🔥 એક નગરમાં એક ગાનારો પોતાની ગાનારી પત્ની સાથે આવી ચડ્યો. તેને થયું કે, રાજદરબારમાં નાચગાનનો જલસો ગોઠવાય તો ઘણાં પૈસા મળશે અને લોકોને નાચગાન ગમી જશે તો એ લોકો પણ આમંત્રણ આપશે. એમ વિચાર કરીને તે પ્રધાનજી પાસે ગયો. નમન કરીને તેણે બધી વાત કરી.
પ્રધાનજી કહે: “તારી વાત બરોબર છે પણ અમારાં રાજાજી બહું જ કરકસર કરનારા છે, કોઈને એક દમડિય અાપે એમ નથી. માટે તારી ઈચ્છા હોય તો જલસો ગોઠવુ પણ ધનની આશા ન રાખવી. પછી જેવું તારું નસીબ”.
ગાયક અને તેની પત્ની આ સાંભળીને જરા નિરાશ થઇ ગયાં. આટલે દૂર આવ્યાં અને ખાલી હાથે પાછા જવું પડે, એ તો સારું ન કહેવાય. એટલે જે થાય તે ખરું એમ વિચારી ગાયકે કહ્યું, ” “પ્રધાનજી ભલે જે ભાગ્યમાં હશે તે થશે, આપ ખુશીથી નાચગાનનો જલસો આજ રાતે ગોઠવો. પણ રાજાજીને કહેજો જોવા આવે”.
રાત પડી અને રાજદરબારમાં પ્રજાજનો નાચગાનનો જલસો જોવા ઉમટી પડ્યાં છે. ઘણાં વખત પછી કંજૂસ રાજાજીએ જલસો ગોઠવ્યો, એટલે બધાં રીજી થઈને આવ્યાં હતાં.
જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ રસ જામતો ગયો. પણ પેલી કહેવત છે ને? ‘યથા રાજા, તથા પ્રજા! ‘ એટલે કંજૂસ રાજાએ કશી બક્ષિસ ધરી નહિ, તેમ કોઈ ધનિક પ્રજાજને પણ કશી ભેટ ન આપી! અરે, કોઈ ઉત્સાહના સૂર પણ ન કાઢે! રખેને, કંઈ આપવું પડે!.
અર્ધી રાત વહી ગઈ અને પેલી નર્તકી નાચી નાચીને અને ગાઈ ગાઈને લોથપોથ થઈ ગઈ. પણ કોઈએ એક પાઈ પૌસો આપ્યું નહીં. એટલે તેણે પોતાના ગાયક પતિનું ધ્યાન દોરવા એક દુહો લલકાર્યો:-
“રાત ઘડી ભર રહી ગઈ,
પીંજર થાક્યો આંય.
નટકી કહે સૂણ નાયકા,
અબ મધૂરી તાલ બજાય”.
એ સાંભળીને પેલો ગાયક તેનો મર્મ સમજી ગયો. ને તેણે સામે ઉત્તર રૂપે ગાયું:-
” બહોત ગઈ ને થોડી રહી,
થોડી ભી અબ જાય.
થોડી દેર કે કારણે,
તાલમે ભંગ ન થાય”.
આ દુહો ગાતાં નવું જ કૌતુક થયું. સાંભળવા આવેલ લોકોમાં એક સાધુ હતો. તેણે તુરંત જ પોતાનો નવો કીંમતી કામળો પેલા ગાયક તરફ ફેંક્યો. રાજ કુંવરે પોતાનાં હાથનું રત્ન જડિત સાનાનુ કડું તેને ભેટ આપ્યું. અને રાજકન્યાએ પોતાનો મૂલ્યવાન હીરાનો હાર ગળામાંથી કાઢીને પેલા ગાનારને આપ્યો.
આ જોઈને કંજૂસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું. એકાએક એવું તે શું બન્યું કે આટલી મોટી કીંમતી ભેટ પેલા ગાનારને ભેટ મળી? તેણે સાધુને પૂછ્યું. ” સાધુ મહારાજ ! આપે અંહી એવું તે શું કૌતુક જોયું કે આપને આપનો નવો કીંમતી કામળો ગાનારને ભેટ આપવાનું મન થયું?”.
સાધુએ કહ્યું, “રાજાજી હું આપને સાચું જ કહીશ.
કેટલાય વર્ષોથી મે સંસાર સુખનો ત્યાગ કર્યો હતો. પણ આજે અંહીનો બધો વૈભવ જોઈને મારું મન ફરીને સંસારસુખો ભોગવવા ઊંચા નીચું થવા લાગ્યું હતું. ત્યાં આ ગાયકે ગાયું કે,
*👉બહોત ગઈ ને થોડી રહી👈*
⏭️થોડી ભી અબ જાય
થોડી દેર કે કારણે
તાલમે ભંગ ન થાય⏮️
એ સાંભળીને મને થયું કે, આટલાં વર્ષો કઠિન તપસ્યા કરીને સાધુ તરીકે ગાળ્યાં, હવે જીવનનાં થોડાં વર્ષો બાકી રહ્યાં છે, ત્યારે શા માટે એ સન્માર્ગથી ચલિત થઈને મારે જીવતર એળે ગુમાવવું? મને એ ગાયકના વચનથી ભાન આવ્યું. માટે મે તેનાં પર ખુશ થઈને મારો એકનો એક કીંમતી કામળો તેને ભેટમાં આપી દીધો”.
પછી રાજાએ તેનાં રાજકુવરને પૂછ્યું, એટલે કુંવર કહે; “પિતાશ્રી, આપને હું સાચી હકીકત કહીશ. એ સાંભળીને આપને જે સજા કરવી હોય તે મને ખુશીથી કરજો. હું આપના કંજૂસ પણાથી કંટાળી ગયો હતો. હું રાજાનો કુંવર હોવા છતાં કંગાળની માફક રહું છું. મને જરાય સુખ નથી. એટલે મે કંટાળી જઈને આપનું કાલે સવારે ખુન કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ આ ગાયકના દુહાએ મારાં કુવિચારોને મારી હઠાવ્યો. મને થયું આપ હવે ઘરડાં થયાં છો. વધુમાં વધુ આપ કેટલું જીવવાના છો? માટે હવે થોડો વખત વધારે મુશ્કેલી ભોગવી લઉં તો એમાં શું થઈ ગયું? નાહક આપને મારીને પિતૃહત્યાનુ પાપ શા માટે વહોરી લઉં? એટલે મે કુ વિચાર છોડી દીધો. મને આ ગાયકે જગાડ્યો, તેથી મે ખુશ થઈને મારું કીંમતી કાંડું તેને ભેટમાં આપી દીધું”.
પછી રાજાએ કુંવરીને કારણ પૂછ્યું, એટવે કુંવરીએ જવાબ આપ્યો; ” પિતાશ્રી હું પણ આપને સાચું જ કહીશ. હું હવે મોટી થઈ ગઈ છું. પણ આપ ધનની લાલચમાં મારાં લગ્ન યોગ્ય પાત્ર સાથે કરતાં નથી. જેવાં તેવા માણસનાં હાથમાં મને સોંપી દેશો એવો મને સતત ભય રહે છે. ધનની લાલચ તમને વિવેક કરવા દે એમ નથી. માટે મે પ્રધાનજીના પુત્ર સાથે ક્યાંક નાસી જવાનો વિચાર કર્યો હતો. અને હમણાં થોડાં વખત પહેલાં જ મને થયું કે હવે વિલંબ કરવો ઉચિત નથી. આવતી કાલે જ એ નિર્ણય અમલમાં મૂકી દેવો. ત્યાં તો મે એ દુહો સાંભળ્યો અને મારાં મન પર એનું બહું પરિણામ થયું.મને થયું પિતાજી હવે વૃધ્ધ થયાં છે. હવે વધુ કેટલું જીવશે? પિતાશ્રી પછી ભાઈ ગાદીએ આવશે અને ભાઈ તો ઉદાર દિલનાં છે અને મારાં પર હેત રાખે છે. તો પછી થોડાં વખત માટે થોભી જાઉં તો કશું બગડવાનું નથી. પ્રધાનજીના પુત્ર સાથે નાસી જાઉં તો આપણા કુળને પણ લોકો વગોવે. એનાં કરતાં એવું ન કરવું અે જ યોગ્ય છે. ગાયકના એ દુહાએ મને સાનમાં આણી, માટે મેં ખુશ થઈને મારો કીંમતી હાર તેને ભેટમાં આપી દીધો “.
રાજાજી આ બધું સાંભળીને વિચારમાં પડી ગયાં. તેને પોતાની ભૂલ સમજાઈ. પછી તેણે ગાયક અને તેની પત્નીને ખૂબ ધન આપીને માનભેર વિદાય કર્યા
આ નાનકડી વાર્તા વાંચનાર પણ વિચારજો કે બહોત ગઈ અને થોડી રહી. શાના માટે અને કોના માટે મારે વેર બાંધવાં, અબોલા લેવા, કોઈને ન ગમે તેવું વર્તન જાણી જોઈને કરવું, બહારના કદી મારા થવાના નથી તો શા માટે મારી ઘરની જ વ્યક્તિઓને હું અનહદ પ્રેમ ન આપી શકું કારણ એ તો સદાય મારી સાથે જ રહેવાના છે. ગાયક નો નાનકડો દુહો ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેમ છે જો તેને ધ્યાનથી વાંચીએ અને સાંભળીએ તો..✒️
🌷 શ્રી સંપ્રદાય🌷
Dilip