Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પુસ્તકો ની દુનિયા:
એક નગરમાં એક ગાનારો પોતાની ગાનારી પત્ની સાથે આવી ચડ્યો. તેને થયું કે, રાજદરબારમાં નાચગાનનો જલસો ગોઠવાય તો ઘણાં પૈસા મળશે અને લોકોને નાચગાન ગમી જશે તો એ લોકો પણ આમંત્રણ આપશે. એમ વિચાર કરીને તે પ્રધાનજી પાસે ગયો. નમન કરીને તેણે બધી વાત કરી.
પ્રધાનજી કહે: “તારી વાત બરોબર છે પણ અમારાં રાજાજી બહું જ કરકસર કરનારા છે, કોઈને એક દમડિય અાપે એમ નથી. માટે તારી ઈચ્છા હોય તો જલસો ગોઠવુ પણ ધનની આશા ન રાખવી. પછી જેવું તારું નસીબ”.
ગાયક અને તેની પત્ની આ સાંભળીને જરા નિરાશ થઇ ગયાં. આટલે દૂર આવ્યાં અને ખાલી હાથે પાછા જવું પડે, એ તો સારું ન કહેવાય. એટલે જે થાય તે ખરું એમ વિચારી ગાયકે કહ્યું, ” “પ્રધાનજી ભલે જે ભાગ્યમાં હશે તે થશે, આપ ખુશીથી નાચગાનનો જલસો આજ રાતે ગોઠવો. પણ રાજાજીને કહેજો જોવા આવે”.
રાત પડી અને રાજદરબારમાં પ્રજાજનો નાચગાનનો જલસો જોવા ઉમટી પડ્યાં છે. ઘણાં વખત પછી કંજૂસ રાજાજીએ જલસો ગોઠવ્યો, એટલે બધાં રીજી થઈને આવ્યાં હતાં.
જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ રસ જામતો ગયો. પણ પેલી કહેવત છે ને? ‘યથા રાજા, તથા પ્રજા! ‘ એટલે કંજૂસ રાજાએ કશી બક્ષિસ ધરી નહિ, તેમ કોઈ ધનિક પ્રજાજને પણ કશી ભેટ ન આપી! અરે, કોઈ ઉત્સાહના સૂર પણ ન કાઢે! રખેને, કંઈ આપવું પડે!.
અર્ધી રાત વહી ગઈ અને પેલી નર્તકી નાચી નાચીને અને ગાઈ ગાઈને લોથપોથ થઈ ગઈ. પણ કોઈએ એક પાઈ પૌસો આપ્યું નહીં. એટલે તેણે પોતાના ગાયક પતિનું ધ્યાન દોરવા એક દુહો લલકાર્યો:-
“રાત ઘડી ભર રહી ગઈ,
પીંજર થાક્યો આંય.
નટકી કહે સૂણ નાયકા,
અબ મધૂરી તાલ બજાય”.
એ સાંભળીને પેલો ગાયક તેનો મર્મ સમજી ગયો. ને તેણે સામે ઉત્તર રૂપે ગાયું:-
” બહોત ગઈ ને થોડી રહી,
થોડી ભી અબ જાય.
થોડી દેર કે કારણે,
તાલમે ભંગ ન થાય”.
આ દુહો ગાતાં નવું જ કૌતુક થયું. સાંભળવા આવેલ લોકોમાં એક સાધુ હતો. તેણે તુરંત જ પોતાનો નવો કીંમતી કામળો પેલા ગાયક તરફ ફેંક્યો. રાજ કુંવરે પોતાનાં હાથનું રત્ન જડિત સાનાનુ કડું તેને ભેટ આપ્યું. અને રાજકન્યાએ પોતાનો મૂલ્યવાન હીરાનો હાર ગળામાંથી કાઢીને પેલા ગાનારને આપ્યો.
આ જોઈને કંજૂસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું. એકાએક એવું તે શું બન્યું કે આટલી મોટી કીંમતી ભેટ પેલા ગાનારને ભેટ મળી? તેણે સાધુને પૂછ્યું. ” સાધુ મહારાજ ! આપે અંહી એવું તે શું કૌતુક જોયું કે આપને આપનો નવો કીંમતી કામળો ગાનારને ભેટ આપવાનું મન થયું?”.
સાધુએ કહ્યું, “રાજાજી હું આપને સાચું જ કહીશ.
કેટલાય વર્ષોથી મે સંસાર સુખનો ત્યાગ કર્યો હતો. પણ આજે અંહીનો બધો વૈભવ જોઈને મારું મન ફરીને સંસારસુખો ભોગવવા ઊંચા નીચું થવા લાગ્યું હતું. ત્યાં આ ગાયકે ગાયું કે,
” બહોત ગઈ ને થોડી રહી,
થોડી ભી અબ જાય.
થોડી દેર કે કારણે,
તાલમે ભંગ ન થાય”.
એ સાંભળીને મને થયું કે, આટલાં વર્ષો કઠિન તપસ્યા કરીને સાધુ તરીકે ગાળ્યાં, હવે જીવનનાં થોડાં વર્ષો બાકી રહ્યાં છે, ત્યારે શા માટે એ સન્માર્ગથી ચલિત થઈને મારે જીવતર એળે ગુમાવવું? મને એ ગાયકના વચનથી ભાન આવ્યું. માટે મે તેનાં પર ખુશ થઈને મારો એકનો એક કીંમતી કામળો તેને ભેટમાં આપી દીધો”.
પછી રાજાએ તેનાં રાજકુવરને પૂછ્યું, એટલે કુંવર કહે; “પિતાશ્રી, આપને હું સાચી હકીકત કહીશ. એ સાંભળીને આપને જે સજા કરવી હોય તે મને ખુશીથી કરજો. હું આપના કંજૂસ પણાથી કંટાળી ગયો હતો. હું રાજાનો કુંવર હોવા છતાં કંગાળની માફક રહું છું. મને જરાય સુખ નથી. એટલે મે કંટાળી જઈને આપનું કાલે સવારે ખુન કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ આ ગાયકના દુહાએ મારાં કુવિચારોને મારી હઠાવ્યો. મને થયું આપ હવે ઘરડાં થયાં છો. વધુમાં વધુ આપ કેટલું જીવવાના છો? માટે હવે થોડો વખત વધારે મુશ્કેલી ભોગવી લઉં તો એમાં શું થઈ ગયું? નાહક આપને મારીને પિતૃહત્યાનુ પાપ શા માટે વહોરી લઉં? એટલે મે કુ વિચાર છોડી દીધો. મને આ ગાયકે જગાડ્યો, તેથી મે ખુશ થઈને મારું કીંમતી કાંડું તેને ભેટમાં આપી દીધું”.

પછી રાજાએ કુંવરીને કારણ પૂછ્યું, એટવે કુંવરીએ જવાબ આપ્યો; ” પિતાશ્રી હું પણ આપને સાચું જ કહીશ. હું હવે મોટી થઈ ગઈ છું. પણ આપ ધનની લાલચમાં મારાં લગ્ન યોગ્ય પાત્ર સાથે કરતાં નથી. જેવાં તેવા માણસનાં હાથમાં મને સોંપી દેશો એવો મને સતત ભય રહે છે. ધનની લાલચ તમને વિવેક કરવા દે એમ નથી. માટે મે પ્રધાનજીના પુત્ર સાથે ક્યાંક નાસી જવાનો વિચાર કર્યો હતો. અને હમણાં થોડાં વખત પહેલાં જ મને થયું કે હવે વિલંબ કરવો ઉચિત નથી. આવતી કાલે જ એ નિર્ણય અમલમાં મૂકી દેવો. ત્યાં તો મે એ દુહો સાંભળ્યો અને મારાં મન પર એનું બહું પરિણામ થયું.મને થયું પિતાજી હવે વૃધ્ધ થયાં છે. હવે વધુ કેટલું જીવશે? પિતાશ્રી પછી ભાઈ ગાદીએ આવશે અને ભાઈ તો ઉદાર દિલનાં છે અને મારાં પર હેત રાખે છે. તો પછી થોડાં વખત માટે થોભી જાઉં તો કશું બગડવાનું નથી. પ્રધાનજીના પુત્ર સાથે નાસી જાઉં તો આપણા કુળને પણ લોકો વગોવે. એનાં કરતાં એવું ન કરવું અે જ યોગ્ય છે. ગાયકના એ દુહાએ મને સાનમાં આણી, માટે મેં ખુશ થઈને મારો કીંમતી હાર તેને ભેટમાં આપી દીધો “.
રાજાજી આ બધું સાંભળીને વિચારમાં પડી ગયાં. તેને પોતાની ભૂલ સમજાઈ. પછી તેણે ગાયક અને તેની પત્નીને ખૂબ ધન આપીને માનભેર વિદાય કર્યા

@pustako_ni_duniya

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાજ પ્રભુનું


*રાજ પ્રભુનું ચાલે છે, નહીં કે કોઈના બાપનું*
*સમય હોય તો જરૂરથી વાંચજો*

એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી.

કાર પાર્ક કરી, હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં મીઠાઈની દુકાન બહાર ઉભા રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી મીઠાઈ જોઈ રહ્યું હતું.
મોઢા ઉપરથી કોઈક સારા ઘર નું બાળક લાગતું હતું.

ઘડીકમાં ગરમાગરમ ઉતરતા ફરસાણ તરફ તો ઘડીક માં મીઠાઈ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું.

મારા મંદિર તરફ જતા પગલાં ધીરાં પડ્યા અને એ બાળકની આંખો અને મોઢાના ભાવ હું શાંતિથી જોવા લાગ્યો.

ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર આવ્યા.

અને ન બોલવાના શબ્દો બોલી પગેથી ધક્કો મારી બાળકને પછાડી દીધો.

અને બોલ્યા સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે … ખબર નથી પડતી …

બાળક માટે આ નવું ન હતું. કારણ કે,
ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની અને લોકોની લાતો ખાવાની એ તેના માટે રોજનું હતું.

એ બાળક તો ઉભો થઇ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો.

પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા … આખી દુકાન વિવિધ મીઠાઈઓ ને માવાથી ભરેલ હતી … પણ આ શેઠનું માનવતા રૂપી દિલ ખાલી હતું.

હું સ્વસ્થ થઈ આગળ વધ્યો.

એ બાળક મંદિર પાસે ઉભો રહી બહારથી ભગવાનના દર્શન કરતો હતો.

મને અંદરથી ખાતરી થતી ગઈ ચોક્કસ આ બાળક કોઈ સારા પરિવાર નું લાગે છે.

આજે રજાના દિવસે ખાસ મંદિરે આવવાનું મારૂ કારણ અમારી કંપનીમાં બે વર્ષથી ઇન્ક્રિમેન્ટ થયું ન હતું.

*_અચાનક ઇન્ક્રિમેન્ટ થવાની ખુશીમા એ ઇન્ક્રિમેન્ટની રકમ હું ભગવાનના મંદિર એ મુકવા આવ્યો હતો._*

મેં એ રકમ પોકેટમાંથી હાથ માં લીધી અને ભગવાનને મનોમન કીધુ.

*_”પ્રભુ આ રકમની તારા કરતા બહાર બેઠેલ બાળક ને મારી દ્રષ્ટિએ વધારે જરૂર છે … મને ખબર છે … તને વાંધો નહિ હોય…”_*

*આટલું બોલી .. ભગવાનને કીધુ ભગવાન તું આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર લાત મારનાર દુકાનદારને સજા કરીશ કે નહીં ..???*

*મને ખબર હતી જ કે આ મુરલીધર બોલે છે ઓછું, પણ જુએ છે વધારે તેની કામ કરવાની પદ્ધતિ બધા દેવો કરતા અલગ પ્રકારની છે. તે યોગ્ય સમયે જ ઘા કરે છે…*

હું બહાર નીકળ્યો ..
આજે નિર્ણય કર્યો હતો .. આ બાળક પાછળ જેટલો સમય નીકળે તેટલો કાઢવો છે…
હું એ બાળકની નજીક ગયો અને પૂછ્યું ભૂખ લાગી છે?

થોડા સંકોચ સાથે બોલ્યો હા સાહેબ ..!!

મેં કીધું એક કામ કર, મારી કારમાં બેસી જા. તેના માટે તો આશ્ચર્ય હતું, એ થોડી બીક અને થોડા આનંદ સાથે મારી સાથે બેઠો…

મેં કારને હૈરકટિંગ સલૂન પાસે ઉભી રાખી ..
એ બાળકને અંદર લઈ ગયો .. વાળ કપાવીને બહાર આવ્યો.

સામે બાળકોના કપડાંની દુકાન હતી … ત્યાંથી તેના કપડાં લીધા …બાજુમાંથી બુટ મોજા પણ લીધા, પ્રોવિઝન સ્ટોરમાંથી સાબુ અને શેમ્પુ લીધું…

પછી મેં કીધું .. બેટા! તું રોજ કયાં ન્હાવા નું રાખે છે??

એ બાળક તે જગ્યાએ મને લઇ ગયો .. એ નાહીંધોઈ નવા કપડાં અને બુટ પહેરી મારી સામે ઉભો રહ્યો … ત્યારે મને આનંદ થયો.

અને મને ખાતરી પણ થઈ આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે. અને ચોક્કસ આ બાળક, બાળકો ઉપાડી જતી ગેગનું શિકાર બન્યું લાગે છે.

મેં કીધું બેટા તારું નામ તો કીધુ નહીં ..?
એ બોલ્યો … શ્યામ…

વાહ.. સુંદર નામ છે…
પછી અમે કારમા એજ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી સ્વીટ જોતો હતો. અમે અંદર ગયા, એ બાળકને મેં કીધુ .. બેટા આ દુકાનમાંથી તને ભાવતી કોઈ પણ વસ્તુ પેટ ભરી ને ખાઈ લે …
એ બાળક મારી સામે જોતો જાય અને આનંદ થી ખાતો જતો હતો …
જાણે ભગવાન અન્નકૂટ ખાતા હોય.

*ખરેખર તો ભગવાન તો ખાતો જ નથી હોતો પણ તેના નામે ભોગી લોકો પ્રસાદના નામે બધું ખાય જાય છે.*

છેલ્લે જયારે બિલ ચૂકવવાનું આવ્યું… ત્યારે મેં દુકાનના શેઠ ને કીધુ…
*આ એજ બાળક છે જેને સવારે તમે લાત મારી હતી. ધ્યાનથી જોઈ લ્યો, આ માસુમ બાળકનો ચહેરો .. તમારી લાતનો જવાબ આપવાની તાકાત તો આ બાળક મા ન હતી, પણ આ તાકાત ઈશ્વરની પાસે જરૂર છે. આજ નહીંતો કાલ આ લાતનો જવાબ તમને ઈશ્વર આપશે… સાહેબ તમે ખોટી જગ્યા એ લાત મારી છે.*

*કોઈને મદદ કરવી કે ન કરવી એ તમારી અંગત વાત છે.*
*પણ તેને અપમાનિત કરવાનો અધિકાર ભગવાને કોઈને નથી આપ્યો.*

*એક વાત યાદ રાખજો… ભગવાન જેનો હાથ પકડે છે, તેને ઉભા થતા વાર નથી લાગતી.*

*અને જેને તે લાત મારે છે, તેને દુનિયાની કોઈ તાકાત ઉભું નથી કરી શકતું.*

મેં કીધું બેટા પિક્ચર જોવું છે ..??
એ બોલ્યો… હા અંકલ… પણ સાંજ સુધીમા મારે 200 રૂપિયા ઘરે આપવા પડે નહિતર સાંજે જમવાનું નહીં આપે અને માર પડશે એટલે પિક્ચર મારે નથી જોવું.

મેં કીધું.. બેટા ઘરે કોણ મારે છે…? મમ્મી-પપ્પા…?

ના અંકલ… કહી રડતા રડતા એ વિચારમાં ખોવાઈ ગયો …

મેં કીધું તું ચિંતા ન કર… હું તારી સાથે છું.

અમે ત્યાંથી નીકળી સીધા જ પોલીસ સ્ટેશને ગયા. મેં ત્યાંના PIને બધી વાત કરી અને થોડી મદદ કરવા વિનંતી કરી.

*ભગવાન જયારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય, તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ પણ સરળ અને માયાળુ બનતી જાય છે.*

બાળકનો અંગુઠો જેવો પોલીસ ઇન્સ્પેક્ટરે કોમ્યુટર પાસે પડેલ મશીન ઉપર મુક્યો એ સાથે બાળકના આધાર કાર્ડ નંબર સાથેની માહિતી ખુલી ગઇ.

*હું આનંદમા આવી ગયો.. એ માહિતીના આધારે અમે તેના માઁ બાપ સુધી પહોંચી ગયા.*

એક બાળકને તેના માં બાપ મળ્યા અને માં બાપને ખોવાયેલ સંતાન મળ્યું. દરેક ના ચહેરા ઉપર આનંદ અલગ અલગ પ્રકારનો હતો તેમના માં બાપ બે હાથ જોડી મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગી ખૂબ આભાર માન્યો.

શ્યામ પણ દોડીને મને ભેટી પડ્યો અને બોલ્યો *”અંકલ! હવે તમે કયારે ઘરે પાછા આવશો?”*
મેં કીધું કે *”જ્યારે શ્યામ બોલાવે ત્યારે…”*
એ બોલ્યો…
*પિક્ચર તો બતાવવાનું બાકી રહી ગયું અંકલ ?*

*”બેટા તારી કહાની એક પિક્ચર જેવી જ છે…”* મેં કીધુ.

રસ્તામા મેં, પોલીસ ઇન્સ્પેક્ટર ને કીધુ… *”સાહેબ! મંદિરે મુકવા આવ્યો હતો મારી ઇન્ક્રિમેન્ટની રકમ, પણ પ્રભુ એ રૂપિયા કોઈ સારા કામ માટે વાપરવા તરફ ઈશારો કર્યો. આ પુણ્યના કામના આપ પણ ભાગીદાર છો.”*

આજે સવારે છાપામાં જયારે મેં વાંચ્યું.
*લોકડાઉન ને કારણે એજ સ્વીટની દુકાન જ્યાં માસુમ બાળકના પેટ ઉપર લાત મારવામાં આવી હતી. એ દુકાનમાંથી લાંબા ગાળાના લોકડાઉનને કારણે વાસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાની સ્વીટ ટ્રેકટરમાં ભરી નિકાલ કર્યો અને એ દુકાનને સિલ કરી.*

*મેં ભગવાન સામે જોઈને કહ્યું તારા દરબાર માં દેર હશે પણ અંધેર તો નથીજ.*
સજા કરવાની તારી અદા પણ અનોખી છે…

*પ્રભુ લાકડી પણ તારી…*સમય અને સ્થળ પણ તારૂ…વાહ…

*છતાં પણ લાકડી નો અવાજ નહીં. વાહ મુરલીધર વાહ…*
*(સત્ય ઘટના)*
*— શ્યામ*🙏🏻

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

માતૃદીન


Happy Mother’s Day

“મહા હેતવાળી દયાળી જ મા તું”

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.
~ કવીશ્વર દલપતરામ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વાણીયાએ નવી મોટી દુકાન ખોલી….
અને દુકાનના ખાતમુહૂર્તમાં એક “સાચા સંત” ને બોલાવ્યા. બધી વિધિ પતી ગયા પછી શેઠે “સંત” ને કહ્યું કે આ દુકાનમાં “એકવીસ હજાર” વસ્તુઓ મળે છે.
આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

“સંત” હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..
અને મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

અહીં આ વાર્તા પુરી થાય છે…..
અને
હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે. .

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાનો શ્વાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી…

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કે દિ’ મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈ દિ’ બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે.
માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુ:ખી,
લાઈટ જાય તો દુ:ખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુ:ખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુ:ખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુ:ખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુખી કરવો હોય તો ખુદ ચૌદ ભુવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ “એક વાર વિચારજો”.

વાત સાચી છે કોઇને ખરાબ લાગેતો 🙏🏻 માફ કરજો

મનોજ રોયલ