મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ :
સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિ-પરિવર્તનના સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. સમગ્ર ભારતમાં આ પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. જોકે દરેક પ્રદેશમાં તેનું અલગ –અલગ નામ છે, ને ઉજવણીની રીતો પણ જુદી-જુદી છે.
હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. વેદો અને પુરાણમાં પણ આ દિવસનો ઉલ્લેખ છે.
દિવાળી, હોળી, શિવરાત્રી અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે અને આ બધાં જ તહેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિન્દુ માસ અને તિથિ મુજબ આવે છે જ્યારે મકર સંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરી આવે છે.
શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ એટલે કે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી આ દિવસે જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્વ છે. એવું મનાય છે કે આ દિવસે આપવામાં આવેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે.
આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો દિવસ પણ લે છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખવાનો સંકલ્પ કરવામાં આવે છે.
મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે આપણી ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કે સૂર્ય દક્ષિણના હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષીણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ મનાય છે, પરંતુ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે, આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુન:જન્મ લેવો પડે છે. (શ્લોક ૨૪-૨૫)
ઉત્સવની ઉજવણી
મકર સંક્રાતિના પર્વને ૧૪મી જાન્યુઆરીએ મનાવાય છે, તે ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં આ તહેવારને જુદી-જુદી પરંતુ અનોખી રીતે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં તેને મકર સંક્રાતિના નામે ઓળખવામાં આવે છે. સાથોસાથ આસામમાં તેને હિબૂના નામથી ઓળખવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ – કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તામિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંકરાત, પૂર્વ ઉત્ત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે આ તહેવાર ઉજવાય છે.
મકર સંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુડ દયા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌથી વધારે બોલાય છે. તેનો અર્થ થાય છે તલ-ગોળ ખાઓ અને મીઠું મીઠું બોલો. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ અપાય છે. વિવાહિત મહિલાઓ આ દિવસે બીજી મહિલાઓને ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર – કંકુ લગાવી તલ-ગોળની સાથે ઉપહારોની ભેટ આપે છે. તેને ખૂબ જ શુભ શુકન મનાય છે.
તલનું દાન શા માટે ?
મકર સંક્રાતિમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તલ અને ગોળનું દાન કરવા પાછળ બે ધારણાઓ છે. એક ધારણા પ્રમાણે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય-શનિમાં શત્રુતા છે. આથી શનિ દેવ સંબંધી વસ્તુઓનું દાન આ દિવસે કરાય છે.
બીજી ધારણા એવી છે કે તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. શરદ ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને પોષણ મળે છે અને રોગ સામે રક્ષણ થાય છે. શરીરને પોષણ મળે છે અને રોગ સામે રક્ષણ થાય છે. શરીરને પૂરતી ઊર્જા મળી રહે તે હેતુથી આપણારિશી-મુનિઓએ તલ-ગોળમાંથી બનેલી વસ્તુઓના સેવન અને દાનની પરંપરાને આ તહેવાર સાથે જોડી છે. તલ, ગોળ, મગફળી, મગ – ખીચડી વગેરે વસ્તુ શીતપ્રકોપ સામે શરીરને રક્ષણ આપે છે.
સંક્રાંતિનું સ્નાન
આ દિવસે પવિત્ર નદીઓ કે સરોવરમાં સ્નાન કરવાનું વિધાન છે. જો ત્યાં જઈ શકાય તેમ ન હોય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરો. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અક્ષત, ફૂલો વગેરે નાખીને પૂર્વાભિમુખ થઈને ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો. પછી તલ અને ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, તાંબાનું પાત્ર, સોનું વગેરેનું દાન કરો.
પતંગની પરંપરા
મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરાય છે. પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાળ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક દિન ચંગ ઉડાઈ, ચંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. એક વાર શ્રીરામની પતંગ ઇન્દ્લોકમાં પહોંચી ગઈ. જેને જોઇને દેવરાજ ઇન્દ્રની પુત્રવધુ અને જયંતની પત્નીઓ એ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી, ‘જાસુ યંગ અસ સુન્દરતાઈ, સો પુરુષ જગ મેં અધિકાઈ’ પતંગ ઉડાડનાર અવશ્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછી ન આવતા શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારનાં દર્શન કર્યા પછી જ પતંગ પાછી આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાની ખાતરી પછી જ પતંગ પાછી આપી. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે. ભારતમાં પતંગ ઉડાડવામાં આવે જ છે સાથે ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.
પર્વ સાથે પરંપરા
• દક્ષિણ ભારતમાં બાળકોના વિદ્યાધ્યયન એટલે કે અભ્યાસ મકર સંક્રાંતિના દિવસથી શરૂ કરવાય છે.
• ગ્રીકના લોકો વાર-વધૂને સંતાનવૃદ્ધિ માટે આ દિવસે તલમાંથી બનેલા પકવાનો કે વાનગી વહેંચતા હતા.
• પ્રાચીન રોમમાં આ દિવસે ખજૂર, અંજીર અને મધ વહેંચવાનો ઉલ્લેખ છે.
• મકર સંક્રાતિના દિવસે કેટલાંક પ્રદેશોમાં કાળાં કપડાં પહેરવાનો રિવાજ છે.
• હિન્દુ ધર્મના બધાં જ તહેવારો હિન્દુ માસ અને તિથિ પ્રમાણે આવે છે જ્યારે ઉત્તરાયણ અંગ્રેજી માસ અને તારીખ પ્રમાણે ઊજવાય છે.
• મકર સંક્રાંતિ શિશિર ઋતુની સમાપ્તિ અને વસંતના આગમનનું પ્રતિક છે.
નિલેશ દવે