“ લશ્કરી ! તું મારી ફીરકી ના ઉતારે તો તને મારી એક વાત કહું.” ડો હંસરાજ વેકરીયા બોલ્યો.
અરે વેકરીયા ! તારી ફીરકી ઉતારવાની જરુર ખરી ?” મેં કહ્યું. ડો એચ એન વેકરીયા રાજકોટ સ્થિત પેડીયાટ્રીશ્યન. જામનગર મેડીકલ કોલેજનો મારો ક્લાસમેટ. સ્વભાવે સરળ પ્રક્રુતિનો. મેડીકલ પ્રોફેશનને ધંધાની દ્રષ્ટિએ નહિ, માનવસેવાની અમુલી તક તરીકે જુએ. મને એકવાતનો આનંદ અને ગર્વછે કે મારા બધા ક્લાસમેટ વેકરીયા જેવી માન્યતા ધરાવી ક્લીનીક, હોસ્પીટલ ચલાવેછે. પેશન્ટને સારી ટ્રીટમેન્ટ અને સાચી સલાહ આપવી એ અમને બધાને ગમે. ઘણીવાર પેશન્ટની થોડી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી જો તકલીફ દૂર થતી હોય તો અમે મેડીસીન પ્રીસ્ક્રાઇબ કરવાનું ટાળીએ.
વેકરીયાએ મને કહ્યું : “૧૯૯૪ના નવેમ્બર ની વાતછે. હું મારા શ્વસુરગ્રુહે એક ફેમીલી ફંકશન એટેન્ડ કરવા રાજકોટથી અમદાવાદ વીથ ફેમીલી ગયો હતો. ત્યારે શિયાળો બરોબર જામ્યો હતો. ફંકશન પૂરું થયે હું રવીવારે મોડી સાંજે રાજકોટ આવવા નીકળ્યો. દિવાળી વેકેશન હોવાથી ફેમીલી અમદાવાદ રોકાઇ ગયેલું. રસ્તામાં બસમાં બે વખત પંક્ચર પડ્યું. ટાઇમ ઘણો બગડ્યો. રાત્રે બે વાગે કોટેચા ચોકમાં ઉતર્યો. ટાઢ કહે મારું કામ. બત્રીસીના ડાકલા વાગે. કૂતરા આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા તૈયાર ઊભા હોય. ચોકમાં કોઇ રીક્ષા દેખાઇ નહિ.”
એ જમાનામાં Uber, Ola નું કોઇએ નામ પણ સાંભળેલું નહિ. મોબાઇલ પણ નવો નવો આવેલ. ખમતીધર, શોખીન માણસો પાસે જ હોય. માભો મારવા મોબાઇલને કવરમાં રાખી પેન્ટના બેલ્ટમાં લટકાવતા. મોબાઇલની રિંગ વાગે એટલે આજુબાજુની ઈર્ષ્યાળુ નજરો આપણી સામે જુએ. આપણે પણ રાજાશાહી ઠાઠથી લાંબી રિંગ સાંભળ્યા પછી જ મોબાઇલ ઉપાડતા.
ડો વેકરીયાએ તેની વાત આગળ ચલાવી.”ઠંડી એટલી જોરદાર હતી કે મેં તો શરમ રાખ્યા વગર બેગમાંથી શાલ કાઢી મોઢે બુકાનીની જેમ લપેટી ઓઢી લીધી. કોટેચા ચોકથી મારું ઘર અમીન માર્ગ પર આવેલ ભરતવન સોસાયટીમાં હતું. ટાંટીયાગાડી શરુ કરી ઝડપથી ચાલવા લાગ્યો. સોસાયટીમાં પહોંચ્યો તો દૂરથી મારા ઘરમાં લાઇટનો ગોળો ફરતો હોય તેમ લાગ્યું. સૂમસામ સ્ટ્રીટ, ક્યાંય કોઇ અવાજ નહિ. મને મનમાં લાગ્યું, નક્કી મારા ઘરમાં ભૂત ફરતું લાગેછે. કડકડતી ઠંડીમાં મને પરસેવો વળી ગયો. મનમાં ને મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યો. ફળિયાનો નાનો ગેઇટ અવાજ ના થાય તેમ ખોલ્યો. અંદર પ્રવેશ કર્યો. જોયું તો ઘરના મેઇન ગેઇટનો નકૂચો તૂટેલો. હવે સમજાયું , ઘરમાં ભૂત નહિ ચોર ઘુસ્યાછે. પરસેવાની જગ્યા ડરની ઘ્રુજારીએ લીધી. ચોરના હાથમાં કાંઇ હથિયાર હોય તો ? મોઢા પર શાલની બુકાની કસી લીધી. ઘરના મેઇન ગેઇટની બહાર એક સાઇડમાં ભીંત પાસે ઊભો રહી ગયો. થોડીવારમાં બે ચોર બહાર આવ્યા. મને જોઇ ગયા, ગેઇટ વચ્ચે થાંભલાની જેમ સજ્જડબંબ ઊભા રહી ગયા. હું બીકમાં ધ્રુજતા અવાજે બોલ્યો,’ કોણ છો?’
આ વાંચવું જેટલું રોચક લાગેછે એટલી વેકરીયાની હાલત સરળ ન હતી. વેકરીયાને મનમાં ડર બેસી ગયો હોય કે કદાચ ચોરના હાથમાં હથિયાર હોય અને જીવલેણ ઘા કરે તો ? આવી પરિસ્થિતિમાં વેકરીયા ડરના માર્યા ધ્રુજતા અવાજે બોલ્યો, “કોણ છો ?”
“ બાપલા, મારતા નહિ. અમે કાંઇ ચોર્યું નથી. અમને તપાસી લો.” બે માંથી એક ચોર બોલ્યો. વેકરીયાને થયું, ચોરના હાથમાં હથિયાર તો નથી. આમ વિચારતા ક્યારે બે ચોરની સામે આવી ગયો તે ખબર ના રહી.
ચોર બોલ્યો:”ઘરમાં બધા કબાટને અલીગઢી તાળા છે, ખુલતા નથી. જિંદગીમાં પહેલી વખત ચોરી કરવા નીકળ્યો ને પકડાઇ ગયો. આ મારો સાળો છે. પંદર દિવસથી હું માંદો હતો એટલે મજૂરીએ જઇ ના શક્યો. અઠવાડિયા પછી મારી દીકરીની અઘરણીના આણાંનું ટાંણુ છે. ઘરમાં એને દેવા એકેય નવો ગાભો નથી. એકાદ બે લુગડા મળી જાય એ આશયે ચોરી કરવા આવ્યો. કબાટ ખુલતા નથી એટલે ખાલી હાથે જાઇએ છીએ.”
ચોરને નિ:શસ્ત્ર જોઇ થોડીક હિંમત આવી. વેકરીયા સ્વસ્થ થઇને બોલ્યો :”લે, હું પણ ચોરી કરવા જ આવ્યોછું. મારી પાસે એક એવી ચાવી છે જેનાથી કદાચ તાળું ખુલી જાય.”
વેકરીયા પાસે તો ઘરના બધા કબાટની ચાવી હોય જ. બે ચોર અને વેકરીયા અંદર ગયા. કપડાના કબાટના તાળાંને ચાવીથી ખોલ્યું અને ચોરને કપડાં લઇ લેવા કહ્યું.
“ લશ્કરી ! ખરી વાત તો હવે આવેછે. ચોરે મારી પત્નીની ઘરમાં પહેરવાની જૂની ત્રણ સાડી લીધી. મેં એને ચાર પાંચ કિંમતી સાડી કાઢી આપી. પણ તેણે ના લીધી. બિચારાએ મને કહ્યું કે અમ જેવા ગરીબના ઘરમાં મોંઘામાયલા કપડા ના હોય. ને ગગીને ત્રણ સાડી તો ઘણી થઇ રહેશે. ચોર તો ચીંથરેવીંટ્યું રતન નીકળ્યો. જરુરીયાત જેટલી જ ચોરી કરી. ચોરીમાં પણ ઇનામદારી.”
વેકરીયાની વાત જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ હું નિ:શબ્દ થતો ગયો. કોની ખાનદાની વખાણવી ? ચોરની કે વેકરીયાની ? એક વખાનો માર્યો ચોરી કરવા આવેલ ચોર, બીજો એવો ઘરધણી કે પોતાના જ ઘરમાં માથે રહીને ચોરી કરાવે.
વેકરીયાએ વાત આગળ ચલાવી. “ ચોર ગયા પછી મેં કબાટને નકૂચો તોડી નાખ્યો. ચોરને તાળું ચાવી આપી બહાર ફેંકી દેવા કહ્યું હતું. ઘરમાં પણ કોઇને આ સાચી વાત ના કરી. સાત વરસ પછી મારા ફેમીલીને આ વાત કરી.”
હું મનોમન મારા મિત્ર ડો હંસરાજ વેકરીયાને વંદન કરવા લાગ્યો. સહજ રીતે કરેલ મદદ, એ પણ ક્યાંય ઢંઢેરો પીટ્યા વગર. શાસ્ત્રોમાં લખ્યુંછે કે આકાશ ઘર્મના થાંભલા પર ટકેલુંછે. આવા થાંભલા તો જોયા નથી પણ વેકરીયા જેવી નાની નાની થાંભલીઓ ઉપર તો નહિ ટક્યું હોય !
ક્રુષ્ણે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો ત્યારે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપેલ. આજે હંસરાજ મને ક્રુષ્ણનો સાક્ષાત્ ગોવાળિયો જણાયો.
-ડો હર્ષદ લશ્કરી
(કથાબીજ- ડો એચ એન વેકરીયા
સત્યઘટના કથાનક)