની વેલ,
માડીજાયા તે મ્હારા વીરને.
–અંબાલાલ પટેલ( અંબાકા)

Posted in હાલરડું

દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે,


દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે,
વાયરા જરા ધીમા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…….
રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…….
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ,ફૂલનો પવન,ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે મીઠા ગીત,
આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
હાલકડોલક થાય છે પાંપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો,એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…
-કૈલાસ પંડિત

Posted in હાલરડું

ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે


ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

સાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

રાધાને હાથે ચૂડો, ગિરધરવર છે રૂડો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

વ્રજની ગોપી આવે, એના ઝભલા ટોપી લાવે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધરને માખણ વ્હાલું, એ તો બોલે કાલુ કાલુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

એના મુખમાં સાકર આપું, ગિરધરને ઉરથી ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હું રમકડાં બહુ માંડુ, ગિરધરને આંજણ આંજુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ઘુઘરડો વગાડું, મારા ગિરધરને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

કુમુદિનીના પ્યારા, લાડકડા મોહન પ્યારા
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે