એકવખત બાદશાહ અકબરે બિરબલને કહ્યુ, “બિરબલ આપણો શાહીખજાનો ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. આવક મર્યાદીત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર પણ નાંખી શકાય તેમ નથી અને પ્રજાકલ્યાણના ખર્ચ પર કાપ પણ મુકી શકાય તેમ નથી. મને કોઇ રસ્તો બતાવ જેથી શાહીખજાનાની ઘટ ભરપાઇ કરી શકાય”. બિરબલે કહ્યુ, “જહાંપનાહ, આપ નગરશેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપતિ છે.”
અકબરે બિરબલની સલાહ મુજબ નગરશેઠને ત્યાં દરોડો પાડ્યો. કરોડોની બેનામી સંપતિ હાથ લાગી. બાદશાહને પણ આશ્વર્ય થયુ કે નગરશેઠે આટલી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે ? નગરશેઠને આ બાબતે પુછ્યુ એટલે નગરશેઠે કહ્યુ, “મહારાજ, રાજ્યમાં જેટલા કામો ચાલે છે એ બધા જ કામોના કોન્ટ્રાક્ટમાં મારુ કમીશન છે. આ બધી એ કમીશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપતિ છે”. અકબરને ખુબ ગુસ્સો આવ્યો. નગરશેઠની બધી જ સંપતિ જપ્ત કરી લીધી. નગરશેઠ હવે રસ્તા પર આવી ગયા. બાદશાહે દયા ખાઇને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા.
કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો. શાહીખજાનાનું તળીયુ દેખાવા લાગ્યુ એટલે અકબરે ફરીથી બીરબલને યાદ કર્યો. બિરબલે કહ્યુ, “નગરશેઠને ત્યાં દરોડો પાડો”. વાત સાંભળીને અકબર ખ્ડખડાટ હસી પડ્યા. અકબરે કહ્યુ, “અલ્યા બિરબલ, હવે એ ક્યાં નગરશેઠ છે ! એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે. એની પાસે વળી શું સંપતિ હોય ? બિરબલે કહ્યુ, “આપ તપાસ તો કરાવો”.
અકબરે એમના ખાસ માણસોને તપાસમાં મોકલ્યા તો નગરશેઠ પાસેથી બહુ મોટી સંપતિ મળી આવી. બાદશાહને આશ્વર્ય થયુ કે આટલી બધી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે આ માણસે ? અકબરે જ્યારે ખુલસો પુછ્યો ત્યારે નગરશેઠે કહ્યુ, “ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પુરુ આપતા નહોતા એની મને ખબર પડી એટલે મે એમને કહ્યુ કે જો તમે મને આમાં ભાગ નહી આપો તો હું બાદશાહને બધી વાત કરી દઇશ. બસ પછી તો ત્યાં આપણું કમીશન ચાલુ થઇ ગયું.”
અકબરને ખુબ ગુસ્સો આવ્યો. બધી જ સંપતિ લઇ લીધી અને હવે દરીયાના મોજા ગણવાનું કામ સોંપ્યુ જેથી નગરશેઠ બીજાને હેરાન કરીને કોઇ સંપતિ ભેગી ન કરી શકે. થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુધ્ધ થયુ એટલે ખજાનો ખાલી થવા લાગ્યો. ફરીથી બિરબલને બોલાવ્યો અને મહારાજા કંઇ પુછે એ પહેલા જ બિરબલે કહ્યુ,” જહાંપનાહ, નગરશેઠને ત્યાં દરોડો પાડો.”
અકબરને પુરો વિશ્વાસ હતો કે આ વખતે નગરશેઠ પાસેથી કંઇ જ નહી મળે. દરોડો પાડ્યો તો બહુ મોટી સંપતિ મળી આવી. આ વખતે તો સૌથી વધુ સંપતિ હતી. બાદશાહે નગરશેઠને પુછ્યુ, “ભાઇ, તું આટલી સંપતિ કેવી રીતે પેદા કરી શક્યો ?. નગરશેઠે કહ્યુ, “બાદશાહ, આપે મને દરીયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપતિ કમાયો છું. માલસામાન ભરીને જે વહાણો કિનારા પાર આવતા હોય એ બધા વહાણોને દુર જ અટકાવી દેતો. આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યુ છે અને તમારા વહાણને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે. માટે વહાણ કિનારા પર લાવવાનું નથી. છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વહાણને કિનારે આવવાની મંજૂરી આપુ આવી રીતે કમાણી વધતી ગઇ.”
બાદશાહ અકબર ફાટી આંખે નગરશેઠ સામે જોઇ રહ્યા.
મિત્રો, આવા કેટલાય નગરશેઠો આજે પણ જીવે છે. સરકાર ગમે એવા ગાળીયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે.