ઉછેર
એક બહેન પોતાના પુત્રને અમારા આશ્રમ બોચાસણ ( આણંદ) ખાતે ભણવા માટે મૂકી ગયેલા. છોકરો ખૂબ સરસ. એ છોકરાના સંસ્કાર જોઈને હું ઘણીવાર વિચાર કરતો કે આની માએ આ છોકરાનો ઉછેર કેવી રીતે કર્યો હશે?
એકવખત મારે એ છોકરાના ગામમાં જવાનું થયું. મારો મુકામ નિશાળમાં હતો . અચાનક આઠેક વર્ષની એક બાળકી છોકરાની નાની બહેનએ આવીને મને કહ્યું મારા ભાઈને લાવ્યા છો? મે કહ્યુ ચાલવાનું વધુ હતું તેથી નથી લાવ્યો પરંતુ તારી માતા ને મારે મળવું છે. પેલી નાની છોકરી ખુશ થતી થતી મને તેના ઘરે લઈ ગઈ. બાળકી ની માં એ મારો ખૂબ આદર સત્કાર કર્યો. ફાટેલી તૂટેલી ગોદડી માં બેસી ને હું તેમના પુત્ર વિશે વાતચીત કરતો હતો ત્યાં અચાનક પાંચેક વરસનો છોકરો દોડતો દોડતો આવીને પેલી બહેનના ખોળામાં બેસી ગયો. તે બહેન તેને આઘો ખસેડવાનો પ્રયત્ન કરે છે પરંતુ, પેલો છોકરો નીચે ઉતરે જ નહિ. મે પૂછ્યું કોનો છોકરો છે ? જવાબ મળ્યો ગામના શેઠનો. મને આશ્ચર્ય થયું પારકા છોકરા સાથે આટલા હેત – પ્રીત!…
આ બાઇ પ્રસૂતિ કરવાનું, દાયણ નું કામ જાણે છે . તેને કહ્યું આ છોકરા નો જન્મ થયો ને તેની માં મરી ગઈ. મે થોડો મોટો કર્યો ને પછી એના પિતા એને લઈ ગયા. અમે રહ્યા “રબારી” એટલે આનો બાપ આને ઘણું રોકે છે પરંતુ, આ અહીજ પડ્યો પાથર્યો રહે છે. આના બાપુને તે ગમતું નથી પણ આ માને શાનો ? એને માટે તો મે મટકુંય જુદું રાખ્યું છે પણ આતો મારા જ પાણિયારે પાણી પીવે છે, જમવાનું પણ મારી પાસે બેસીને જ !
મે પૂછ્યું આ છોકરો માંદો- સાજો થાય તો શું કરો ? પેલા બહેને જવાબ વાળ્યો છોકરો એવો શું ઉછેરિયે કે માંદો પડે? માંદો પડે તો આ કાંડું કાપી ન નાખવું પડે!
એ બહેનની વાત આજે પણ યાદ કરું તો મન આજે પણ પ્રસન્ન થયા કરે છે. બહેનો ઈચ્છે તો દુનિયા પલટી શકે છે…
=} પ્રસ્તુત વાર્તા આજથી મે ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી અને અર્ધ વંચાયેલી એક મેગેઝીન માંથી મળી. અને આ વાતના લેખક મુકસેવક, મુઠ્ઠી ઊંચેરા માનવી એવા ગુજરાત રાજ્યના ઉદઘાટક શ્રી રવિશંકર મહારાજ. પ્રકરણમાં સ્ત્રીઓ વિશે પણ સુંદર વિચારો વાંચવા મળ્યા.
=} દોસ્તો આ આખી વાતના પ્રાણ પેલી સ્ત્રી એ મહારાજને ઉછેર ની બાબતે આપેલ જવાબ છે. મારે આ હાર્દ ને માધ્યમ બનાવી ઘણું કહેવું છે ને હું ખુદ ને રોકી નથી શકતો.
=} આપડે નોંધવા જેવું એ છે કે અભણ સ્ત્રી ની પણ કેવી કેળવણી છે! ભણવું એટલે ચોપડી વાંચતા શીખવું એટલું જ નહિ, પણ જીવનમાં બધી રીતે ઘડાઈએ ત્યારે કેળવણી લીધી કહેવાય. અને ઉછેરના આ ઉદાહરણ પરથી તો વર્તમાન અને ભવિષ્યના સંદર્ભે બાળક ઉછેર પ્રત્યે તો ગ્લાનિ યુક્ત ચિંતન જ થાય છે. આજે જોઈ શકાય છે માં પોતાનો સમય સાચવવા અથવા બાળ ઉછેરના ઓતરા- ચીતરા સમયથી બચવા બાળકના હાથમાં મોબાઈલ સોંપી દે. અરે, અમુક બાળકોને તો રાત્રે જો મોબાઈલની સ્ક્રીન પર પોતાની આંગળીઓ ને આંખો ન ફેરવે ત્યાં સુધી તેઓ સુવે નહિ એવી કુટેવ હોય. આગળ શું વાત કરવી રહી જ્યાં બાળકના માતા – પિતા ખુદ આ કુટેવથી અસરગ્રસ્ત હોય! અપવાદ રૂપ સિવાય જેવી માં તેવું બાળક અને તેવો જ સમાજ .બાળઉછેર ના ક્ષેત્રમાં પુરુષ વર્ગ તો પોતે પોતાના વેપાર/ધંધા/ વ્યવસાય ની જવાબદારી ની મિથ્યા ઢાલ ઓઢીને પોતાના હાથ ઊંચા કરી લે છે. અને ઉછેર ની તમામ જવાબદારીનું વહન કેવળ સ્ત્રીઓ જ કરે.
જ્યારે બાળક ને સેવા સગવડ આપવાની થાય ત્યારે બંને એકરૂપ થઈને બાળક માટે એટલા સેફ ઝોન ઊભા કરી દે છે કે બાળક મોટું થતા કોઈપણ ભોગે આ સેવા- સુવિધા મેળવવા માટે જ મહત્વાકાંક્ષી થાય છે. તથા બાળકને એનકેન પ્રકારે જો તેના જીવનના કંફર્ટઝોનની બહારની બાબતને ટેકલ કરવાનું થાય ત્યારે ગભરાય છે અથવા પોતાના ઘૂંટણિયા ટેકવી દે . તરૂણ અવસ્થામાં આવા બાળકોને તડકામાં એકાદ- બે કિલોમીટર ચાલીને ક્યાંય જવાનું કહેવામાં આવે તો તે એવું અનુભવશે , જાણે હિમાલય ઓળંગવાનો હોય. આમાં કારણભૂત છે ઉછેર ની સાથે મળેલી સગવડતારૂપી આળસ.
ઉછેર માટે અન્ય ઘણા બધા કારણો જવાબદાર હોવા છતાં પણ જો માં/ સ્ત્રી વર્ગ ધારે તો સમાજમાં ઘણો મોટો ફેરફાર થઈ શકે છે. બાળમાનસ પર નાની નાની બાબતોની પણ ખૂબ મોટી અસર થાય છે. સ્ત્રી ત્યાગનું બીજું સ્વરૂપ છે અને કોઈપણ ક્ષેત્રમાં પરિવર્તન મેળવવું હોય તો ત્યાગ પ્રાથમિક બાબત થઈ બેસે છે. આપડા ક્રાંતિકારીઓ, મહાપુરુષો , અને યુગપુરુષોના જીવન જુવો તો મોટાભાગે તેમની જનેતાઓનો અથાગ ત્યાગ જોઈ શકાય છે. માતા જીજાબાઇ વિના શિવાજી ન પાકી શકે, રાધાબાઈ વિના તાનાજી ન થાય, જયવંતાબાઇ વિના મહારાણા પ્રતાપ જન્મી જ ન શકે. ભગવાન શ્રી રામ અને મહાબલી હનુમાન જનમવા માતા કૌશલ્યા અને અંજના જેવી માતૃ શકતી જોઈએ જ.
મેધાવીપણું, ખંતિલાપણું, શૌર્ય, વીરતા , નિર્ભયતા , કૂલિનતા, દિવ્યતા, દ્રઢતા, ચપળતા, વ્યવહારિતા, આદર્શતા અને સંસ્કારીતા ક્યાંયથી ખરીદી નથી શકાતા. તેને કેળવવા પડે છે અને કેળવણીનું કેન્દ્રબિંદુ માતૃશક્તિ છે.
એક દુહો યાદ આવે છે. ” મનહર મુખે માનુંણી,( એવી) ગુણિયલ હોય ગંભીર ઇ નારી એ નર નીપજે, ઓલા વંકળ મૂછા વીર
અને પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક “જેમ્સ વોટસનનું” એક વાક્ય યાદ આવે છે કે,” તમે મને એક બાળક આપો અને તમે કહો તે હું તેને બનાવી આપું
પ્રત્યેક સ્ત્રી પોતાના બાળકને યોદ્ધો બનાવે ( યોદ્ધા નું મગજ વિકસાવે) તો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રને વીરતા, રક્ષા, જાગૃતિ , સમૃદ્ધિ અને સ્થાયી મક્કમતા આપે તો રાષ્ટ્ર કેવળ બે દાયકામાં શ્રેષ્ઠતા ના શિખરો સર કરી નાખે.
પરંતુ આજ ( એકવીસમી સદી ) ના સ્ત્રી વર્ગને પારિવારિક પ્રશ્નો, અંગત પ્રશ્નો, દાંપત્યજીવનના પ્રશ્નો અને સ્વલક્ષી બાબત સિવાય સમય જ નથી. જેને આ બધા થી નવરાશ છે તેને શોશિયલ સાઈટમાંથી છુટકારો નથી. એવો તે દોર બંધાયો છે કે કોઈની બર્થ ડે, એનીવર્શરી, અન્ય શુભેચ્છાઓ, શુભકામનાઓ અને નાઇસ ડિકુ 🤣 કહેવાનું જો રહી જાય તો જાણે અપરાધ થઈ ગયો હોય એવો ભાસ અનુભવે.
=} મારું અંગતમતે દ્રઢતાપૂર્વક એમ માનવું છે કે જો સમાજ અને રાષ્ટ્રને મૂળભૂત રીતે સુયોગ્ય અને જરૂરી પરિવર્તન મેળવવું હોય તો મુખ્ય ત્રણ પરિબળોએ પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરવું પડશે. 1. સ્ત્રી વર્ગ , 2. શિક્ષણ અને 3. સાહિત્ય.
જો શ્રેષ્ઠ અને સુયોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત થાય , સ્ત્રી વર્ગ પોતાના મગજમાંથી અન્ય પરિબળો હટાવી રાષ્ટ્રવાદ ને જ ધ્યાનમાં રાખી બાળકોનો ઉછેર કરે ( રાષ્ટ્રવાદ નો અર્થ કોઈ દિવસ સીમિત વ્યાખ્યા માં ન કરવો, અહીંના સંદર્ભમાં એટલું સમજવું કે રાષ્ટ્રને “કોઈપણ પ્રકારે નુકશાની ન વેઠવી પડે ” અને જરૂરિયાતવાળા લક્ષણો ધરાવતા માણસોની ઉણપ ન વેઠવી પડે અથવા ઉણપ ન વર્તાય તે) એવા બાળકો ઉછેરે કે તે કેવળ તેના પારિવારિક દુઃખો જ નહિ કિન્તુ સમાજ અને રાષ્ટ્રની પીડાઓનો પણ નાશ કરે અને સાહિત્યકારો દ્વારા ઉચ્ચ સાહિત્ય રચવામાં આવે ( જો કે રચાયું જ છે અભાવ કેવળ શિષ્ટ વાંચન નો છે) અને પ્રજા ઉચ્ચત્તમ પ્રકારનું સાહિત્ય ફરજિયાત પણે વાંચે તો સુખકારી અને હિતકારી પરિવર્તનના પ્રવાહ ને કોઈ રોકી શકનાર નથી
~} છેલ્લે ફરી એક સોરઠી દુહો યાદ આવે છે
” જનની જણ તો ભગત જણ
કા , દાતા કા, શુર….
નહિતર માડી રે ‘જે વાંઝણી
તારા મત રે ગુમાવીશ નુર….

~ વિજય