મોટર સાયકલ ફ્રિ પાર્કિંગમાં એવી રીતે ફસાઈ ગયું હતું કે વિજય એને બહાર કાઢવા મથી રહ્યો હતો.
હું બહાર ઉભો હતો.
મંદિરની બહાર થોડા ભીખારીઓ ઉભા હતા.
એક વૃદ્ધા પણ રસ્તા પર આવતા જતા લોકો પાસે ભીખ માગી રહી હતી.એના એક હાથમાં ટેકણ લાકડી અને બીજા હાથમાં ભીક્ષાપાત્ર હતું.
ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ભીડમાં પણ રૂપિયાનો રૂઆબ નજરે ચડતો હતો.પગે ચાલનારનું ધ્યાન તો કોઈથી અથડાઈ ન જવાય એ તરફ જ રહેતું હતું.
કોઈ આપે, ન આપે, હડધૂત કરે તોયે એ વૃધ્ધા તો આશીર્વાદ આપતી રહેતી હતી:-” ભગવાન તમારું ભલું કરે.હોય એનાથી બમણું કરે.”
એ મારાથી થોડે છેટે પાર્કિંગ બહાર કોઈ દાતાએ મૂકેલા બાંકડા પર આવીને બેઠી.ઉંમરનો બધો થાક એના ચહેરાની કરચલીઓમાં ડોકિયાં કરતો હતો.એમાંય, ભીક્ષાપાત્રમાં રહેલી થોડી પરચૂરણ તરફ જોઈને નિરાશાનાં પંખી પણ એની આસપાસ ઉડતાં હોય તેમ લાગતું હતું.
વિજય હજુ આવ્યો નહોતો.
વૃધ્ધા મારી પાસે આવી ઉભી રહી.ત્યાંજ વિજય પણ બાઈક લઈને આવ્યો.એણે ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી પેલી વૃધ્ધાના ભીક્ષાપાત્રમાં મૂકી.
એ સમયે મંદિર બાજુથી થોડાં પક્ષી એમની પેટપૂજા થઈ ગઈ હોય તેમ ઉડીને બાંકડાની બાજુના ઝાડ પર આવીને ગોઠવાઈ ગયાં.
પેલી વૃધ્ધાએ પચાસની નોટ વિજયને પાછી આપતાં કહ્યું:-” વીસ જ જોઈએ છે,સાહેબ !”
વિજયે મારી સામે જોયું.મેં ખિસ્સામાંથી વીસની નોટ કાઢીને એ વૃધ્ધાના ભીક્ષાપાત્રમાં મૂકી એટલે એ
” ભગવાન તમારું ભલું કરે.હોય એનાથી બમણું કરે.” બોલીને એક લારી બાજુ ચાલી ગઈ જ્યાં વીસ રૂપિયાનો એક વડાપાઉં મળતો હતો.
માણેકલાલ પટેલ