છવ્વીસ કે સત્યાવીસ વર્ષ થયાં.
તારીખ ૩૧ જાન્યુઆરી ૧૯૯૬ ના દિવસે મને આ કાંસકો ભેટ મળેલો.કોણે આપ્યો હતો ?…એમ કોઈ પૂછતાં નહિ..સમજી જાજો.
આજે એ કાંસકાના દાંતા ખર્યા.
ને એ ઉપરથી આપણા સૌરાષ્ટ્રનો એક ખમીરવંતો ઇતિહાસ યાદ આવી ગયો.
બહુ ટૂંકમાં એ ભવ્ય ગાથાનું વર્ણન કરીને પછી કાંસકાને પણ શણગાર કરીશું.
૯૦૦ વરહ પેલાની વાત.
રા’ નો વંશ…એટલે રા’ખેંગાર અને સતી રાણકદેવી ની વાત.
પાટણનો પ્રાતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢ માથે ચડી આવ્યો.ઘણા મહિના ઉપરકોટ ને ઘેરો નાખ્યો પણ ગઢની કાંકરી નો ખરી.
છેવટે રા’ખેંગારના ભત્રીજા,દેશળ અને વિશલ ના ઉપયોગથી સિદ્ધરાજે ઉપરકોટ કબજે કર્યો અને રા’ખેંગાર યુદ્ધમાં કામ આવી ગયા બાદ સતી રાણકદેવીને રથમાં બંધિત કરી, બેસાડી સિદ્ધરાજ હાલતો થાય છે ત્યારે…..
રાણકદેવી ગરવા ગિરનારને ઠપકો દીયે છે.
ગોઝારા ગિરનાર,વળામણ વેરીને કિયો
મરતાં રા’ખેંગાર,તું ખડેડી ને ખાંગો નો થિયો ??
હે ગિરનાર ! રોજ અશ્વ પર સવાર થઈ તારો ખોળો ખૂંદનારો જાતો રિયો…ને તું હજી અડીખમ ઉભો !??
તને શરમ નો આવી ??
પણ ત્યાંતો ગિરનારના પહાડો ખળભળ્યા…હુડુડ.. હુડુડ…કરતા મોટા મોટા ભેલા માંડ્યા દડવા,ધરતી ઘણેણી…
ને સતીને પસ્તાવો થયો… વળી,કીધું…
મા પડ્ય મુ આધાર,ચોસલા કોણ ચડાવશે ?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.
હે મહાન પર્વત ! પડતો બંધ થા…. કારણ…
કારણ કે તું હૈશ તો કોક જણ જાત્રાએ આવશે .
તને જોશે ને મારા પતિને યાદ કરશે.
એમ કહેતા તો ગિરનારના પડતા વિશાળ પથ્થરો અટકી ગયા.બહુ મોટો પથ્થર સાવ જાણે ટીંગાઈ રહ્યો હોય એમ અટકી રહ્યો છે.જે સતીના સતને આધારે રહ્યો છે.ત્યાં યાદી રૂપે સતી રાણકદેવી ના હાથના પંજા નું ચિહ્નન છે.એ સ્થળને રાણકના થાપા તરીકે ઓળખવામાં આવે છે.
પછીતો વઢવાણ ભોગાવો નદીના કાંઠે જાતાં રાણકદેવી સતી થયા.ત્યાં સતીનું મંદિર છે.
——————
તમને થશે કે કાંસકો જોઈને જૂનાગઢનો આ ઇતિહાસ કેમ યાદ આવ્યો.?
હવે કાંસકાની વાત.(મારા વિચાર અને મારી શૈલીમાં)
છવ્વીસ વર્ષ પહેલાં મને હિના તરફથી ભેટ મળેલો આ દાંતીયો આજે એવોને એવો સરસ મજાનો જોવા મળ્યો.એટલે મેં એને દુહો કીધો.
ઘણો વખતરો ઘાટ,( જોને)કાંસકડા તુને કિયો
સર પર થાતાં સપાટ,તું પડીને પાંખો નો થિયો ??
હે દાંતીયા !! ઘણા સમય સુધી તેં ભાલના વાળમાં કેટલાય ઘાટ કર્યા..ઘડીક આનિકોર્ય પેંથો પાડ્યો…ઘડીક ઓલિકોર્ય પેંથી પાડી.ક્યારેક અનિલ કપૂર જેવી સટાઇલ કરી દીધી..ક્યારેક અમોલ પાલેકર ટાઈપ ઓળી દીધા..
ને હવે જ્યારે એના માથે ટાલ પડી ગઈ…કોક કોક ગણ્યા ગાંઠ્યા તવણા રહ્યા…ત્યારે હજી તારા દાંતા કેમ ઈમનાન છે?.તને શરમ નો આવી ??
ત્યાંતો આકાશમાં કડાકો થયો.
દાંતા ખરવા માંડ્યા…
એક……બે……ને ત્રણ દાંતા ખર્યા ત્યાં મને એમ થયું કે જો આમનામ બધા દાંતા ખરી જાહે તો આ દાંતીયો ઢુંઢીયાની રાંપ જેખો દેખાશે…ટૂંકમાં દયા આવી.
ને બીજો દુહો કીધો.
તું ખરવાનું ટાળ,ક્યાં ક્યાં નજરું ખોળશે?
(મારા) વૈ ગ્યા ભલેને વાળ,હશે વાળ ઈ હોળશે.
એમ કહેતા તો કાંસકાના ઝીણા ઝીણા દાંતા ખરતા અટકી ગયા.
બસ અહીં કાંસકાની વાત પુરી.
-હિતેશ ભાલ
