એક યુવક વહેલી સવારે પોતાની કાર લઇને ફુલવાળાની દુકાન પર પહોંચ્યો.
આજે એની માતાનો જન્મદિવસ હતો અને એની ‘માં’ એનાથી 200 કીલોમીટર દુર રહેતી હતી. માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફુલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો. એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.
યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયુ કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી. યુવક એ છોકરી પાસે ગયો અને પુછ્યુ “ બેટા, કેમ મુંઝાઇને બેઠી છે ?” એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે. મારે મારી મમ્મીને લાલ-ગુલાબ ભેટમાં આપવા છે કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે. પરંતું દુકાનવાળા ભાઇ લાલ-ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે.”
યુવકે ખીસ્સામાંથી પાકીટ કાઢ્યુ અને તેમાથી 10-10ની ત્રણ નોટ કાઢીને છોકરીના હાથમાં મુકી. છોકરી તો એકદમ ખુશ થઇ ગઇ. યુવકનો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઇ પાસે ગઇ અને મમ્મીને ગમતા લાલ-ગુલાબ ખરીદ્યા. યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનિય આનંદ જોઇ રહ્યો. છોકરી ગુલાબ ખરીદીને આવી એટલે યુવકે એને પુછ્યુ , “ બેટા, તારે કઇ બાજુ જવું છે?”
છોકરીનું ઘર આ યુવકના ઘર તરફ જતા રસ્તામાં જ વચ્ચે આવતુ હતુ એટલે યુવકે છોકરીને પોતાની ગાડીમાં બેસાડી.
રસ્તામાં છોકરીનું ઘર આવ્યુ.
ઘર બહુ જ સામાન્ય હતું.
ગાર-માટીના લીંપણ વાળું.
છોકરી ફરીથી આભાર વ્યકત કરીને દોડતા-દોડતા પોતાના ઘર તરફ ગઇ.
યુવાન ગાડી ઉભી રાખીને જોઇ રહ્યો હતો.
છોકરીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને એની માતાએ જ દરવાજો ખોલ્યો.
છોકરીએ લાલ-ગુલાબ એની માતાના હાથમાં મુક્યા અને છોકરીની ‘મા’ હર્ષથી પોતાની વ્હાલી દિકરીને ભેટી પડી.
યુવકે આ દ્રશ્ય જોયુ અને કંઇક વિચારવા લાગ્યો.
એણે ગાડી પાછી વાળી.
ફુલવાળાની દુકાને ગયો અને માતાના રહેઠાણ પર બુકે મોકલવાનો આપેલો ઓર્ડર કેન્સલ કરાવ્યો. માતાને ગમતા ફુલોનો બીજો બુકે તૈયાર કરાવ્યો અને પોતાની સાથે એ બુકે લઇને 200 કીલોમીટરની યાત્રા શરુ કરી. …
જીવન બહુ જ ટુંકું છે જે તમને પ્રેમ કરે છે એના માટે પુરતો સમય આપો. કામની અગત્યતા સમજવી જરુરી છે પરંતું કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે…