Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

અધૂરો સંબંધ

“લુચ્ચા.. લફંગા..બદમાશ..ફરેબી..” દુલ્હનના પરિવેશમાં એક યુવતી રીવરફ્રન્ટ પર ઉભી ઉભી ધુંઆપુંઆ થઈ ગાળોના વરસાદ સાથે એક પછી એક ચીજવસ્તુઓ નદીમાં પધરાવી રહી હતી. તમાશાને તેડું ન હોય એમ લોકો પણ એ દ્રશ્ય જોવા ઉમટ્યા. કેટલાક ટીખડીયા પોતાનો મોબાઈલ કાઢીને વિડિયો બનાવવા લાગ્યા. યુવતી પણ અતિશય ગુસ્સામાં ભાન ભૂલી ગઈ હતી. એટલામાં દોડતી એની સખીઓ આવી અને પરાણે એને લઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. યુવતીના જતાં જ લોકો ગુસપુસ કરવાં લાગ્યાં.

ઘરે જતાં જ ચોધાર આંસુઓ સાથે ફસડાઈ પડી. એના સ્નેહીજનોએ માંડ માંડ શાંત પાડીને મામલો સંભાળ્યો. એ યુવતીનું નામ કેતકી. આજે એના લગ્ન હતાં અનિમેષ સાથે..
પણ લગ્નનો માહોલ જાણે માતમમાં ફેરવાઈ ગયો હતો.

એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણતી કેતકી માટે અનિમેષ નામના એક ડોકટર યુવાનનો લગ્ન અંગે પ્રસ્તાવ આવ્યો ત્યારે ઘરમાં સૌ રાજીના રેડ થઈ ગયા. બે પરિવારો મળ્યાં. યુવક-યુવતીની મિટિંગ ગોઠવાઈ. બધું બરોબર લાગતા સંબંધ પાકો કરી દીધો. કેતકીના માબાપ તો ઘેર બેઠાં ડોકટર જમાઈ મળ્યો એમ ધારીને ખુશીથી ફુલ્યા નહોતા સમાતા.

થોડા સમયમાં બંનેની સગાઈ પણ કરી નાખી. લગ્ન માટે વરપક્ષ વધુ ઉતાવળો થઈ રહ્યો હતો. એટલે લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી.

કેતકીને અનિમેષ સાથે હરવાફરવા જવાની છૂટ હતી પણ અનિમેષ ક્યારેક કામનું બહાનું ધરીને ટાળતો. કેતકીને અનિમેષ થોડો મિતભાષી લાગ્યો એટલે એણે પણ બહુ આગ્રહ કરવાનું ટાળ્યું. જ્યારે મોકો મળે ત્યારે બંને ડિનર બહાર લેતાં. અનિમેષે કેતકીને અવારનવાર ગિફ્ટ આપીને થોડા જ વખતમાં પોતાની કરી લીધેલી.

હવે લગ્નની ઘડીઓ ગણાતી હતી. લગ્ન આડે બે દિવસ જ રહ્યા હતાં. પણ કેતકી એના માબાપ કશી મૂંઝવણમાં હોય એવું અનુભવતી. એ પૂછતી તો લગ્નનું થોડું ટેંશન છે કહીને ટાળતા.

આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. પીઠી ચોળાઈ.. મહેંદી રચાઈ..અને પિયરની પ્રીતનું પાનેતર ઓઢીને હંમેશ માટે સાસરીની વાટ પકડવા થનગની રહેલી કેતકી મંડપમાં બસ જવાની જ વાર હતી. એટલામાં એની ખાસ સહેલી શૈલી આવી.

“કેમ આટલી મોડી આવી? પીઠી અને મહેંદી પણ પતી ગયા પછી..?” એને જોઈને કેતકી રીસામણે સૂરે બોલી.

“એ બધું પછી..પહેલાં કહે પેલો આસમાની શેરવાનીમાં છે શું એ છે તારો વરરાજા?” શૈલી ચિંતાતુર થઈને પૂછી બેઠી.

“હા. એ જ છે..બોલ કેવો છે..?” કેતકી શરમાતા બોલી.

જવાબ આપવાના બદલે શૈલીએ કેતકીના કાનમાં કંઈક કીધું અને મોબાઈલમાં ફોટા બતાવવા લાગી. કેતકી એકદમ સ્તબ્ધ થઈ ગઈ. બહાર મંડપમાં ગોરબાપાએ ‘કન્યા પધરાવો સાવધાન’ કહીને કન્યાને મંડપમાં લાવવા કહ્યું. મામા પોતાની ભાણીને હાથ પકડીને મંડપમાં લાવ્યા.

પોતાના માતાપિતાના ચહેરા પર હજીય લાચારી દેખાતી જોઈને કેતકી ક્રોધમાં સળગી ઉઠી અને એક તમતમતો તમાચો એણે અનિમેષના ગાલે ચોળી દીધો. લોકો તો અવાક બનીને જોઈ જ રહ્યા.

સત્ય પરથી પડદો હટાવતાં કેતકીએ સૌને જણાવ્યું કે અનિમેષ ડોકટર નહીં પરંતુ કમ્પાઉન્ડર છે એ વાત એણે કેતકીથી છુપાવી અને એટલું જ નહીં લગ્નના બે દિવસ બાકી હતા અને કેતકીના માબાપ પાસે દહેજમાં નવી કાર માંગી એ વાત પણ કેતકીને એની પિતરાઈ બહેન દ્વારા જાણવા મળી. કેતકીની ખાસ સહેલી શૈલી જો વખતસર ન આવી હોત અને એણે અનિમેષ વિશેની હકીકતનો ફોડ ન પાડ્યો હોત તો કેતકીનું રામ જાણે શું થતું..!

હકીકત જાણતાં ગુસ્સે ભરાયેલા કેતકીના સગાંવહાલાઓએ અનિમેષ અને એના પરિવારને પોલીસના હવાલે કરી દીધાં.

કેતકી પણ સાબરમતીના કાંઠે જઈને તર્પણ કરી આવી..અનિમેષે આપેલી તમામ ભેટસોગાતો સાથે.. બંધાયેલા અધૂરા સંબંધનું..!

-અંકિતા સોની

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s