Posted in બાળ ગીતો

મેં એક બિલાડી પાળી છે,


મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,

 

એ હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,

 

દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,

 

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

 

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.

 

– ત્રિભુવન વ્યાસ
Posted in कविता - Kavita - કવિતા, બાળ ગીતો

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા


ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
– કવિ દલપતરામ

Posted in બાળ ગીતો

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસવાતો:😉😉


નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસવાતો:😉😉

  1. જો..જો..! કીડી મરી ગઈ..!!

(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..)

 

  1. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!

(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગમાગી લીધો હોય..)

  1. આવું ના બોલાય, પાપ લાગે..!

(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.)

  1. સુઈ જા, નહીં તો બાવો આવશે..!

(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા હોય ને ..!)

  1. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!

(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ બની જાય…!)

  1. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!

(ને પછી કાયમ, ચોકલેટ ખાવાની તો કાયમ ‘ના’ જ પાડતા…!)

  1. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી ખાઈ જશે…!

(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું પડતું..!)

  1. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!

(બા..બા જવાની આશામાં ને આશામાં છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ જ ના બનતો …!)

  1. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?

(હા… તો શું એમ કહીને બધા કામ કરાવીલેવાના…? )

અને સહુથી જક્કાસ તો આ…!

  1. એ…ઈ…! કાગો લઇ ગ્યો, જો….!

(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો ના હોય, એ વખતે..!!)

Posted in બાળ ગીતો

અમે ચાંદો સૂરજ રમતા’તા


 

રમતાં રમતાં કોડી જડી

કોડીનાં મે ચીભડાં લીધાં

ચીભડે મને બી દીધાં

 

બી બધાં મે વાડમાં નાખ્યાં

વાડે મને વેલો આપ્યો

વેલો મેં ગાયને નીર્યો

ગાયે મને દૂધ આપ્યું

 

દૂધ મેં મોરને પાયું

મોરે મને પીછું આપ્યું

પીંછુ મેં બાદશાહને આપ્યું

બાદશાહે મને ઘોડો આપ્યો

 

ઘોડો મેં બાવળિયે બાંધ્યો

બાવળે મને શૂળ આપી

શૂળ મેં ટીંબે ખોસી

ટીંબે મને માટી આપી

 

માટી મેં કુંભારને આપી

કુંભારે મને ઘડો આપ્યો

ઘડો મેં કૂવાને આપ્યો

કૂવાએ મને પાણી આપ્યું

 

પાણી મેં છોડને પાયું

છોડે મને ફૂલ આપ્યાં

ફુલ મેં પૂજારીને આપ્યા

પૂજારીએ મને પ્રસાદ આપ્યો

 

પ્રસાદ મેં બાને આપ્યો

બાએ મને લાડવો આપ્યો

એ લાડવો હું ખાઈ ગ્યો

ને હું આવડો મોટો થઈ ગ્યો