Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

ચૈત્ર નવરાત્રી


ચૈત્ર સુદ એકમ…
ચૈત્રી નવરાત્રનો પ્રારંભ…
ગુજરાતી માસ પ્રમાણે કારતક માસથી દર ત્રીજા માસે નવરાત્ર આવે છે, એટલે વર્ષ દરમિયાન પોષ, ચૈત્ર, અષાઢ અને આસો એમ 3-3 મહિનામાં નવરાત્ર આવે છે.
આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ આ નવરાત્રનો સમયગાળો ૠતુસંધિનો હોય છે.
ૠતુસંધિમાં શારીરિક બળ ઘટે અને જો આહાર – વિહારમાં સંયમ ના જળવાય તો વ્યાધિ-વિકારથી મનુષ્ય દુઃખી થાય છે, માટે માઁ શક્તિની ઉપાસના અને ભક્તિ સ્વરૂપ આ નવરાત્ર ૠતુસંધિકાળમાં ગોઠવાયેલ છે.
વર્ષ દરમ્યાન ચાર નવરાત્ર પૈકી ચૈત્ર તથા આસો નવરાત્રનો પ્રચાર- પ્રસાર વધુ છે.
ફાગણ-ચૈત્રમાં વસંતઋતુ હોય છે એટલે કફવાતદોષ જન્ય વ્યાધિ વધુ પીડા આપે છે.
અને એનાથી પણ વિશેષ ભાદરવા-આસોમાં શરદઋતુ હોય છે જેમાં પિત્તવાતજન્ય વ્યાધિઓ માનવજાતને પીડે છે.

વેદનામાં માઁ નું સ્મરણ થઇ આવે … માઁ વિના કોણ ઉગારે ? ….
अनाथो दरिद्रो जरा-रोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः।
विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाऽहं ……. शरण्ये सदा माम् प्रपाहि ,
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।

ચૈત્ર સુદ એકમથી, નવું શકસંવત શરૂ થાય છે,
આ વર્ષથી શકસંવત 1945 નો પ્રારંભ થશે..

શક પ્રજા મધ્ય એશિયામાંથી સ્થાનાંતર કરીને હિંદમાં પશ્ચિમથી પ્રવેશ કરેલ હતો. સિંધુ નદીના કિનારે આ સાહસીક અને વ્યાપારી પ્રજા, ઘણી પ્રગતિશીલ અને સમૃદ્ધ બની હતી.ગુજરાતમાં કચ્છ અને ત્યાંથી દક્ષિણભારત સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાઇ હતી.

ઇ.સ. ના 78માં વર્ષથી શકસંવતની શરૂઆત થાય છે.
શક રાજાઓમાં કનિષ્ક અને શાલીવાહનનું નામ અતિપ્રસિદ્ધ છે.
મહારાષ્ટ્રનું પ્રતિષ્ઠાનપુર, જે આજે पैठाण તરીકે જાણીતું છે,
એ શાલિવાહન કે સાતવાહન, શક-શાસકો સાથે ઐતિહાસિક સંબંધ ધરાવે છે.

વિક્રમસંવતના ૧૩૫ વર્ષ પછી શકસંવતની શરૂઆત થાય છે.
કેટલીક પૌરાણીક કથા બતાવે છે. વિક્રમાદિત્ય બીજાએ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાનપુર પર આક્રમણ કરેલ અને શાલિવાહનએ એમને પરાસ્ત કરેલ એટલું જ નહી, એના સૈન્યને ખદેડતા છેક નર્મદા કિનારા સુધી પાછળ પડેલ, અંતે સંધિ કરાઇ જેમાં ભારતનો ઉત્તર ભાગ વિક્રમાદિત્ય તથા દક્ષિણ ભાગ શાલિવાહનના આધિપત્ય નીચે રહ્યો.

ઉત્તર ભારતમાં વિક્રમસંવતની શરૂઆત કાર્તિક સુદ એકમથી થાય છે, એટલે દિપાવલી પછી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે.
શાલિવાહન શકશાસકોના પ્રભાવ હેઠળ દર વર્ષે શકસંવતનો પ્રથમ દિવસ ગુડીપડવો તરીકે ઉજવાય છે.

ગુજરાતીમાં સુદ એકમને પડવો કહે છે.

પારંપારિક પરિભાષામાં ગુડી એ બ્રહ્મસ્તંભનું પ્રતિક છે.
ચૈત્ર સુદ એકમ જે બ્રહ્મસ્તંભ કે ધ્વજારોહણ કરાય છે એનો દેખાવ ગુડ્ડી-ઢીંગલી જેવો હોવાથી કાળક્રમે લોકબોલીમાં ગુડી શબ્દ આરૂઢ થઇ ગયો.
ગુડીપડવાના દિવસે…
એક વાંસની ટોચે લાલ કે કેસરી રેશમીવસ્ત્ર બાંધવામાં આવે છે..
એક તાંબાના કળશ પર પંચમહાભૂત કે પંચદેવના પ્રતિક રૂપ પાંચ ઉભી લીટી કુમકુમથી દોરાય છે. સ્વસ્તિક પણ કરે છે. આ કળશને રેશમી વસ્ત્ર બાંધેલા વાંસની ટોચે ઊંધો મુકાય છે.
આ બ્રહ્મસ્તંભને સાકરના હાર પહેરવાય છે.

જેને ગુજરાતમાં હારડાં કહે છે જે નવાં જન્મેલા બાળકોને હોળીના સમયગાળામાં પરંપરાગત રીતે ભેટ આપવાનો રીવાજ છે, અને આમ્ર-આંબો તથા નિમપત્ર – લીમડાંના નવીન તાજા પાંદડાઓની માળાઓ પહેરાવાય છે ત્યારબાદ ઘરના આંગણે આ બ્રહ્મસ્તંભ રોપવામાં કે ધ્વજારોહણ કરવામાં આવે છે એનું પૂજન શ્રદ્ધા, ભક્તિ, અને ઉત્સાહથી કરાય છે.
ગ્રીષ્મકાળમાં પિત્તવિકારોમાં નિમપત્ર તથા સાકરનું સેવન શીતતા – ઠંડક પ્રદાન કરે છે… એટલે તાજા નિમપત્ર તથા સાકર પ્રસાદ રૂપે ગ્રહણ કરાય છે.

સિંધી પ્રજા ચૈત્ર સુદ બીજના દિવસે સુખ – સમૃદ્ધિના આરાધ્ય દેવ દરિયાલાલ ( झुलेलाल) ની જન્મજયંતી ઉજવે છે. જેને ચેટીચંડ કહેવાય છે.
સિંધીભાષામાં ચૈત્ર ને ચેટી તથા ચંદ્રને ચંડ બોલવામાં આવે છે. ચૈત્રી સુદ બીજનો ચંદ્ર એટલે ચેટીચંડ.

મહાશિવરાત્રીથી શરૂ થયેલ વસંતોત્સવ ચેટીચંડ પર પુરો થાય છે.

માનવ ઉત્સવપ્રિય છે.
આનંદ તો છલકાવવાનો જ
એમાંય પ્રકૃતિ પણ,
નવાં પુષ્પોની સુગંધો,
તાજા પાકેલાં ફળોના સુમધુરાં સ્વાદ ,
રંગબેરંગી પતંગીયાં,
પક્ષીઓના કર્ણપ્રિય કલરવથી વસંતને લાવે છે…
એટલે પ્રાણીમાત્રની પંચેન્દ્રીય આ વિષયોનો
આનંદ લઇને ઉત્સાહિત થઇ જાય છે…

સર્વે મિત્રો ને,
ચૈત્રી નવરાત્રીની શરૂ થતાં નવવર્ષની, ગુડીપડવા સાથે ચેટીચંડની હાર્દીક શુભેચ્છાઓ સહ અભિનંદન.

ભાવેશભાઈ મોઢ

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s